એંસીથી વધુ દેશમાં તેમની કંપનીનાં ઉત્પાદનો ડંકો વગાડે છે. વેપાર, પરિવાર અને સમાજના ત્રણેય મોરચે તેમનું યોગદાન અસાધારણ છે. હિતેન્દ્રભાઈ એ યોગદાન થકી સ્વજનો અને મિત્રોમાં સર્વપ્રિય છે
સાડાછ હજારથી વધુ યુનિક પ્રોડક્ટ્સનું નિર્માણ ભાલરિયા ગ્રુપે કર્યું હોવા છતાં, નવાઈ એ કે કોઈ પ્રોડક્ટની ગ્રુપે ક્યારેય પેટન્ટ લીધી નથી. સાત પેઢીથી ભાલરિયા પરિવાર ધાતુ-વાસણના ઉદ્યોગમાં પ્રવૃત્ત છે. એમાં અનોખું પ્રકરણ ઉમેરનારા બન્યા હિતેન્દ્રભાઈ. આ પેટન્ટ નહીં લેવાના નિયમ વિશે તેઓ કહે છે, “હું દેવકી બનીને કૃષ્ણને યશોદાના હાથે ઉછરતા જોઈ રાજી થવામાં માનું છું. અમારાં ઉત્પાદનોની કોઈક નકલ કરે ત્યારે એ વિચારી આનંદ અનુભવું છું કે સારું, આનાથી મારા દેશનો વિકાસ થશે.”
દેશપ્રેમ, કપોળપ્રેમ, પરગજુપણું તથા દૂરંદેશી, ચારેયનો જેમનામાં સુભગ સમન્વય થયો છે તેવા હિતેન્દ્રભાઈ એટલે મંજુલાબહેન અને ભૂપતભાઈના દીકરા. ૧૯૬૦માં જન્મ અને મૂળ વતન તળાજા પણ પરિવાર ૧૮૦ વર્ષથી મુંબઈમાં વસે. વેપારી તરીકે શાહ કેશવજી લાધા નામે કંસારા ચાલમાં પ્રસ્થાપિત વેપાર હોવાથી ઘરે આર્થિક અડચણો નહોતી. શાળાકીય શિક્ષણ ગામદેવીની ચિલ્ડ્રન્સ એકેડમીમાં મેળવીને તેમણે વિલેપાર્લેની મીઠીબાઈ કોલેજથી કેમિસ્ટ્રીમાં બીએસસી કર્યા પછી કે. સી. કોલેજથી માર્કેટિંગ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી. ઘરનો વેપાર ત્યારે પિતા ઉપરાંત કાકા મધુકાંતભાઈ અને મેનેજર સરસ ચલાવે. શિક્ષણ પત્યે હિતેન્દ્રભાઈ તેમાં જોડાયા તો તરત ખ્યાલ આવ્યો, “ભણતર અને ગણતર વચ્ચે મેળ પડી જાય તો કમાલ થઈ જાય.” સામે પિતાનો મત પણ સરળ અને સ્વીકાર્ય, “સંયુક્ત કુટુંબમાં સૌને રાજી રાખીને આગળ ચાલવું પડે. તું ચોવીસ વરસથી મારો દીકરો, પણ મારો ભાઈ તો બેતાલીસ વરસથી. મારા ભાઈનું મન ખાટું કરી તને પરિવર્તનની છૂટ કેમ કરી આપું?”
કોઈ વિવાદ કે મનભેદ વિના હિતેન્દ્રભાઈએ ઠરાવ્યું કે ઘરની પેઢી છો ચાલે, મારા વિઝનને સાકાર કરવા નવી કંપની તો થઈ શકેને? એમાંથી જન્મ થયો ભાલરિયા મેટલ ક્રાફ્ટનો, દેશમાં પહેલીવાર બ્રાન્ડેડ વાસણોના યુગનો અને તેઝ બ્રાન્ડનો. એ પૂર્વે હિતેન્દ્રભાઈએ શિરીષ પટેલ નામના મિત્રની ભાગીદારીમાં પણ વેપાર ખેડ્યો, જે ૧૯૮૪માં શિરીષભાઈએ છોડતા સ્વતંત્ર કારભાર હિતેન્દ્રભાઈ હસ્તક આવ્યો.
એક નવા યુગની જાણે શરૂઆત થઈ. હિતેન્દ્રભાઈ એનાં કારણો આપે છે, “બ્રાન્ડેડ વાસણો વેચવા સાવ નવી ઘટના હતી. વેચેલો માલ રિટર્ન લેવો નહીં એ અકલ્પનીય શરત હતી. પહેલી બાબતે અમારાં ઉત્પાદનોને નોખી કક્ષામાં મૂકી દીધાં. બીજી બાબતે અકાઉન્ટ્સની ઝંઝટ નહિવત્ કરી નાખી. ઉત્પાદનમાં અમે એટલી ઝાઝી ચીવટ રાખી કે ખરીદનાર વેપારી ફરિયાદ કરી શકે નહીં અને માલથી સંતુષ્ટ થાય જ.” સાક્ષરતાના સથવારે તેમણે નેકસ્ટ અગત્યનું કામ કર્યું બીજી અનેક બિનજરૂરી અને સમય-નાણાંનો વ્યય કરાવતી બાબતોથી બચવાનો. પરિણામ આવ્યું વધતી નફાશક્તિ, જેનો લાભ પચાસ ટકા ગ્રાહકની તરફેણમાં તો પચીસ-પચીસ ટકા કર્મચારી-સંશોધન તરફ વાળ્યો. એ સાથે, તેઝ બ્રાન્ડના સથવારે કંપનીની તેજ રફતાર પ્રગતિ શરૂ થઈ અને આજ સુધી અટકી નથી.
જાણીને નવાઈ થશે કે ૧૯૮૦-૯૦ના દાયકામાં ભાલરિયા ગ્રુપે દર વરસે બસોથી વધુ પ્રોડક્ટ્સના ઇનોવેશનનો શિરસ્તો શરૂ કર્યો હતો. સપ્લાયર્સ વચ્ચે સ્પર્ધા ટાળવા સૌને એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ આપવાનો શિરસ્તો પણ ત્યારે શરૂ કર્યો હતો. વેપારીના હિત સાથે ગ્રાહકના સંતોષના સિદ્ધાંતની ઝમકદાર જોડી થકી કંપની સ્પર્ધકોથી જુદી તરી આવી. એ જમાનામાં અને આજે પણ, વધુ લક્ષ્ય અપાય નિકાસ પર. એના કારણની પણ આગળ વાત કરીશું.
દરમિયાન, પારિવારિક મોરચે દૃષ્ટિપાત કરીએ. ચોવીસ વરસની વયે, ૧૯૮૪માં મૂળ સાવરકુંડલાનાં ભાવનાબહેન સાથે હિતેન્દ્રભાઈએ પ્રભુતામાં પગલાં માંડ્યાં. એની એક મજાની સ્મૃતિ છે, “ભાવનાને પહેલીવાર જોઈ ત્યારે મને થાય કે આ તો બહુ નાની લાગે છે. પછી એકવાર સાડીમાં સજ્જ થયેલી નિહાળી અને લગ્નની હા પાડી.” લગ્ન વખતે તેમનો પરિવાર ખેતવાડી વસે અને દુકાન હતી કાલબાદેવીમાં, “વેપાર વધારવા હું સતત પ્રયત્નશીલ હતો. ઘણીવાર ભાવના દુકાન સંભાળતી અને હું નીકળી પડતો બહારના કામને ન્યાય આપવા.” આ યુગલને નીલ નામે પ્રતિભાશાળી દીકરાનું સુખ પણ પ્રાપ્ત થયું. ખભેખભા મિલાવી પતિ-પત્નીએ કરેલા અથાક પ્રયત્નોએ કંપનીને ખૂબ ખીલવી. ૧૯૯૬માં હિતેન્દ્રભાઈએ ત્રણ વરસનો સાયન્ટોલોજીનો કોર્સ કર્યો. ઉપરાંત અન્ય કોર્સ અને સેમિનારોમાં સહભાગી થવાનો તેમનો ક્રમ રહ્યો છે. વેપારની જવાબદારી ઉમદા રીતે નિભાવ્યા પછી, સાંજ પછીનો સમય પરિવારનો એ તેમનો અફર નિયમ વરસો પહેલાં બન્યો હતો, “વડીલોને મેં વેપાર માટે પરિવારના સમયનો ભોગ આપતા જોયા હતા. તેથી ઠરાવી લીધું હતું કે હું એવો વેપારી બનીશ જે સાંજે પાંચ વાગ્યે વેપાર વધાવીને ઘરને સમય આપે.”
હિંદુસ્તાન પેન્સિલ્સ પરિવારના કીર્તિભાઈ બાબુભાઈ સંઘવી હિતેન્દ્રભાઈના સાઢુભાઈ થાય. તેમનાથી તેઓ ખૂબ પ્રભાવિત છે. સાથે, જીવનના વિવિધ તબક્કે તેમને મામા દિલીપભાઈ સંઘવીનો સબળ સાથે મળતો રહ્યો છે. સમાજના મોરચે હિતેન્દ્રભાઈ સદૈવ કપોળહિત માટે પ્રવૃત્ત રહ્યા છે, “મંદિરમાં દાન દીધે ભૂખ્યાનું પેટ ઠરતું નથી. હું માનું છું કે સુખી હોય તેણે અન્યોને સુખી કરવા કાર્ય કરવાં રહ્યાં.” કપોળ યંગ કપલના પ્રેસિડન્ટ, કપોળ બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ, વિલેપાર્લે કપોળ ઉત્કર્ષ મંડળમાં સેવા, કપોળ બિઝનેસ કાઉન્સિલ તેમ જ, ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરના આંતરરાષ્ટ્રીય કોઓર્ડિનેટર તરીકે ૨૦૦૮માં સેવા સહિતની જવાબદારીઓ નિભાવતાં તેમણે સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યાં છે. સ્ટીલ ઉદ્યોગના પ્રતિનિધિરૂપે બજારની કમિટી તથા સ્ટેનલેસ સ્ટીલ એસોસિયેશનના સભ્ય, ઓલ ઇન્ડિયા એસ. એસ. ઇનસ્ટ્રીઝ એસોસિયેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ, આઈએસડીઓ ઇન્ડિયા એસ. એસ. ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સહિત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઠરાવનારી કમિટીના સભ્ય તરીકે તેમણે ઉદ્યોગની સેવા કરી છે. અપ્રતિમ કાર્યો તથા સેવાઓ માટે કપોળ સમાજે, ઉદ્યોગે, સરકારી સંસ્થાઓએ હિતેન્દ્રભાઈને આપેલા એવોર્ડ્સની યાદી ટપકાવવા તો અલાયદો લેખ લખવો પડે.
વેપારના મોરચે હવે હિતેન્દ્રભાઈ ઓછા પ્રવૃત્ત છે. તેમનું વધુ લક્ષ્ય પરિવાર તથા સમાજ ઉત્કર્ષનાં કાર્યો તરફ વળ્યું છે. વેપારમાં બંધુ જનકભાઈ સાથે દીકરા નીલ તેમ જ ભત્રીજા હૃદયે, કાકાના દીકરા વિજય અને હેમંત સાથે મળીને બાગડોર સંભાળી લીધી છે. ભાલરિયા મેટલ ક્રાફ્ટનો વેપાર આજે દુનિયાના એંસીથી વધુ દેશમાં વિસ્તર્યો છે. કંપનીના અઢી હજારથી વધુ કર્મચારીઓની પરિવારજનો જેવી કાળજી રાખવામાં આવે છે. નવાઈ નથી કે કંપની આર્થિક હરણફાળ ભરવા સાથે નિકાસના અનેક એવોર્ડ્સ જીતી છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોની ફેક્ટરી સ્થાપનારી દેશની પ્રથમ કંપની બની છે. છેલ્લે વાત કરીએ શા માટે કંપનીએ નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું એની. ભાલરિયાનાં ઉત્પાદનો ભારતમાં પણ વેચાય છે, કારણ સ્વજનો-મિત્રોએ હિતેન્દ્રભાઈને આગ્રહવશ સંમત કર્યા કે પોતાના લોકોમાં પણ કંપનીની પિછાણ રહે. હિતેન્દ્રભાઈએ ૨૦૧૦ સુધી માત્ર નિકાસ કરવાનો નિયમ જાળવી રાખ્યો હતો. તેઓ પાસે સરસ નિરીક્ષણ છે. “એક જમાનામાં ભારતીયનું નામ સાંભળી વિદેશીઓ, ખાસ તો જર્મનોને મેં મોં ફેરવી લેતા જોયા હતા. ૧૯૯૧માં તત્કાલીન વડા પ્રધાન ચંદ્રશેખરે દેશનું સોનું ગિરવે મૂક્યું હતું. મારા પર એવી અસર થઈ જાણે ઘરનું સોનું ગિરવે મુકાયું. મેં નિર્ધાર કર્યો હતો કે ભારતનાં ઉત્પાદનોનો દુનિયામાં ડંકો વગાડીને રહીશ. દેશ માટે ડોલર્સ કમાઈને બતાવીશ. આ બેઉ લાગણીઓથી પ્રેરાઈને નિકાસની દુનિયામાં દેશને પ્રતિષ્ઠિત સ્થાન આપવાનો આનંદ મારા જીવનની અમૂલ્ય મૂડી છે.”
વડીલોને મેં વેપાર માટે પરિવારના સમયનો ભોગ આપતા જોયા હતા. તેથી ઠરાવી લીધું હતું કે હું એવો વેપારી બનીશ જે સાંજે પાંચ વાગ્યે વેપાર વધાવીને ધરને સમય આપે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


