ચુમોત્તેરની જૈફ ઉંમરે પણ તેઓ ઉત્સાહ અને પ્રવૃત્તિમાં કમાલના છે. સરળતા અને મીઠાશ તેમના આગવા ગુણો છે. તેમને મળનારને પણ તંદુરસ્તી અને મનદુરસ્તી રાખવા પ્રેરણા મળે છે
મધ્યમ બાંધો, ખીલેલો ચહેરો, આંખો અમીદૃષ્ટિ કરતી, જીવનને પરિશ્રમથી ઉજળું કરેલું હોય તેવું વ્યક્તિત્વ અને મૃદુભાષી સ્વભાવ. એવા વડીલ એટલે કપોળ મોભી દિનેશભાઈ ઠાકોરલાલ મહેતા. ૧૯૪૬માં સૌરાષ્ટ્રના બોટાદ મુકામે તેમનો જન્મ. પારિવારિક સંસ્કારનો વારસો પિતા ઠાકોરલાલ તથા માતા ચંદ્રમણિબહેને ગળથૂથીમાં આપેલો. પિતાની અંકલેશ્વરમાં વાસણની દુકાન અને માતા ગૃહિણી. વૈષ્ણવ પરંપરાથી ભગવત્ તત્વ સાથે માતાપિતાને ખૂબ લગાવ. તેના કારણે ઘરમાં ધાર્મિક વાતાવરણ પહેલેથી પ્રવર્તે. પરિશ્રમ જ પારસમણિ અને મહેનતનાં ફળ મીઠાં એ ઉક્તિઓ ઠાકોરલાલના આત્મામાં વસેલી એટલે ક્યાંય ખોટું કરવાનું આવે નહીં. એવા સંસ્કારના પાયા પર વડીલ દિનેશભાઈએ સંયુક્ત પરિવારની ઇમારત ખડી કરી.
સન ૧૯૭૮માં તેમનું આગમન નડિયાદ થયું. એ શહેર એમની જીવનયાત્રામાં અગત્યનો મુકામ બનવાનું હતું. સુપ્રસિદ્ધ તીર્થસમા સંતરામ મંદિરની આભા અને સેવાની હૂંકે તેમને નડિયાદમાં સ્થાયી કર્યા. તે પહેલાં ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં તેમણે બીએસસી પૂરું કરીને ભાવનગરની ભાવસિંહજી પોલિટેક્નિક કોલેજમાં ઓટોમોબાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તે ડિગ્રીના આધારે મુંબઈમાં સેલ્સ સર્વિસમાં જોડાયા. પણ તકદીરને કંઈક બીજું પસંદ હશે. એટલે, અફાટ પાણીના વહેણને વહાવતી મહીસાગર નદીના પાણીનો સંચય કરતા કડાણા ડેમ પર સેક્શનલ ઓફિસર તરીકે નિમણૂક પામ્યા. મોટાં મોટાં મશીનોની જાળવણી, યાંત્રિક સમસ્યાઓના નિરાકરણે દિનેશભાઈના વિચારોની મોકળાશમાં વધારો કર્યો. જોકે જીવનમાં મોટો વળાંક આવવાનો હતો. તેથી, જીપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સન ૧૯૭૮માં નડિયાદ આરટીઓ ઓફિસમાં આસિસ્ટન્ટ ઓફિસર તરીકે નિયુક્ત થયા. ત્રણ વરસ બાદ બઢતી થઈ મોટર વિકલ ઓફિસર તરીકે. પછી ગુજરાતની સેવા કરી છવીસ વરસ.
વ્યાવસાયિક ફરજો નિભાવતાં દિનેશભાઈએ પારિવારિક જીવનની જવાબદારીઓ પણ સરળતાથી નિભાવી. સુરતના તાપીવાળા સોનગઢનાં ઇલાબહેન સાથે ૧૯૬૭માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. આજે તેઓના સાથને ૫૧ વર્ષ થયાં છે. ધન્યો ગૃહસ્થાશ્રમઃ સિદ્ધાંતને સુખે નિભાવતાં બેઉએ સહચર્ય માણ્યું છે. સ્વાવલંબી વ્યક્તિ, પ્રેમાળ માતા અને પત્નીના પાત્રને જીવનમાં યથાયોગ્ય નિભાવનાર ઇલાબહેનની બીજી પણ વિશેષતાઓ છે. ૭૧ વરસની ઉંમરે પણ સન ૨૦૧૭ તથા ૨૦૧૮ના ખેલમહાકુંભમાં તેમણે સ્વિમિંગની સ્પર્ધામાં ૬૦ વર્ષથી ઉપરની મહિલા શ્રેણીમાં વિજેતાપદ મેળવ્યું. કહેવાયું છેને કે તરે તે તારે. હાલ પણ તેઓ એક્યુપ્રેશર તથા રેકી ચિકિત્સાનાં અભ્યાસુ છે. યોગથી લોકોને રોગથી પણ તારી રહ્યાં છે. મનનાં મક્કમ છલાબહેને ૨૦૦૬માં કેન્સર જેવા ભયંકર રોગને પણ માત આપી છે. દામ્પત્યજીવનનાં આ બન્ને પાત્રો જીવન લાંબું હોય કે ના હોય પરંતુ જાંબુ જેવી મધુરતા તેમાં કેમ જાળવવી એ અવશ્ય જાણે છે અને બીજાને શીખવે છે.
કલિકાળમાં પણ પરિવારની એકતા અને મૂલ્યોની સાચવણી મહેતા પરિવારમાં થઈ છે. દિનેશભાઈના મોટા પુત્ર હીરેને બીએસસી કર્યું છે. હાલ તેઓ ઇન્ડિયન ઓઇલ સાથે સંકળાયેલા છે અને ગેસ ટેન્કર્સના કોન્ટ્રાક્ટર છે. સરસ રીતે વિકસેલો વેપાર હોવા છતાં તેઓ માતાપિતાની સેવાનો અવસર ચૂકતા નથી. તેમનાં પત્ની પ્રેરણાબહેન સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમાં ધરાવે છે. આ યુગલને બે સંતાનો છે. દીકરો પાર્થ સી. એ.ના અંતિમ વરસમાં છે. દીકરી હેતવી ઇન્ટિગ્રેટેડ લૉમાં રુચિ ધરાવે છે. તે ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. બીજા દીકરા અમર બી. બી. એ.ની ડિગ્રી ધરાવે છે અને વ્યવસાયે બિલ્ડર અને ફાઇનાન્સર છે. તેમનાં લગ્ન અમીબહેન (વિપા) સાથે થયાં છે. તેમનો દીકરો જય બારમામાં ભણે છે. દીકરી વૃંદા ઉદયપુરમાં ડેન્ટિસ્ટના અભ્યાસના અંતિમ વરસમાં છે. દિનેશભાઈના ત્રીજા પુત્ર સ્વ. નીમેષભાઈ મેકેનિકલ એન્જિનિયર હતા. તેમનું આકસ્મિક નિધન થયેલું. તેમનાં પત્ની સોનલબહેન પતિનાં કાર્યો આગળ ધપાવી રહ્યાં છે.
વૈષ્ણવ કપોળ વણિક સમાજની ખાનદાની અને આગતાસ્વાગતાની આભાનો પરિચય મહેતા પરિવારને ત્યાં પળવારમાં મળી રહે છે. સાથે, સમાજસેવાના મોરચે પણ પ્રવૃત્ત છે. કપોળ સમાજ મોટા ભાગે મુંબઈમાં વસે છે. નડિયાદમાં મહેતા પરિવાર તેનું પ્રતિનિધિત્વ કરે છે. પરિવારની આર્થિક સમૃદ્ધિ જેમ વધતી ગઈ તેમ પરમાર્થની સંપત્તિ પણ વધતી ગઈ.
ગુજરાત રાજ્યના સર્જનમાં પણ પરિવારનો ફાળો હતો. દિનેશભાઈના બંધુ સ્વ. હેમેન્દ્રભાઈ ઠાકોર ગુજરાત-મહારાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈને શહીદ થયા હતા. દિનેશભાઈએ સંતરામ મહારાજની કૃપા અને પ્રેરણાથી ૧૯૯૪માં એક મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. સ્વ. શ્રી હેમેન્દ્ર ઠાકોરલાલ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ એનું નામ છે. આ ટ્રસ્ટ અનેક સેવાકાર્યો સાથે સંકળાયેલું છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, અને ભણેચ્છુને વિદ્યા આપવાના કાર્ય મુખ્ય છે. તેના નેજા હેઠળ નડિયાદની શાળા ક્રમાંક ૩૩માં પીવાના પાણીની ટાંકીનું નિર્માણ થયું છે. રોટરી ક્લબ નડિયાદના નેજા હેઠળ ટ્રસ્ટના કાયમી ફંડમાંથી દર વરસે વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરાય છે. ત્રણ વરસ સુધી ક્લબ અને ટ્રસ્ટ સંયુક્ત ધોરણે હોમિયોપેથી ક્લિનિકનું સંચાલન કરે છે. દાહોદ ચેક પોસ્ટે પાણીની બે પરબ પણ નિર્મિત કરવામાં આવી છે. ટ્રસ્ટે મહંતશ્રી સત્યદાસજી મહારાજના વરદ હસ્તે હોમિયોપેથિક સારવારનો યજ્ઞ પાંચ વરસ ચલાવ્યો છે. મહર્ષિ પતંજલિ યોગ ઔષધ-ઉપચાર નામના પુસ્તકનું તેમણે સંકલન કર્યું છે, જેની ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. કપોળ સમાજ ટ્રસ્ટી મંડળ દર વરસે તેની ૧,૦૦૦ નકલો મગાવીને સૌને પહોંચાડે છે.
દિનેશભાઈ ૭૪ વરસની ઉંમરે પણ અત્યંત ઉદ્યમશીલ છે. તેઓ વગર ચશ્માં વાંચન પણ કરે છે. યોગ પ્રાણાયામથી જીવનને નિરામય રાખવાની કળા તેમણે આત્મસાત્ કરી છે. ઘણા સંતો-મહંતોના આશીર્વાદ તેમના પર સદા વરસતા રહ્યા છે. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી (દાદાજી), પૂજ્ય ડોંગરે મહારાજ જેવા મહાપુરુષો પાસેથી રામાયણ, ભાગવત સાંભળવાનો અવસર પણ તેમને મળ્યો છે.
વાંચન અને લેખનનો શોખ હોવાથી તેમણે સ્વાસ્થ્યસંબંધી, યોગસંબંધી, ધર્મ વિષયી પુસ્તકોનું સંકલન તથા આલેખન કર્યું છે. તેમના સંકલિત પુસ્તક મેઘધનુષમાં તો સપ્ત વૈચારિક મોતીબિંદુઓનો ખજાનો છે. યોગ સાથે તેમનો સંબંધ જાણે મહર્ષિ પતંજલિની દિવ્ય ભેટની અનુમોદના છે. યોગગુરુ બાબા રામદેવ પાસેથી ૨૦૧૮માં તેમણે હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં ટ્રેનિંગ લઈને યોગ ટિચરનું સર્ટિફિકેટ પણ મેળવ્યું છે.
આટલેથી નહીં અટકતા યોગથી લોકોને ઘરોબો થાય તે માટે નડિયાદના સંતરામ મંદિર અને બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં તેઓ યોગનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. અનેક સંસ્થાઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. મૈત્રેય સંસ્થાનાં મંદબુદ્ધિનાં બાળકોને યોગ થકી સ્વસ્થતાની તાલીમ આપવામાં આવી છે. તેના થકી બાળકોએ નવ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણપદક જીત્યાં છે. લોનાવલા કપોળ સેનિટોરિયમમાં દર વરસે તેઓ સપ્તાહ લાંબા યોગ સેમિનારનું આયોજન કરે છે. તેમના યોગપ્રેમને બિરદાવતા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમને યોગમાં ડિપ્લોમા એનાયત કર્યો છે.
દિનેશભાઈ સુખી જીવનનો મંત્ર આપતાં કહે છે, “પારિવારિક ભાવનાથી જીવો, નીતિથી જીવો અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો.”
ગુજરાત રાજ્યના સર્જનમાં પણ પરિવારનો ફાળો હતો. દિનેશભાઈના બંધુ સ્વ. હેમેન્દ્રભાઈ ઠાકોર
ગુજરાત-મહારાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈને શહીદ થયા હતા.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


