ભારતીય રેલવે છેલ્લા કેટલાક વર્ષોમાં સુઘડતા, સ્વચ્છતા અને સેવાઓના સ્તરમાં નોંધપાત્ર સુધારો લાવ્યું છે. કનેક્ટિવિટી અને હોસ્પિટાલિટી મામલે હવે વિદેશી પ્રવાસીઓ પણ ભારતીય રેલવેની પ્રશંસા કરે છે. જોકે નવા વર્ષની શરૂઆત સાથે મુસાફરો માટે થોડી વધારાની ખર્ચાળ સ્થિતિ સર્જાવાની છે.
રેલવેએ જાહેરાત કરી છે કે 26 ડિસેમ્બર 2025થી 215 કિલોમીટરથી વધુ અંતરની મુસાફરી માટે ટ્રેન ભાડામાં વધારો લાગુ કરવામાં આવશે. સામાન્ય વર્ગના ભાડામાં પ્રતિ કિલોમીટર એક પૈસાનો વધારો કરાયો છે. જ્યારે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના નોન-એસી વર્ગ તેમજ તમામ ટ્રેનોના એસી વર્ગમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો લાગુ રહેશે.
આ વર્ષમાં રેલવે દ્વારા ભાડામાં કરવામાં આવેલો આ બીજો વધારો છે. રેલવેના અંદાજ મુજબ, આ ભાડા સુધારણાથી ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની શક્યતા છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ વધારાની આવક મુસાફરોની સુવિધાઓમાં સુધારો, સુરક્ષા મજબૂત કરવા અને રેલ સેવાઓને વધુ આધુનિક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વધારો ખૂબ વિચારપૂર્વક નક્કી કરવામાં આવ્યો છે, જેથી મુસાફરો પર અચાનક મોટો આર્થિક બોજ ન પડે. આ ફેરફાર ખાસ કરીને લાંબી, એટલે કે 215 કિલોમીટરથી વધુ અંતરની મુસાફરી માટે જ લાગુ રહેશે, જ્યારે ટૂંકા અંતરની મુસાફરી પર તેનો સીધો અસર નહીં થાય.
Subscribe Deshwale on YouTube

