ચબૂતરો અહીંના મંદિરના હસ્તક છે પણ અત્યારે તે કાર્યાન્વિત નથી. ચબૂતરામાં દાણા મૂકવા માટેની જે સીડી હતી તે આજે અદૃશ્ય थઈ ગઈ છે
શાહપુર વિસ્તારની માળીવાડાની પોળમાં આવેલો ચબૂતરો એટલે ઇતિહાસનું અને ઉપેક્ષાનું સચોટ પ્રતીક. જેણે બંધાવી તે સદ્ગૃહસ્થોએ તેને ખૂબ જ વિચારશીલ રીતે બનાવ્યો હશે. તેથી જ બહુ થોડા ચબૂતરામાં જોવા મળે છે તેવા નિર્માણના વિગતોની તકતી અહીં સુસ્પષ્ટ જોવા મળે છે: આ પરબડી સ્વર્ગવાસી બાઈ સીવકોર, મા. કાળિદાસ બોધાભાઈની વિધવાના સ્મરણાર્થે તેમના ટ્રસ્ટીઓએ બંધાવા સારૂ રૂપિયા ૭,૦૧૦ પંચના વહીવટદારોને આપ્યા છે. સંવત ૧૯૮૬ના મહા સુદ પાંચમ, સોમવાર.
પાસે ગુલાબી રંગે રંગાયેલી ભીંત પર દોરવામાં આવેલી અંબામાતાની છબિ, પ્રાંગણમાં આવેલા રણછોડરાયજી અને સિદ્ધનાથ મહાદેવજીના સાંનિધ્યમાં આ ચબૂતરો ખૂબ શોભાયમાન લાગે છે. આ પોળમાં પાંચેક જૈન પરિવારો સહિત ઘણા પટેલ પરિવારો વસે છે. ચબૂતરો અહીંના મંદિરના હસ્તક છે પણ અત્યારે તે કાર્યાન્વિત નથી. ચબૂતરામાં દાણા મૂકવા માટેની જે સીડી હતી તે આજે અદૃશ્ય થઈ ગઈ છે. નીચે ઓટલો છે જેના પર સ્થાનિકો સ્વેચ્છાએ દાણા નાખી જાય છે પણ શ્વાનોની આવનજાવનને લીધે પક્ષીઓ ચણ આરોગવા ઓછી સંખ્યામાં આવે છે.
અહીં ચોખ્ખાઈ સારી જળવાઈ છે. બીજી કોઈ વ્યવસ્થાનો પૂર્ણપણે અભાવ હોવાથી આ ચબૂતરો નિષ્ક્રિય છે. અહીં રહેતા યુવાનોના મનમાં ચબૂતરાના પુનરોદ્ધારનો વિચાર રમતો હોવા છતાં યોજના અને ભંડોળ નહીં હોવાથી વિચારનો અમલ થઈ રહ્યો નથી. સુંદર નકશીકામ, જૂના પથ્થરમાંથી બનેલા આ ચબૂતરાને નવજીવન આપવું એ પોળના માહોલને પણ પંખીઓના કલરવથી ગૂંજતો કરવા માટે જરૂરી છે.
હે માનવ! કાતર થવા ન ચાહજે, જે કરે છે એકમાંથી અનેક માટે જીવન તારું સો જેવું ચાહજે, જે કરે છે અનેકમાંથી એક
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.
