ટીનએજમાં બોલિવુડ સ્ટાર બનવાથી માંડીને જૈફ વયે પણ ગરિમાપૂર્ણ જીવન માણવું. આ અને આવી કેટલીયે સિદ્ધિ આશાબહેનના નામે બોલે છે. તેમના કપોળ હોવાનો આનંદ જેટલો માણીએ તેટલો ઓછો છે

ધ હિટ ગર્લ એટલે આશા પારેખ. મૂળે તેમને ઇચ્છા હતી ડોક્ટર અને પછી, આઈએએસ ઓફસર બનવાની. બેઉ બનવાનું નસીબમાં નહીં લખ્યું હોય પણ જે લખાયું હતું તે અફલાતૂન લખાયું હતું. એટલે તો જુઓ, આશાબહેન એક અત્યંત સફળ, સન્માનનીય અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે, ટોચનાં ફિલ્મસ્ટાર તરીકે સીમાચિહ્નો સ્થાપી શક્યાં. આજે જૈફ વયે પણ તેઓ સંતોષસભર અને ગરિમાપૂર્ણ સમય પસાર કરી રહ્યાં છે. આશાબહેન કપોળ છે એ બાબત સૌના માટે અત્યંત આનંદની છે.

“મારાં મમ્મી સુધાબહેન ઉર્ફે સલમાબહેન સ્વાતંત્ર્યસેનાની હતાં,” મુંબઈના જુહુ કોલીવાડા સ્થિત તેમના ધરમાં, તેમની સૂર્યાસ્ત માણવાની મનગમતી પ્રવૃત્તિ માણતાં તેઓ વાતચીત શરૂ કરે છે, “મમ્મીએ ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે મહુવાના કપોળ વાણિયા વેપારી બચુભાઈ પારેખ સાથે લગ્ન કર્યાં હતાં. એ જમાનામાં આવાં પ્રેમલગ્ન ભલે સ્તબ્ધ કરી દેનારાં ગણાય પણ મારાં મમ્મી-પપ્પાએ બહુ ગ્રેસફુલી આદર્શ દંપતી તરીકે જીવન વ્યતીત કર્યું.

ગાંધીજીના જન્મદિન, બીજી ઓક્ટોબરે, ૧૯૪૨માં ભારત છોડો આંદોલન વચ્ચે, આશાબહેનનો જન્મ થયો. માતાપિતાનું તેઓ એકમાત્ર સંતાન. બાળપણથી સૌની લાડકી આશા તોફાની હતી અને ટોમબોઇશ ઇમેજ ધરાવતી હતી. પરિવાર ત્યારે સાંતાક્રુઝ રહે. દીકરીને શ્રેષ્ઠ ભણતર મળે તેની સૌને કાળજી તેથી આશા બસમાં રોજ ટાઉનની ફ્લોરા ફાઉન્ટન સ્થિત જે. બી. પેટિટ સ્કૂલમાં ભણવા જાય. પાડોશમાં રહે ઇન્કમ ટેક્સ ઓફિસર સુદર્શન આનંદ. તેઓ જાણીતા ફિલ્મલેખક ઇન્દર રાજ આનંદના ભાઈ થાય. ઇન્દર રાજે રાજ કપૂરની ઘણી ફિલ્મો લખી હતી. સુદર્શનને ત્યાં ફિલ્મી હસ્તીઓ આવે. નાનકડી આશા નૃત્યમાં અવ્વલ. એકવાર અભિનેતા પ્રેમનાથ સુદર્શનને ત્યાં આવ્યા. આશાએ તેમની સમક્ષ મજ્જાનું નૃત્ય રજૂ કર્યું. એવું બલરાજ સાહની અને અન્ય સિતારાઓ સમક્ષ પણ થાય. દીકરીનો નૃત્યપ્રેમ જોઈ માતાપિતાએ તેને નૃત્યશાળામાં તાલીમ અપાવવા માંડી.

એવામાં એકવાર દો બિધા ઝમીન ફિલ્મ ફેમ બિમલ રોય આશાનું નૃત્ય જોઈ એવા ઇમ્પ્રેસ થયા કે તેમણે તેને બાપ બેટી ફિલ્મમાં નાનકડા રોલમાં ઝળકાવી. એ સાથે સ્ટેજ શોનો ક્રમ શરૂ થઈ ગયો. આશાબહેનને બાળપણનો એ ઘટનાક્રમ આજે પણ સુપેરે યાદ છે, “સતત શો ચાલુ હોય અને સાથે ભણવાનું તો ખરું. મારે ડોક્ટર બનવું હતું પણ એક અકસ્માતમાં લોહી જોઈને એવાં ચક્કર આવ્યાં… સમજાઈ ગયું કે ડોક્ટર બનવું આપણું કામ નથી. વળી, ગ્લેમરની દુનિયાની પા પા પગલી ક્યારે નક્કર ડગલાં બનવા માંડ્યાં એની ખબર ના પડી. એમાં ઉચ્ચ અભ્યાસ, આઈએએસ ઓફિસર બનવાની ઇચ્છા, બધું અભેરાઈ પર ચડી ગયું.

વિજય ભટ્ટની ચૈતન્ય મહાપ્રુભુ સહિતની ફિલ્મોમાં નાના-મોટા રોલ, સાથે અમુક ફળીભૂત નહીં થનારી તકો અને એક્ટિંગ સ્કૂલમાં જવાના અનિયમિત ક્રમ વચ્ચે, એકવાર દિલ કે કે દેખો ફિલ્મ માટે નાસીર હુસેને આશાને ઓડિશન માટે બોલાવી. શમ્મી કપૂર સામે કાં તો આશા કાં પછી સાધનાને લેવી, એવું તેમના મનમાં હતું. નસીબનું કરવું કે આંખે આંજણી થવાથી સાધના ઓડિશનમાં આવી નહીં! ફિલ્મ ગઈ આશાના ફાળે. ૧૭ વર્ષની ઉંમરે, આશાના જન્મદિવસે રિલીઝ થઈને એ થઈ સુપર હિટ. બસ, પછી તો, આશાબહેન હસીને ઉમેરે છે, “અપની તો નિકલ પડી.”

સોથી વધુ ફિલ્મ કરનારાં આશાબહેનની સફળ કારકિર્દીથી કોઈ અજાણ નથી. માત્ર હિન્દી નહીં, યાદગાર ગુજરાતી ફિલ્મોમાં પણ તેઓ લગાતાર ઝળકતાં રહ્યાં. ઉપરાંત કન્નડ અને પંજાબી ફિલ્મો પણ કરી. એક ઓછી જાણીતી વાત કરતાં આશાબહેન કહે છે, “ફિલ્મોની ધમાલ વચ્ચે મારી નૃત્યયાત્રા અવિરત ચાલી રહી હતી. યોગેન્દ્ર દેસાઈ સાથે મેં ચૌલાદેવી નૃત્યનાટિકાના ૫૦૦થી વધુ શો કર્યા. અનારકલી, ઇમેજ ઓફ ઇન્ડિયા પણ ચાલ્યા કરે. દેશ-વિદેશમાં શો થાય. ન્યુ યોર્ક થિયેટરમાં શો કરનાર પ્રથમ ભારતીયનું બહુમાન મને ઇમેજ ઓફ ઇન્ડિયાએ અપાવ્યું હતું. ત્યારે પણ એવી સ્થિતિ હતી કે આપણાં નૃત્યો વિશે વિદેશીઓ વધુ જાણતા હતા.”

અફફકોર્સ, આ બધાં વચ્ચે મમ્મીને ચિંતા હતી કે આશા પરણીને ઠરીઠામ થઈ જાય. આશાબહેન કહે છે, “કેટલાય મુરતિયા જોયા પણ વાત નહીં જામી. ઇટ્સ ઓકે. પતિ-પત્ની તરીકે જીવવાથી જ વ્યક્તિ સંપૂર્ણ બને એ જરૂરી નથી. એ પણ જરૂરી નથી કે મોટા થઈને છોકરાવ માબાપને સાચવે. હું તો લકી છું કે બાળપણથી આજ સુધી મને મારી રીતે જીવન માણવા મળ્યું. પહેલાં મમ્મી-પપ્પાને લીધે, પછી ફિલ્મોને લીધે અને આજે મારી સ્વતંત્રતાને લીધે.”

સ્વભાવે સાલસ અને પરગજુ હોવું એ આશાબહેનને ગળગૂથીમાં મળેલો કપોળોનો ગુણ હશે. એટલે તો તેઓ સેવાકાર્યો સાથે સંકળાયેલાં છે. વરસો પહેલાં સાંતાક્રુઝની બીસીજે હોસ્પિટલને તેમણે માતબર દાન આપ્યું હતું. પછી એ હોસ્પિટલ આશા પારેખના નામે ઓળખાવા માંડી. અસંખ્ય દરદીઓની સુશ્રુષા કરનારી એ હોસ્પિટલ બેએક વરસ પહેલાં આર્થિક ભીડને લીધે બંધ પડી. આશાબહેન એને પગભર કરીને ફરી કાર્યાન્વિત કરવા પોતાની રીતે પ્રયત્નશીલ છે. “મારાં મમ્મીએ મારામાં સમાજસેવાના ગુણ સીંચ્યા હતા. આજે પણ એમના પગલે ચાલતા હું અન્યો માટે થાય તે કરવા પ્રયત્નશીલ રહું છું.”

ફિલ્મો અને સ્ટેજ ઉપરાંત આશાબહેને ટેલિવિઝન ક્ષેત્રે પણ ખાસ્સું યોગદાન આપ્યું છે. અભિનય ઉપરાંત નિર્માણ, દિગ્દર્શન અને વિતરણનાં વહાણ પણ ખેડ્યાં છે. દૂરદર્શન માટે જ્યોતિ નામની સિરિયલ પછી પોતાની નિર્માણ કંપની પણ શરૂ કરી હતી. એના નેજા હેઠળ બાજે પાયલ, દાલ મેં કાલા, સ્ટાર પ્લસ માટે કોરા કાગઝ, પછી કંગન, કુછ પલ સાથ તુમ્હારા, ઇટીવી ગુજરાતી માટે અખંડ સૌભાગ્યવતી, નારી તું ના હારી… કેટલાય પ્રોજેક્ટ્સ કર્યા. પોતાના સુવર્ણકાળમાં સરસ્વતીચંદ્રથી શરૂ કરી પંદર-સોળ ફિલ્મોનું વિતરણ પણ તેમણે કર્યું હતું. સિને આર્ટિસ્ટ વેલફેર ટ્રસ્ટ, સિને આર્ટિસ્ટ એસોસિયેશન, સેન્સર બોર્ડનાં પ્રમુખ વગેરે જવાબદારીઓ પણ સકુશળપણે નિભાવી છે.

અને આજે? આશાબહેન સ્મિત વેરે છે, “બહોત નાચ્યો ગોપાલ. હવે જિંદગી માણું છું. એ પ્રવૃત્તિઓમાં મસ્ત રહું છું જે કરવાને પહેલાં સમય મળ્યો નથી. ઘરની બારીએથી રોજ સૂર્યાસ્ત માણું છું, સ્કૂલના મિત્રોના ગ્રુપ, ફિલ્મ લાઇનના મારા મિત્રોના ગ્રુપને મળું છું… તક મળ્યે મોજ કરવી, યોગ-સંગીત શીખવાં, પૂજાપાઠ કરવાં… કેટલું બધું ગમતીલું કરવા મળી રહ્યું છે!” ધ હિટ ગર્લ નામના આશાબહેનનાં સંસ્મરણોથી છલકતા પુસ્તકમાં તેમનું જીવન સવિસ્તર આલેખાયું છે. દિલીપ કુમાર સાથે કામ કરવાની તેમની ઇચ્છા ક્યારેય સાકાર નથી થઈ અને, ડ્રીમ રોલની વાત કરતાં તરત તેઓ ચમકભરી આંખે કહે છે, “મધર ઇન્ડિયામાં નરગીસના રોલ જેવો કોઈક રોલ કરવા મળત તો ક્યા બાત હૈ.” છતાં ચિરાગ અને કટી પતંગ જેવી ફિલ્મોમાં બેહદ સારા રોલ કરવા મળ્યાનો તેમને ભરપૂર સંતોષ છે. બીઇંગ કપોળ તેઓ કહે છે, “વેપારી તરીકે આપણે આગવી છબિ ધરાવીએ છીએ. દાન-પુણ્યના મામલે પણ કપોળોનો ડંકો વાગે છે. દિલીપ સંઘવી જેવા ટોચના ઉદ્યોગપતિ કપોળ છે એ ગૌરવની વાત છે.”

પદ્‌મશ્રી સહિત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સુધી અનેક માન-અકરામ આશાબહેને મેળવ્યાં છે. ફાઇનલી તેઓ કહે છે. “બીજાને મદદ કરવામાં ખૂબ મોટી ખુશી સમાયેલી છે. પૈસા ઉપરાંત મરણોત્તર અંગોનું દાન પણ કરવું જોઈએ. જીવતેજીવત વસિયત પણ બનાવવી જેથી આપણા પછી પણ કોઈ દુઃખી ના થાય. હું પોતે આવું કરવાની છું અને સૌ કરે તેવી ભાવના સેવું છું.”

હું તો લકી છું કે બાળપણથી આજ સુધી મને મારી રીતે જીવન માણવા મળ્યું. પહેલાં મમ્મી-પપ્પાને લીધે, પછી ફિલ્મોને લીધે અને આજે મારી સ્વતંત્રતાને લીધે.

સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version