બેહદ વ્યસ્તતા છતાં ચહેરે અને હૈયે ભારોભાર નિરાંત. આ સ્વજને જીવનની દરેક ચઢઊતરને બહુ સહજતાથી અપનાવી લીધી છે. કપોળ તરીકે તેમણે પુણેમાં સમાજનું નામ ચળકતું રાખ્યું છે
“નાનો હતો ત્યારે અમારા પુણેના ઘરે કપોળ સમાજની મીટિંગ્સ યોજાતા મેં જોઈ હતી. હું નિરીક્ષણ કરતો કે પપ્પા કઈ રીતે સમાજને મદદરૂપ થાય છે. મારા ભાગે પણ નાની-મોટી જવાબદારી આવતી. ત્યારથી જ્ઞાતિજનોની સેવા મારા જીવનનો અંતરંગ હિસ્સો બની.” પુણેના રહેવાસી, મૂળ વાસાવડના હેમંતભાઈ મણિભાઈ મહેતા સૌના સ્વજન-સાથીદાર છે. પરિવારમાંથી નસીબ અજમાવવા પિતા સૌપ્રથમ ગામથી ગયા કલકત્તા. પરિવાર પુણે કેમ કરતા પહોંચ્યો? હેમંતભાઈ કહે છે, “બીજા વિશ્વયુદ્ધ વખતે મારા દાદા શામજીભાઈએ પિતાને વતન પાછા બોલાવી લીધા. પરિસ્થિતિ પૂર્વવત્ થતાં થોડાં વરસે તેઓ મુંબઈ આવ્યા, ત્યાંથી દેવલાલી જઈને વસ્યા અને છેવટે ઠરીઠામ થયા પુણે.”
મહેતા સોપ ફેક્ટરીના નામે આજે પ્રસ્થાપિત વેપાર ધરાવતા આ પરિવારે વેપાર ઉપરાંત સેવાના મોરચે દર્શનીય યોગદાન આપ્યું છે. હેમંતભાઈનો જન્મ ૧૯૫૦માં થયો. પુણેમાં તેમના પિતાએ વિવિધ નોકરી કરી એ પહેલાં, ગામમાં રહેતા પણ ખાસ્સા પરિશ્રમ કર્યા હતા. હેમંતભાઈ કહે છે, “પપ્પા એવા કુશળ કે પગ વગરના જણને પગરખાં વેચી જાણો. મારા દાદા ગાંધીવાદી અને ઇન્કલાબવાળા શામજીભાઈ તરીકે જાણીતા. કોટડાના દરબારે એટલે તો એમને ગામનિકાલ કર્યા હતા. ત્યારે ઘરમાં હાંડલા કુસ્તી કરે. પિતા સાઇકલ પર માલ લાદીને વીસ વીસ કિલોની ડિલિવરી કરતા જતા. પુણેમાં નોકરીઓ પછી કિરાણાની દુકાન કરી ત્યારે પણ આકરી મહેનત કરી હતી.” એ પછી થોડી આર્થિક સ્થિરતા આવતાં તેમણે માબાપને પુરો બોલાવી લીધાં. એવામાં, હેમંતભાઈ કહે છે, “નસીબે વળી પલટો ખાધો. કરજ થતાં દુકાન વેચવાનો વારો આવ્યો અને…” જોકે એ પછી ૧૯૬૨માં મણિભાઈએ સાબુની ફેક્ટરી નાખી. એમાં તેમને મોટાભાઈ, હેમંતભાઈ જેમને બાપુજી તરીકે સંબોધે, તેવા પ્રભુદાસભાઈનો સાથ મળ્યો. તકલીફો દૂર થવાના પ્રકરણની એ સાથે શરૂઆત થઈ.
કપોળ તરીકે સેવા કરવાની પરિવારની પ્રથા પણ ત્યારથી અમલમાં. હેમંતભાઈએ વિદ્યાર્થી તરીકે ભણતર આર. સી. એમ. ગુજરાતી હાઈસ્કૂલમાં લઈ ફર્ગ્યુસન કોલેજમાંથી બીએસસીની ડિગ્રી મેળવી. ૧૯૭૩માં તેઓ પિતાના વેપારમાં જોડાયા. પછીના વરસે મૂળ અમરેલીનાં, સાયકોલોજી સાથે આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થનારાં, દીપ્તિબહેન સાથે લગ્નગ્રંથિએ જોડાયા. એ વખતે વેપારની સ્થિતિ તેઓ વર્ણવે છે, “પિતા-બાપુજીના પુરુષાર્થથી વેપાર સરસ જામી ગયો હતો. અમારું મુખ્ય ઉત્પાદન ડિટરજન્ટ પાઉડર, જેનો મુખ્ય કાચો માલ એસિડ સ્લરી. ત્યારે એ દસેક રૂપિયે કિલો ખરીદીએ. મેં પુસ્તકો વાંચી, વૈજ્ઞાનિકોને મળી અને ઘેર તપેલાં બાળી અખતરા કરતાં, છેવટે જાતે એસિડ સ્લરીના ઉત્પાદનમાં સફળતા મેળવી.’’ મોટો ટર્નિંગ પોઇન્ટ પુરવાર થઈ એ બાબત. મુખ્ય કાચા માલની પડતર કિંમત સીધી અડધી થઈ ગઈ, “શિક્ષણ, સંધર્ષ અને સંશોધન પછી મળતી સફળતાનો સ્વાદ જુદો હોય છે,” હેમંતભાઈ કહે છે.
પિતાના સમયથી મહેતા પરિવારે વેપારમાં વેલ્યુ ફોર મનીની પોલિસીનું અક્ષરશ: પાલન કર્યું છે. હેમંતભાઈ ઉમેરે છે, “આજે પણ વસ્તુ અમે મોટી બ્રાન્ડ્સથી પણ સારી બનાવીએ. ભલે કિંમત પણ મોટી બ્રાન્ડ્સથી વધુ રાખવી પડે, છતાં ગુણવત્તામાં સમાધાન નથી કરતા.” કંપનીનાં ઉત્પાદનોની ખ્યાતિ અને માગ પણ ઊંચી છે. તેથી તો વધતી ક્ષમતા પછી પણ આ ઉત્પાદનો હજી મહારાષ્ટ્રની બહાર પ્રાપ્ય નથી. સાથે પરિવારના ભોગે વેપાર નહીં એ પણ હેમંતભાઈનો નિયમ, “રવિવારે માલ આવે તો પણ ટ્રક સોમવારે ખાલી કરવી. એમાં ફેરફાર ના થાય. પહેલાં હું અને હવે દીકરાઓ વેપાર સંભાળે છે અને તેઓ પણ આ નિયમને અનુસરે છે.” સંતાનોમાં તેમને વિક્રમ અને હિમાંશુ છે. ઉપરાંત પૌત્ર-પૌત્રીઓ ખરા, જેમના માટે દાદા હેમંતભાઈએ અનોખો નિયમ કર્યો છે. દર વરસે પાંચ-સાત દિવસનાં બે અને આખા મહિનાનું એક વેકેશન ફિક્સ!” વેકેશનમાં હેમંતભાઈ તથા દીપ્તિબહેન પૌત્ર-પૌત્રીને લઈને બહારગામ જતાં રહે છે અને બધાં સાથે મજા કરે. એ તેમના જીવનનો સોનેરી સમય, તેવું તેઓ માને છે.
પહેલેથી પરોપકારમાં માનનારા હેમંતભાઈ માબાપની સ્મૃતિમાં તેમના નામ સાથે હીરામણિ ટ્રસ્ટ પણ ચલાવે છે. તેની સ્થાપના ૧૯૮૭માં થઈ. સોંઘા દરે હોમિયોપથી અને ડેન્ટલ ક્લિનિક ચલાવવા ઉપરાંત આ ટ્રસ્ટ શૈક્ષણિક, સ્વાસ્થ્યલક્ષી સહાય કરે છે. મેડિકલ કેમ્પનું આયોજન પણ કરે છે. પિતાએ ૧૯૭૬માં સ્થાપેલી શ્રી માધવ સેવા મંડળ નામની સંસ્થામાં પણ તેઓ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. મંદિર સંલગ્ન આ સંસ્થા ચારસોથી વધુ વિધવા બહેનોને દર મહિને અનાજ પુરું પાડે છે. ઉપરાંત પુણેના પૂના ગુજરાતી કેળવણી મંડળમાં પણ તેઓ પ્રવૃત્ત છે. તેમાં લગભગ ૭,૦૦૦ વિદ્યાર્થીઓ કે. જી.થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ લઈ રહ્યા છે. કેળવણી મંડળ હેઠળ પુણેમાં થતાં શિક્ષણલક્ષી કાર્યો બેનમૂન છે. “મૂળે એની સ્થાપના ગાંધીવાદી પ્રો. જે. પી. ત્રિવેદીસાહેબે કરી. પુણેના ગુજરાતીઓના તેઓ આધાર હતા.” પ્રો. જે. પી. ત્રિવેદી ટ્રસ્ટની તવારીખ વાગોળતાં હેમંતભાઈ કહે છે, “ત્રિવેદીસાહેબના અવસાન પછી તેમની સ્મૃતિમાં લેડી ઠાકરસીના પ્રમુખપદ હેઠળ ૧૯૪૬માં પ્રો. જે. પી. ત્રિવેદી સ્મારક ટ્રસ્ટની સ્થાપના થઈ. તેના અંતર્ગત સેનેટોરિયમથી માંડીને, ત્યારે ૬૫ અને હવે ૧૩૨ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી અદ્યતન હોસ્ટેલ પણ કાર્યરત છે. પિતાએ સંસ્થાની અવિરત સેવા કરી. એમના પગલે હેમંતભાઈ પણ સંકળાયા. સન ૨૦૦૨ આસપાસ આમંત્રિત ટ્રસ્ટી, તો ૨૦૦૫થી ટ્રસ્ટી તરીકે તેઓ સંસ્થામાં જોડાયા. સંસ્થાની હોસ્ટેલના નવનિર્માણનું કાર્ય હેમંતભાઈના માર્ગદર્શનમાં ૨૦૧૨માં પૂર્ણ થયું હતું. એ પછી ક્ષમતા વધવા સાથે વિદ્યાર્થીઓને અદ્યતન સગવડો પ્રાપ્ત થઈ છે. સંચાલનમાં અન્ય ટ્રસ્ટીઓના સબળ સહયોગથી હેમંતભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. જાતપાતના ભેદભાવ વિનાની આ હોસ્ટેલ તથા સેનેટોરિયમ પુણે માટે સીમાચિહ્ન સમાન સેવાસંસ્થા છે. ઉપરાંત શ્રી પૂના કપોળ મિત્ર મંડળમાં પણ તેમણે ૧૯ વરસ સેક્રેટરી તથા પ્રમુખ તરીકે સેવા આપી છે. પુણેના ગુજરાતી મિત્ર મંડળમાં પણ તેઓ ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂક્યા છે.
સેવા વિશે હેમંતભાઈ ઉમદા વિચારો ધરાવે છે, “પૈસાદાર થવાથી કશું ના થાય. બીજાઓ માટે પૈસા ખર્ચવાને દિલ હોય ત્યારે જીવન સાર્થક થાય. આપણને જે કંઈ મળ્યું છે તે સમાજમાંથી મળ્યું છે તો કોઈ પણ રીતે સમાજને પાછું આપી ઋણ ફેડવું જોઈએ.” હેમંતભાઈ ઇચ્છે છે કે સેવાકાર્યોમાં યુવાનો વધુ સંખ્યામાં જોડાય, “પહેલેથી જો સારા સંસ્કાર મળે તો નવી પેઢીમાં સેવાભાવના કેળવી શકાય. વત્તા, વડીલોએ યુવાનોને સાંકળવા પડે અને પીરજ રાખવી પડે. ત્યારે જઈને બધું બરાબર ગોઠવાય.”
ગુજરાતીઓ તથા અન્યોને પણ મદદરૂપ થતા હેમંતભાઈ વ્યસ્તતા વચ્ચે, જે સોસાયટીમાં રહે છે તેના ચેરમેન તરીકે પણ સેવા આપે છે. પરિવારની સફળતાનો શ્રેય વડીલોને આપતાં તેઓ બાપુજીનું પણ સ્મરણ કરે છે, “તેઓ ભગવાનના માણસ હતા. અમે જે મેળવ્યું છે તે તેમના પુણ્ય થકી.” જીવનમાં સતત શીખતા રહેવાની તેમની ધગશ અનોખી છે. એકવાર એક મિત્રની દીકરી ફાઇનાન્શિયલ એનાલિસીસના કોર્સમાં નપાસ થતાં હેમંતભાઈએ વડીલસહજ મજાક કરી, તો દીકરી કહે, “કાકા, કોર્સ બહુ અઘરો છે, કરો તો ખબર પડે.” હેમંતભાઈએ ખરેખર ૪૩ વરસની ઉંમરે એડમિશન લઈ એક વર્ષનો કોર્સ કર્યો અને ડિસ્ટિન્ક્શન સાથે બીજા નંબરે આવ્યા! છેવટે, પિતાના પરગજુપણાનો એક કિસ્સો તેઓ કહે છે, “સાધારણ સ્થિતિના એ દિવસો હતા. ઘેર એક માણસ આવ્યો. એનું ખિસ્સું કપાયું હતું. પિતાને કહે કે મને બસ ગામ જવા ટ્રેનની ટિકિટ લઈ દો. પૈસાની કારમી તંગીમાં પણ પિતાએ તેમને ટિકિટ કરી આપી.” જ્યાં પિતા આવા હોય ત્યાં સંતાનો સેવામય હોય એમાં નવાઈ શી?
રવિવારે માલ આવે તો પણ ટ્રક સોમવારે ખાલી કરવી. એમાં ફેરફાર ના થાય. પહેલાં હું અને હવે દીકરાઓ
વેપાર સંભાળે છે અને તેઓ પણ આ નિયમને અનુસરે છે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


