આ સ્તંભ પર અત્યારે દેખાતો ચબૂતરો ખાસ જૂનો નથી. વિચાર કરતાં એવું પણ લાગે છે કે ભૂતકાળમાં અહીં લોખંડના ચબૂતરાની જગ્યાએ બીજો કોઈક ચબૂતરો હશે
આ રસ્તાનું નામ હતું રિચી રોડ. બજારોથી કાયમ ધમધમતા આ રસ્તાને હવે ગાંધી રોડના નામે ઓળખવામાં આવે છે. સાહિત્યપ્રેમી માટે એ અમદાવાદની શ્રેષ્ઠ પુસ્તક બજાર છે. આવા આ રોડ પર ફૂટપાથ પાસે જ લોખંડનો બનેલો, પ્રમાણમાં મોટી સાઇઝનો ચબૂતરો છે. માણસોથી વ્યસ્ત રહેતા વિસ્તારમાં હોવાથી આ ચબૂતરામાં લોકો આવતા-જતા ચણ મૂકી જાય છે.

ચબૂતરાનું નીચેનું પથ્થરનું બાંધકામ અને ઉપરનું બાંધકામ, બેઉ વચ્ચે કોઈ જ મેળ નથી. નીચેના ભાગમાં અસલ દેશી પદ્ધતિએ બનાવવામાં આવેલો ઓટલો અને એના પર ગોળાકાર સ્તંભ છે. આ સ્તંભ પર અત્યારે દેખાતો ચબૂતરો ખાસ જૂનો નથી. વિચાર કરતાં એવું પણ લાગે છે કે ભૂતકાળમાં અહીં લોખંડના ચબૂતરાની જગ્યાએ બીજો કોઈક ચબૂતરો હશે.
વિવિધ મંદિરોવાળા આ માર્ગ પર ચબૂતરા સુધી આવીને ચણ વગેરે મૂકી જનારા ઘણા લોકો છે. ઓટલા પરના કૂંડામાં પાણી પણ ભરાયેલું રહે તે જોવાનું કામ એક અથવા બીજી વ્યક્તિ સંભાળી લે છે. ચબૂતરાની ઉપર પતરાનું (કે લાકડાનું) એક કબૂતર પણ છે જે પવનની દિશા દર્શાવવાનું કામ કરે છે. ચબૂતરાના મુખ્ય ભાગમાં પણ માટીનાં કૂંડાં મૂકવામાં આવેલાં છે.
આ ચબૂતરા માટે સૌથી સારી બાબત તેનું એવું સ્થાન છે જ્યાં સેવા કરનારનો તોટો ક્યારેય વર્તાવાનો નથી. એમાં જો તેને તેના નીચેના ઓટલાના બાંધકામ સાથે મેળ ખાતો ઢાંચો આપી શકાય તો બહુ સરસ કામ થઈ જાય!
ચકીબેન ચકીબેન,
મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં બેસવાનો પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછાં આપીશ તને, હું આપીશ તને
ચકીબેન ચકીબેન,
મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


