મક્કમ ડગલે આગળ વધવું અને નીતિને અનુસરવું. આવી બાબતોના આચરણથી તેમણે સફળતા પ્રાપ્ત કરી છે. કાર્ય સાથે સેવાને પણ તેમણે સરસ રીતે વણી છે
“હું ત્યારે આઠમીમાં ભણતો. ગણિતમાં મને એટલો બધો રસ કે શાળાના સમય પહેલાં ત્યાં પહોંચી જતો અને દસમી-અગિયારમીના વર્ગ બહાર ઊભો રહી ગણિતના શિક્ષક જે શીખવે તે શીખ્યા કરતો. પરસાળમાં ઊભા રહી આવું કરતા થોડો સમય વાંધો ના આવ્યો. તકલીફ ત્યારે ઊભી થઈ જ્યારે અંદર શિક્ષક પ્રશ્ન પૂછે અને હું બહારથી જવાબ આપી દેતો. એ પછી શિક્ષકોએ મને વાર્યો અને સમય પહેલાં સ્કૂલે પહોંચવાની મનાઈ ફરમાવી દીધી.” ચમકતી આંખો સાથે કીર્તિભાઈ શાહ આ વાત કરે ત્યારે એમ લાગે જાણે તેઓ સદેહે આપણી સન્મુખ છે પણ માનસિક રીતે પહોંચી ગયા છે તેમની ખંભાતની શાળામાં. ગણિતપ્રેમ સાથે પોતાના સદવર્તનથી તેઓ આચાર્ય રાવસાહેબથી માંડી શિક્ષકોના પણ લાડકા હતા. ત્યારની જ્ઞાનપિપાસા અને પછીની અથાક મહેનતે તેમને આગવા માનવી બનાવ્યા છે.
પ્રભાબહેન અને ડાહ્યાલાલ શાહના દીકરા કીર્તિભાઈનું જન્મસ્થાન અને વતન ખંભાત તાલુકાનું નાનકડું ગામ વરસડા. કોર્નિભાઈ ચોથા બાળક. તેમનાથી મોટાં ત્રણ બહેન સરોજ, રમીલા અને અરુણા. સૌથી નાના બંધુ રમેશ. પિતા ખેતી કરે અને અનાજનો નાનકડો વેપાર પણ ધરાવે. વરસડા સાવ નાનું ગામ અને ત્યાં કીર્તિભાઈ ત્રીજા ધોરણ સુધી ભણ્યા. પછી શાળાના અભાવે ૧૯૬૫માં કુટુંબ સ્થળાંતરિત થયું ખંભાત. આ શહેરમાં તેમણે કેમ્બે હાઈસ્કૂલ અને પછી માધવલાલ શાહ સ્કૂલમાં અભ્યાસ કરતાં મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. એ હતું ૧૯૭૩નું વરસ.
એ પછી તેઓ મુંબઈ આવ્યા અને વી. એમ. કપોળ બોર્ડિંગમાં રહીને આર. એ. પોદ્દાર કોલેજમાં એડમિશન લઈને કોર્મસનો અભ્યાસ કરવા માંડ્યા. કીર્તિભાઈ કહે છે, “સરોજબહેનનાં લગ્ન શરદભાઈ શાહ સાથે થયાં હતાં અને તેઓ મુંબઈ રહેતાં હતાં. તેમણે મને આગ્રહ કરીને મુંબઈ બોલાવી લીધો. મારા નિભાવ માટે શરૂઆતમાં પિતા થોડા પૈસા મોકલાવતા અને સરોજબહેન પણ મદદ કરતાં.”
એવામાં ચીનુભાઈને, જેમને કીર્તિભાઈ પોતાના ગોડફાધર ગણે છે, તેમણે કીર્તિભાઈને બોલાવ્યા અને કહ્યું, “આવતીકાલથી કામે લાગી જા. મહિનાનો પગાર ચારસો રૂપિયા મળશે.” એ સાથે કામ શરૂ થયું. સવારે કોલેજ અને ટ્યુશન, બપોરે આર્ટિકલશિપ. તેમણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ફર્મ કામદાર દેસાઈ પટેલ એન્ડ કંપનીમાં આર્ટિકલશિપ પણ શરૂ કરી દીધી. ૧૯૭૮માં સી. એ. થયા ત્યારે તેઓ હતા દુષ્યંત પારેખની કંપનીમાં.
ચીનુભાઈ શાહ આગવા વ્યક્તિત્વના સ્વામી અને કપોળશ્રેષ્ઠીઓમાં સ્થાન ધરાવતા સ્વજન હતા. સમાજના તત્કાલીન અગ્રણીઓ, વાચ્છાભાઈ, શામજીભાઈ, જિતેનભાઈ મોદી વગેરે અવારનવાર ચીનુભાઈને મળવા આવતા. કીર્તિભાઈને એ વડીલોના અગાધ જ્ઞાન અને અનુભવનો તેનાથી લાભ મળવા માંડ્યો, “એ વડીલોની વાતો એટલી ધારદાર અને જ્ઞાનવર્ધક હતી કે વિશ્વની અગ્રણી મેનેજમેન્ટ કે ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ્સનું શિક્ષણ તેની સામે ઝાંખું પડે. વળી એમાં જીવનનો નિચોડ પણ હોય. ત્યારે જે વાતોનો હું સાક્ષી બન્યો છું તેની મૂડી મને આજ સુધી કામમાં આવ્યા કરે છે.”
સી. એ. થયા પછી કીર્તિભાઈએ સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી. તેમની ફર્મનું નામ કીર્તિ ડી. શાહ એસોસિયેટ્સ અને વરસ હતું ૧૯૮૦નું. પહેલી ઓફિસ હતી વડગાદીમાં, માત્ર ટેબલ સ્પેસની. વિવિધ ઉદ્યોગના ક્લાયન્ટ્સને સેવા આપતાં કીર્તિભાઈને એ બધાના વેપારની વિશિષ્ટતાઓ, આંટીઘૂંટી વગેરેનો સુપેરે પરિચય થવા માંડ્યો. સમય જતાં એક ક્લાયન્ટે કીર્તિભાઈને તેમની ફોર્ટ સ્થિત ઓફિસમાં શિફ્ટ થવા કહ્યું. એ સાથે મોટી જગ્યા સાથે વધુ વ્યવસ્થિત કામ કરવાનો અવકાશ સર્જાયો. ૧૯૮૫માં તેમનાં લગ્ન વિલેપાર્લેમાં રહેતાં સંગીતાબહેન સાથે થયાં. શિક્ષણે એલએલબી સંગીતાબહેનના કાકા વૃંદાવનદાસ વોરા એલઆઈસીના પ્રથમ ચેરમેન હતા. એ બધાં એકવાર તેમના બિલ્ડર સાળા ચૈતન્ય લક્ષ્મીદાસ વોરાએ બનેવીને બોલાવી પ્રસ્તાવ મૂક્યો. “મારો એક પ્રોજેક્ટ છે એમાં તમે ત્રીસ ટકા રોકાણ કરો તો બજારભાવની તુલનામાં ખાસ્સો ફાયદો થશે.” રોકાણ ત્રીસેક લાખ રૂપિયાનું હતું અને પ્રોજેક્ટ હતો દસેક હજાર ફૂટનો. કીર્તિભાઈએ રોકાણ કરવાની હા પાડી, રોકાણકાર તરીકે નહીં પણ એક સાહસ તરીકે. સાળા ચૈતન્યભાઈને તેમણે સી. એ. તરીકે પણ ઘણી મદદ કરી. એકબીજાના સાથથી બેઉની પ્રગતિ ઝડપી થઈ. સાથે, કીર્તિભાઈએ રિયલ એસ્ટેટક્ષેત્રે પ્રવેશ કર્યો.
૧૯૯૨-૯૩ની વાત ચારે બાજુ હિન્દુ-મુસ્લિમ રમખાણો થઈ રહ્યાં હતાં. ચૈતન્યભાઈ એક મોટા પ્રોજેક્ટની મીટિંગમાં જઈ રહ્યા હતા. તેમાં તેમણે કીર્તિભાઈને જોડ્યા. આ પ્રોજેક્ટથી બધાને ઘણો ફાયદો થયો. ૧૯૯૨માં તેમણે એનબીએફસી સ્થાપી અને ફાઇનાન્સનો વેપાર શરૂ કર્યો. વરસ ૨૦૦૦ સુધીમાં તેમણે આ વેપારમાં પ્રવર્તતી અપ્રામાણિક રીતો જોઈને કંપની બંધ કરી. જોકે તેના લીધે તેમને જુદા જુદા બિઝનેસની આંટીઘૂંટી શીખવા મળી.
એકવાર લંડનના એક મિત્રએ કીર્તિભાઈને કોઈક વિષય પર સૂચન આપવા કહ્યું. ત્યાંના કાયદા આપણાથી જુદા. કીર્તિભાઈએ બરાબર ત્યાંના કાયદાનુસાર માર્ગ કાઢી આપ્યો. મિત્ર એવા ઇમ્પ્રેસ થયા કે તેમણે કીર્તિભાઈને પોતાના સી. એ.ના ક્લાયન્ટસના ઓડિટને લગતાં બધાં કામની જવાબદારી ઇંગ્લેન્ડ-આયરલેન્ડના કાયદા પ્રમાણે સોંપી. આજની ભાષામાં એ કામ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ અથવા કેપીઓ. ભારતમાં ઓડિટ ક્ષેત્રે કેપીઓના પ્રણેતા કીર્તિભાઈને કહી શકાય. ૧૯૯૯થી ૨૦૦૫ સુધી તેમણે સતત એ કામ શ્રેષ્ઠ રીતે પાર પાડ્યું. ટેક્નોલોજી પા પા પગલી ભરતી હતી તથા યુરોપિયન ડેટા પ્રોટેક્શન એક્ટને અનુરૂપ કામ કરવું કઠિન હતું એ જમાનામાં!
આ વચ્ચે એક ઘટના હજી આકાર લઈ રહી હતી. થાણે-કલ્યાણ તરફ રૌનક ડેવલપર્સ સરસ કામ કરે. ૧૯૮૦ના દાયકાથી કીર્તિભાઈ કંપનીમાં સી. એ. તરીકે સંકળાયેલા. ૧૯૯૬થી કંપનીના પાર્ટનર્સ કીર્તિભાઈને આગ્રહ કરે કે તમે પાર્ટનર તરીકે જોડાઈ જાવ. ૨૦૦૨માં કીર્તિભાઈ જોડાયા. કીર્તિભાઈ કહે છે, “આ ગ્રુપ પહેલેથી પારદર્શક વેપારમાં માને. પર્યાવરણના મુદ્દે સજાગ રહીને ગ્રુપે લાખો વૃક્ષો વાવીને ઉછેર્યાં છે. એટલે અમે સૌને કહી શકીએ છીએ કે અમારા ગ્રાહકોનો સંતોષ જાણવા તમે અમારા કોઈ પણ ફ્લેટની ડોરબેલ વગાડીને જાતે પૂછી લો.”
આજે કીર્તિભાઈ કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં ગ્રુપને આગેકૂચ કરાવવામાં યોગદાન આપી રહ્યા છે. તેમની સાથે દીકરો કુશલ શાહ સાથે આપે છે તથા પોતાની રીતે પણ આગળ વધી રહ્યો છે. તેનાં લગ્ન કૃપા સાથે થયાં છે. દીકરી દિશાનાં લગ્ન ઋષિ અનિલભાઈ શાહ સાથે થયાં છે અને એ અમેરિકા રહે છે. સંગીતાબહેને ઘરની જવાબદારી સુપેરે સંભાળવા સાથે સૌને સબળ સાથ આપ્યો છે.
કીર્તિભાઈ પોતાના ઉદ્યોગસાથીઓ માટે તથા કપોળ સમાજ સહિત અન્ય સમાજો માટે પણ કાર્યરત છે. જીએસટી-રેરા કાઉન્સિલમાં, મિનિસ્ટ્રીમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગના પ્રશ્નો વિશે તેઓ રાજ્ય તથા કેન્દ્ર સરકાર સુધી મુદ્દાઓ પહોંચાડે છે. કીર્તિભાઈના પાટર્નર રાજન બાંદેલકર બાંધકામ ઉદ્યોગની સંસ્થા નારેડકોના પ્રમુખ છે. વિદ્યાર્થીઓને શિક્ષણાર્થે મદદ કરવી, કોઈકને સ્વાસ્થ્ય મુદ્દે મદદ કરવી જેવાં સુકૃતો કીર્તિભાઈ કરતા રહે છે. સંગીતાબહેન પણ કપોળોની સંસ્થાઓમાં વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલાં રહે છે. છેલ્લે, યુવાનો વિશે વાત કરતાં તેઓ કહે છે, “જીવનમાં જે મહત્ત્વાકાંક્ષાઓ અને લક્ષ્ય રાખો તથા વચન આપો બેઉને પાર પાડવા બનતું બધું કરી છૂટો. વડીલોનાં સૂચનો સાંભળો, કેમ કે તેના થકી પ્રશ્નોનાં ઝડપી નિવારણ થઈ શકે છે. નવી પેઢીનો દ્રષ્ટિકોણ પણ જુઓ અને એમાંથી નવી પદ્ધતિઓ, ટેક્નોલોજી વગેરેનો લાભ લો.” આટલું કર્યે જીવન વધુ સરસ થશે.
આજની ભાષામાં એ કામ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ અથવા કેપીઓ. ભારતમાં આ ક્ષેત્રના
પ્રણેતા કીર્તિભાઈને કહી શકાય.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


