વશની જેમ આ ગુજરાતી ફિલ્મે વણખેડેલી ભૂમિએ ડગલાં માંડ્યાં છે. આછકલી અર્બન ફિલ્મને બદલે, મનોરંજન ઉદ્યોગમાં ત્રીજી પેઢીએ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા દાનેશ ગાંધીએ ડેબ્યુ માટે ભારેખમ પાત્ર પસંદ કર્યું છે

સંજય શાહ

દરેક ફિલ્મ માટે જરૂરી નથી ટેક્નિકલી સુપિરિયર હોવું. ‘લાલો’ ટેક્નિકલી સાધારણ હતી પણ તો શું? વિષયમાં વાત હૃદયસ્પર્શી હતી. ગુજરાતી ફિલ્મો બોલિવડનો ઉતાર નથી અને હોવો જ ના જોઈએ. ગુજરાતી ફિલ્મોએ બોલિવુડિયા બિહેવિયર કરવાની જરૂર નથી જ. ગુજરાતી ફિલ્મોએ છેવટે ગુજરાતી રહેવાનું છે. અન્ય પ્રાદેશિક ફિલ્મોની જેમ આપણી ફિલ્મો પણ, પોતાની ભાષા, સંસ્કૃતિ, જીવનશૈલીના વલયને વળગી રહીને જ સફળતાનો શનિગ્રહ એને લાભશે. અત્યારે લાભ્યો છે એનાથી વિશેષ લાભશે. એ માટે ગુજરાતી ફિલ્મોએ જોખમ ખેડવાં જ પડશે. રિસ્ક હૈ તો ઇશ્ક હૈ… 

રાજુ ગાંધી પ્રોડક્શનની ફિલ્મ ‘બેહદ’ શુક્રવારે આવી રહી છે. એણે સખત રિસ્ક લીધું છે. રિસ્ક લેવાની આ હિંમત ફિલ્મને ખાસ બનાવે છે. મુંબઈમાં એના પ્રીમિયરમાં ફિલ્મના કલાકાર નિમેષ દિલીપરાયે ‘બેહદ’ની સચોટ વાત કરતાં કહ્યું, “કોઈક ફિલ્મ મનોરંજકપ્રેરક હોય, કોઈક વિચારપ્રેરક હોય અને કોઈક ચિંતાપ્રેરક…”  ‘બેહદ’ ત્રીજા પ્રકારની છે. ચિંતાપ્રેરક ફિલ્મ છે. એવો વિષય છંછેડે છે જે રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. વિષય છે લવ જિહાદનો. 

અમદાવાદના બૅકગ્રાઉન્ડમાં ‘બેહદ’ની કથા પાંગરે છે. શાશ્વત (દાનેશ ગાંધી)ના અંચળામાં ફરતો સલમાન ફિલ્મની ધરી છે. હિંદુ કન્યાઓને હિંદુના સ્વાંગમાં પ્રેમવશ કરવાની ‘જવાબદારી’ એ ‘નારા એ તકબીર’તળે નિભાવી રહ્યો છે. ઓલરેડી, એક હિંદુ કન્યાને ગર્ભવતી કરીને એણે ખોલીમાં સાંકળે બાંધી છે. બીજી, ડો. ક્રિશા (જાહ્નવી ચૌહાણ)નું એ દિલ જીતે છે. ક્રિશાપિતા હસમુખ (નિમેષ દિલીપરાય), મામા શૈલેષ (સંજય ગોરડિયા) તથા મામી શિલ્પા (ભૂમિકા પટેલ)ના વહાલ વચ્ચે ક્રિશા ઉછરી છે. શાશ્વતનું આગમન થયા પછી ક્રિશાનાં સ્વજનો સાથેનાં સમીકરણો બદલાવા માંડે છે, બિલકુલ એ રીતે જેમ કટ્ટરવાદથી અંધ થયેલો સલમાન ઇચ્છે અને ધારે છે. 

કથા વિશે આટલું પૂરતું છે. નિમેષે ‘બેહદ’ ચિંતાપ્રેરક ફિલ્મ કહી હશે કે એ દર્શકોને વિચારતા કરી મૂકે છે. ફિલ્મનો હેતુ પણ એ જછે. જેના વિશે આપણે ઘણીવાર સચિંત હોવા છતાં, ઉપેક્ષિત રહીએ છીએ એવી કટ્ટરવાદની સમસ્યાને ફિલ્મ છેડે છે. ગુજરાતી ફિલ્મોમાં લવ જિહાદનો મુદ્દો આ રીતે પહેલાં ઉખેળાયો નથી, કદાચ.

દાનેશ નાટ્યવિશ્વથી સંકળાયેલો આશાસ્પદ અભિનેતા છે. ફિલ્મોના લૉન્ચપેડ તરીકે એણે ‘બેહદ’ સિલેક્ટ કરી એ સ્તુત્ય છે. ચોકલેટી હીરો તરીકે, લવર બોય તરીકે, અર્બન ગુજરાતી ફિલ્મમાં કોઈક ટિપિકલ કેરેક્ટર તતરીકે કોઈપણ લૉન્ચ થાય, મોટી વાત નથી. દાનેશ થકી ગાંધીપરિવારની ત્રીજી પેઢી મનોરંજન ઉદ્યોગમાં પ્રવૃત્ત છે. એણે કરેલું વિષયનું ચયન બિલકુલ લક બાય ચાન્સ ના હોય. એ તો વિચારપૂર્વક પગલું જ હોય. દાનેશની પીઠ થાબડવી રહી. કારણ, દેનેશે, “બોક્સ ઓફિસ પર ફિલ્મ કેવીક રહેશે,” એની નહીં, પણ, “મારે કેવી ફિલ્મથી મોટા પડદે આવવું છે?’ એનો વિચાર પહેલવહેલો કર્યો હશે.

‘બેહદ’ ગ્રાન્ડ નથી, ગહન બેશક છે. ‘બેહદ’ સંવેદનશીલ છતાં અસંવેદશીલ નથી. લવ જિહાદની વાત છતાં મુસ્લિમવિરોધી નથી. ‘બેહદ’નો મિજાજ સામાજિક ફિલ્મ જેવો છે. એની છાયામાં એ ખલેલ પહોંચાડી શકતી સમસ્યાને આયનો ધરે છે. દિગ્દર્શક અંકુશ ભટ્ટે વિષયોચિત, પ્રવાહિત વહેણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે. લેખક આલાપ ત્રિપાઠી (સાથે રાજુ પટેલ)એ ઘણી જગ્યાએ અસરકારક સંવાદો આપ્યા છે. ફિલ્મમાં એમનો ધારદાર ઉપયોગ થાત તો ઘણાં દ્રશ્યોમાં નિખાર આવત. કલાકારો ઓછા છે. વાર્તા વિષયને વળગી રહે છે તેથી ઝાઝા કલાકારોની જરૂર પણ નથી. સંજય ગોરડિયા હળવી ક્ષણો માટે, નિમેષ દિલીપરાય લાગણીનું ઝરણું લીલું રાખવા માટે યોગદાન આપે છે. દાનેશ અને જાહ્નવી કેન્દ્રીય પાત્રોમાં છે. સલમાનના અનકન્વેન્શલ અને ન્યુકમર માટે જોખમી પાત્રને દાનેશે પોતાનું સર્વસ્વ આપ્યું છે. જાહ્નવી ક્રિશાને આત્મસાત્, જીવંત કરી શકી છે. 

મધ્યમ બજેટમાં, મુદ્દાસર રહેતી ફિલ્મ બેહદ’ સરેરાશ અર્બન ગુજરાતી ફિલ્મ નથી. એ એક નિષ્ઠાભર્યો અખતરો છે. ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યાયિત સરહદોને ઉખેડીને, બેધડક અવગણીને એ પોતાની સરહદો સર્જે છે. એમ કરતાં એ પોતાને અને દર્શકોને પડકાર ફેંકે છે, “જોઈએ, શું થાય છે અલગ વિશ્વને આકાર આપીએ તો…. જોઈએ, ગુજરાતી ફિલ્મોમાં અસ્પૃશ્ય કે અઘરી ગણાતી વાતને પ્રેક્ષકો સામે મૂકીએ તો…”

બેએક ગીતો સિવાય ‘બેહદ’માં સંગીત મર્યાદિત છે. ખાસ ભૂમિકામાં હિતુ કનોડિયા સારથિસમ ટર્નિંગ પોઇન્ટ છે. ફર્સ્ટ હાફ બંધારણ ઘડે છે. સેકન્ડ હાફમાં રફ્તારવાળો, ઘટનાસભર છે. ‘બેહદ’, ઇન શોર્ટ, દાનેશ માટે, સાહસિક સબજેક્ટ સિલેક્શન માટે જોવાની ફિલ્મ છે. કારણ કે, ‘વશ’ની જેમ એણે ગુજરાતી ફિલ્મો માટે સાવ અલગ કહેવાનું જોખમ ખેડ્યું છે. એક સેલ્યુટ જોખમને અને આવકાર, ‘બેહદ’ને, દાનેશને.

ટિકિટ જરૂર કઢાવી લેજો, એ પણ સપરિવાર!

#behadd #behad #daneshgandhi #sanjaygoradia #nimeshdiliprai #jahnvipatel #gujaratimovie #gujaratifilm

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version