એક ધ્યાન ખેંચતી બાબત ચબૂતરા પર અવારનવાર લગાડવામાં આવતું બોર્ડ છે. આ બોર્ડ પર રોજબરોજના ઉપયોગની વિગતો ટપકાવવામાં આવે છે

આવો, આ ચબૂતરાના શાતાભર્યા પરિસરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીં તમે સેવા પણ કરી શકો છો, દેરાસરમાં દર્શન પણ કરી શકો છો અને ચાહો તો બાંકડે બેસીને સત્સંગ પણ કરી શકો છો. આ છે કાલુપુર સ્થિત શાંતિનાથની પોળમાં આવેલો ચબૂતરો.
આ પોળમાં શાંતિનાથ, ચંદ્રપ્રભુ સ્વામી અને સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં દેરાસર છે. આજે જેને અમદાવાદના શ્રેષ્ઠ સંચાલિત ચબૂતરામાં સ્થાન આપી શકાય તેવો અહીંનો ચબૂતરો છે. હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવતા આ ચબૂતરાની ખૂબ સારી રીતે સારસંભાળ રાખવામાં આવે છે.
પથ્થરનો બનેલો, ઊંચો આ ચબૂતરો ખૂબ સરસ કોતરકામ ધરાવે છે. ચબૂતરા પાસે જ જૂના જમાનાની સ્ટ્રીટલાઇટસ જેવી લાઇટનો થાંભલો તેના સૌંદર્યમાં ઉમેરો કરે છે. ચોખ્ખાઈ એવી છે જાણે ચબૂતરાને લોકો પોતાના ઘરનો ભાગ ગણીને સાચવતા હોય. શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોની બહોળી વસતિ ધરાવતી આ પોળના ચબૂતરાની જાળવણી સ્થાનિકો ખૂબ ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે. ચબૂતરાની સુરક્ષા કાજે તેની ફરતે બનાવવામાં આવેલી લોખંડની જાળી પણ તેના સૌંદર્યને ખરડવાની બદલે ખીલવે છે. એક ધ્યાન ખેંચતી બાબત ચબૂતરા પર અવારનવાર લગાડવામાં આવતું બોર્ડ છે. આ બોર્ડ પર રોજબરોજના ઉપયોગની વિગતો ટપકાવવામાં આવે છે.
આ પોળમાં ઘર વસેલાં રહેશે ત્યાં સુધી આ ચબૂતરા (તથા શાંતિનાથ દેરાસર) સહિત અહીંના દરેક સ્થાપત્ય સુરક્ષિત છે. આવી જ એની સુરક્ષા શાશ્વતપણે ટકી રહી એ આપણએ સૌએ જોવું રહ્યું.
चींटी हमें दयावान बनाती है
भुलबुल चहकना सिखाती है
कोयल बताती है क्या होता है गान
कबूतर सिखाता है शांति का सम्मान
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

