ઉત્તરાખંડ પછી, હવે ગુજરાતમાં સમાન નાગરી સંહિતા કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીના અમલ માટે પગલાં ઉઠાવવાની તૈયારી થઈ રહી છે. મંગળવારે ગુજરાત સરકારે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભૂપેન્દ્ર પટેલના વડપણવાળી રાજ્ય સરકારે રાજ્ય માટે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ રંજના દેસાઈ કરી રહ્યાં છે. સમિતિમાં નિવૃત્ત આઈએએસ અધિકારી સી. એલ. મીના, વકીલ આર. સી. કોડેકર, પૂર્વ ઉપકુલપતિ દક્ષેશ ઠાકર અને સમાજસેવી ગીતા શ્રોફનો પણ સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે યુસીસી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ નાગરિકોને સમાન હકો આપવાની દ્રષ્ટિ સાથે સુસંગત કાયદો છે. તેમણે કહ્યું હતું, “આપણે બંધારણનાં ૭૫ વરસ ઉજવી રહ્યા છીએ ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન હકો સુનિશ્ચિત કરવા માટે સમગ્ર દેશમાં સમાન કાયદો અમલમાં લાવવાનો નિર્ણય લીધો છે.”
આ સમિતિ યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી નિભાવશે. ૪૫ દિવસમા એ પોતાનો અહેવાલ રજૂ કરે એવી સંભાવના છે. સમિતિ એનો અહેવાલ રજૂ કરે એ પછી રાજ્ય સરકાર એના અને યુસીસીના અમલ પર નિર્ણય લેવા માટેની ભલામણો પર વિચારણા કરશે.
રાજ્યના ગૃહપ્રધાન મંત્રી હર્ષ સંઘવીએ એ સાથે ખાતરી આપી હતી કે રાજ્યની આશરે ૧૫% વસ્તી એવા આદિવાસીઓની પરંપરાઓ અને રીત-રિવાજોને પણ યોગ્ય માન આપીને પ્રસ્તાવિત યુસીસી તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું, “આદિવાસી સમુદાયોની પરંપરાઓ અને પ્રથાઓને સંપૂર્ણ રીતે જાળવી રાખવામાં આવશે.”
ગુજરાતમાં યુસીસીનો અમલ કરવાની વિચારણા અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં આ દિશામાં થઈ રહેલા પ્રયાસોના પ્રતિબંબ સમાન બાબત છે. ઉત્તરાખંડ તાજેતરમાં સમાન નાગરિક સંહિતા અમલ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું હતું
સમાન નાગરિક સંહિતા (યુસીસી) શું છે?
સમાન નાગરિક સંહિતા કે યુસીસી એ ભારતમાં પ્રસ્તાવિત કાયદો છે. તમામ નાગરિકો માટે એક જ નાગરિક કાયદાની સુનિશ્ચિતતા કરવાની એની પાછળની ગણતરી છે. ધર્મના બંધન વિના આ કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તકવિધિ જેવા મુદ્દાઓ આવરી લેવાનો હેતુ ધરાવે છે. હાલમાં આ મુદ્દાઓ ધર્મ આધારિત અંગત કાયદાઓ હેઠળ નિયંત્રિત થાય છે. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય લોકો માટે આ મુદ્દે અલગ અલગ નિયમો છે.
યુસીસીનો ઉલ્લેખ ભારતીય બંધારણના કલમ ૪૪માં નિર્દેશક સિદ્ધાંત તરીકે કરવામાં આવ્યો છે. એનો એવો અર્થ કે દેશની સરકારને તેનો અમલ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જોકે હાલમાં એનો અમલ ફરજિયાત નથી. યુસીસીનો મુખ્ય હેતુ નાગરિકો માટે સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. યુસીસીના સમર્થકોનો મત છે કે તે લિંગ આધારિત ભેદભાવ દૂર કરશે અને સાથે, રાષ્ટ્રીય એકતાને પણ મજબૂત બનાવશે. એના વિરોધીઓ માને છે કે તે યુસીસી લોકોની ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરાઓમાં દખલ કરી શકે છે.
ભારતમાં યુસીસીનું એક ઉદાહરણ ગોવા છે, જ્યાં સામાન્ય નાગરિક કાયદો લાગુ છે. ૨૦૨૪માં ઉત્તરાખંડ ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું જ્યાં સ્વતંત્રતા પછી આ કાયદો અમલ થયો. ગુજરાત અને આસામ જેવાં રાજ્યો હવે આ કાયદાના અમલ અંગે હિલચાલ કરી રહ્યાં છે.
યુસીસી પર દેશમાં દાયકાઓથી ચર્ચા ચાલે છે. કેટલીક સરકારોએ તેને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ મજબૂત વિરોધના કારણે એમાં કાયમ વિલંબ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ સામાન્ય નાગરિક કાયદાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો છે.
ટૂંકમાં, સમાન નાગરિક સંહિતા ધર્મ આધારિત અંગત કાયદાઓને બદલીને એકસમાન ન્યાયપ્રણાલી લાવવા માટેનું પગલું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સૌ માટે સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. તેનો અમલ તેમ છતાં વિવાદાસ્પદ મુદ્દો છે.