નાની ઉંમરે નક્કી કરવું કે જીવન સેવાકાર્યોમાં ખર્ચવું, એ નાનીસૂની વાત નથી. આ વડીલે એવું ઠરાવીને તેનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે. ઘણું જાણવા જેવું છે તેમની પાસેથી
જીવનને પૂરેપૂરા સંતોષ સાથે માણવાનો સરળતમ માર્ગ કયો? આ પ્રશ્નના જવાબ ઘણા હોઈ શકે. એક જવાબ છે પ્રવીણભાઈનું જીવન. સૌ જ્યાં આર્થિક ઉન્નતિ માટે પ્રયત્નશીલ રહીને આખું જીવન ભૌતિકવાદી બનાવી દે ત્યાં પ્રવીણભાઈએ સાધુસંતો થકી જુદી બાબતો આત્મસાત્ કરી.
મૂળ સથરા ગામના એવા દલાલ પરિવારની ઓળખ આમ તો મથુરિયાની. વેપારમાં જોકે એ જમાનામાં આ અટક જરા ઓછી પ્રભાવશાળી લાગે. એટલે એને બદલાવીને કરવામાં આવી દલાલ. માબાપ મંગળાગૌરી અને દ્વારકાદાસને પાંચ દીકરા અને સાત દીકરીઓ. પ્રવીણના પરદાદા જાદવજીભાઈ ૧૮૩૦ની સાલ આસપાસ ગામથી મુંબઈ આવીને વસ્યા હતા. રૂની દલાલીના કામકાજથી તેમણે સારી સમૃદ્ધિ પ્રાપ્ત કરી.
પ્રવીણભાઈનો જન્મ ૧૯૩૯માં થયો. સંતાનોમાં એનો ક્રમ આઠમો. ભણતર ગુજરાતી માધ્યમની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલમાં થયું. મેટ્રિક પછી પ્રવીણે ઇન્ટર સાયન્સ કર્યું. આગળની વાત કરતાં તેઓ એ દિવસોની સ્મૃતિમાં ખોવાઈ જાય છે, “મારી મહત્ત્વાકાંક્ષા એન્જિનિયર થવાની હતી. જોકે હું એ વિશે ગંભીરતાપૂર્વક આગળ વધું એ પહેલાં તો મારા પપ્પાની તબિયત લથડી.”
આમ, આગળ ભણવાના પ્રવીણભાઈના વિચાર પર સમયે બ્રેક મારી. ઘરની પ્રોપર્ટી ઉપરાંત તેમના માથે વિવિધ ટ્રસ્ટના કારભારની જવાબદારી પણ આવી પડી. છતાં, ભણવાની ઇચ્છાને સાવ તડકે મૂકી દેવાને બદલે તેમણે એલએલબી પૂરું કર્યું. પ્રવીણભાઈને એ સમયે બાર કાઉન્સિલની પરીક્ષા આપ્યા વિના લૉની પ્રેક્ટિસ કરવાની પરવાનગી મળી હતી. તેઓ ત્યારે એક કંપનીમાં ભાગીદાર હતા. ભાગીદારોએ તેમને કહ્યું કે જો તમારે લૉની પ્રેક્ટિસ કરવી હોય તો કંપનીમાંથી છુટા થઈને કરો. ૧૯૬૧ની આ વાત અને પ્રવીણભાઈએ ભાગીદારીમાંથી મુક્ત થવાનું ઠરાવ્યું. એ પછી પણ તેમણે લૉની પ્રેક્ટિસ ના કરી. કારણ બહુ વાજબી હતું, “મારા જીવનનો ઉદ્દેશ નક્કી હતો અને એ હતો સેવાકાર્યો કરવાં.”
વેપારી કારકિર્દીની વાત કરીએ તો પ્રવીણભાઈએ ચેમ્બુરમાં આર. કે સ્ટુડિયોની સામે મંગલ ટેક્સટાઇલ પ્રોસેસ હાઉસ સ્થાપ્યું હતું. વીસેક વરસ એ કંપની સરસ રીતે ચાલી. પછી જોકે યુનિયનોના અતિ દબાણના એ સમયમાં કંપની બંધ પડી. એ પછી વેપારમાં ઊંડા ખૂંપવાને બદલે પ્રવીણભાઈએ સેવાકાર્યોને જાત સમર્પિત કરવી મુનાસિબ માન્યું.
દરમિયાન, ૧૯૪૧માં તેમનાં લગ્ન જ્યોતિબહેન સાથે થયાં. આ યુગલને સમય જતાં હિતેન, ધીરેન, ઈશા અને નયન એમ ચાર સંતાનો થયાં. પ્રવીણભાઈના આખા આયુષ્યના કેન્દ્રસ્થાને અન્યો માટે કશુંક કરતા રહેવાની ભાવના રહી છે. તેઓ જેની સાથે સંકળાયેલા છે તેવા પરિવાર તથા અન્ય ટ્રસ્ટોની યાદી બેહદ લાંબી છે. ટ્રસ્ટોની સંખ્યા ઓલમોસ્ટ પચાસ જેટલી થાય છે! મુંબઈ ઉપરાંત નાશિક, સથરા, અમરેલી સહિત અનેક ઠેકાણે આ બધાં ટ્રસ્ટ હેઠળ અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ થાય છે. વાત શિક્ષણની હોય કે સ્વાસ્થ્યની, કપોળોને મદદરૂપ થવાની હોય કે સેનેટોરિયમ થકી લોકાના ઉતારાની કોઈક જગ્યાએ વ્યવસ્થા ઊભી કરવાની, પ્રવીણભાઈ જે ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે તેમના નેજા હેઠળ બધાં સેવાકાર્યો થાય છે. આ ઉપરાંત કપોળ બેન્કના ડિરેક્ટર તરીકે તેઓ પંદર વરસ સેવા આપી ચૂક્યા છે.
આજની વાત કરીએ તો તેમનું પોતાનું જીવન નિરાંતભર્યું છે. લોનાવલામાં તેઓ રહે છે અને ત્યાંથી જ પોતાની જવાબદારીઓનું સકુશળ વહન કરે છે. વેપાર તથા ટ્રસ્ટની રોજબરોજની જવાબદારીઓનો પ્રશ્ન છે ત્યાં સુધી હવે તેમને ત્રણેય દીકરાઓનો સબળ સાથ છે. દીકરાઓમાંથી નયન તથા પત્ની બિંદુ અને બાળકો આદિત્ય-આકાશ અમેરિકાના શહેર ન્યુ જર્સીમાં રહે છે. તેમનાં બહેન ચારુ અમેરિકામાં સ્થાયી થયાં છે. મુંબઈમાં દમુબહેન અને જ્યોતિબહેન રહે છે, તો પદ્માબહેન, મનુબહેન તથા રસીલાબહેન શ્રીજીચરણ પામ્યાં છે. પત્નીની કઝિન્સ પણ અમેરિકામાં છે. બીજા બે દીકરાઓ, હિતેન તથા પત્ની નીતા અને બાળકો દેવાંગ-વિરાંગ, અને ધીરેન, પત્ની દિવ્યા તથા દીકરી ઈશા મુંબઈમાં રહે છે. જીવનસંગિની જ્યોતિબહેન મંગલ પરિચય નામે સફળ અને સેવાલક્ષી મેરેજ બ્યુરો ચલાવતાં હતાં. આજે એના સંચાલનની જવાબદારી દીકરા હિતેને ઉઠાવી લીધી છે. પ્રવીણભાઈ કહે છે, “હું તક મળે ત્યારે અમેરિકા જઈને દીકરા તથા અન્ય સ્વજનોના પરિવાર સાથે સમય પસાર કરું છું. મુંબઈ રહેતા દીકરાઓ ઘણીવાર કહ્યા કરે છે કે તમે અમારી સાથે આવીને રહો. મને જોકે લોનાવલા બરાબર સદી ગયું છે એટલે હું મુંબઈ વસવાનું ટાળું છું. લોનાવલાની કપોળ સેનેટોરિયમ જ્યાં પ્રવીણભાઈ રહે છે એ છે પણ બહુ ઉત્કૃષ્ટ. પંચાવનથી મોટી વયના વડીલોને ત્યાં અઠવાડિયું રહેવાની સગવડ પૂરી પાડવામાં આવે છે.
પ્રવીણભાઈની ષષ્ઠિપૂર્તિ વખતે તેમના જીવન તથા પરિવારજનોનાં મંતવ્યોને આવરી લેતા સુંદર પુસ્તક મંગલદીપનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક થકી તેમના પ્રભાવશાળી જીવનનો વિશિષ્ટ પરિચય થાય છે. જીવનનું સરવૈયું જણાવવાની વાત કરતાં પ્રવીણભાઈ નિખાલસભાવે કહે છે, “અરે, જે કંઈ થતું ગયું એ બધું સહજ ક્રમમાં. મારા હાથે જો કોઈ સારાં કામ થયાં છે તો એ બધું લોકોના પ્રેમ અને ઠાકોરજીની કૃપાને લીધે થયાં છે. એમાં પણ મને સોરાયસીસ થયો એને પણ હું ઠાકોરજીની કૃપા માનું છું, કેમ કે આ રોગ થયા પછી મને અધ્યાત્મ તરફ વળવાની અને જીવનના સાચા અર્થને સાકાર કરવાની પ્રેરણા મળી.” પૂજ્ય ડોંગરે મહારાજ તથા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેથી પ્રવીણભાઈ ખૂબ પ્રભાવિત છે. તેઓ મુદ્દાની વાત કરે છે, “પૈસા તો કોઈ પણ કમાઈ શકે, એમાં મોટી વાત નથી. સાચી કમાણી સંસ્કારની છે. જે આ કમાણી કરી જાણે તેનો જન્મારો સફળ થયો ગણાય.”
પ્રવીણભાઈને સોરાયસીસ થયો ત્યારે ડોક્ટરે તો ચોખ્ખું જણાવી દીધેલું કે હવે તમારે આખી જિંદગી આને સહન કરતા પસાર કરવી પડશે. જોકે સંયમ અને આત્મબળથી પ્રવીણભાઈએ ડોક્ટરને ખોટા સાબિત કર્યા. આજે તેમનો આ રોગ પૂરેપૂરો મટી ગયો છે. એની નિશાનીરૂપે થોડાઘણા ડાઘ છે પણ એ સાવ નિર્દોષ છે!
યુવાનોને સરસ વાત જણાવતાં તેઓ મુલાકાત પૂર્ણ કરે છે, “દરેક યુવાને દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે હું જે કાંઈ કરીશ એ આપબળે કરીશ. પિતા પાસે ગમે તેટલી સંપત્તિ હોય છતાં જાતે કમાયેલી દરેક પાઈનો પોતાનો આનંદ છે. યુવાનો આવું વિચારે અને કરે તો સમાજ, દેશ અને દુનિયા ક્યાંય નીકળી જાય.”
મારા હાથે જો કોઈ સારાં કામ થયાં છે તો એ બધું લોકોના પ્રેમ અને ઠાકોરજીની કૃપાને લીધે થયાં છે. એમાં પણ મને સોરાયસીસ થયો એને પણ હું ઠાકોરજીની કૃપા માનું છું.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


