બાળપણથી તેમણે લેખનકળાને ચાહી છે. વેપારી પરિવારમાંથી આવીને પણ લેખક તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે ઉમદા માણસ, મિત્ર અને સ્વજન તો ખરા જ
“લેખન મારો બીજો સ્વભાવ છે.” એવું મિહિર ભુતા કહે ત્યારે નવાઈ લાગે નહીં. બાળપણથી તેમણે લેખનને જીવન ગણ્યું છે. તેમનાં સર્જનોએ સૌને અભિભૂત કર્યાં છે. તેમના શબ્દોમાં કહીએ તો, “ખબર નહીં મારામાં આ ક્ષેત્ર માટેનો લગાવ ક્યાંથી આવ્યો. મારાં ફોઈ કહે કે ઘરમાં દાદા નવા સ્વરૂપે આવ્યા છે, પણ તેમને લેખન-વાંચનમાં રુચિ હતી, બસ એટલું જ.” વેપારી પરિવારમાંથી આવેલા મિહિરભાઈએ કેવી રીતે લેખનક્ષેત્રે કારકિર્દી ઘડી?
બરવાળા તેમનું મૂળ વતન, જેની સાથે તેમનો માત્ર અલપઝલપ સંબંધ, “પહેલીવાર ગામ ગયો ત્યારે અઢીએક ફૂટનો હોઈશ, “સ્મિત વેરતાં મિહિરભાઈ જીવનનાં પૃષ્ઠો ઉપાડે છે, “પછી ગયો લગ્ન બાદ. હમણાં બેએક વરસ પહેલાં ગામની સ્કૂલમાં દાદાના શિલ્પનું અનાવરણ થયું. એ સ્કૂલ દાદાએ બંધાવેલી. તેઓ સ્વાતંત્ર્યસૈનિક હતા. શિલ્પના અનાવરણ પ્રસંગે ગયો એ હાલની મારી ગામની છેલ્લી વિઝિટ.” ૧૯૬૪માં મુંબઈના ઉપનગર વિલેપાર્લેમાં તેમનો જન્મ થયો. માબાપ રંજનબહેન અને હિંમતભાઈને પહેલો દીકરો મેહુલ અને બીજો મિહિર. પિતા વ્યવસાયે ટેક્સ પ્રેક્ટિશનર અને કાકા જિતુભાઈ એમ. એસસી. કર્યા પછી કેમિકલના વેપારમાં. “અમે ગરીબ નહોતા પણ અમીર પણ નહોતા. આપણાં ઘરોમાં હોય તેવું વેપારી માનસવાળું કુટુંબ મારું પણ,” કહીને મિહિરભાઈ ઉમેરે છે, “મને જોકે નાનપણથી વાંચન અને લેખને મોહી લીધો. સ્કૂલમાં હું કવિતા, ગઝલ વગેરે લખતો થઈ ગયેલો.”
ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલમાં અભ્યાસ પછી મીઠીબાઈ કોલેજમાં ભણતાં, ગુજરાતી ભાષા સાથે તેમણે ગ્રેજ્યુએશન કર્યું. ભણવા સાથે શરૂ થયું વેપારમાં પળોટાવાળું કામ, “બોઇસરમાં કાકાની કેમિકલની ફેક્ટરી અને સોળ વરસની ઉંમરથી મેં ત્યાં જવાનું શરૂ કરી દીધેલું. જોકે મારી કરિયરની દિશા ડિગ્રી અને ફેક્ટરીને બદલે કોલેજમાં બનાવેલા મિત્રોથી નક્કી થઈ.” એ મિત્રોમાં હતા અભિનેતા નીતિન દેસાઈ, અભિનેતા, લેખક, નિર્માતા, દિગ્દર્શક નીરજ વોરા, મનદીપ દેસાઈ વગેરે. આ મિત્રો સાથે મિહિરની નાટ્યસફર શરૂ થઈ. લેખન અને અભિનય બેઉ મોરચે. ઘરેથી આ વિશે વિરોધ નહીં એ સારી વાત હતી.
જોકે વેપારી બનવાના અખતરા ભિલકુલ કર્યા નહીં એવું પણ નહોતું. શિક્ષણ પૂરું કર્યા પછી મિહિરભાઈ દોઢેક વરસ પુણે રહ્યા. ત્યાં રેસિન એધેસિવ્સના સેલ્સના અખતરા કર્યા. બહુ મજા આવી નહીં એટલે ફરી મુંબઈ આવી ગયા. પછી સિવિલ કોન્ટ્રાક્ટર, ઇન્ટિરિયર ડિઝાઇનરનાં કામ વગેરે પણ લઈ જોયા પણ… કોલેજમાં ભણતાં તેમણે ઇન્ટર કોલેજિયેટ માટે નાટકો લખ્યાં. ત્યારે લેખક એટલે કોણ, એવી વ્યાખ્યા કરો તો ફિલ્મલેખક કે નવલકથાકાર એવા મર્યાદિત વિચારોમાં વાત પૂરી થઈ જતી. ટેલિવિઝન એટલે દૂરદર્શન, ધેટ્સ ઓલ.
અભિયાન સામયિકના નેજા હેઠળ એ આસપાસ નાટ્યસ્પર્ધા યોજાઈ. મિત્ર મનોજ જોશીના આગ્રહથી મિહિરે એ સ્પર્ધા માટે નાટક લખ્યું ચાણક્ય. એની વાત પણ મજાની છે, “મનોજ પોતાને અભિનેતા તરીકે લોન્ચ કરવા થનગને. હું ઉત્સુક લેખક તરીકે પ્રસ્થાપિત થવા. મેં બે-ત્રણ વિષયો પર નાટકો લખી અધૂરાં રહેવા દીધાં હતાં. ચાણક્ય પૂરું લખ્યું. એ સ્પર્ધામાં પણ ગયું.” ૧૯૮૭ની આ વાત. એક જ નાટક સાથે મિહિર ભુતાનું નામ પ્રતિભાશાળી લેખકોમાં લેવાવા માંડ્યું. એ પછીના વરસે લેખન સાથે નિર્માણની ઉત્કંઠા થતા, મિહિર અને મનોજે મળીને સર્જ્યું અફલાતૂન. બેઉ નાટક એકમેકથી સાવ જુદાં અને બેઉ મોટી સફળતાને વર્યાં. એવી સફળતા કે આજે ૩૨ વર્ષે પણ ચાણક્ય (ભલે હવે હિંદીમાં) રંગભૂમિ ગજવી રહ્યું છે અને અફલાતૂન પરિવર્તિત થયું ગોલમાલ જેવી ફિલ્મની હિટ ફ્રેન્ચાઇઝીમાં.
નાટ્યસફર સાથે ટેલિવિઝન માટે લખવાની પણ શરૂઆત થઈ, “ટિકુ તલસાણિયાએ મારો પરિચય શ્રીધર ક્ષીરસાગર સાથે કરાવ્યો. તેમની દૂરદર્શન પર ચૌરાહા નામે સિરિયલ આવે. મને એ લખવાની તક મળી.” જોકે તેર-તેર એપિસોડ્સના બે તબક્કા થયા ત્યાં ક્ષીરસાગરનું અકાળે અવસાન થયું. સિરિયલ અટકી પડી.
એ પછીની કારકિર્દીમાં મિહિરભાઈએ કમલના કૌવતથી સીમાચિહ્નો સ્થાપ્યાં અને સાથે, નિષ્ફળતા નહીં તો પણ બેકારી તથા નિષ્ક્રિયતાના દોર પણ જોયા. તેઓ કહે છે, “રોલર કોસ્ટર રાઇડ જેવી સિચ્યુએશન્સ ઘણીવાર જોઈ છે. એના લીધે જોકે ક્યારેય એમ ના થયું કે આગળ ના વધવું.”
લેખનયાત્રા વચ્ચે ૧૯૮૭માં તેમનાં લગ્ન માધવી સાથે થયાં. માધવી પણ મીઠીબાઈમાં ભણે અને નાટ્યક્ષેત્રે પ્રવૃત્ત. કોમન ફ્રેન્ડ નીરજભાઈ થકી બેઉ મળ્યાં અને યુગલ બન્યાં. સમયાંતરે તેમને નિરિહા અને અક્ષત એમ બે સંતાનો થયાં. લગ્ન અને નાટકો વચ્ચે મિહિરભાઈને સિરિયલ પછી તક મળી ચેનલ હેડ બનવાની. એ હતી ગુર્જરી ચેનલ. જોકે કાચા આયોજને ગુર્જરીને સફળ થવા દીધી નહીં અને મિહિરભાઈએ યોગ્ય સમયે ચેનલને રામરામ પણ કરી દીધા. ચડતીપડતી વિશે તેઓ કહે છે, “જ્યારે પણ મારી કરિયર ડામાડોળ થતી ત્યારે ઘરનાઓને કદાચ થયું હશે કે થાકીને પાછો આવશે તો ઘરનો વેપાર તો છે જ. ભાઈ મેહુલ જોકે પપ્પાને કાયમ કહે કે મિહિરને એની રીતે આગળ વધવા દો. મારા પક્ષે કહું તો હું ડાઉન ઘણીવાર થયો હોઇશ પણ આઉટ ક્યારેય ના થયો.”
મિત્ર મનોજ સાથે મિહિરભાઈએ ૨૦૦૨ આસપાસ સંક્રમણ નામે પ્રોડક્શન હાઉસ સ્થાપ્યું. એના અંતર્ગત સ્ટુડિયો પણ શરૂ કર્યો. જોકે ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી એ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા મનોજે સંક્રમણ સોંપી દીધું મિહિરને. એ પછી સ્ટુડિયો આરે કોલોનીમાં હોવાથી કાયદાકીય અડચણો પણ આવી. એ બધાંનો મિહિરભાઈએ સામનો કરતાં લેખનયાત્રા જારી રાખી.
એકવાર નીરજ વોરાએ મિહિરને ફિલ્મ લખવા આપી. એ ફિલ્મ બની નહીં અને, મિહિરભાઈ કહે છે, “નીરજે ના પૈસા આપ્યા કે ના નામ. પછી એક ફિલ્મ એવી આવી જે મેં લખી નહોતી છતાં તેણે મને નામ અને પૈસા આપ્યાં! નીરજ આવી જ હતો અને બહુ દિલદાર મિત્ર હતો.” ૨૦૦૭-૦૮ આસપાસ સ્વપ્ના વાઘમારે જોશીએ જય મહેતા પ્રોડક્શનની સિરિયલ લખવા આપી. નાટકો, સિરિયલ્સનો આ દોર લગાતાર ચાલતો રહીને આજ સુધી આગળ વધી રહ્યો છે. એમાં આવેલાં અગત્યનાં સીમાચિહ્નોમાં નજીકના ભૂતકાળમાં આવેલી એકતા કપૂર નિર્મિત મહાભારત સિરિયલ, નાટકો, મારો પિયુ ગયો રંગૂન, ધર્મો રક્ષતિઃ વગેરે સામેલ છે. ગુજરાતીમાં મિહિરભાઈએ એક ફિલ્મ લાંબો રસ્તોનું દિગ્દર્શન પણ કર્યું. નામની એ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. એ પછીનાં બેએક વરસોથી તેઓ જુદા જ ક્ષેત્રમાં પોતાની લેખનશક્તિ થકી પ્રવૃત્ત છે.
દરમિયાન, પત્ની માધવીએ રાજકીય મોરચે આગેકૂચ કરતાં ભારતીય જનતા પક્ષની મહિલા પાંખનાં રાષ્ટ્રીય મહામંત્રી બન્યાં છે. દીકરી નિહિરાએ બેકરી સ્પેશ્યલાઇઝેશન સાથે હોસ્પિટાલિટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. દીકરા અક્ષતે સરાફ ઇન્સ્ટિટ્યુટમાં ફિલ્મ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને એ પિતાના પગલે ચાલવાની ઘડીઓ ગણી રહ્યો છે.
કપોળો વિશે વાત કરતાં મિહિરભાઈ જુદા પરિપ્રેક્ષ્ય તરફ લઈ જાય છે, “જ્ઞાતિવાદ કે સમાજવાદનો જન્મ ગરીબીમાંથી થયો હતો. માણસને સમાજની વધુ જરૂર ત્યારે પડે જ્યારે સ્થિતિ નબળી હોય. હું મોટો થઈ રહ્યો હતો ત્યારે આપણો સમાજ ગરીબમાંથી બહાર આવવા માંડ્યો હતો. એના લીધે સમય સાથે કપોળપણું જેનું કહીએ તેનો બંધ પણ ધીમેધીમે તૂટતો ગયો હતો.”
મનગમતા ક્ષેત્રમાં, મનગમતી રીતે જીવનને ભરપૂર માણવાની તક મિહિરભાઈને મળી છે. છેલ્લે તેઓ કહે છે, “આમ હું ઓછો કપોળ અથવા વેપારી છું. મને કેમિકલ ના સમજાયાં, ક્રિકેટ કે શેરબજાર નથી સમજાતાં, સમજાય છે તો શબ્દોની દુનિયા અને એમાં જ હું ખુશ છું.”
રોલર કોસ્ટર રાઇડ જેવી સિચ્યુએશન્સ ઘણીવાર જોઈ છે. એના લીધે જોકે ક્યારેય એમ ના થયું કે આગળ ના વધવું.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


