ગરીબી નિહાળીને જરૂરિયાતમંદોના સાથી બનવાની પ્રેરણા આ સદ્ગૃહસ્થે નાનપણમાં મેળવી. એવી કે આજે સંપન્નતા વચ્ચે પણ સદાચારના ક્રમને તેઓ અસ્ખલિતપણે આગળ ધપાવી રહ્યા છે
મહેન્દ્રભાઈ કાણકિયાને સારો બિલ્ડર તરીકે ઓળખવા એ એક વાત છે. તેમને મહેનતકશ, માયાળુ અને પરગજુપણાનું મૂલ્ય જાણતા માનવી તરીકે ઓળખવા એ બીજી વાત છે. લલિતાબહેન અને પ્રેમજીભાઈના આ સુપુત્રએ બાળપણથી જે અનુભવો મેળવ્યા, સંઘર્ષ જોયા અને પાર કર્યા એ બધાએ તેમના હૃદયમાં પરોપકાર અને કરુણાના પાયા બહુ મજબૂત કર્યા. એટલે તેઓ કહી શકે છે, “ઠાકોરજીને રાજભોગની જરૂર નથી. કોઈક ગરીબની આંતરડી હારવાનું કામ કરો એટલે ઠાકોરજી સુધી રાજભોગ આપોઆપ પહોંચી જશે.” આસ્થાના આકાશમાં માનવતાના સૂર્યને આટલી સરસ રીતે ઝળકાવનારા મહેન્દ્રભાઈને મળીએ.
પોણી સદીના પ્રદીર્ઘ જીવનમાં આ નિયમને વફાદારીપૂર્વક અનુસરનારા મહેન્દ્રભાઈનો જન્મ ૧૯૪૩માં દામનગર ગામે થયો. સાત બહેન અને બે ભાઈ સહિતના વિસ્તૃત પરિવારમાં પિતાની મર્યાદિત આવક સહજ પડકારો ઝીલવાના આવતા. શિસ્ત, સંસ્કાર અને સત્ય ચોમેર ઝળહળે એટલે ઘરમાં સુખ અને સંપ સદૈવ પ્રવર્તે. મહેન્દ્રભાઈને બાળપણની સ્મૃતિઓ આજે પણ તાજી છે. “દસેક વરસની ઉંમરથી હું પિતા સાથે ઘેરઘેર ફરસાણ વેચવા જતો. એ કામ થકી ગરીબીને નિકટથી જોવા મળી. અમારી સ્થિતિ પણ સાધારણ. બાળપણથી મનમાં તરંગો થયા કરે કે માબાપને કેવી રીતે સુખી કરું. તેના લીધે કદાચ ત્યારથી હું સમજતો થયો કે જિંદગી કઈ ચીજ છે.”
ગામમાં નવમું ધોરણ પૂરું કરીને આગળ ભણવા તેઓ અમરેલીની બોર્ડિંગમાં દાખલ થયા. એકાદ વર્ષ માંડ થયું ત્યાં ગરીબીને કારણે અભ્યાસ છોડી નોકરીએ લાગી જવું પડ્યું. મુંબઈમાં પીતાનું ઘર ન હોવાથી લોઅર પરેલ પ્લેટફોર્મ પર પણ સૂવું પડ્યું હતું. મહેન્દ્રભાઈ જણાવે છે, “એ પછી કાપડની દુકાને નોકરી કરતા મહિને પંચાવન રૂપિયાના પગારથી મેં શરૂઆત કરી હતી. એમાંથી દર મહિને વીસ રૂપિયા માબાપને મોકલતો. ટૂંકી આવકને લીધે એક ટંક જમતો. બીજા ટંકે શિંગચણા ફાંકીને ચલાવી લેતો. હા, ક્યારેક બહેનને ત્યાં તો ક્યારેક મામાને ત્યાં આશરો લેતો. એ દિવસોમાં મહેન-બનેવી, મામા સહિતના સ્વજનોએ આપેલા સાથનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. નોકરીમાં અનુભવ મળતાં અને થોડી હિંમત અને મૂડી એકઠી થતાં રિદ્ધિ સિદ્ધિ ટેક્સ્ટાઇલ અને સિદ્ધિવિનાયક એજન્સી શરૂ કરી. બાંધકામ વ્યવસાયમાં પણ ભાગ્ય અજમાવ્યું. બન્ને વ્યવસાય સંભાળવા મુશ્કેલ થતાં છેવટે માત્ર કન્સ્ટ્રક્શનના બિઝનેસ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.”
કિસ્મત અજમાવવા તેઓ એકલા મુંબઈ આવ્યા હતા. ત્યારે તેમણે મેટ્રિક સુધી અભ્યાસ પૂરો કરી લીધો હતો. થોડો સમય સંઘર્ષ કરીને છેવટે એટલી ક્ષમતા કેળવી લીધી કે પાંચસો રૂપિયાની ડિપોઝિટે જોગેશ્વરીની ઝૂંપડપટ્ટીમાં વીસ રૂપિયા ભાડે એક ઓરડી લઈ શકાય. ૧૯૬૫માં એટલું થતાં પરિવારને તેમણે મહાનગર મુંબઈ બોલાવી લીધો. કેવા હતા એ ઓરડીના દિવસો? “પાણી માટે પણ ત્યાંથી અડધો કિલોમીટર દૂર ચાલતા જવું પડતું. બીજી કોઈ સગવડ નહીં. હતો તો બસ ઉત્સાહ કે આ બધાં વચ્ચે ટકી જવું છે, સારાં કામ કરતાં કરતાં જીવનને સારું બનાવવું છે.”
એ પ્રબળ ભાવના તથા બંધુ રસિકલાલભાઈના સાથ થકી ધીમેધીમે મહેન્દ્રભાઈ આગળ વધતા રહ્યા. ૧૯૬૩માં માતાએ કરેલી આર્થિક મદદ તથા લોન, બેઉના સમન્વયથી બેઉ ભાઈઓએ છેવાડાના ઉપનગર બોરીવલીના વિસ્તાર શાંતિનગરમાં પાંચ-પાંચ હજાર રૂપિયામાં પાકી રૂમ લીધી. સાથે, એક પરિચિત કપોળ બિલ્ડરે નાણાંની જોગવાઈ કરી આપતાં. મહેન્દ્રભાઈને બાંધકામ ઉદ્યોગમાં આગળ વધવા સૂચવ્યું. રસિકભાઈ તથા મહેન્દ્રભાઈએ આ દિશામાં વિચારપૂર્વક પગલાં માંડ્યાં. ૧૯૬૫માં સરલાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. સાથે, બેંગલોરમાં તેમણે કાપડની દુકાન કરી, જેના થકી પણ પરિવારની આર્થિક સ્થિરતા થોડી વધી. ૧૯૯૦ના દાયકા સુધીમાં વેપારે ખાસ્સી પ્રગતિ સાધી લીધી. એટલી કે તેમના કાપડના બિઝનેસનું ટર્નઓવર સો કરોડ રૂપિયાને પાર કરી ગયું.
ધીમેધીમે પરિવાર પણ વિસ્તર્યો, રહેવાનું બોરીવલીથી બદલાતા રહીને જુહૂ થયું અને મનમેળ સાથે ભાઈઓએ જુદાં ઘર પણ કર્યાં. મહેન્દ્રભાઈને રસિકભાઈ માટે અનહદ માન છે. તેઓ કહે છે, “ભાઈ સાથે મારાં ભાભી મંગળાગૌરીએ અમારા પરિવાર માટે ખૂબ ભોગ આપ્યો છે. અમારા માટે તેઓ માબાપથી ઓછાં નથી.” ગૃહસ્થીના મોરચે એવું માન તેમને સરલાબહેન માટે પણ છે જેઓ કાયમ પડછાયો બનીને સાથે રહ્યાં છે. આજે પણ સાંજે વોક પરથી ઘરે આવે કે મહેન્દ્રભાઈ માટે સરલાબહેને ગરમાગરમ ભોજન તૈયાર જ રાખ્યું હોય.
જાતે ગરીબીને નિકટથી જોઈ હોવાથી જરૂરિયાતમંદને મદદ કરવા તેઓ તત્પર રહે છે. ઈશ્વરમાં ભરપૂર શ્રદ્ધા ધરાવે. છે. ગિર સ્થિત કનકાઈમાતાના મંદિરના ટ્રસ્ટી તરીકે દસેક વરસ કાર્યરત રહી ત્યાં અનેક સુકૃતોમાં તેમણે ફાળો આપ્યો છે. એક ગૌશાળા પણ ત્યાં બાંધી આપી હતી. રાજુલામાં ગોદાન, સ્વજનોથી માંડીને ગ્રામજનોને જરૂર પડ્યે સાથ, દામનગરની હોસ્પિટલમાં પિતા સ્વ. પ્રેમજીભાઈની સ્મૃતિમાં તેમના નામે ઓપરેશન થિયેટર તો માતાની સ્મૃતિમાં લેડીઝ વોર્ડ તથા જ્યાં ભણ્યા તે દામનગર હાઈસ્કૂલમાં પણ મદદરૂપ થઈને મહેન્દ્રભાઈએ સમાજના ઋણાનુબંધને ઉજળું રાખ્યું છે.
સંદીપ, સચીન અને સત્યેન તેમના ત્રણ દીકરા અને ત્રણેય પિતાના વેપારી સામ્રાજ્યને સરસ રીતે સાચવી રહ્યા છે. સંયુક્ત પરિવારની જેમ રહેવા સાથે પિતાએ કરી આપેલી વિચારશીલ ગોઠવણથી ત્રણેય ભાઈઓ આવશ્યક સ્વતંત્રતા પણ માણે છે. દીકરાઓની જેમ જ સુશીલ અને સંસ્કારી પુત્રવધૂઓ થકી મહેન્દ્રભાઈનું જીવન જાણે સંપૂર્ણતાને વર્યું છે. એ સંપૂર્ણતાને સંતોષભેર માણનારા આ વડીલ છેવટે કહે છે, “સ્વાર્થ ના રાખવો, અસત્ય ના આચરવું. આ સરળ નિયમોથી જીવનમાં બેહદ શાંતિ રહે છે. આ નિયમને અનુસરવાથી મને પુત્ર, પુત્રવધુ તથા પૌત્ર-પૌત્રી સુધીનાં તમામ સુખ સાથે આ ઉંમરે પણ નિરોગી એવું શરીર મળ્યું છે.”
કપોળો વિશે તેઓ કહે છે, “દાનધરમનો આપણો સ્વભાવ છે. ટાંટિયાખેંચને કારણે પાછલાં થોડાં વર્ષોમાં આપણી ઘણી સંસ્થાઓ હાથમાંથી સરી ગઈ. હવે સમજદારોએ આગળ આવીને આ મામલે સ્થિતિ સુધારવી રહી.”
સફળતાનો અર્થ તેમના શબ્દોમાં કંઈક આવો થાય છે, “સચ્ચાઈપૂર્વક કામ કરો, સારી ગુણવત્તાનો આગ્રહ કરો અને સામા માણસને પૂરો સંતોષ મળે તે નક્કી કરો. છેતરો નહીં અને છેતરાવ નહીં, આ બે વાતની ખાતરી કરવાથી માનસિક-બૌદ્ધિક સફળતા સુનિશ્ચિત થશે.”
પાણી માટે પણ ત્યાંથી અડધો કિલોમીટર દૂર ચાલતા જવું પડતું. બીજી કોઈ સગવડ નહીં. હતો તો બસ ઉત્સાહ કે આ બધાં વચ્ચે ટકી જવું છે, સારા કામ કરતાં કરતાં જીવનને સારું બનાવવું છે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


