મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના જન્મદિન નિમિત્તે રાજ્યમાં એક અનોખી અને વિઝનરી પહેલ અમલમાં મૂકવામાં આવી છે. કૌશલ્ય, રોજગાર અને નવીનતા વિભાગના મંત્રી મંગલપ્રભાત લોઢાની આગેવાનીમાં રાજ્યભરમાં એક સાથે યોજાયેલા ૧૦૨ રોજગારમેળાઓ દ્વારા કુલ ૨૭ હજાર યુવાનોને એક જ દિવસમાં રોજગાર મળ્યો — જે એક પ્રકારનો વિક્રમ છે.
આ ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન રહી, પણ તેણે હજારો યુવાનોના સપનાઓને પાંખ આપી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય રોજગાર મેળાની શ્રેણી હેઠળ ૫૭ હજારથી વધુ યુવાનોની નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી ૨૭ હજાર યુવાનોને તરત જ રોજગારી મળવા પામી.
મુંબઈના ગાવદેવી વિસ્તારમાં શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી લોઢાએ આ આંકડા જાહેર કરતાં જણાવ્યું કે – “આ પહેલ ફક્ત રોજગાર પૂરું પાડતી નથી, પરંતુ યુવાનોને આત્મવિશ્વાસ, નવી દિશા અને કારકિર્દી માટે મજબૂત પાયો આપે છે. મુખ્યમંત્રીના જન્મદિનને યાદગાર બનાવવા માટે કૌશલ્ય વિભાગે ખાસ પ્રયાસ કર્યો છે.”
મુંબઈમાં યોજાયેલા મેળામાં કુલ ૨૫ સંસ્થાઓ, જેમાંથી ૫ સરકારી કોર્પોરેશનો, અને ૫૦૦થી વધુ યુવાનોએ નોંધણી કરી હતી. ઉદ્યોગ, આઈટી, વીમા, લોજિસ્ટિક્સ, મેનેજમેન્ટ અને સેવા ક્ષેત્રે તકો ઉપલબ્ધ રહી.
મેળાના માધ્યમથી રાજ્યના દરેક ખૂણે યોજાયેલ કાર્યક્રમો યુવાનોને ફક્ત રોજગાર નહીં, પણ સરકારી યોજનાઓ, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર અંગેની માહિતી અને કાઉન્સેલિંગ પણ આપી રહ્યાં છે. કૌશલ્ય વિકાસના સહાયક કમિશનર શ્રી શૈલેષ ભગતે જણાવ્યું કે, “આ પ્રકારના મેળાવડા યુવાનોમાં જાગૃતિ લાવે છે અને તેમને પોતાનું ભવિષ્ય ઘડવાની તક આપે છે.”
આ પ્રસંગે કૌશલ્ય માર્ગદર્શન અધિકારી વિદ્યા શિંગે અને મુકેશ સાંખે પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી લોઢાએ આશાવાદ વ્યક્ત કર્યો કે આવાં રોજગારમેળા મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ સતત યોજાતા રહેશે, અને મહારાષ્ટ્રના યુવાનોને વધુને વધુ તક મળશે.


