પરિવારના સંસ્કારને તેમણે દીપાવ્યા છે. વેપારને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. હજારો વિદ્યાર્થીઓને જ્ઞાનોપાર્જન માટે સાથ આપ્યો છે. તેમના વિચારોની સ્પષ્ટતા પણ ઇમ્પ્રેસિવ છે
“કપોળોને મારે એટલું કહેવું છે કે બાળકોને કોઈ પણ ભોગે ભણાવો. બાળકો ભણશે તો પરિવાર પણ આગળ વધશે. યુવાનોને મારે કહેવું છે કે તમારે નીતનવા જ્ઞાનને આત્મસાત્ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તમારી ખરી તાકાત તમારી જ્ઞાનભૂખ છે.” હરેશ રંગીલદાસ મહેતાના આ શબ્દો માત્ર કપોળો નહીં પણ આખા વિશ્વને લાગુ પડે છે. વિચક્ષણ દાદા અને મહેનતુ પિતાના આ દીકરાએ આગવી બુદ્ધિમતા અને નિર્ણયશક્તિથી એચ. એમ. ગ્રુપ નામે વેપારી સામ્રાજ્ય ખડું કર્યું છે. એટલી જ મોટી સિદ્ધિ તેમણે સામાજિક મોરચે એચએમ ચેરિટેબલ ટ્રસ્ટ થકી અસંખ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મદદરૂપ થઈને મેળવી છે.
હરેશભાઈના દાદા એટલે મૂળ ડુંગર ગામના વતની એવા શામજીભાઈ હરજીવનદાસ મહેતા ઉર્ફે માટીવાળા. આવું હુલામણું નામ દાદાને વિશિષ્ટ કારણોસર મળ્યું હતું. હરેશભાઈ વાત કરે છે, “કોઈ પણ જમીનની માટીને દાદા મુઠ્ઠીમાં ભરે, જરાક જીભે લગાડીને ચાખે કે તરત કહી દેતા કે આ માટીમાં કયાં તત્ત્વો છે. ખનિજ કયાં છે, ક્ષાર કયા છે? માટીને પરીક્ષણમાં મોકલાવો તો લેબોરેટરીમાં પરિણામ દાદાના જણાવ્યા મુજબનું આવે.” શામજીભાઈએ વતનથી મુંબઈ આગમન કર્યું સવાસો વરસ પહેલાં. તેઓ વસ્યા સિક્કાનગર વિસ્તારમાં. હરેશભાઈનો જન્મ ૧૯૬૧માં મુંબઈમાં થયો. પિતા રંગીલદાસ અને માતા સિગરિડબહેન જેઓ મૂળ જર્મન. આ અનોખાં લગ્ન વિશે વાત એવી કે રંગીલદાસ એકવાર પોતાની સારવાર માટે જર્મની ગયેલા. ત્યાં તેમનો ભેટો સિગરિડબહેન સાથે થયો, પ્રેમ પાંગર્યો અને થયાં લગ્ન. તેમને ત્રણ સંતાનો, હરેશ, વિનોદ અને કામિની.
દાદાને ઈશ્વરદત્ત માટીની પરખની શક્તિ મળી, તેમાંથી તેમણે ખનિજ પદાર્થોના વેપારમાં સારી પ્રગતિ સાધી. વેપારમાં હરેશભાઈના પિતા પણ જોડાયા. સમય સાથે વેપાર વધતો ચાલ્યો. ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ ચલણમાં આવ્યા પછી મહેતા પરિવારે પેસ્ટિસાઈડ્સના વેપારમાં ઝંપલાવ્યું. ભારત પલ્વરાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ નામના એ સાહસે દેશભરમાં ખૂબ પ્રતિષ્ઠા અંકિત કરી.
હરેશભાઈના શૈક્ષણિક પ્રવાસની વાત કરીએ. તેમણે શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો પામ બીચ હાઈસ્કૂલમાં. બાદમાં તેઓ નૈનિતાલની શેરવૂડ કોલેજમાં (જ્યાં અમિતાભ બચ્ચન પણ ભણ્યા) બે વરસ ભણ્યા પછી ફરી મુંબઈમાં લાલા કોલેજમાં દાખલ થયા. પછી જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી માસ્ટર્સ ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ (એમએમએમ) અને ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ સાયન્સીસ (ડીએમએમ) પૂર્ણ કર્યા. આમાં એક મજાની વાત નોંધવી પડે. ૧૯૮૮માં તેમનાં લગ્ન પ્રસન્નાબહેન સાથે થયાં. હરેશભાઈને સતત થયા કરે કે માત્ર કોમર્સ ગ્રેજ્યુએટ તરીકે મારું કાંઈ નહીં વળવાનું. એટલે લગ્ન પછી તેમણે જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈ ચાર વરસમાં ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવી હતી!
ગ્રેજ્યુએશન પછી તેઓ પરિવારના વેપારમાં જોતરાઈ ગયા હતા. હરેશભાઈ કહે છે, “સાતેક વરસ ઘરના બિઝનેસ માટે મારે અનેક લોકોને મળવાનું થયું. મોટા માણસોને મળીને મને ઉચ્ચ શિક્ષણ તથા જ્ઞાનનું મહત્ત્વ સમજાયું અને મેં ફરી ભણવાનું શરૂ કર્યું.” એ દિવસો ખાસ્સી દડમજલના હતા. નવાંનવાં લગ્ન વચ્ચે હરેશભાઈ સવારે આઠથી સાંજે પાંચ ફેક્ટરીએ જાય, સેલ્સ ડિપાર્ટમેન્ટ સંભાળે. સાંજે સાડાછથી રાતે સાડાનવ સુધી ઇન્સ્ટિટ્યુટ જાય, “મારી પાસે પ્રસન્ના માટે સમય નહીં. છતાં, તેણે ક્યારેય કોઈ ફરિયાદ કરી નહીં.” ૧૯૮૮-૯૨નાં ચાર વરસ ભણતાં તેઓ યશ અને દિવિતના પિતા પણ બન્યા.
સેલ્સના મામલે હરેશભાઈ બેહદ નિપુણ. વેપાર માટે તેઓ દેશના ખૂણેખૂણે ફર્યા, જેનાથી માનવીય સંબંધોની, વાક્ચાતુર્યની કળા આત્મસાત કરી. ઉપરાંત, જ્ઞાની દાદા તથા શિસ્તના આગ્રહી પિતાએ તેમને એવા ઘડતરથી સજ્જ કર્યા જેનાથી ઉજ્જ્વલ ભવિષ્યનો પાયો રચાયો.
૧૯૯૪ પરિવારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો. પિતા અને તેમના ત્રણ ભાઈઓએ પોતપોતાની રીતે વ્યાવસાયિક મહત્ત્વાકાંક્ષાઓ સાકાર કરવાનું ઠરાવ્યું. સર્વસંમતિથી સૌ છુટા પડ્યા. હરેશભાઈએ ત્યારે સ્થાપના કરી એચ. એમ. ગ્રુપની, અને શરૂઆત કરી બ્લાયથ મેટલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની. ફેરો એલોયઝના વેપારની સાથે હરેશભાઈએ સિદ્ધિઓ સર કરવા માંડી. આજે આ ગ્રુપના નેજા હેઠળ પ્રીમિયમ મેટલ્સ, પ્રીમિયમ ઇન્વેસ્ટમેન્ટ અને ઉપર જણાવ્યું તે ટ્રસ્ટ પણ કાર્યરત છે. ફેરો એલોયઝ ઉપરાંત જૂથ ફેરસ તથા નોન ફેરસ મેટલ, કેમિકલ્સ, સ્પેશ્યલ સ્ટીલ અને ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ તથા ફાઇનાન્સના કામકાજમાં પ્રવૃત્ત છે. હવે જૂથમાં દીકરા યશ સંચાલિત પ્રીમિયમ ઇ-બિઝનેસ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપની ગિફટ્સ કાર્ડ્સ અને કેશ કાર્ડ્સના બિઝનેસમાં છે. રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પણ ગ્રુપ પ્રવૃત્ત છે.
એચએમ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ૨૦૦૧માં થઈ. એની મુખ્ય પ્રવૃત્તિ એટલે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય. દાનભાવના પણ તેમના વડીલોને આભારી છે. હરેશભાઈ જણાવે છે, “બીજાને મદદરૂપ થવાનો સ્વભાવ દાદાનો અને પપ્પાનો પણ.” એચએમ ટ્રસ્ટની સેવાના વ્યાપને હરેશભાઈએ છ એક ટ્રસ્ટના સમન્વયથી સશક્ત બનાવ્યો છે. તેઓ કહે છે, “વિવિધ સંસ્થાઓ શૈક્ષણિક સહાય કરે પણ જો તેમની વચ્ચે તાલમેળ ના હોય તો ડુપ્લિકેશન થવાની તથા ખરેખરા જરૂરિયાતમંદના વંચિત રહી જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી અમે સંયુક્ત થઈને એવું માળખું તૈયાર કર્યું કે અમારી પાસે આવનાર કોઈ શિક્ષણવાંછુ વિદ્યાર્થી ખાલી હાથે પાછો જાય નહીં.”
વેપાર તથા સેવા વચ્ચે લગાતાર સંતુલન જાળવીને હરેશભાઈએ બેઉ મોરચે સીમાચિહ્નો સ્થાપ્યાં છે. વેપારમાં હવે તેમને નાના દીકરા દિવિતનો સબળ સાથે હોવાથી તેઓ સેવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જુહુ રહેતા આ પરિવારની એક ખાસિયત એવી છે કે મહેતા પરિવારના તમામ પિતરાઈઓ, કેપ્ટન નગીનદાસ શાહ, તુલસીદાસ મહેતા, રંગીલદાસ મહેતા અને કિશોરદાસ મહેતા વચ્ચે પણ અતૂટ એકતા, “આજના તારીખમાં બધું મળીને સોળ ભાઈ અને બહેનોના અમારા પરિવારમાંથી કોઈને પણ જરૂર પડે અને એક હાકલ પડે ત્યાં સૌ ભેગા થઈ જાય. સંગઠનની આ શક્તિએ અમારા પરિવારને તથા વેપારોને પણ મજબૂત રાખ્યા છે.”
શ્રીનાથજીબાવામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા હરેશભાઈ કહે છે, “દરેક વ્યક્તિમાં કોઈક તો હુન્નર હોય જ. એને યોગ્ય દિશામાં વાળતા આવડે તો જીવનમાં મળતી દરેક વ્યક્તિ આપણને લાભપ્રદ થાય અને આપણે તે વ્યક્તિને.” દેશ-વિદેશમાં વેપાર તથા પર્યટન અર્થે તેઓ ખાસ્સું ફર્યા છે. અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ તથા વેપારી એસોસિયેશન્સ સાથે સંકળાયેલા રહીને તેમણે નોંધનીય યોગદાન આપ્યું છે. ફાઇનલી તેઓ કહે છે, “ગરીબી નિર્મૂલનનો સૌથી અકસીર માર્ગ શિક્ષણ છે. સમાજ ઉત્કર્ષનો સૌથી અકસોર માર્ગ બીજાને મદદ કરવાનો છે. આ બે બાબતો સૌના હૃદયમાં સાફસાફ નોંધાઈ જાય તો આખા વિશ્વનું કલ્યાણ થઈ જાય.”
સાતેક વરસ ઘરના બિઝનેસ માટે મારે અનેક લોકોને મળવાનું થયું. મોટા માણસોને મળીને મને ઉચ્ચ શિક્ષણ
તથા જ્ઞાનનું મહત્ત્વ સમજાયું અને મેં ફરી ભણવાનું શરૂ કર્યું.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


