પરિવારની પેઢી ટ્રિનિટીને વિકસાવવામાં વ્યસ્ત રહ્યા પછી આ વડીલ આજે સેવાકાર્યોમાં વધુ પ્રવૃત્ત છે. સારા રહેશો તો સારું થશે નિયમને તેઓ અનુસરતા રહ્યા છે
કપોળોએ દરેક મોરચે સીમાચિહ્નો સ્થાપ્યાં છે. દીપકભાઈ ખંભાતીના દાદા નટવરલાલે સીમાચિહ્નરૂપ કંપની ટ્રિનિટી ઇલેક્ટ્રિક સિન્ડિકેટ સ્થાપી હતી, જે મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટમાં ૧૦૧ વરસથી ધમધમી રહી છે. નટવરલાલની બીજી સિદ્ધિ એટલે તેઓ દેશની બેંગલોર સ્થિત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની પહેલવહેલી બેચના વિદ્યાર્થી હતા. તેમના દીકરા નૌતમલાલ અને પછી પૌત્ર દીપકભાઈ પણ મિકેનિકલ એન્જિનિયર થયા. મુદ્દે, એક જ ડિગ્રીમાં ખંભાતી પરિવારની હેટટ્રિક.
પરિવાર ૧૧૫ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો તે પછી નટવરલાલે ત્રણેક વરસ બેસ્ટ ઉપક્રમમાં નોકરી કરી. પછી, કપોળોના લોહીનો પરચો આપતાં શરૂ કરી ટ્રિનિટી. દીપકભાઈ જણાવે છે, “દાદાએ ટ્રિનિટી સ્થાપી ત્યારે મૂળ કામકાજ સરકારી કંપનીઓને ઇલેક્ટ્રિકલ આઇટમ્સ વગેરેની સપ્લાયનું હતું. આગળ વધતાં જર્મનીની કંપની એફએન્ડજી સાથે સંપર્ક થતાં દાદાએ સીસીઆઈ કેબલની આયાત શરૂ કરી. ત્યાં પહેલા વિશ્વયુદ્ધનું રણશિંગું ફૂંકાયું અને…” ટ્રિનિટીએ ત્યારે એફએન્ડજી પાસેથી ખાસ્સો માલ આયાત કર્યો હતો. વિશ્વયુદ્ધને લીધે વિદેશી કંપનીને ચિંતા થઈ કે આ ભારતીય કંપની નાણાંની ચૂકવણી નહીં કરે તો? જોકે આ ભારતીય કંપની કપોળની અને કપોળની વેપારી સફળતાના પાયામાં પ્રામાણિકતાનો અફર સિદ્ધાંત. ટ્રિનિટીએ રાજકીય અંધાધૂંધી વચ્ચે પૂરાં નાણાં ચૂકવી દીધાં. એમાંથી જે વિશ્વસનિયતા સર્જાઈ તેણે ઘનિષ્ઠ વેપારી સંબંધનો પાયો સર્જ્યો. દીપકભાઈ કહે છે, “આ કંપનીએ સિમેન્સ સાથે હાથ મિલાવી મુંબઈના બોરીવલીમાં કેબલનું ઉત્પાદન શરૂ કર્યું. ઉત્પાદનોના વિતરણ માટે અમારી વરણી કરી, જે જોડાણ પછી તો ચાર દાયકા ટક્યું.”
ખંભાતી પરિવારમાં યુવાન વયે વેપારમાં પળોટાવાનો શિરસ્તો. દીપકભાઈના પિતા નૌતમલાલે પણ એવું કર્યું હતું. એન્જિનિયર થયા પછી તેઓ તેમના પિતા સાથે ટ્રિનિટીમાં ખભેખભા મિલાવીને કામ કરવા લાગ્યા હતા. તેમના સમયકાળમાં વિવિધ ઇલેક્ટ્રિકલ ઉત્પાદનોના હોલસેલ વેપાર, વિતરણ સાથે ઉત્પાદનના મોરચે કંપનીએ પ્રગતિ સાધી હતી. દીપકભાઈ પોતાની કારકિર્દી વર્ણવતાં કહે છે, “મેં અભ્યાસ સાથે લાર્સન એન્ડ ટુબ્રોમાં ઇન્ટર્નશિપ કરી. લગ્ન પછી બનેવી અશ્વિનભાઈ મોદીની સુરત સ્થિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટ્રક લિમિટેડમાં કામ કર્યું. એ પછી ઘરના વેપારમાં જોડાયો.”
૧૯૫૧માં મુંબઈમાં દીપકભાઈનો જન્મ થયો. માતા શકુંતલાબહેન અને પાંચ સંતાનોમાં દીપકભાઈ ચોથા તથા ભાઈઓમાં સૌથી નાના. તેમનાં લગ્ન ૧૯૭૬માં વર્ષાબહેન સાથે થયાં. જશવંતીબહેન અને લલિતભાઈ મોદીનાં તેઓ દીકરી. દીપકભાઈ પરિવારની વાત કરતાં કહે છે, “અમે બાબુલનાથ રહીએ છીએ અને પુત્રવધુ અમૃતા મૂળ લીમડીના રાજપરિવારની દીકરી છે. નાની પુત્રવધુ નેહા અમેરિકામાં ભણ્યા પછી લગ્ન કરીને હવે ટ્રિનિટીમાં જોડાઈ છે.” તેમના ભાઈ ગાયનેકોલોજિસ્ટ છે તો મોટી બહેન સુરત છે. નાની બહેન પ્રીતિના જીવનસાથી કેતનભાઈ દલાલ પ્રસિદ્ધ સી. એ. છે અને જાણીતા કવિ સુરેશ દલાલ તેમના કાકા હતા. વડીલ બંધુ નીતિનભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક ગવર્નરનું પદ પણ શોભાવી ચૂક્યા છે. દીપકભાઈની જેમ નીતિનભાઈ પણ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મુદ્દે, પરોપકારની ભાવનાનું ઝરણું બેઉ ભાઈઓ વહાવી રહ્યા છે.
ટ્રિનિટીએ સમય સાથે નિરંતર પ્રગતિ કરી છે. દીપકભાઈ હવે પરિવાર તથા સેવાકાર્યોને વધુ સમય આપે છે. દીકરા અનુજે અને આદિત્યએ પિતાનો વેપારી વારસો સુપેરે સાચવી લીધો છે. આદિત્યએ હોમ ઓટોમેશનનો બિઝનેસ પણ વિકસાવ્યો છે. દીપકભાઈએ દીકરાઓને સરળ અને સચોટ સૂચન કર્યું છે, “નફા-નુકસાન પર નહીં, તમારે કાયમ નામ અને શાખ ટકી રહે તેના પર ધ્યાન આપવાનું છે. પ્રામાણિક રહેવાનું છે, કેમ કે ગ્રાહકનો પૂર્ણ સંતોષ આપણા જીવનની પૂર્ણતાનો પાયો છે.”
ખંભાતી પરિવારમાં વેપારની જેમ સેવાના સંસ્કાર પણ લોહીમાં રહ્યા છે. દીપકભાઈનાં દાદી કમલાબહેને મુંબઈના માધવબાગમાં ૭૫ વર્ષ પહેલાં સંસ્કાર બાળમંદિરની સ્થાપના કરી હતી. એ સંસ્થા આજે એસએસસી સુધી શિક્ષણ પૂરું પાડે છે. ઉપરાંત સુરત અને મુંબઈની વનિતા વિશ્રામ સ્કૂલમાં દીપકભાઈ ટ્રસ્ટી અને પ્રેસિડન્ટ તરીકે સેવા આપે છે. ૧૪ શાખાઓ ધરાવતી આ સ્કૂલ ૧૪,૦૦૦ દીકરીઓને જ્ઞાન પૂરું પાડે છે.
માત્ર શૈક્ષણિક નહીં. જીવનલક્ષી, કારકિર્દીલક્ષી જ્ઞાન પીરસવાના મામલે પણ સ્કૂલનું આગવું નામ છે. દીપકભાઈના પિતા પણ બાપનું ઘર સંસ્થા અને નાશિક અને લોનાવલા સ્થિત કપોળ સેનેટોરિયમ જેવી સંસ્થાઓમાં સેવારત રહ્યા. દીપકભાઈ કહે છે, “રોટરી ક્લબ ઓફ બોમ્બે સી ફેસના પ્રેસિડન્ટ તરીકે કાર્ય કરતા હું સંસ્થા વતી મેડિકલ, એજ્યુકેશન માટે બાળકો સુધી બનતી મદદ પહોંચાડું છું. જીવનની સાર્થકતાની સાચી અનુભૂતિ મને સેવાકાર્યોથી થાય છે.”
કપોળો વિશેના તેમના વિચારો કેવાક છે? “સંપન્ન તથા સમજદાર એટલે કપોળ પ્રજા. મુંબઈના વિકાસથી માંડી પરસ્પર વિકાસ માટે કપોળોનું યોગદાન નોંધપાત્ર છે. મારાં લગ્ન પછી હું પણ આપણાં મંડળો સાથે સંકળાયેલો રહ્યો હતો. પછી સમયના અભાવે સંપર્ક થોડો ઘટ્યો, છતાં આજે પણ થયા કરે છે કે કપોળો માટે સતત કશુંક કરતા રહેવું અગત્યનું છે.”
અનેક સન્માનો મેળવનારા દીપકભાઈને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર એસોસિયેશને પણ સન્માનિત કર્યા છે. લાર્સન એન્ડ ટુબ્રો જેવી પ્રતિષ્ઠિત કંપની સાથેનો ટ્રિનિટીનો સબંધ પચાસ વરસ પૂરાં કરી ચૂક્યો છે. હયાતીનાં સો વરસ વટાવી ચૂકેલી ટ્રિનિટીના કર્મચારીઓના ઉત્કર્ષ માટે સદૈવ તત્પર તેવા દીપકભાઈએ જીવનમાં સંઘર્ષ ઓછો જોયો છે. છતાં એક ઘટના વાગોળતાં તેઓ કહે છે, “વીસેક વર્ષ પહેલાં અમારી ઓફિસની અગાસીએ અમુક લોકોએ ધૂસણખોરી કરી હતી. તેમણે ત્યાં હોટેલ ચલાવવા માંડી હતી. તેમને કાઢતાં નાકે દમ આવવા છતાં અમે જે કર્યું તે નીતિથી કર્યું. એ ઘટનાએ મારો વિશ્વાસ દૃઢ કર્યો કે સારા હોય તેમને તકલીફ આવે તો પણ છેલ્લે બધું સમુંસુતરું થઈને રહે છે.” તેમના આ વિશ્વાસને સૌ પોતાનો વિશ્વાસ બનાવે, એ છે જીવનનો સાર
છેલ્લે દીપકભાઈ યુવાનો તથા સફળતા વિશે બહુ સરસ વાત કહે છે, “આપણા બાપદાદા આપણને વારસામાં અઢળક સંપત્તિ, સમજદારી અને શક્તિ આપતા ગયા છે. એ બધાને આપણે તેમના આશીર્વાદ ગણવા જોઈએ. આપણે ભલે એનો લાભ પોતાના માટે લઈએ પણ સાથે, સમાજનું ઋણ ચૂકવવા માટે પણ તેનો ઉપયોગ થવો જોઈએ. રહી વાત સફળતાની તો વ્યવસાયની જેમ સમાજસેવામાં પણ પ્રામાણિકતા, એકતાને અનુસરવાં જોઈએ. આપણી સાચી સફળતા આ વાતના અફર અમલ પર નિર્ભર કરે છે.”
આ સાદી-સરળ વાતને જેઓ સમજશે અને વફાદારીપૂર્વક અનુસરશે, તેમનું જીવન ખરા અર્થમાં આનંદમય બની રહેશે.
તમારે કાયમ નામ અને શાખ ટકી રહે તેના પર ધ્યાન આપવાનું છે. પ્રામાણિક રહેવાનું છે, કેમ કે
ગ્રાહકનો પૂર્ણ સંતોષ આપણા જીવનની પૂર્ણતાનો પાયો છે
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


