જીવસેવા દ્વારા શિવસેવાના સંકલ્પ સાથે કાર્યરત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની વર્ષ 2024–25ની આરોગ્ય, શિક્ષણ અને લોકસેવા સંબંધિત કામગીરી, આવક અને ખર્ચનો વિગતવાર અહેવાલ વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યો. આ 116મી વાર્ષિક સામાન્ય સભા બેલુર મઠ ખાતે રવિવાર, 14 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 3:30 કલાકે યોજાઈ હતી. મઠ અને મિશનના મહાસચિવ સ્વામી સુવીરાનંદજીએ દેશ-વિદેશમાં હાથ ધરાયેલા સેવાકીય, શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્યોનો સંક્ષિપ્ત પરંતુ સ્પષ્ટ અહેવાલ સભા સમક્ષ મૂક્યો.

શિક્ષણ ક્ષેત્રે મિશન સંચાલિત સંસ્થાઓએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. NIRF રેન્કિંગ મુજબ રહરા (કોલકાતા)ની વિવેકાનંદ સેન્ટેનરી કોલેજે ત્રીજો ક્રમ મેળવ્યો છે, જ્યારે બેલુર મઠની વિદ્યામંદિરે 17મો, નરેન્દ્રપુર રેસિડેન્શિયલ કોલેજે 24મો અને કોઈમ્બતૂરની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજે 82મો ક્રમ મેળવ્યો છે. બેલુર મઠના શિક્ષણમંદિર અને કોઈમ્બતૂરની કોલેજ ઓફ એજ્યુકેશનને NAAC દ્વારા A+ ગ્રેડ મળ્યો છે. બેલુર મઠના વિદ્યામંદિરને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે અને મિશનની ડીમ્ડ યુનિવર્સિટી RKMVERIને રાષ્ટ્રીય સ્વીકૃતિ મળી છે.

કૃષિ ક્ષેત્રે પણ મિશનનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન હેઠળ ‘નેચરલ ફાર્મિંગ સેન્ટર’ શરૂ કરવા માટે દેશની પાંચ સંસ્થાઓમાં મિશનની પસંદગી કરવામાં આવી છે. રાંચીની મોરાબાદી શાખાના દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રને સ્થાનિક સુગંધિત ચોખાની બે જાતો વિકસાવવા બદલ પ્રમાણપત્ર મળ્યું છે. રમતગમત અને યોગ ક્ષેત્રે કોઈમ્બતૂરની મારુતિ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનને આંતરરાષ્ટ્રીય સ્તરે “યોગા વર્લ્ડ રેકોર્ડ” અને “ઇન્સ્ટિટ્યુશન ઓફ એક્સલન્સ”થી સન્માનિત કરવામાં આવી છે. ત્રિપુરા અને કેરળની મિશન સંચાલિત શાળાઓને શ્રેષ્ઠ શાળા એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.

વર્ષ દરમિયાન ભારતમાં મિશન દ્વારા અનેક નવી શાખાઓ શરૂ કરવામાં આવી છે, જ્યારે મઠ દ્વારા પણ ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશમાં નવી કેન્દ્રો કાર્યરત થયા છે. સમગ્ર દેશમાં રામકૃષ્ણ મઠ અને મિશનની 244 શાખાઓ દ્વારા વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં કુલ ₹1,670.79 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરોડો લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડવામાં આવી છે, જે મિશનની વ્યાપક અને વ્યવસ્થિત કામગીરીને દર્શાવે છે.

વિદેશમાં પણ મિશનની સેવાઓ સતત વિસ્તરી રહી છે. અમેરિકા ખાતે વોશિંગ્ટન ડી.સી.માં નવી શાખાની શરૂઆત કરવામાં આવી છે. ભારત બહાર 24 દેશોમાં આવેલી 99 શાખાઓ દ્વારા માનવીય મૂલ્યો આધારિત સેવા કાર્ય ચાલુ છે. આ પ્રસંગે મિશનની સેવાકીય યાત્રાને સતત આગળ ધપાવનાર ભક્તો, અનુયાયીઓ, સ્વયંસેવકો અને મીડિયા પ્રતિનિધિઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.
Leave A Reply

Exit mobile version