મહિલા તરીકે જરા હટ કે વ્યવસાયમાં હોવું એ મજાની વાત કહેવાય. આ વડીલે નોખા ક્ષેત્રમાં નામના મેળવી છે. સમાજ સાથેનો ઘરોબો પણ જાળવી રાખ્યો છે
વ્યક્તિ જ્યોતિષી હોય, એ પણ મહિલા અને ગુજરાતી હોય ત્યારે એક અનોખો રોમાંચ અનુભવાય. પ્રતિભાબહેન મોદી એવાં કપોળ છે જેમણે પુરુષોના આધિપત્યવાળા જ્યોતિષશાસ્ત્ર તથા સંબંધિત ક્ષેત્રમાં નામના મેળવી છે. એક વરસાદી સાંજે તેમને મળવા પહોંચ્યા ત્યારે સસ્મિત આવકાર આપતાં તેઓ કહે છે, “પહેલાં નિરાંતે બેસો. ચા-પાણી પીઓ, પછી વાત માંડીએ.”
“જ્યોતિષશાસ્ત્ર વેદનું એક અંગ છે. જ્યાં સુધી શાસ્ત્રના સાચા સિદ્ધાંતો મનન-મંથન, વૈચારિક શક્તિ, આંતરસ્ફુરણા વિકસાવે નહીં ત્યાં સુધી સાચું ફળકથન મળતું નથી. જ્યોતિષની સંધિ જ્યોત અને ઈશ થાય છે. મુદ્દે, જ્યોતિષ એટલે ઈશ્વરે આપેલી જ્ઞાનની જ્યોત.”
વડોદરામાં ૧૯૫૪માં તેમનો જન્મ. પુષ્પાબહેન અને પ્રભુદાસ કિશોરલાલ મહેતા (વાસણવાળા) વાસણની દુકાન ચલાવતા. પ્રતિભાબહેન શહેરની મહારાણી ચીમનાભાઈ કન્યાશાળાનાં વિદ્યાર્થિની. ત્યાં એસએસસી અને હોમ સાયન્સનો અભ્યાસ તેમણે પૂરો કર્યો. એસએનડીટીની વડોદરા શાખામાં ઇતિહાસ-ભૂગોળ સાથે બી. એ પણ કર્યું. પ્રતિભાબહેન કહે છે, “એસએનડીટીમાં ભણતી હતી એ દિવસોમાં મારો જ્યોતિષશાસ્ત્રમાં રસ વધતો ગયો. ગ્રહો અને ભાગ્યની સંતાકૂકડી કેવીક હોય? વ્યક્તિના જીવન પર આવી બાબતોનો કેવોક અને શાને પ્રભાવ પડે? મારું મન મુગ્ધભાવે એના વિચાર કરે અને…” પ્રતિભાબહેન આવું જણાવે ત્યારે એવી નવાઈ પણ લાગે કે તેમના પરિવારમાં તો કોઈને જ્યોતિષશાસ્ત્રમાં રુચિ નહીં. છતાં પ્રતિભાબહેન બાળપણથી આ શાસ્ત્રનું મળે તે સાહિત્ય વાંચે અને વિચારોના વિશ્વમાં વિહરવા માંડે.
વડોદરામાં અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સન ૧૯૭૬માં તેમનાં લગ્ન મૂળ મહુવાના અને મુંબઈ વસતા અને કેમિકલના બિઝનેસમેન મોહનલાલ હરજીવનદાસ મોદીના પુત્ર હર્ષદભાઈ ઉર્ફે દિલીપભાઈ (તેમનું હુલામણું નામ) સાથે થયાં. લગ્ન પછી સરસ વાત એ થઈ કે પત્નીના શોખને હર્ષદભાઈએ પ્રોત્સાહન પૂરું પાડ્યું. પ્રતિભાબહેન આગળનો ઘટનાક્રમ વાગોળે છે, “કપોળ ઉત્કર્ષ મંડળમાં એ દિવસોમાં જ્યોતિષાચાર્ય પ્રદીપભાઈ વ્યાસ, ચંદ્રકાંત સંઘવી ભણાવતા. મારા માટે તેમનું માર્ગદર્શન મહામૂલું સાબિત થયું.” દસેક વરસ તેઓ જ્ઞાનોપાર્જન કરતાં રહ્યાં. હસ્તરેખા, અંકશાસ્ત્ર, હસ્તલેખન, પત્તાં સહિતના વિષયોથી તેઓ જ્ઞાત થતાં ગયાં. સમય આવ્યે ત્રીસેક વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ. એમાં પ્રતિભાબહેન અવ્વલ રહ્યાં. પછી તો માર્ગદર્શકોએ કહ્યું, “બહેન, હવે સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી દો.”
૧૯૯૩થી શરૂ થયેલી તેમની પ્રેક્ટિસ આજે પા સદી પાર કરી ચૂકી છે. શરૂઆત થઈ હતી ઘરમેળે અને ૨૦૦૭માં એ પહોંચી પોતીકી ઓફિસમાં. આ બધાં વચ્ચે ભાગ્યએ તેમની પરીક્ષા પણ લીધી જેના વિશે તેઓ કહે છે, “એકવાર પતિની કંપનીનો નાણાં એક કંપનીને સપ્લાય કરેલા માલમાં અટવાઈ ગયા. અમારા માથે આર્થિક ભીંસ આવી પડી. ત્યારે જ્યોતિષી તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત હું વડોદરાથી સાડી મગાવીને એક દુકાનદારને વેચતી. અમે પતિ-પત્નીને પડકારોને સહિયારા ઝીલ્યા. છેવટે ફસાયેલાં નાણાં ધીમે ધીમે પાછાં આવ્યાં. જીવન પણ પૂર્વવત્ થતું ગયું.”
કપોળ તરીકે ગર્વિત કરનારી બાબત એ છે કે પ્રતિભાબહેન તેમની સફળ પ્રેક્ટિસ સાથે સેવાક્ષેત્રે પણ સક્રિય છે. તેમણે પાંચેક વરસ સરસ્વતી સ્કૂલમાં જ્યોતિષીના વર્ગ ચલાવ્યા છે. કપોળ મંડળમાં દર મહિનાના પ્રથમ રવિવારે તેઓ વિનામૂલ્ય માર્ગદર્શન આપે છે. સંસ્થાના કાર્યક્રમો માટે આર્થિક સહયોગ આપે તે અલગ. ઉપરાંત, અંધેરીની ક્રિટિકેર હોસ્પિટલમાં તેમણે આપેલા રૂપિયા અગિયાર લાખના માતબર દાન સામે કપોળ દર્દીઓને સારવારમાં વીસેક ટકાના કન્સેશનની કાયમી સુવિધા છે.
સમાજ ઉત્કર્ષના મામલે તેઓ સજાગ છે. તેમના મતે, “પ્રવીણચંદ્ર દલાલ, અનિલભાઈ પારેખ, વિજયભાઈ મહેતા અને પંકજભાઈ સંઘવીનાં સમાજલક્ષી કાર્યોએ મને ખાસ્સી પ્રભાવિત કરી છે. મારી દષ્ટિએ બીજાને ઉપયોગી થવાનો અર્થ પોતાના જીવનને ઊંડાણપૂર્વક સમજવું છે. સુખ વહેંચવાથી વધે છે. હું કપોળ સિનિયર સિટીઝન ક્લબ સાથે પણ સંકળાયેલી છું. અમે નિયમિત ધોરણે કાર્યક્રમો યોજીને, ઉત્સવો ઉજવીને બીજાને સુખ આપવાનો પ્રયાસ કરતા રહીએ છીએ.”
પ્રતિભાબહેનની બીજી એક વિશિષ્ટતા જાણી લો. તેઓ પોતાના ક્લાયન્ટ્સને નંગ પહેરવાની, યજ્ઞ વગેરે કરવાની સલાહ ક્યારેય આપતાં નથી. હા, કુંડળી બનાવી આપે, ક્યારેક વળી મંત્રજાપ સૂચવે. પ્રતિભાબહેન કહે છે, “પૂજા કરવાથી માનસિક શાંતિ અને રાહત મળે. કર્મનાં ફળ તો પૂજાથી પણ બદલાતાં નથી. બાકીની બાબતોની શી વાત કરવી?” વિદ્યાની ગહનતાને તેઓ સચોટપણે સમજે છે. તેથી તેને મદદ કરવાના માધ્યમ તરીકે પણ ધ્યાનમાં રાખે છે, “કોઈકને મારી ફી ના પોસાય તો હું વિનામૂલ્યે માર્ગદર્શન આપું એ મારી વિદ્યાનું સન્માન ગણાય. જ્યોતિષશાસ્ત્ર બીજાને મદદ કરવા માટે છે, હેરાન કરવા કે લુંટવા માટે નથી.”
ધર્મમાં પણ ઊંડી આસ્થા ધરાવતાં પ્રતિભાબહેને ત્રણેક ભાગવત સપ્તાહ યોજી છે. પોતાના ગુરુઓ માટે કશુંક સરસ કરવાની તેમની ભાવના છે. જૈફ ઉંમરે તેમણે પારંગત થવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત શીખવાનું પણ શરૂ કર્યું છે. ગાયકીનાં પણ શોખીન અને પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના કાર્યક્રમોમાં ઘણીવાર ગાયિકા તરીકે સેવા આપવા જતાં. એમના દીકરો પ્રણવ, જે શેર માર્કેટના વ્યવસાયમાં વ્યસ્ત એવા તેમના દીકરા પ્રણવને જ્યોતિશાસ્ત્ર તથા ગાયકી અને સંસ્કૃત ભાષા, ત્રણેયમાં માતા જેવી રુચિ છે. બેઉ વચ્ચે ક્યારેક મજાની જુગલબંધી પણ થાય છે! પ્રતિભાબહેન કહે છે, “૨૦૧૮ના મેમાં મારા પતિના અવસાન પછી હું બહુ શૂન્યતા અનુભવવા માંડી હતી. ત્યારે પ્રણવે મારામાં ઉત્સાહનો પુનઃ સંચાર કર્યો અને મને ફરી પ્રેક્ટિસ શરૂ કરવા પ્રેરી.”
યુવાનોને તેઓ સરસ વાત જણાવે છે, “પોતાની જવાબદારીઓ સ્વીકારીને સામનો કરશો તો જરૂરથી આગળ વધશો. તકલીફોથી ક્યારેય નાસીપાસ ના થાવ, પછી તકલીફ કામકાજની હોય કે સંબંધની. પોતાનામાં અને બીજામાં પણ જ્યારે માઇનસને બદલે પ્લસ પોઇન્ટ જોવાની કળા આવડી જાય ત્યારે બધું સરસ થવા માંડે.” જીવનમાં આ વાતને માત્ર યુવાનો નહીં, સૌ જો અપનાવી લે તો જાદુ થઈ જાય.
વડીલવયે પણ જેઓ ખંતીલાં છે, ખુશનુમા છે. બીજાઓના જીવનમાં પ્રસન્નતા પ્રસરાવી રહ્યાં છે તેવાં પ્રતિભાબહેન આપણા સૌના પણ માટે પ્રેરણારૂપ છે. તેમની જેમ આપણે પણ પોઝિટિવ માઇન્ડસેટ સાથે દરેક નવા દિવસને આવકારીએ. જીવનની સાર્થકતા એવા અભિગમમાં છુપાયેલી છે.
મારી ફી ના પોસાય તો હું વિનામૂલ્યે માર્ગદર્શન આપું એ મારી વિદ્યાનું સન્માન ગણાય. જ્યોતિષશાસ્ત્ર બીજાને મદદ કરવા માટે છે, હેરાન કરવા કે લૂંટવા માટે નથી.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


