ટ્રસ્ટમાં ચબૂતરા માટેના અલાયદા ફંડની વ્યવસ્થા છે. ઉપરાંત અહીંના દેરાસરના જીવદયા ખાતાના ભંડોળમાંથી ચબૂતરા માટે જારની વ્યવસ્થા કરવામાં આવે છે
મહાપાલિકા અનુસાર મધ્ય ઝોનમાં આવતા ચુનારાના ખાંચાની મોટી પોળમાં જૂનો ચબૂતરો ધરતીકંપનો કોળિયો બન્યો હતો. એ પછી અહીંના જીવદયાપ્રેમી રહેવાસીઓએ ભેગા મળીને નવા ચબૂતરાનું નિર્માણ કર્યું છે.
આ પોળ અહીં આવેલા દેરાસર માટે પ્રખ્યાત છે. દેરાસરમાં બે મૂળનાયક છે. તેમાં શ્રી ચિંતામણિ પારસનાથ ભગવાન તથા શ્રી વિમલનાથ ભગવાન દેરાસરમાં બિરાજમાન છે. ૧૫૦ વર્ષ જૂના આ દેરાસરમાં દર બુધવારે સાડાત્રણ હજાર ભક્તો દર્શન કરવા આવે છે. ઉપરાંત અહીં દોઢ સદી જૂનું મહેશ્વરી માતાજીનું મંદિર પણ છે. અનન્ય ધાર્મિક વાતાવરણમાં વસતા અહીંના તમામ રહેવાસીઓ જીવદયાના હિમાયતી છે. અહીં મોટે ભાગે જૈન સમુદાય વસે છે.
અહીંનો મૂળ ચબૂતરો કેટલો જૂનો હતો તેની વિગતો તો ખબર નથી. ૨૦૦૧ના ધરતીકંપમાં એ ધ્વંસ થયા પછી ૧૩ માર્ચ ૨૦૦૫ના દિવસે નવા ચબૂતરાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમની સદ્ભાવના અને એકતા થકી આજે હજારો પારેવાંની આંતરડી ઠારતો સુંદર ચબૂતરો અન્યને પણ પ્રેરણા આપી રહ્યો છે. હાલમાં હોળતખાંચા પરબડી ટ્રસ્ટ દ્વારા ચબૂતરાની સુંદર સારસંભાળ લેવાય છે. ટ્રસ્ટમાં ચબૂતરા માટેના અલાયદા ફંડની વ્યવસ્યા છે. ઉપરાંત અહીંના દેરાસરના જીવદયા ખાતાના ભંડોળમાંથી ચબૂતરા માટે જારની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંના રહેવાસીઓ પણ ચબૂતરા માટે દરેક જાતનો સહયોગ આપે છે. પરિણામે ચબૂતરા માટે ભંડોળ અનામત પડ્યું હોવાથી વ્યવસ્થા શક્ય બની છે. ટ્રસ્ટ ખૂબ સારી રીતે ચબૂતરાની સારસંભાળ રાખે છે. અહીં નિયમિત ઘઉં, બાજરી અને અન્ય અનાજ નાખવામાં આવે છે. ટ્રસ્ટ અને રહેવાસીઓના સહિયારા પ્રયાસે અહીં પારેવાં પણ ખૂબ આવે છે. દરરોજ લગભગ એક કિલો જાર પારેવાં ચણી જાય છે.
જીવદયા પ્રત્યે સમર્પિત રહેવાસીઓ અને તેમના દૃઢ સંકલ્પ થકી આ પોળનો ચબૂતરો શહેરના સૌથી શ્રેષ્ઠ ચબૂતરામાંનો એક બની શક્યો છે. જો આવી જ ભાવના અને ઇચ્છાશક્તિ અન્ય લોકો પણ કેળવે તો જીવદયા ક્ષેત્રે ક્યારે ન થયેલું કાર્ય થશે તે વાત નક્કી.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.
