વેપાર, સેવા તથા પરિવારભાવના, ત્રણેય મોરચે આ વડીલે આગવી છાપ ઊભી કરી છે. જીવનની સાચી સંપૂર્ણતા તથા સાર્થકતા જાણવા તેમની પાસે ઘણું શીખી શકાય તેમ છે
આ યુગલની એક વાત મજાની છે, કારણ રમાબહેન તેમના જીવનસાથી રસિકભાઈને ભાઈ કહીને સંબોધે છે! શું છે કે આખા પરિવારમાં રસિકભાઈને ભાઈ તરીકે સંબોધવાનો મીઠડો રિવાજ પડી ગયો છે. એને રમાબહેને પણ આનંદપૂર્વક અપનાવી લીધો છે. રમાબહેન એટલે ભાવનગરના કાયમ ચૂર્ણ ફેમ શેઠ બ્રધર્સ પરિવારનાં દીકરી. રસિકભાઈ દોશી એટલે આપબળે આગળ આવનારા અને સફળતા તથા પરિવારસ્નેહનો આગવો દાખલો બેસાડનારા સદ્ગૃહસ્થ.
રસિકભાઈ અને રમાબહેનનાં લગ્ન વિશે પણ રસપ્રદ કિસ્સો છે. ૧૯૫૨ની સાલ હતી. દોલતરાય શેઠ અને વિજયાબહેનનાં દીકરી રમા ત્યારે પંદર-સોળ વરસનાં. તેઓ ભાવનગર રહે. એકવાર સ્કૂલમાં વેકેશનના દિવસો હતા. યુવા રસિકભાઈ એવામાં શેઠ પરિવારના આંગણે પહોંચી ગયા રમાને જોવા. પહેલી નજરે મન મળ્યાં અને તત્ક્ષણ ચાંદલાવિધિ સંપન્ન થઈ. રસિકભાઈ ત્યારે આર્થિક રીતે સદ્ધર નહીં. રમાબહેને માતાપિતાને કહ્યું, “તમે ચિંતા નહીં કરશો. મારા ભાગ્યમાં જે લખાયું હશે એ મને મંજૂર છે.”
ચાંદલાવિધિ પછી રસિકભાઈ પોતાના ઘરે પહોંચ્યા. તેમના કપાળે ચાંદલો જોઈને સૌએ પ્રશ્ન કર્યો, “આ વળી ક્યાંથી ચાંદલો કરી આવ્યો?” રસિકભાઈએ કહ્યું, “હું ભાવનગરની રમા સાથે વેવિશાળ કરી આવ્યો.” એ પછીના વરસે બેઉએ પ્રભુતામાં પગલાં માંડ્યો અને શરૂ થઈ આજ સુધી સુખે ચાલતી લગ્નયાત્રા.
જેમ્સ વોકર ઇનમાર્કો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની સફળ કંપની સર્જનારા રસિકભાઈનો જન્મ ૧૯૨૯માં ગુજરાતના શહેર શિહોરમાં થયો. પ્રેમકોરબહેન અને મનસુખભાઈને રસિક સહિત છ સંતાનો. પિતાનો વ્યવસાય કાપડનો હતો અને રહેવાનું હતું બોટાદમાં. ૧૯૪૩-૪૪માં પિતાને માંદગી થતાં પરિવાર શિહોર રહેવા ચાલ્યો ગયો. પછી મુશ્કેલીઓ વધતી ચાલી અને વ્યવસાય ઠપ થઈ ગયો. એવા સંજોગોમાં આજીવિકા રળવા માટે ૧૪ વરસની વયે રસિકભાઈએ અમદાવાદની વાટ પકડી.
ત્યાં બેએક વરસ નોકરી કર્યા પછી તક મળી કોલંબો જવાની. રસિકભાઈ જણાવે છે, “સિક્કાનગરમાં રહેતા મારા કાકાના એક પાડોશી હતા. તેમણે જણાવ્યું કે કોલંબોમાં એમ. પોપટલાલ એન્ડ કંપનીમાં નોકરી છે. જઈશ?” રસિકભાઈ શ્રીલંકા ગયા. તેઓ ત્રણેક વરસ ત્યાં રહ્યા. અનુભવ સાથે પરિપક્વતાનું ભાતું લઈને તેઓ સ્વદેશ આવ્યા. શ્રીલંકામાં તેમણે કંપનીની ગ્રોસરી અને કાપડની દુકાનમાં સ્ટોરકીપર, કેશિયર, અકાઉન્ટન્ટથી માંડીને ટેક્સ્ટાઇલ ઇન ચાર્જ સુધીની દરેક જવાબદારીઓ સુપેરે સંભાળી. ૧૮ કલાક સતત કામ અને રજા માત્ર રવિવારે અડધો દિવસ, એવું ત્યાંનું સમયપત્રક હતું. એ પછી આર્થિક રીતે મામલો થોડો સંતુલિત થયો તેથી વડાલામાં તેમણે કપોળ નિવાસમાં એક રૂમ લીધી.
પરિવાર પણ મુંબઈ આવ્યો. સાથે શરૂ થયો એમ. ભૂતા નામે કાપડની નિકાસનો વેપાર. તેમણે શામજી માવજી પારેખ, અબ્દુલભાઈ ફિદાઅલી કંપનીમાં એક્સ્પોર્ટનો અનુભવ મેળવ્યો. પછી સ્પેશિયલ એલોય સ્ટીલના ઇમ્પોર્ટનું કામકાજ કર્યું. સમય આગળ વધ્યો અને પી. રસિકલાલ નામે તેમણે પોતાની કંપની શરૂ કરી. ૧૯૮૪માં શરૂ કરેલી ઇનમાર્કો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કામકાજ સરળતાથી આગળ વધતું હતું, પણ પૌત્રી અમેરિકા ભણતી હોવાથી અને આ કંપનીનું કામ સંભાળનાર કોઈ ન હોવાથી તેના ૭૦ ટકા શેર્સ જેમ્સ વોકરને વેચી દીધા. વિવિધ વ્યવસાયમાં ઝંપલાવવાનો તેમનો ખાસ ઇરાદો નહોતો. સામે આવેલી તક પ્રમાણે તેમણે માર્ગ કંડાર્યો છે.
લગ્ન થયે રમાબહેન જાણે પોતાની સાથે રસિકભાઈ માટે ઉજળું ભાગ્ય પણ લાવ્યાં હતાં. રસિકભાઈના વેપારે પ્રગતિ સાધવા માંડી. સમય જતાં ત્રણ દીકરીઓ, રેખા, ઉષા અને મીના સહિત પુત્ર ચેતનના જન્મ થકી તેમના જીવનમાં નવા રંગો ઉમેરાયા. રસિકભાઈ માત્ર આઠમા ધોરણ સુધી ભણ્યા છે. જીવનમાં ખાસ્સી તડકી-છાંયડી તેમણે જોઈ છે. છતાં, ઓછા ભણતરે કે પડકારે તેમને ક્યારેય હતોત્સાહ કર્યા નથી. તેઓ કહે છે, “નિષ્ફળતાનો એવો અર્થ ક્યારેય ના કરવો કે માણસમાં આવડત નથી. નિષ્ફળતા માણસને ઘડનારી તાકાત છે. નિષ્ફળતા તો સફળતા સુધી દોરી જનારી પગદંડી છે. આપણું મન મક્કમ અને ઇરાદા દૃઢ હોય તો નિષ્ફળતા પછી સફળતા જરૂર આવવાની.” આવા દૃઢ મનોબળે તેમને કાપડના વેપારથી શરૂ કરી ઇનમાર્કો જેવી પ્રતિષ્ઠિત કંપની સુધી પહોંચાડ્યા છે. ઔદ્યોગિક સાધનો તથા સેવાઓમાં ઊંચું નામ ધરાવતી આ કંપની હવે બ્રિટનની જેમ્સ વોકરની સહયોગી છે. રસિકભાઈ સાથે કંપનીના સંચાલનમાં દીકરા ચેતનભાઈ પણ સબળ સાથ આપી રહ્યા છે.
માત્ર વેપાર નહીં, દોશી પરિવાર સેવાના મોરચે પણ પ્રવૃત્ત છે. રસિકભાઈના મતે, “જે સમાજે આપણને સંપન્ન કર્યો હોય તેના લાભાર્થે કશુંક કરવું તે ઉપકાર નહીં પણ આપણી નૈતિક ફરજ અને ઋણાનુબંધ પણ છે. કોઈકને મદદરૂપ થયા પછી પોતાના હૃદયને જે શાતા મળે છે તેનું મૂલ્ય સંપત્તિ કરતાં ક્યાંય વધારે છે.” આવી ભાવના સાથે તેઓ પોતાની કંપનીના લગભગ બસો કર્મચારીઓને સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે સહાય કરે છે. શિહોર નજીક વળાવર ગામમાં તેમણે કન્યાશાળા તથા બોર્ડિંગ સ્થાપી છે. તેમાં બસો જેટલી દીકરીઓ રહે છે તથા બધું મળીને ચારસો જેટલી દીકરીઓ જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે. સ્કૂલને તેમણે બસ પણ પૂરી પાડી છે. દીકરીઓ જમાના સાથે તાલ મિલાવી શકે તે માટે સ્કૂલમાં કોમ્પ્યુટર ક્લાસ પણ ચાલે છે. ભાવનગરના વૃદ્ધાશ્રમ, મુંબઈની વાડિયા તથા હિંદુજા જેવી હોસ્પિટલ્સને પણ તેઓ આર્થિક મદદ કરે છે.
નીલકમલના વામનભાઈ પારેખથી તેઓ ઘણા પ્રભાવિત છે. તેમનો ઘણો સાથ સહકાર મળ્યો હોવાનું તેઓ કહે છે. સમાજમાં જરૂર પડ્યે ડોનેશન આપે છે. તેમને મન પરિવાર અને નજીકના લોકોનું મહત્ત્વ વધારે છે.
જુહુમાં રહેતા દોશી પરિવારનાં પુત્રવધૂ પારુલ અભ્યાસે એડ્વોકેટ છે અને ઇકિબાન એટલે ફ્લાવર અરેન્જમેન્ટનો શોખ ધરાવે છે. કંપનીમાં તેઓ ડિરેક્ટર પણ છે. રસિકભાઈની પૌત્રી શનેલ હાલમાં અમેરિકામાં ભણી રહી છે. ત્રણેય દીકરીઓ પણ લગ્ન બાદ સુખી જીવન માણી રહી છે.
રસિકભાઈ-રમાબહેનના લગ્નજીવનમાં મીઠાશ બેહદ રહી છે. એટલે જ કપોળ સોશ્યલ ગ્રુપે તેમને શ્રેષ્ઠ યુગલના એવોર્ડથી નવાજ્યાં છે. વાતચીતમાં જોડાતાં રમાબહેન સરસ વાત જણાવે છે. “લગ્નજીવનમાં નાની-મોટી વાતે ક્યારેક ઝઘડા તો થાય. પ્રેમ એને કહેવાય કે આવા ઝઘડા ભૂલીને જીવનસાથીને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. અમારે ક્યારેક ચડભડ થાય તો ચડભડના મુદ્દાને તડકે મૂકી અમે કોઈક રમત રમવા બેસી જઈએ. બસ, પછી જોતજોતામાં તમામ વિષાદ દૂર થઈ જાય.” જૈફ વયે પણ આ યુગલનો રોજ સાંજે સજોડે વોક લેવાનો નિયમ છે. જે યુગલ એકમેકને આટલી મજાની રીતે સાચવે એનો પ્રેમ તો સદૈવ ઝગમગવાનો.
નિષ્ફળતા માણસને ઘડનારી તાકાત છે. નિષ્ફળતા તો સફળતા સુધી દોરી જનારી પગદંડી છે. આપણું મન મક્કમ અને ઇરાદા દૃઢ હોય તો નિષ્ફળતા પછી સફળતા જરૂર આવવાની.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


