આવતા વર્ષે જીવનની સેન્યુરી પૂરી કરશે આ વડીલ. સાદગી તેમની ઓળખાણ છે. શિક્ષક-લેખક તરીકેની પ્રદીર્ઘ કારકિર્દીમાં તેમણે કંઈક સિદ્ધિઓ મેળવી છે
છાપાં-મેગેઝિન તો વાંચતા જ હશો તમે. નગીનદાસ સંઘવીના નામથી પણ સુપરિચિત હશો જ. રાજકીય પૃથ્થકરણમાં ઊંડાણ અને સચોટતાના મામલે નગીનભાઈ જેવી કલમ બહુ ઓછી જોવા મળે. ૯૯ વર્ષની યુવાન વયે તેઓ એવા પ્રવૃત્ત છે કે સલામ કરવી પડે. એ પછી પણ, જોગેશ્વરીમાં સ્વાવલંબી અને સાદગીભર્યું જીવન અનુસરતા આ વડીલ સહજતા સાથે કહે છે, “શું જણાવું મારા જીવન વિશે? લોકોને જેમાં રસ પડે એવું ખાસ કશું નથી મારા જીવનમાં…”
ભાવનગર પાસે ભુંભલી નામનું એક નાનકડું ગામ. ૧૯૨૦ની સાલમાં ત્યાં આ કપોળશ્રેષ્ઠીનો જન્મ મોંઘીબહેન તથા હરગોવિંદદાસના ઘરે થયો. પિતાનું ટ્રાન્સપોર્ટનું કામકાજ. બે દીકરી અને એક દીકરામાં તેમનો ક્રમ વચલો. નગીનભાઈ ત્રણ વરસના હતા ત્યારે માતાનું અવસાન થયું. તેમના ઉછેરની જવાબદારી દાદા-દાદીએ વધુ ઉઠાવતાં બેઉના સંસ્કારોથી તેમનું જીવન પ્રભાવિત થયું. પ્રાથમિક શિક્ષણ ગામમાં મેળવીને ભાવનગર સ્થિત કપોળ સમાજની હોસ્ટેલમાં રહેતા તેઓ આગળ ભણ્યા. શહેરની પ્રતિષ્ઠિત શામળદાસ કોલેજથી પોલિટિકલ સાયન્સ અને એમ. એ.ની ડિગ્રી મેળવી. સમય આવ્યો કારકિર્દીના પગરણનો અને ત્યારની વાત કરતાં નગીનભાઈ કહે છે, “એમ. એ.ની ડિગ્રી હોવાથી મારા માટે અમદાવાદ કે સુરતમાં ધમધમતી કાપડ મિલોમાં નોકરી મેળવવી સ્વપ્નવત્ વાત હતી. તેથી ૧૯૪૭માં મેં મુંબઈની વાટ પકડી.” પચરંગી શહેરમાં સંઘર્ષનો વારો આવતા પહેલાં તેમને ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સમાં નોકરી મળી ગઈ પણ, નગીનભાઈને થવું હતું પ્રોફેસર. તેથી એ દિશામાં પ્રયત્નો જારી રહેતા તેઓ ફરજ બજાવતા રહ્યા.
એવામાં જાણ થઈ કે અંધેરીની ભવન્સ કોલેજમાં પ્રોફેસરની જગ્યા ખાલી છે. નગીનભાઈ કહે છે, “પગાર સાથે ત્યાં મોંધવારી ભથ્થું ના મળે, તેથી અનુભવી પ્રોફેસર્સ ત્યાં જોડાવા તૈયાર નહોતા થતા. મારે તો બસ પ્રોફેસર થવું હતું. પગાર ગૌણ બાબત હતી. મેં નોકરી સ્વીકારી.” બેએક વરસ ત્યાં સેવારત રહ્યા પછી નગીનભાઈને ૧૯૫૩માં તક મળી રૂપારેલ કોલેજમાં, જ્યાંનાં દસ વરસ તેમનો સુવર્ણકાળ બન્યાં. એ અરસામાં મૂળ જાફરાબાદનાં પ્રભાવતીબહેન સાથે તેમનાં લગ્ન થયો. પ્રોફેસરીની આવકથી ઘર ચલાવવું આસાન નહીં તેથી તેમણે સંસ્કૃતના એક પ્રોફેસરની ભલામણથી એક પુસ્તકના ગુજરાતી ભાષાંતરનું કામ લીધું. એમાં વિઘ્ન આવ્યું પણ પછી થઈ કમાલ, “પાનાદીઠ બે રૂપિયાના ભાવે મને જે કંપનીએ કામ આપ્યું હતું એ આગળ જતાં બંધ પડી. હું માંડ થાળે પડ્યો ત્યાં વળી અટવાયો. પછી નસીબની યારી હતી કે પેલી કંપની જેની પાસેથી કામ લઈને મને આપતી, એ કંપનીએ મને સીધું કામ આપ્યું. પાનાદીઠ ભાવ બેથી બદલાઈને બાવીસ રૂપિયા કરીને!”
એ સાથે ખરા અર્થમાં આર્થિક સ્થિરતા આવી. કાંદિવલીની ચાલીની ઓરડીમાં રહેનારો સંઘવી પરિવાર ઘાટકોપર અને પછી જોગેશ્વરી રહેવા ગયો તેનાં બીજ એ સમયમાં રોપાયાં. બીજી તરફ ઘરે હર્ષા, ઉષા અને જયંત એમ ત્રણ સંતાનોનો જન્મ થયો. ત્રીજી તરફ, કાંદિવલીમાં રહેતા એકવાર સ્વાતંત્ર્યદિનના કાર્યક્રમમાં નગીનભાઈ સંચાલક હતા. તેઓ કહે છે, “રાજકારણીઓ સાથે ત્યાંથી મારે સીધો સંપર્ક થયો. હું ચૂંટણીપ્રચારમાં પણ જોડાતો. ઘણા સૂચવવા માંડ્યા કે રાજકારણમાં ઝંપલાવો પણ મને થાય, પાંચ વર્ષ માટે ચુંટાયા એ તો જાણે ઠીક પણ પછી શું? એટલે ભલે રાજકારણમાં યોગદાન આપીએ પણ સામાન્ય પરિવારના મારા જેવા માટે રાજકારણને કારકિર્દી બનાવવી ઠીક નથી.”
રૂપારેલ કોલેજમાં દસ વરસની વાત કરતાં તેઓ બીજો મુદ્દો વાગોળે છે, “ત્યાંથી હું ૧૯૬૨માં મીઠીબાઈ કોલેજમાં જોડાયો અને ત્યાંથી જ ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયો. મને વધુ સંતોષ રૂપારેલમાં એટલે મળ્યો કે ત્યાં મરાઠીભાષી વિદ્યાર્થીઓ વધુ છતાં તેમનો ભાષાપ્રેમ, તેમનું વાંચન પ્રભાવશાળી. મીઠીબાઈમાં એવું નહીં. હા, માતૃભાષા ભણાવવાની મજા ખૂબ આવે.”
નગીનભાઈ ઉત્કૃષ્ટ પ્રોફેસર ઉપરાંત અત્યંત આદરપાત્ર પત્રકાર છે, કટારલેખક છે. પત્રકારત્વની વાત કરતાં તેઓ કહે છે, “સમકાલીનમાં હસમુખ ગાંધીના તંત્રીકાળમાં લખવાની જે મજા આવી એ અદ્વિતીય રહી. રામાયણ-મહાભારતથી પ્રભાવિત હોવાથી એ અખબારમાં મેં રામાયણની અંતરયાત્રા નામે કટાર આરંભી હતી. હજી બીજો ભાગ છપાયો ત્યાં એવો હોબાળો થયો કે છાપા પર આફત સાથે એજન્ટ-ફેરિયા પર તવાઈ આવી. એવામાં મેનેજમેન્ટના અપૂર્વ દબાણને અવગણતાં, સિદ્ધાંતોના અડગ ગાંધીભાઈ કટાર ચલાવવા માગતા હતા. મેં સમજાવ્યા ત્યારે માંડ તેમણે કટાર પડતી મૂકી.” આગળ જતાં કટારના બદલે એ લખાણ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયું ત્યારે પણ હોબાળો થયો હતો.
કપોળ તરીકે તેમના સમાજ સાથેના અનુભવો ઓછા રહ્યા છે. એ વિશેનું તેમનું નિરીક્ષણ છે, “આપણે કપોળો વેપારી અને હું રહ્યો પ્રોફેસર. બહુ મેળ પડે ક્યાંથી? એટલે કદાચ સમાજના પ્રસંગોમાં મને ઓછાં આમંત્રણ મળે એ સ્વાભાવિક ગણાય. ભાવનગરમાં આપણી બોર્ડિંગમાં ભણ્યા પછી તેનું ઋણ ઉતારવાની મારી સદૈવ ઇચ્છા રહી છે પણ એ ફળીભૂત કરી શક્યો નથી. હા, કાંદિવલી રહેતો ત્યારે સમાજમાં સભ્ય તરીકે જોડાયો હતો અને પત્ની સમાજના કાર્યક્રમોમાં જતી હતી.”
પ્રભાવતીબહેનનું અવસાન ૨૦૧૩માં થયું. એના દસ વરસ અગાઉ દીકરા જયંતનું એક અકસ્માતમાં અવસાન થયું. હાલ તેમનો પરિવાર વડોદરા વસે છે. પારિવારિક મોરચે આજે તેમનાં દીકરી હર્ષાબહેન લગ્ન પછી અમેરિકા વસ્યાં છે. હર્ષાબહેનની ઇચ્છા ભારતમાં ઓટિસ્ટિક બાળકો માટે કાર્ય કરવાની છે. ઉષાબહેન પિતાના ઘર નજીક જોગેશ્વરીમાં રહે છે. તેઓ પિતાને રોજ ટિફિન મોકલી તેમની સેવા કરે છે.
આનંદની વાત એ છે કે ભારત સરકારે નગીનભાઈને વર્ષ ૨૦૧૮ના વયોશ્રેષ્ઠ સન્માનથી નવાજ્યા છે. આ સન્યાન એમની કલમ દ્વારા વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. તાજેતરમાં તેમને કેન્દ્ર સરકાર તરફથી સન્માનપત્ર સાથે સ્મૃતિચિહ્ન અને અઢી લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં આ એવોર્ડ સૌને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની હસ્તે આપવામાં આવ્યા હતા. નગીનદાસભાઈ જોકે સમારંભ વખતે વિદેશના પ્રવાસે હોવાથી હાજર રહી શક્યા નહોતા.
દેશ-વિદેશોમાં યોજાતી પૂજ્ય મોરારિબાપુની કથાઓમાં આજે પણ તેઓ નવી પેઢીના શ્રોતાઓ સમક્ષ તેનો અંગ્રેજીમાં તરજૂમો કરીને રજૂ કરે છે. કર્મને સર્વોત્તમ માનનારા નગીનભાઈના ઘરમાં ભગવાનની એક પણ છબિ નથી. તેઓના મતે, “ભગવાન વિશે ઊંડાણપૂર્વક વિચારવાનો અવકાશ મને લાભ્યો નથી. છતાં ધર્મમાં મને ઊંડો રસ છે. અફસોસ પણ થાય કે ધર્મની અનેક ઉપયોગી વાતોથી સૌ અજાણ છે. એ ઉપયોગી વાતો સમજે તો લોકોના જીવનમાં આમૂલ અને અદ્ભુત પરિવર્તન આવી શકે.” ચિત્રલેખા અને દિવ્ય ભાસ્કર જેવાં પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં તેમની કસદાર કલમથી સર્જાતા મનનીય લેખો આજે પણ નિયમિત ધોરણે પ્રકાશિત થાય છે. ઉપરાંત રાજીવ ગાંધીની રાજકીય કારકિર્દી વિશેના એક અંગ્રેજી પુસ્તકની તૈયારીમાં તેઓ વ્યસ્ત છે. આ વ્યસ્તતા અને નરી નિસ્પૃહતા એટલે નગીનભાઈના પ્રદીર્થ, ઉજ્જ્વળ જીવનનો સાર.
અખબારમાં મેં રામાયણની અંતરયાત્રા નામે કટાર આરંભી હતી. હજી બીજો ભાગ છપાયો ત્યાં એવો હોબાળો થયો કે છાપા પર આફત સાથે એજન્ટ-ફેરિયા પર તવાઈ આવી.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


