ભાષાપ્રેમ અને સેવાના સ્વભાવે તેમને નોખા બનાવ્યા છે. સંકુચિત માનસિકતા તેમને ગમતી નથી. સમાજને સુખી કરવા જમાના સાથે તાલ મિલાવવાના તેઓ હિમાયતી છે
આ કપોળ વડીલે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે ખાસ્સાં કામ કર્યાં છે. જ્ઞાતિસેવા સહિત સમાજસેવાને તેઓ આજીવન સમર્પિત રહ્યા છે. તેમના તંત્રીપદ હેઠળ આપણી જ્ઞાતિના સામયિક કપોળ અને કપોળમિત્રને તેમણે બંધ થવાના આરેથી ઉગારીને સફળ પ્રકાશન બનાવ્યું હતું. ૧૯૯૯માં જેની માંડ છસો-સાતસો નકલ જતી હતી એવા આ સામયિકને તેમણે દસ વરસ ચલાવીને બીજાને સોંપ્યું ત્યાર સુધીમાં તેનો ફેલાવો ૪,૨૦૦ નકલો સુધી પહોંચાડી દીધો હતો. આ કાર્ય જેમના નામે બોલે છે તેવા સ્વજન છે કિશોરભાઈ મહેતા.
મૂળ રાજુલાના અને કલાવતીબહેન તથા ગંગાદાસના એકના એક દીકરા કિશોરનો જન્મ ૧૯૪૮માં વતનમાં થયો. શાળાકીય ભણતર ત્યાંની જીવનલાલ આણંદજી સંઘવી હાઈસ્કૂલમાં થયું. બાળપણની વાતો વાગોળતાં કિશોરભાઈ કહે છે, “મારાં મમ્મી-પપ્પા મુંબઈ અને હું રાજુલા મારાં દાદી હરિબહેન સાથે રહેતો. દાદીનો હું બહુ લાડકો હતો. મારી સ્કૂલમાં મેગેઝિન પ્રસિદ્ધ થતું અને હું તેનું સંપાદન સંભાળતો. પપ્પા અને એ પહેલાં દાદાનો પણ દાળની આયાતનો વેપાર હતો. દાદાનું મારા જન્મ પહેલાં અવસાન થયું હતું. જોકે એમના પાર્ટનરે નાણાકીય જવાબદારી નિભાવી નહીં તેમાં વેપાર બેસી ગયો હતો. એ પછી પપ્પા મુંબઈ આવીને વસ્યા. હું ગામમાં અમારી ખેતીનું ધ્યાન પણ રાખતો.”
કિશોરભાઈમાં ભાષાપ્રેમ અને લેખનકળા પિતામાંથી ઊતર્યા હતા. એ જમાનામાં પિતા મુંબઈ સમાચારમાં કટારલેખક પણ હતા. સેવાભાવને સમર્પિત પિતા ગાંધીજીની ચળવળ સાથે પણ જોડાયેલા હતા. આઝાદી પછી તેમણે ઇગલ કોર્પોરેશનના નામે સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો તથા મેટલ્સ અને કેમિકલના ઇમ્પોર્ટ ઇન્ડેન્ટિંગનો વેપાર શરૂ કર્યો હતો. દરમિયાન, શાળાકીય ભણતર પછી ૧૯૬૬માં દીકરા કિશોરને તેમણે મુંબઈ બોલાવી લીધો. અહીં કિશોરભાઈએ માટુંગાની કપોળ બોર્ડિંગમાં રહી ખાલસા કોલેજમાં ફર્સ્ટ યર સુધી આર્ટ્સમાં અભ્યાસ કરીને મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આગળની વાત કરતાં તેઓ જણાવે છે, “એ પછી પણ આગળ ભણવાની ઇચ્છાએ મેં રાજેન્દ્ર પ્રસાદ કોલેજ ઓફ માસ કમ્યુનિકેશનમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો. એ પછી બેએક વરસ વકીલાતનું ભણ્યો પણ પછી એ બધું છોડીને કારકિર્દી તરફ વળ્યો.”
કિશોરભાઈ પહેલેથી સમાજસેવામાં રુચિ ધરાવે. કોલેજમાં તેમણે ગ્રુપ બનાવીને સામાજિક પ્રવૃત્તિઓ કરી હતી. અમૃતલાલ યાજ્ઞિક તથા નગીનદાસ સંઘવી જેવા જાણીતા લોકો સાથે પણ તેમણે કામ કર્યું હતું. કિશોરભાઈ કહે છે, “મને તો નાટકોમાં રસ હતો પણ મન એના કરતાં વધુ ઢળેલું હતું સેવા તરફ. એમાં નાટ્યપ્રેમ પાછલી પાટલીએ જતો રહ્યો.”
મુંબઈમાં છ એક વરસ થયાં ત્યાં ૧૯૭૨માં તેમણે પત્રકારત્વમાં ઝંપલાવ્યું. કોલેજ સ્ટુડન્ડ્સનાં મેગેઝિન્સ સંભાળવા સાથે વર્કશોપ કરવા માંડ્યા. પિતાની જેમ મુંબઈ સમાચારમાં પણ યોગદાન આપ્યું. ૧૯૬૯માં તેમણે ચીરપથિક નામે તેમણે સંસ્થા શરૂ કરી. તેના થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થવા વૃદ્ધાશ્રમોમાં, અનાથાશ્રમોમાં, અંધશાળાઓમાં, હોસ્પિટલોમાં, ઝૂંપડપટ્ટીઓમાં એંસી મિત્રોના જૂથને સાથે રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હતા. તેઓ નેત્રવિહોણા લોકોએ બનાવેલી ચીજોનું પ્રદર્શન ગોઠવે તથા તેનું વેચાણ કરે. બાળકો માટે સ્પર્ધાઓ યોજવી, ફળો-પુસ્તકો વહેંચવાં વગેરે સેવા પણ થતી. ભાષાપ્રેમને લીધે તેઓ ભાષા કેમ શીખાય તેની પ્રક્રિયા શીખવતા કામમાં સંકળાયા. ઉપરાંત સર્વોદયના કામ માટે મણિભુવન તથા સર્વોદય મંડળ સાથે સંકળાયા તથા અમદાવાદના નવનિર્માણ કાર્યક્રમમાં પણ સક્રિય રસ લીધો.
૧૯૭૭માં તેમનાં લગ્ન મૂળ રાજુલાનાં મીનાબહેન સાથે થયાં. મીનાબહેન મુંબઈમાં વિલેપાર્લામાં રહેતાં. આ યુગલને ઈશ્વરે નિમિર અને નીલય એમ બે દીકરાઓનુ સંતાનસુખ આપ્યું. મીનાબહેનના પિતા દ્વારકાદાસ સંઘવી એટલે વિલ્સન ફાઉન્ટન પેન અને બોલપેનના નિર્માતા. એશિયામાં આ ઉદ્યોગના તેઓ પ્રણેતા. તેમણે રાજુલામાં સ્કૂલ, ભાવનગરમાં હવેલી, વિલેપાર્લેમાં ડી. જે સંઘવી એન્જિનિયરિંગ કોલેજ ઊભાં કરવા સાથે માંગરોળની શારદાગ્રામ સ્કૂલમાં પણ યોગદાન આપ્યું હતું.
કિશોરભાઈની વ્યાવસાયિક પ્રગતિ તરફ આગળ વધીએ. ૧૯૭૨ સુધી તેઓ પોતાનો ખર્ચ ટ્યુશન વગેરે જેવી પ્રવૃત્તિઓથી કાઢી લેતા. પછી વેપારમાં જોડાયા અને પિતાની ઇગલ કોર્પોરેશનની જવાબદારી ઉઠાવી લીધી. કાલબાદેવીમાં તેમણે જી. પી. મહેતા નામે અલાયદી કંપની પણ ખોલી અને સિલ્વાસામાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણોની ફેક્ટરી સ્થાપી. અનેક મોરચે સક્રિય થયા પછી પણ, કિશોરભાઈ કહે છે, કામનો બોજ ખૂબ વધવા સાથે કાયદાકીય પળોજણો પણ એ જમાનામાં વધારે પડતી હતી. છેવટે એનાથી કંટાળીને મેં ક્ષેત્ર બદલવાનો નિર્ણય લીધો. “એ પછી કિશોરભાઈએ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. સાહિત્ય તથા ભાષાના લગાવને લીધે પ્રિન્ટિંગ સાથે તેમને સારો એવો ઘરોબો તો હતો જ. એમાંથી સર્જાઈ બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ અને ઊભું થયું અંધેરીમાં પ્રેસ. ત્યારની એક વાત કિશોરભાઈને આજે પણ સુપેરે યાદ છે, “મેં ઠરાવી લીધું હતું કે ભલે મારે વેપારમાં ઊતરવું પડ્યું પણ એ બધું જીવનનાં પચાસ વરસ સુધી કરીશ. પછીની જિંદગી હું સમાજસેવા માટે ખર્ચીશ.”
૧૯૮૯માં તેમણે ગુજરાતી ભાષા વિકાસ સંગઠન સંસ્થા પણ સ્થાપી. ભાષાના મામલે તેઓ સચિંત છે, “અંગ્રેજીના પ્રભાવે માતૃભાષાને હાંસિયામાં ધકેલી દીધી છે. ગુજરાતી ભાષાનું ભવિષ્ય ડામાડોળ છે. આપણે સહિયારા કશુંક નહીં કરીએ તો શું થશે કોને ખબર.” આટલેથી નહીં અટકતા તેમણે ખેતીના વિકાસ માટે પણ ખાસ્સું કામ કર્યું છે. વર્ણસંકર બિયારણ, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ તથા હાઇબ્રિડાઇઝેશનને લીધે અનાજ-વનસ્પતિના ગુણધર્મોને ગંભીર નુકસાન પહોંચે છે તેવું તેઓ માને છે. રાજુલાની ગૌશાળા સાથે તેઓ ચારેક વરસ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. કિશોરભાઈના મતે, “ખેતીપ્રધાન દેશમાં યુવાનોને ખેતીમાં રસ લેતા કરવાથી ઉત્તમ બીજું કોઈ કામ ના હોઈ શકે.”
નવી-જૂની પેઢી વચ્ચેના ટ્યુનિંગ બાબતે તેમના વિચાર ઉમદા છે, “આપણા વિચારો બંધિયાર છે અને યુવાનો જેમાં જીવી રહ્યા છે એ માહોલ સાવ અલગ છે. આપણે યુવાનોને સંસ્કાર આપીએ અને તેમની પાસેથી ટેક્નોલોજી વગેરે શીખીએ તો બેઉનો લાભ છે.”
કપોળ બેન્કમાં પણ પાંચેક વર્ષ ડિરેક્ટર તરીકે કાર્યરત રહેનારા કિશોરભાઈ કહે છે, “જ્યા અહમ્ ટકરાતો રહે ત્યાં કોઈનું ભલું થતું નથી.” પરિવારની વાત કરીએ તો દીકરો નિમિર લગ્ન કરીને દુબઈ ઠરીઠામ થયો છે. તેમની ઓફિસ મુંબઈમાં પણ છે. નિમિરને બે દીકરીઓ છે. નીલયે હજી લગ્ન કર્યાં નથી અને એ સિંગાપોર રહે છે. જ્ઞાતિવાદમાં નહીં માનનારા કિશોરભાઈ છેલ્લે માનનીય વાત કરે છે, “જ્ઞાતિવાદની આપણું માનસ સંકુચિત થઈ જાય છે. મુદ્દો સરળ છે કે આપ ભલા તો જગ ભલા. એવું જ ઈશ્વરના મામલે છે. ઈશ્વર બેશક છે પણ એને અંધશ્રદ્ધાની એરણ પર ચડાવીને આપણે આસ્થાની ઐસીતૈસી કરી છે. આવી બાબતોથી જેટલા અલિપ્ત રહીએ તેટલા આપણાથી વધુ સુખી થવાશે.”
સાહિત્ય તથા ભાષાના લગાવને લીધે પ્રિન્ટિંગ સાથે તેમને સારો એવો ઘરોબો તો હતો જ. એમાંથી સર્જાઈ
બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ અને ઊભું થયું અંધેરીમાં પ્રેસ.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


