એક સર્વે કહે છે, મોબાઇલ વાપરતો દર બીજો માણસ એની ચોકલેટ કે મીઠાઈને એકવાર તિલાંજલિ દઈ દેશે, પણ મોબાઇલ વગર નહીં રહે. એવું છે કે હવે તો જેટલાં મોઢાં તેટલા મોબાઇલ. મોડર્ન વર્લ્ડમાં હવે મોબાઇલ વાપરવાની સભ્યતાના ક્લાસ પણ મોટા પાયે શરૂ કરવા જોઈએ. એટિકેટની જેમ એને મોબિકેટ જેવું કાંઈક નામ આપી દેવું જોઈએ

ઘણાને ભીડ વચ્ચે મોબાઇલ પર એમ વાત કરવી ગમે જેમ ટોળા સામે માઇક પર ભાષણ દેતા હોય. ઘણા ઓફિસની શાંતિ, સિસ્ટમને બિનધાસ્ત તોડીફોડી નાખવા મોબાઇલને હથિયાર તરીકે વાપરે. ઘણા બિનજરૂરી બડાશ હાંકવા મોબાઇલ પર મોટી મોટી હાંકે. ઘણા વળી પોતે નવરા હોય તેથી, ટાઇમ પાસ તો થાય એમ વિચારી ગમે તેને કોલ-વ્હોટ્સએપ મેસેજિસથી કારમો ઘા દઈ દે, શું ચાલે છે? શું છે નવાજૂની? હમણાં કહું તારી નવાજૂનીની…

ઓછું બોલો, આવશ્યક હોય ત્યારે બોલો, ગમા-અણગમાનો આઇડિયા રાખીને મેસેજ કરો, અને યસ, મફતિયા કોલ્સ થવાના જમાનામાં સમય, શક્તિ, શબ્દો અને સંભાષણની સભ્યતાનું મૂલ્ય સમજો. કોઈ પણ સાધન વાપરતા આવડે તો ધન છે, બાકી દે ધનાધન ગોળી છોડતી બંદૂક છે. મોબાઇલ તમારો, પણ જેને છંછેડો છો તેનું મન અને જીવન તમારું નથી. વત્તા, તમારે વાતાવાતી કરવી હોય, જેમ કે થિયેટરમાં, ત્યારે બીજાને લાતાલાતી લાગતી હોય તેવી ફીલ થાય. જગ્યાનો તકાજો હોય છે અમુક વાતમાં, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ.

ડુ નોટ ડિસ્ટર્બ છતાં લોકોને પજવતી માર્કેટિયા માખી અને એવા જ ઓળખીતા, બેઉ આમ તો સરખા. આ કેટેગરીમાં તો જરાય જોડાવાનું નહીં. વાત એમ, એટલી અને એવી કરવાની કે રંગ રહી જાય. નહીંતર ક્યાંક તમારો કોલ આવ્યો એ જોતાં જ કોઈકનો રંગ ઊડી જાય તો કહેતા નહીં.

Leave A Reply

Exit mobile version