વેપારમાં નાની વયથી દૂરંદેશી અને ઘરમાં શ્રદ્ધા તથા સંસ્કારનું વાતાવરણ. બેઉના સમન્વયથી આ સ્વજને આદર્શ જીવન જીવી જાણ્યું છે. બીજાને મદદરૂપ થવાની તેમની ભાવના પણ ઉત્કટ છે
“તૂ અપની કર, દૂસરોં કી મત દેખ,” એવો એક બોધ આવે છે વલ્લભ સાખીમાં. પોતાના જીવનમાં તેનું અક્ષરશઃ પાલન કરવાને સચેતપણે પ્રયત્નશીલ રહે છે હિમાંશુભાઈ. “બીજાને નિહાળવા કરતાં આપણે પોતાનાં હિસાબ-કિતાબ એટલા ચોખ્ખા રાખવા પર ધ્યાન આપવું કે જેથી જીવનમાં ક્યારેય કશાનો અફસોસ કરવો પડે નહીં.” એવું તેઓ જણાવે ત્યારે વાતની શરૂઆત જાણે અલગ વિજમાં થઈ રહી હોય તેવી અનુભૂતિ થાય.
મૂળ સાવરકુંડલા જેમનું વતન એવા હિમાંશુભાઈ એટલે જ્યોતિબહેન અને રમણિકલાલના સૌથી મોટા દીકરા. જન્મ ૧૯૬૪માં મુંબઈમાં થયો. પરિવારમાં તેમના ઉપરાંત માતાપિતાને હિતેન અને નીપા એમ અન્ય બે પણ. મુંબઈમાં ત્યારે જમાનો એવો કે ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા પરિવારો ચાલી સિસ્ટમનાં મકાનોમાં, નાનાં નાનાં ઘરોમાં સુખેથી જીવે અને ભવિષ્ય ઘડવા મથ્યા કરે. હિમાંશુભાઈનો પરિવાર પર એવી કંઈક રીતે પ્રિન્સેસ સ્ટ્રીટના બે રૂમના ઘરમાં રહે. કુલ ૧૨ સભ્યોનું કુટુંબ. હિમાંશુભાઈને બાળપણની રોચક વાતોનું આજે પણ સ્મરણ છે, “ઘર ભલે નાનાં હતાં પણ સૌનાં દિલ મોટાં હતાં. અમારું મકાન ચાર માળનું અને એમ લાગે જાણે આખું મકાન એક વિશાળ પરિવાર હોય. જમવાનું કોઈકના ઘરે રંધાય અને સોડમથી ખેંચાઈને સૌ સ્વાદ માણવા પહોંચી જાય. પ્રસંગ કોઈકના ઘરે હોય અને મોટી સંખ્યામાં મહેમાનો આવે તો પણ આડોશપાડોશનાં ઘરોમાં પણ સચવાઈ જાય.”
તે સમયની જીવનશૈલી અને રહેણીકરણીમાં ગજબની એકતા અને ઊર્જા હતી. એની હૂંફ માણતાં હિમાંશુભાઈનું બાળપણ પસાર થયું. તેમણે ભરડા હાઈસ્કૂલમાં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. એ પછી બારમા ધોરણ સુધી તેમણે અંજુમન ઇસ્લામમાં અભ્યાસ કર્યો. તેમના પિતા લોખંડ બજારમાં નોકરી કરતા અને અનુભવ મેળવ્યા પછી સ્વતંત્ર દલાલી કરતા હતા. પોતાની કારકિર્દીની વાત કરતાં હિમાંશુભાઈ જણાવે છે, “હું સૌથી પહેલાં પપ્પા સાથે જોડાઈને લોખંડની દલાલીનું કામ કરતો. એ કરતાં કરતાં એકવાર મારી ઓળખાણ નલિની પ્રભુ નામનાં બહેન સાથે થઈ. તેઓ સ્ટોક બ્રોકિંગના વ્યવસાયમાં હતા. મને એ ક્ષેત્રમાં રસ પડ્યો અને મેં તેમની સાથે ઝંપલાવ્યું.”
૧૯૯૫માં તેમણે નવા ક્ષેત્રમાં આવી અલાક્રિટી સિક્યોરિટીઝ લિમિટેડ નામે કંપની શરૂ કરી. કંપનીની પહેલી ઓફિસ ફોર્ટ સ્થિત મોદી સ્ટ્રીટમાં હતી. નલિનીબહેન ઓડિસી ફાઇનાન્સ નામે બીજી પણ એક કંપની ચલાવતાં હતાં. જેમની સાથે બ્રોકર તથા ગ્રાહક તરીકેનો પ્રારંભિક પરિચય થયો તેવાં નલિનીબહેનનું માર્ગદર્શન તથા ક્ષેત્ર હિમાંશુભાઈને સરસ ફળ્યું. તેઓ સ્ટોક બ્રોકિંગના ક્ષેત્રમાં સહિયારો વિકાસ સાધતાં પાટર્નર અને ડિરેક્ટરના પદ સુધી પહોંચ્યા.
હિમાંશુભાઈની વ્યવસાયિક સ્થિરતા સાથે ૧૯૮૭માં મહેતા પરિવાર કાંદિવલીના બે બેડરૂમના ફ્લેટમાં રહેવા આવ્યો. સાથે ૧૯૮૮માં તેમનાં લગ્ન મૂળ રાજુલાનાં બીનાબહેન સાથે થયાં. પત્ની વિશે વાત કરતા હિમાંશુભાઈ કહે છે, “મારાં મમ્મીની જેમ બીના પણ ખૂબ શ્રદ્ધાળુ છે. અમારા ઘરે રોજ પૂજાપાઠ સહિત તહેવારોની સવિધિસર ઉજવણીના ક્રમને ટકાવી રાખવામાં તેનો મોટો ફાળો છે.”
હિમાંશુભાઈ અને બીનાબહેનને પૂજા અને પછી કરિશ્મા એમ બે મીઠડી દીકરીઓ થઈ. બીનાબહેનના પગલે અને સાચી દિશામાં મહેનતે હિમાંશુભાઈના જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધતી ચાલતી. દૂરંદેશી અને આયોજન હિમાંશુભાઈની સ્વાભાવિક તાકાત રહ્યાં છે. તેથી તો જે જમાનામાં લોકો કાયદાથી દૂર રહી કામકાજ કરતા ત્યારે તેમણે પોતાની કંપનીને લિમિટેડ બનાવીને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે રજિસ્ટર્ડ કરાવીને પદ્ધતિસર આગળ વધવું મુનાસિબ માન્યું હતું. એના ફળસ્વરૂપે તો તેમનો વેપાર કાયમ વિશ્વસનિયતા સાથે વૃદ્ધિ કરતો ગયો.
૨૦૦૮ અને ૨૦૧૬ વચ્ચે નવેક વરસ તેઓ ઇન્ડોનેશિયા પણ રહ્યા, જ્યાં તેમણે માઇનિંગના વેપારમાં સારી એવી સફળતા મેળવી. ૨૦૦૫માં નલિનીબહેને વેપારમાંથી નિવૃત્તિ લીધી એ પછી હિમાંશુભાાઈએ એની તમામ જવાબદારીઓ પોતાના ખભે ઉઠાવી લીધી. કંપનીની ઓફિસ પણ વિલેપાર્લે શિફ્ટ કરવામાં આવી.
વેપારી મોરચે સક્રિયતા વચ્ચે હિમાંશુભાઈએ સેવાના ક્ષેત્રે પણ બહુ પહેલેથી ઉત્સ્ફુર્તતા દાખવવા માંડી હતી. જરૂરિયાતમંદને મદદરૂપ થવાનો તેમનો સ્વભાવ છે. તેઓ કહે છે, “કોઈ આપણું સારું કરે કે ના કરે, આપણે આપણી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવવી જોઈએ. બીજાની ખુશીમાં ખુશ થવું એ સૌથી મોટો આનંદ છે.” પૂજ્ય રાજુબાવા પાસેથી બ્રહ્મસંબંધ લેનારા હિમાંશુભાઈ પરોપકાર જરૂર કરે પણ એના વિશે ઢંઢેરો પીટવો તેમને ગમતો નથી.
ભગવાન વિશેની તેમની ભાવના બહુ સરસ છે, “જે ભક્તિમાં શરતો મૂકવામાં આવે એ ભક્તિ હોઈ ના શકે. આપણે અમુક કામ પાર પાડે તો દર્શન કરીશ કે ફલાણુ કરીશ અથવા દાન કરીશ એવું ધારીએ એ તો સગવડિયો ધર્મ થયો. શ્રદ્ધા ત્યારે સાચી ગણાય જ્યારે એ નિઃસ્વાર્થ અને શુદ્ધ હોય.” એવી જ રીતે વ્યક્તિમાત્ર પર વિશ્વાસ મૂકવાની વાતે તેમના વિચારો અપનાવવા જેવા છે, “જો કોઈ વ્યક્તિ પર આપણે ભરોસો મૂકીએ તો પૂરેપૂરો મૂકવો જોઈએ. આપણા મનમાં જો ખોટ હોય ની ના આપણું કામ થાય છે કે ના સામી વ્યક્તિનું.”
છેલ્લાં થોડાં વરસોથી તેઓ વેપાર પર ઓછું અને સેવા પર વધુ લક્ષ આપે છે. તેમની દીકરીઓમાંથી પૂજા આશુતોષ ગુપ્તા સાથે લગ્ન કરીને સુખી છે. આશુતોષભાઈનો ટેક્સટાઇલનો બિઝનેસ છે તો પૂજા પિતાની કંપનીની કુશળતાપૂર્વક સંભાળી રહી છે. નાની દીકરી કરિશ્મા હાલમાં દુબઈમાં ફેશન ડિઝાઇનિંગના છેલ્લા વરસનો અભ્યાસ કરી રહી છે.
જીવનના યાદગાર પ્રસંગોની વાત નીકળતાં હિમાંશુભાઈ ૨૦૧૬માં તેમણે યોજેલી સાત દિવસની ક્રૂઝ યાત્રાનો ઉલ્લેખ કરે છે. વેનિસ અને એથેન્સ સુધીની એ ક્રૂઝમાં દેશભરથી આવેલા ૧,૧૦૦ મિત્રો સ્વજનો જોડાયા હતા. હિમાંશુભાઈ કહે છે, “ગોકુલ સે ગીતા વિષયને આવરીને અમે એ પ્રવાસને આસ્થા તથા આનંદના સમન્વયમાં ફેરવી નાખ્યો હતો. મારા ૯૨ વરસના મામાએ આ પ્રવાસ માટે પાસપોર્ટ કઢાવ્યો હતો. તેમના જેવા કેટલાય સ્વજનોને યાદગાર પ્રવાસ કરાવવાની ખુશી શબ્દોમાં વર્ણવવી અઘરી છે.”
જીવનના ખરા અર્થ વિશે તેઓ કહે છે, “હવે લોકોને સ્વાર્થ હોય તો સંબંધમાં રસ પડે છે. આવી માનસિકતા સારી નથી. માણસે સાચી શાંતિ માટે ધર્મમાં ઊંડા ઊતરવાની જરૂર છે.” ધાર્મિક ઉપરાંત શૈક્ષણિક તથા સ્વાસ્થ્યલક્ષી બાબતો માટે બીજાને મદદરૂપ થવામાં માનતા આ વડીલ છેલ્લે કહે છે, “ઈશ્વરનું આપ્યું આજે સારા કામમાં વાપરશો તો તમારી આવતીકાલની બધી ચિંતા એ સાચવી લેશે.”
કોઈ આપણું સારું કરે કે ના કરે, આપણે આપણી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવવી જોઈએ.
બીજાની ખુશીમાં ખુશ થવું એ સૌથી મોટો આનંદ છે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


