બાળપણથી દૃઢ નિશ્ચય અને શિસ્તના તેઓ આગ્રહી. સમાજસેવાના ગુણ પિતા પાસેથી આત્મસાત કર્યા. આહાર, વિહાર, વિચાર અને આચાર વિશેની સજાગતાએ તેમને વિશિષ્ટ બનાવ્યા છે
ગાંધીવાદી છોટાલાલ મહેતાએ પૂરાં સો વરસ જીવન માણ્યું. મૂળે શિક્ષક હતાં. આગળ જતાં શાળાના પ્રિન્સિપાલ, એજ્યુકેશનલ ડિરેક્ટર અને ધારાસભ્ય બન્યા હતા. ડૉ. કિશોરભાઈ પિતાનાં સંસ્મરણો વાગોળતાં ૮૧ વર્ષની વયે પણ ભાવુક થઈ જાય છે. “૯૭ વરસ સુધી તેઓ તમામ કામ જાતે કરતા. તેમના અવસાન પૂર્વે કાર્ડિયોગ્રામ કઢાવ્યો તે એકદમ નોર્મલ આવ્યો હતો. સો વરસની વયે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જન્મ શતાબ્દિ મહોત્સવ મુંબઈમાં ઉજવ્યો હતો.”
કિશોરભાઈનો જન્મ ૧૯૩૭માં ગામ જાફરાબાદમાં થયો. નાની ઉંમરે ગામમાં ડૉક્ટરને મળતાં માનપાનને નિહાળી તેઓ મુગ્ધ થતા અને વિચારતા, “મારે પણ ડોક્ટર થવું બનવું છે.” માતા ધનલક્ષ્મીબહેનની તબિયત નાદુરસ્ત રહેવાથી ફેંફસાની બીમારી હતી. તેમની સારવાર માટે ડૉક્ટર આવે ઘોડાગાડીમાં. તેમની બેગ ઉપાડે બાળકિશોર. “ગામમાં મેટ્રિક સુધી ભણીને હું મુંબઈ આવ્યો, કેમ કે ત્યાં આગળ ભણવાની સગવડ નહોતી,” કિશોરભાઈ ભૂતકાળ વાગોળતાં કહે છે, “અહીં વી. એમ. કપોળ સમાજ બોર્ડિંગમાં રહ્યો, જ્યાં પિતા પણ રહ્યા હતા અને પછી મારો દીકરો કેતન પણ રહ્યો.” તેમણે એમબીબીએસ અમદાવાદ અને એમ. ડી. મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી કર્યું. પછી જી. ટી, સેન્ટ જ્યોર્જ અને બોમ્બે હોસ્પિટલમાં બહોળો અનુભવ લીધો. કાર્ડિયોલોજીમાં આગળ ભણવાની ઉત્કંઠા હોવાથી તેઓ અમેરિકાના વોશિંગ્ટનની ડેટન હોસ્પિટલમાં ભણવા ગયા. ત્યાં તેઓએ એફઆઈસીએ.ની ડિગ્રી કાર્ડિઓલોજીમાં પ્રાપ્ત કરી. વતનપ્રેમે તેમને ભારત પાછા આવવા પ્રેરણા આપી અને મુંબઈમાં વસ્યા. શરૂઆત કરી ભાયખલા રેલવે હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નોકરી કરીને. વર્ષ હતું ૧૯૬૬નું.
ત્યાં તેમને સમય જતા સિનિયર તરીકે બઢતી મળી શકત. તેની આડે આવી બીજા કોઈક ઉમેદવાર માટેની વગદાર ભલામણ. તેથી તેમણે રેલવેની સર્વિસ છોડવાનો નિર્ણય લીધો. ડૉ. કિશોરભાઈ કહે છે, “મને સતત શીખવાની ધગશ હતી. આર્થિક જરૂરિયાત પણ હોવાથી રેલવેની નોકરી દરમિયાન સાંજે સાડાચારે ડ્યુટી પછી ચર્નીરોડ સ્થિત ડૉ. કે. એમ. ભણસાલીની ક્લિનિક જતો. તેઓ પ્રતિષ્ઠિત કાર્ડિયોલોજિસ્ટ હતા. તેમને ત્યાં પેશન્ટો વધારે હોવાથી રાત્રે મધરાતે નીકળું તો ઘણીવાર બસ ના મળતી. હું ચાલતા ભાયખલા જતો. એ મહેનત મને ફળી. ટેક્સી કરવાના પૈસા ખિસામાં ન હતા તેથી ચર્નીરોડથી ભાયખલા ચાલીને ઘરે જતો. આ સિલસિલો ૧૯૬૯ સુધી ચાલ્યો. ૧૯૬૯માં નોકરી છોડી મેં સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે સૌથી વધુ પ્રોત્સાહન ડૉ. ભણસાલીએ પૂરું પાડ્યું.”
મલાડ પૂર્વમાં તેમણે એક ફ્લેટમા સંસાર અને ક્લિનિક બેઉ માંડ્યાં, આગળ-પાછળ. ૧૯૬૬માં મૃદુલાબહેન સાથે લગ્ન થયાં પછીનું આ બીજું એક મોટું પગલું હતું. ડૉ. ભણસાલીએ તેમને અમુક ઉપકરણો તથા પરાના પેશન્ટ્સ પણ આપ્યાં. લગ્ન પછી થોડો સમય કાકાના ઘરે રહ્યા. પછી મિત્રોની મદદથી ક્લિનિકની જગ્યા લીધી. નિરંતર મહેનત, ધગશ, પેશન્ટ્સની શ્રેષ્ઠ સારવારનો દૃઢ વિચાર અને સદ્ભાવનાના સમન્વયથી એમના પેશન્ટો ખુશ રહેતા. બધું થાળે પડતું ગયું. સાથે, કેતન, જિજ્ઞા અને જસ્મિના એમ ત્રણ સંતાન થકી તેમનો પરિવાર હર્યોભર્યો થયો.
૧૯૮૯માં દુ:ખદ ઘટના બની. પત્ની મૃદુલાબહેન હૃદયના વાલ્વની બિમારીથી અવસાન પામ્યાં. કિશોરભાઈ વનપ્રવેશ કરી ચૂક્યા હતા. પરિવાર તથા સંતાનોએ તેમને પુનર્લગ્ન માટે આગ્રહ કરતાં ૧૯૯૦માં તેમણે આઈ સર્જન ડૉ. નંદના શાહ સાથે લગ્ન કર્યાં. તેઓ કિશોરભાઈથી ૧૬ વર્ષ નાનાં પણ જવાબદારી નિભાવવામાં બેહદ નિપુણ સાથે કિશોરભાઈના પિતાની આજીવન સેવા કરી. ઘર સાચવ્યું અને ક્લિનિકમાં પણ સાથ આપ્યો.
કિશોરભાઈ જણાવે છે, “યુવા પેઢીએ સફળ થવા માટે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી રહી. સુખ અને સફળતાના શોર્ટકટ નથી. ઘણીવાર જોવા મળે છે કે યુવા ડૉક્ટર્સ નાઇટ ડયુટી કે હોમ વિઝિટ ટાળે છે. મારા મતે ડૉક્ટરે પોતાના વ્યવસાયની પ્રતિજ્ઞાનું અક્ષરશ: પાલન કરતા પેશન્ટની સુશ્રુષાના મામલે બધું કરી છૂટવું જોઈએ.”
કિશોરભાઈ આજે પણ રોજ સવારે છ વાગ્યે વોક માટે મલાડથી આરે કોલોની જાય છે. દરરોજ એક કલાક વોક કરે જ. સિનિયર અને સુપર સિનિયર સિટિઝન્સની ચાલવાની સ્પર્ધામાં પાંચ વરસથી તેઓ નંબર વન છે. આરેમાં વોકર્સ ક્લબની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ ભજવે છે. ૨૦૦૦ની સાલમાં તેમણે શરૂ કરેલી વોકેથોનમાં દર વરસે અઢી હજાર લોકો જોડાય છે. વરસે એકવાર સિદ્ધિવિનાયક સુધી તેઓ ચાલતા જાય છે. તેમની સાથે હાર્ટ પેશન્ટ્સ, ડાયાબિટિક્સ અને બ્લડ પ્રેશરના દરદીઓ પણ જોડાય છે.
૨૦૦૦ની સાલમાં મુંબઈમાં પ્રથમવાર (દેશમાં પણ) વૉક ફોર યોર હાર્ટનું આયોજન નેશનલ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ હાર્ટ ડિઝીસ અને રિહેબિલિટેશનના નેજા હેઠળ કરવાનો શ્રેય મહેતા દંપતીને જાય છે. તેને સફળ બનાવવા ડિવાઇન લાઇફ સોસાયટી (દિવ્યજીવનસંગ)ના અધ્યક્ષ ડૉ. અનિલ સૂચક અને અન્ય સંસ્થાઓએ પણ સાથ આપ્યો. આ વૉક હવે દર વરસે યોજાય છે.
તેઓ હાર્ટ પેશન્ટ્સ માટે વિનામૂલ્ય શિબિર પણ નિયમિત યોજે છે. ઝૂંપડપટ્ટીઓમાં ચાલતી ત્રીસેક બાળમંદિરોમાં તેમણે સ્વાસ્થ્ય તપાસની શિબિરો કરી છે. વતન જાફરાબાદ તાલુકાની શાળાને સંપૂર્ણ રિનોવેટ કરાવી આપી છે જે હવે તેમનાં માતાપિતાના નામથી ઓળખાય છે. વતનમાં પણ દસેક મેડિકલ કેમ્પ યોજ્યા છે. સરકારમાન્ય આંગણવાડી અને બાળઉછેર કેન્દ્રમાં પણ તેઓએ સ્વાસ્થ્ય શિબિરો પણ યોજી છે. ડૉ. નંદનાબહેન પણ દરેક સમાજોપયોગી કાર્યમાં ખભા મિલાવે છે.
તેઓ ૧૦ વરસ સુધી એસ. ઈ. એમ. રહી ચૂક્યા છે. તેમણે મલાડ જેસી અને આરે લાયન્સ ક્લબમાં પ્રમુખ તરીકે સેવા આપી છે. આ સંસ્થાઓમાં લગભગ ૧૫ વરસ સુધી કાર્યરત રહ્યા છે. મલાડ, મહારાષ્ટ્ર, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન્સે તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. કપોળ ઇન્ટરનેશનલ ટ્રેડ આન્ત્રેપ્યોનર (કાઇટ) તરફથી કપોળ ગૌરવ, શ્રી વિલેપાર્લે કપોળ ઉત્કર્ષ મંડળ તરફથી મેડિકલ ક્ષેત્રનો એવોર્ડ તેમને મળ્યો છે. એવોર્ડ્સની યાદી ખૂબ લાંબો છે. તેવું જ મેડિકલ ક્ષેત્રમાં સાહિત્યિક પ્રદાનનું છે.
ડૉ. કિશોરભાઈનું જીવન ૮૧મે વરસે ૫ણ ૧૮ વરસના યુવાનની તાજગી ધરાવે છે. પરિવારમાં તેમના દીકરા ડૉ. કેતન ફિઝિશિયન (એમ. ડી.) છે અને પુત્રવધુ પૂર્ણિમા છે. તેમનાં દીકરી ડૉ. જિગ્ના અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જમાઈ ડૉ. અનિલ મહેતા છે. બીજી દીકરી ડૉ. જસ્મિના અને જમાઈ અશ્વિન મહેતા બિઝનેસમેન છે.
છેવટે તેઓ કહે છે, “પરિવાર કે સમાજના સુખ માટે આપણે સદ્વિચારોના અનુયાયી બનવું જોઈએ. તંદુરસ્તી માટે સંનિષ્ઠપણે સજાગ રહેવું જોઈએ. આટલું કરીએ તો સદૈવ આનંદિત રહી શકાય.”
આરેમાં વોકર્સ ક્લબની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ ભજવે છે. ૨૦૦૦ની સાલમાં તેમણે શરૂ
કરેલી વોકેથોનમાં દર વરસે અઢી હજાર લોકો જોડાય છે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


