વડીલોના વેપારને તેમણે ભાઈઓ સંગે વિકસાવ્યો. યુવાવયથી સેવાના મોરચે પણ યોગદાન આપતા થયા. આજે ૮૦ વરસે પણ તેઓ વેપારી જવાબદારી તથા સેવાકાર્યો બેઉને ન્યાય આપી રહ્યા છે
કિશોરાવસ્થામાં તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમના જન્મ પહેલાંથી પરિવારની સુરક્ષિત સ્થાને વસવાની દડમજલ જારી હતી. કપરા સંજોગો વચ્ચે મોટા થનારા આ વડીલે સમજણા થયા પછી અનેક સફળતાઓ મેળવી છે. કેટલાંય વરસોથી તેઓ સેવાકાર્યો થકી આ સફળતા બદલ જાણે ઈશ્વરની વંદના કરી રહ્યા છે. સમાજમાં જેમના વિશે મોટાભાગના લોકો જાણે છે તેવા આ વડીલ એટલે કૃષ્ણકાંતભાઈ, જેમને આપણે ભીખુભાઈના હુલામણા નામે પણ ઓળખીએ છીએ.
કૃષ્ણકાંતભાઈની જીવનકથાનો પ્રારંભ કલકત્તાથી થાય છે, જ્યાં ૧૯૩૯માં તેમનો જન્મ થયો. માતાપિતા લીલાવતી અને વનરાવનદાસ ચીતલિયાને કુલ ત્રણ દીકરા અને એક દીકરી, એમાં કૃષ્ણકાંત સૌથી મોટા ભાઈ. પરિવારનું મૂળ વતન સૌરાષ્ટ્રનું ગામ ડુંગર. કૃષ્ણકાંતભાઈના જન્મ પહેલાં પરિવાર વતનથી જઈને બર્મા (મ્યાનમાર)ના રંગૂન શહેર અને ત્યાંથી ૧૯૩૮માં કલકત્તા વસ્યો હતો. કલકત્તાથી મુંબઈ કેવી રીતે વસવાનું થયું તેની વાત નીકળતાં કૃષ્ણકાંતભાઈ અતીત વાગોળતાં કહે છે, “સૌથી પહેલાં રંગૂન છોડવાનું કારણ બીજા વિશ્વયુદ્ધે સર્જેલી અનિશ્ચિતતાઓ તથા ભયની સ્થિતિ હતી. ત્યાંથી કલકત્તા વસ્યા. એ પછી ૧૯૪૫ આસપાસ આઝાદીની ચળવળ ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. એવામાં ક્યાં જઈને વસવું એ પ્રશ્ન થતાં વડીલોએ મહારાષ્ટ્રના યવતમાળ પર નજર ઠેરવી, કારણ એ પ્રમાણમાં શાંત વિસ્તાર હતો.” આમ, પહેલાં યવતમાળ અને ત્યાંથી ચીતલિયા પરિવારે છેવટે વસવાટ કર્યો મુંબઈમાં. આખી ઘટમાળમાં વનરાવનદાસ તથા અન્ય ભાઈઓ સાથે હતા.
એમ કહો કે ૧૯૩૦ અને ૧૯૪૦ના દાયકા વચ્ચે પિતા વનરાવનદાસ તથા આખા પરિવારે ખાસ્સો સંઘર્ષ જોયો. એમાંથી જરા રાહત મળી ત્યાં ૧૯૫૨માં તેમનું અવસાન થયું. કૃષ્ણકાંતભાઈ ત્યારે તેર વરસના, નિર્વાહ ચલાવવાનો પડકાર વકર્યો એટલે નહીં કે વનરાવનદાસના બંધુ ગંગાદાસભાઈએ ભાઈના પરિવારની જવાબદારી ઉઠાવી લીધી. મુંબઈમાં પણ બેઉનો વેપાર સહિયારો હતો. બાળક કૃષ્ણકાંતે શાળાકીય અભ્યાસ ગોવાલિયા ટેન્કની ફેલોશિપ હાઈસ્કૂલમાં મેળવ્યું. એ પછી સિડનહેમ કોલેજમાં ભણતા કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેઓ કહે છે, “ભણવાની સાથે અમે ભાઈઓ વેપારમાં જોડાઈ ગયા હતા. બધું મળીને અમારી દસેક ઓફિસો દેશભરમાં હતી. અમે ભાઈઓ એના સંચાલનમાં વડીલોના માર્ગદર્શન હેઠળ નાની ઉંમરથી ઘડાતા ગયા.”
૧૯૬૨માં કૃષ્ણકાંતભાઈનાં લગ્ન સરોજબહેન સાથે થયાં. યુગલને જાનકી અને નેહાના સ્વરૂપમાં બે દીકરીઓની ઈશ્વરે ભેટ આપી. વેપારી પ્રગતિનો પ્રશ્ન છે ત્યાં સુધી ચીતલિયા બંધુઓની મહેનત, એકતા તથા નિર્ણયશક્તિએ તેને સતત પ્રગતિશીલ રાખ્યો છે, “ઇલેક્ટ્રિકલ માલની આયાતથી માંડીને ઉત્પાદન સુધીના અનેક મોરચે અમારા વેપાર પ્રસ્થાપિત છે. જેમ જેમ વેપાર વિકસતો ગયો તેમ તેમ અમે ભાઈઓએ પોતાની રીતે આગળ વધવાનું ઠરાવ્યું. નવી પેઢીને અમે સ્વતંત્ર રીતે આગળ વધવાનો માર્ગ મોકળો કરી આપ્યો.” એના લીધે ચીતલિયા પરિવાર આજે અનેક વેપારોમાં શિરમોર નામ થઈ શક્યું છે.
૧૯૬૪ની સાલમાં કૃષ્ણકાંતભાઈએ પહેલી વિદેશયાત્રા કરી હતી. એ યાત્રા ૬૯ દિવસની હતી. એમાં તેમણે આયાતના વેપારને સુદૃઢ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. વેપારમાં આગળ વધવા વિશે તેઓ અગત્યની ટિપ આપે છે, “નવા નવા વેપારમાં આગળ વધવાનો અમને ભાઈઓને શોખ રહ્યો છે. ક્યારેક એવું પણ થયું છે કે અમુક વેપારમાં ધાર્યા મુજબની સફળતા મળે નહીં. તેનાથી નિરાશ થયા વિના અમે વળી કોઈક નવો વેપાર ખેડીએ.” જેવો અભિગમ વેપારી મોરચે કેળવ્યો, તેવો સેવાના મામલે પણ વિકસાવ્યો.
કૃષ્ણકાંતભાઈ યુવાવયથી કપોળો સહિત ધર્મની, પોતાના વેપાર સાથે સંકળાયેલી સંસ્થાઓની સેવા કરતા રહ્યા છે. લક્ષ્મીનારાયણ મંદિર તથા માધવબાગ ટ્રસ્ટ (મુંબઈ અને માથેરાન)ના તેઓ ચેરમેન તથા ટ્રસ્ટી છે. ૧૯૯૩માં કપોળ સોશ્યલ ગ્રુપનું પ્રમુખપદ શોભાવ્યા પછી હાલમાં કમિટી મેમ્બર તરીકે કાર્યરત છે. ભાવનગરની પીએનઆર સોસાયટી ફોર રિલીફ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ ડિસેબલ્ડના તેઓ વાઇસ ચેરમેન છે. વતનના ડુંગર ઉત્કર્ષ સમાજ અને ચીતલિયા કપોળ મિત્ર મંડળના પ્રમુખ છે. કપોળ સોશ્યલ ગ્રુપ ઓફ સાઉથ મુંબઈ, એમઆઈડીસી મરોલ એસોસિયેશન, પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન તથા હાલમાં કમિટી મેમ્બર છે. રાજુલા સ્થિત શ્રી શંખેશ્વરી માતાજી ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ ઉપપ્રમુખ છે. તેઓ કપોળ સમાજ દર્પણ સાથે પણ સંકળાયેલા છે.
સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાવાની ભાવનાને તેઓ કપોળપણા સાથે સાંકળતાં કહે છે, “આપણો સમાજ દાનવીર તરીકે નામના ધરાવે છે. ધર્મશાળા, મંદિરો, કપોળ નિવાસો, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ્સ વગેરે બધાંનું આપણે નિર્માણ કર્યું છે. આજે પણ કપોળો દાન આપે છે. ફરક એટલો પડ્યો છે કે દાન આપવાની રીત જમાના મુજબ બદલાઈ છે.”
કૃષ્ણકાંતભાઈની દીકરી જાનકીનાં લગ્ન રાકેશભાઈ ભુવા સાથે થયાં છે. નેહાનાં લગ્ન તન્મયભાઈ દેસાઈ સાથે થયાં છે. બંધુઓ સુરેશભાઈ તથા અરુણભાઈ વિલેપાર્લે રહે છે. તેમના દીકરાઓ પરિવારના વેપારને સુપેરે સંભાળી રહ્યા છે.
કૃષ્ણકાંતભાઈનાં બહેન રેખાનાં લગ્ન જગદીશભાઈ પારેખ સાથે થયાં છે અને એ સાંતાક્રુઝ રહે છે.
વિવિધ કંપનીઓમાં ડિરેક્ટરશિપ નિભાવતાં કૃષ્ણકાંતભાઈ ૮૦ વરસની ઉંમરે પણ રોજ અંધેરી સ્થિત ફેક્ટરીએ જાય છે. સામાજિક પ્રવૃત્તિઓની વાત કરતાં તેઓ કહે છે, “જિતેનભાઈ મોદી, શામજીભાઈ પારેખ, ચીમનભાઈ સંઘવી વગેરે મિત્રો-વડીલોએ મને સમાજસેવા કરવા પ્રેર્યો. ૧૯૮૩થી હું આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયો છું અને આજ સુધી બનતી સેવા કરી રહ્યો છું.” સમાજ, વતન, ધર્મ તથા શિક્ષણ બધાં ક્ષેત્રે પ્રવૃત્ત આ વડીલ આગળ જણાવે છે, “આપણે કપોળ સોશ્યલ ગ્રુપ્સને મનોરંજન ઉપરાંતની પ્રવૃત્તિઓમાં વાળવાં જોઈએ. પ્રસંગોમાં દેખાડો ઓછો કરી જરૂરિયાતમંદ કપોળો માટે નાણાં ખર્ચવાની ભાવના કેળવવી જોઈએ. સૌથી મહત્ત્વનું એટલે નાણાંના અભાવે કોઈ બાળકનું અભ્યાસનું સપનું રોળાય નહીં તેની તકેદારી લેવી જોઈએ.” સમાજને પ્રગતિશાળી, અડીખમ અને અખંડ રાખવા માટે આ વિચારોને સૌએ આત્મસાત્ કરવા રહ્યા.
ક્યારેક એવું પણ થયું છે કે અમુક વેપારમાં ધાર્યા મુજબની સફળતા મળે નહીં. તેનાથી નિરાશ થયા વિના
અમે વળી કોઈક નવો વેપાર ખેડીએ.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


