સફારી… ત્રણ અક્ષરનું નામ. શબ્દ અંગ્રેજીભાષી પણ ગુજરાતી ભાષામાં એણે અનન્ય ઝંડા ફરકાવ્યા. કારણ આપણી ભાષાને આ નામે એક સર્વોત્કૃષ્ટ સામયિક મળ્યું. વરસોનાં વરસ સુધી એણે વાચકોના હૈયે અચળ સ્થાન બનાવ્યું. સામયિકોના મામલે ભાગ્યે જ જોવા મળે એવી આદત એણે વાચકોને પાડી. એવી કે સફારીનો અંક વાંચી લીધા પછી એને રદ્દીમાં ફગાવી દેવાને બદલે ઘરની લાઇબ્રેરીમાં કે કબાટમાં રાખવાની સુખદ ફરજ પડે. અનેક વાચકોને ત્યાં તપાસ કરીએ તો સફારીના અંકોની થપ્પીઓ જડી આવશે.

તેથી જ, જે ગુજરાતીએ સફારી વાંચ્યું ના હોય એમના માટે કહી શકાય, અરરર, કેવું કમભાગ્ય તમારું! આવું કહેવા સજ્જડ કારણ છે. સફારીએ (પહેલાં સ્કોપ અને ફ્લેશ મેગેઝિને) ભારતની તમામ ભાષાઓનાં સર્વોત્તમ સામયિકોમાં પણ વટથી ઊંચા સ્થાને બિરાજી શકે એવું ફાંકડું સાહિત્ય સતત પીરસ્યું છે.
સમયના તકાજાથી, પ્રિન્ટ મીડિયા પર ઝીંકાયેલી ડિજિટલ મીડિયાની સજ્જડ મારને લીધે સફારીએ લાંબી ઇનિંગ્સ પછી પ્રિન્ટને આવજો કહ્યું છે. મે મહિનામાં એનો 368મો અંક પ્રસિદ્ધ થયો. હવે સફારી પ્રિન્ટમાં નહીં આવે. હવે એ ડિજિટલ સ્વરૂપે પ્રસિદ્ધ થશે. આમ તો એ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ડિજિટલી ઉપલબ્ધ હતું જ પણ હવે, માત્ર ડિજિટલ!
14 વરસની ઉંમરે લખવાનું શરૂ કરનારાં અને પ્રદીર્ઘ કારકિર્દીમાં દોઢ ડઝનથી વધુ પુસ્તકો લખનારા નગેન્દ્ર વિજય એના સર્વેસર્વા છે. એમની કલમમાં અને સફારીની પરિકલ્પનામાં અકલ્પનીય તાકાત છે. અટપટા અને બોલચાલની ભાષામાં કહીએ તો, માથા પરથી બમ્પર જનારા વિષયોની પણ, તેઓ એવી રજૂઆત કરે કે સામાન્ય વાચકને હંધુંય સમજાઈ જાય.
ગુજરાતી સાહિત્ય અને પ્રકાશનમાં પોણાસાત દાયકાની ઝમકદાર સફર કરનારા નગેન્દ્રભાઈ દેશવાલેને કહે છે, “સફારી પ્રસિદ્ધ થશે પણ ડિજિટલી. એ માટે જરૂરી ઉપકરણો વસાવવામાં આવી રહ્યાં છે. હવે ફરક એટલો હશે કે પ્રિન્ટ ફોર્મેટમાં જે રીતે સફારી સૌએ માણ્યું એનાથી અલગ તરેહમાં માણવા મળશે. સફારી ડિજિટલ સ્વરૂપે પણ ઊંડાણભર્યાં લખાણથી મઘમઘશે.” સફારીની પ્રિન્ટ વર્ઝન બંધ થવાની વાત સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી છે. તેઓ એ વિશે ઉમેરે છે, “ના ના, હું પેવેલિયનભેગો નથી થયો. બિલકુલ નહીં. હું હજી મેદાનમાં છું. કાયમની જેમ સુસજ્જ છું. હવે બૉલગેમ ડિફરન્ટ હશે, બસ એટલું જ.”
સાહિત્ય, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ જેવા અઘરા, અટપટા વિષયો પર ગુજરાતી સામયિકોમાં ઓછું લખાણ ખેડાયું છે. ગુજરાતીઓ ઓછું વાંચનારા છે એમ કહીએ તો ખરાબ લગાડવા જેવું નથી. માતૃભાષા માટે મરાઠીઓ , બંગાળીઓ, તામિલો જેવી પ્રબળ લાગણી આપણામાં નથી. એવામાં આપણાં પ્રકાશનોએ, અખબાર હોય કે સામયિક કે પુસ્તકો, કાયમ સામા પૂરે તરતાં અસ્તિત્વને ટકાવ્યું છે. સફારી માટે કહી શકાય કે એને પ્રિન્ટમાં ટકાવી રાખવામાં નગેન્દ્રભાઈ અને, વચગાળામાં એમના એટલા જ હોનહાર દીકરા હર્ષલ પુષ્કર્ણાએ કસર બાકી રાખી નથી. સફારી, અન્ય મેગેઝિન્સ, જેમ કે આસપાસ, યુવદર્શન, ચિત્રલેખા કે અભિયાન જેવું નથી. સફારી અને ચક્રમ (પછીથી ચંદન) આપણાં એવાં સામયિક છે જેમનો પ્રકાર નોખો. ચંદન દુનિયાનું એકમાત્ર જાહેરખબર વિનાનું સામયિક. સફારી ભારેખમ વિષયને રસાળ, સરળ રીતે લેખબંધ કરીને પીરસવાની તાકાત ધરાવતું સામયિક. કદાચ ભારતની કોઈ ભાષામાં આવા લેખ પીરસીને આટલું લોકભોગ્ય સાબિત થનારું બીજું કોઈ સામયિક ભાગ્યે જ હશે.
સફારી વિશે વાત કરતાં, 1989થી 2018 વચ્ચે પિતા સાથે ખભેખબા મિલાવીને મેગેઝિનને ધબકતું રાખનારા નગેન્દ્રભાઈના દીકરા હર્ષલ પુષ્કર્ણા દેશવાલેને કહે છે, “ક્યારેય એવી યોજના હતી કે સફારીને ભારતની અન્ય ભાષાઓમાં પણ પ્રકાશિત કરીએ. છેલ્લાં થોડાં વરસોથી જોકે પપ્પા જ તમામ કાર્યભાર સંભાળતા હતા.”
હર્ષલભાઈએ સફારીની પ્રિન્ટ આવૃત્તિ બંધ થવા નિમિત્તે ફેસબુક પર એક પોસ્ટ લખી છે. આ પહેલાં પત્રકાર ઉર્વીશ કોઠારી (Urvish Kothari)ના જલસો સામયિકના મે, ૨૦૨પ અંકમાં એમણે ‘મારી વાંચનયાત્રાઃ ભ્રાંતિથી ક્રાંતિથી ઉત્ક્રાંતિ’ શીર્ષક હેઠળ લેખમાં પોતાના અનુભવો વહેંચ્યા હતા. એ પછી આ પહેલીવાર હશે કે તેઓએ સફારી વિશે પોતાની લાગણીઓ આટલી સવિસ્તર જાહેરમાં વ્યક્ત કરી છે.
તેમની ફેસબુક પોસ્ટ અનુસાર, 1989માં તેઓએ સફારીની પ્રકાશન સંસ્થા, હર્ષલ પબ્લિકેશન્સમાં સામાન્ય કર્મચારીની જેમ ફરજ બજાવવાની શરૂ કરી હતી. એ સમયે સંસ્થાની આર્થિક સ્થિતિ નબળી હતી. સ્ટાફનો પગાર ચૂકવવાના પૈસા પણ નહોતા. માથે દેવું હતું. નગેન્દ્રભાઈ હર્ષલભાઈના પિતા ઉપરાંત એવા ગુરુ પણ જેઓ ઝંખે કે વ્યક્તિ સ્વતંત્રપણે પોતાની જાત સિદ્ધ કરે. એવા વાતાવરણમાં જ્ઞાનોપાર્જન કરતાં સફારીના અંક 13માં હર્ષલભાઈનો પહેલો લેખ પ્રસિદ્ધ થયો. એ પછી એમની વિકાસયાત્રા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી.
અંક 28થી સફારીનો ફેલાવો વધવા માંડ્યો. પિતા-પુત્રની જોડીનો વિશ્વાસ કે એક દિવસ મહેનત રંગ લાવશે સાકાર થવા માંડ્યો. હર્ષલભાઈ લખે છે, “મારા પિતાતુલ્ય (સદગત) રવજીભાઈ સાવલિયા, તેમના જિગરી મિત્ર રામજીભાઈ તથા મુરબ્બીશ્રી પટોળિયા, રાજેશ દલાલ, ડો. સુધીરભાઇ પટેલ, જય વસાવડા (Jay Vasavada) જેવા ઘણા ઉત્સાહી વાચકોએ શાળા-કાલેજોમાં ‘સફારી’નું (વગર કહ્યે) કેનવાસિંગ કર્યું અને લવાજમો માટે રીતસર ઝુંબેશ ઉપાડી. આ બાબતે અગાઉ ‘સફારી’માં સંપાદકપદે હતો ત્યારે આભાર પ્રગટ કરી ચૂક્યો છું. આજે ફરી હૃદયના ઊંડાણથી વાચકો-શુભેચ્છકોનો આભાર માનું છું.”
અંક 32માં પિતાએ પ્રેસલાઇનમાં દીકરાનું નામ સંપાદક તરીકે ઉમેર્યું. એ હર્ષલભાઈ માટે મોટી ઉપલબ્ધિ હતી. સમય જતાં હર્ષલભાઈએ પિતાના માર્ગદર્શન અને પ્રોત્સાહન વચ્ચે સફારીમાં નાવીન્ય ઉમેર્યાં. પરિણામે, એક સમયે સફારીનું સરક્યુલેશન પોણો લાખ નકલે પહોંચ્યું. પછી વિકાસ થંભી જતાં, હર્ષલભાઈ પોસ્ટમાં લખે છે, “કંઈક નવું-અવનવું કરવાની પ્રકૃતિએ ત્યારે મને ઢંઢોળ્યો. વિચાર આવ્યો કે, જ્ઞાન-વિજ્ઞાનની આટલી સરસ પરંપરા માત્ર એક ભાષા પૂરતી મર્યાદિત કેમ રાખવી જોઈએ? આથી ૨૦૦૮માં અંગ્રેજી ‘સફારી’ શરૂ કર્યું.”
જોકે અંગ્રેજી આવૃત્તિ પાછળ દીકરાનો ખાસ્સો સમય જતો જોઈને પિતાએ ટકોર કરી. પછી એ આવૃત્તિ સંકેલી લેવામાં આવી. સંજોગોએ વળાંક લેતાં 2018માં હર્ષલભાઈએ પ્રકાશન સંસ્થા છોડી. ત્યારથી નગેન્દ્રભાઈએ ફરી સ્વતંત્ર ધોરણે સંસ્થા અને પ્રકાશનની ધુરા સંભાળી છે. એ પહેલાં હર્ષલભાઈએ પિતાને સફારીને ભારતની છ-સાત ભાષામાં પ્રસિદ્ધ કરવાનું સૂચન કર્યું હતું. કાશ, એ સૂચન પર અમલ થયો હોત તો બિનગુજરાતીઓને ગુજરાતીના એક અસાધારણ પ્રકાશનની તાકાતનો, આપણી ભાષાની સરળતા અને સચોટતાનો અનુભવ થયો હોત.
ખેર, ગુજરાતીઓના હૈયામાં સફારી ચારેક દાયકાથી પ્રકાશપુંજ બની રહ્યું છે. એના લેખોની સહજ, સરળ, અને સ્પષ્ટ કથનશૈલી વાચકોને મંત્રમુગ્ધ કરતી રહી છે. અસંખ્ય ચાહકો માટે સફારી ફક્ત મેગેઝિન નહીં, સાથે અજાયબીભરી સફર છે.
સફારી ઉપરાંત નગેન્દ્રભાઈએ સ્કોપ અને ફ્લેશ પ્રકાશનો પણ આપ્યાં હતાં. જોકે આજે સફારીની જ વાત કરીએ. અમદાવાદ સ્થિત હર્ષલ પબ્લિકેશન્સ પ્રકાશિત આ મેગેઝિને પક્ષીઓની ઉડાનના મિકેનિક્સથી લઈને પ્રાચીન સભ્યતાઓનાં રહસ્યો સુધી, વિજ્ઞાનને રસપ્રદ વાર્તાઓ સાથે જોડીને વાચકોમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું. અન્ય પ્રકાશનોથી વિપરીત સફારીએ માહિતી સહ મનોરંજન પીરસ્યું. એની લોકભોગ્ય, વાચકપ્રિય કટારો, મનને ઘેરી લેતી ક્વિઝ અને સૈન્ય મિશનની કથાઓ જેવી સામગ્રીએ જટિલ વિષયોને સરળ અને મનોરંજક બનાવ્યા.
સફારીને અનન્ય બનાવનાર તેની સર્વયુગીન અપીલ હતી—અવકાશનાં સપનાં જોતાં બાળકો, ઇતિહાસમાં રસ ધરાવતા પુખ્ત વયના લોકો અને જ્ઞાન ઝંખતા વડીલો. સફારીએ આબાલવૃદ્ધને પોતાના કર્યા. એકવાર અંક હાથમાં લેનાર એને પડતો મૂકી શકે નહીં એવી અસરકારકતા રાખી. તેથી, સફારીનો દરેક અંક સંગ્રહયોગ્ય રત્ન બન્યો. શિક્ષણ અને મનોરંજન બેઉ હેતુ એના દરેક અંકો બર લાવતા. નવાઈ નથી કે વાચકો લાંબી યાત્રામાં રેલવે બુક સ્ટોલથી કે બસ સ્ટેન્ડની હોંશેહોંશે સફારી ખરીદતા. એમને મન પ્રવાસનો સૌથી મજેદાર સાથી સફારી.
સફારી વાસ્તવમાં બિનશાળાકીય, અફરજિયાત પણ અસરદાર શિક્ષણ પીરસે છે. સફારીના વાંચનથી મન જિજ્ઞાસાના મહાસાગરમાં હિલ્લોળા લેતું નવું જાણવાને પ્રદીપ્ત થાય છે. સફારીની પ્રિન્ટ એડિશનની સમાપ્તિ ખેદજનક છે. ડિજિટલ મીડિયાનો ઉદય અને વાચકોની ઘટતી સંખ્યાએ સમગ્ર પ્રકાશન જગતને નવેસરથી પોતાનો મોરચો માંડવા ફરજ પાડી છે. આ વૈશ્વિક ટ્રેન્ડ છે. પ્રિન્ટ વર્ઝન બંધ કરવાનો સફારીનો નિર્ણય સમયની નરી વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે.
જોકે આશા જીવંત છે. સફારી ડિજિટલ એડિશન, એપ અને મેગ્ઝટર જેવાં પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મ્સ હવે સફારીના પ્રવાસને આગળ ધપાવશે . અને જ્યાં સુધી સફારી એક અથવા બીજા સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી એ યુવાન અને વડીલો, તમામ વાચકોને અભિભૂત કરતું રહેશે. ડિજિટલ સ્વરૂપે સફારીની નવી ઇનિંગ્સ પણ પ્રિન્ટ વર્ઝન જેવી સફળ રહે, બસ. નગેન્દ્રભાઈને, હર્ષલ પબ્લિકેશન્સને એ માટે સાડાછ કરોડ ગુજરાતીઓ વતી દેશવાલેની શુભેચ્છા.
ફેસબુક પર હર્ષલ પુષ્કર્ણાએ મૂકેલી સફારી વિશેની પોસ્ટ વાંચવા આ લિન્ક પર જશોઃ https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fharshal.pushkarna%2Fposts%2Fpfbid0bAeL7ZzJVtpnFfSTde6XEt4gi5izAopHigSmqKGSaZAtvgCF4QEXzqLNPefMvHEbl
સફારીના ડિજિટલ લવાજમ માટે એની વેબસાઇટ પર તરત પહોંચી જજો
આ રહી લિન્કઃ www.harshalpublications.in.
તસવીર સૌજન્યઃ હર્ષલ પબ્લિકેશન્સ વેબસાઇટ અને હર્ષલ પુષ્કર્ણાનું ફેસબુક પેજ


