સફળ વેપારી અને પરોપકારી થવાના સંસ્કાર તેમણે પિતા પાસેથી આત્મસાત્ કર્યા. સાથે શિસ્ત અને સમજદારીને અપનાવીને અનોખા આયુષ્યના હકદાર પણ થયા છે
પ્રવીણભાઈ જીવનયાત્રાની ઝલક આપતાં વાત માંડે છે, “૧૯૩૯માં મારો ધોલેરામાં જન્મ થયો. ઉછેર-ભણતર બધું મુંબઈમાં થયું. અમારો પરિવાર પાંજરાપોળ લેનના એક મકાનમાં રહે. ચોથા ધોરણ સુધી હું મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અને પછી જી. ટી. હાઈસ્કૂલ અને ભરડા હાઈસ્કૂલમાં ભણ્યો. એ પછી પોદાર કોલેજમાં ઇન્ટર જુનિયર કોલેજ સુધી પહોંચ્યો.” એમને તો આગળ ભણવું હતું, એન્જિનિયર થવું હતું પણ એવામાં, “કંપનીના જર્મન એન્જિનિયરે નિવૃત્તિ લીધી અને પિતાનો આદેશ થયો: ચાલો, ફેક્ટરીમાં જોડાઈ જાવ.”
પ્રવીણભાઈની યુવાનીનો એક કિસ્સો પ્રેરક છે. વરસો પહેલાંની વાત. મોરિશિયસમાં પેલિકન પેન્સિલ નામની કંપનીનું કામકાજ ઠપ થયું. કશીક ટેક્નિકલ સમસ્યા હતી. નિવારણ શોધી આપવા માટે પ્રસ્તાવ આવ્યો સંઘવી પરિવાર પાસે. પિતાએ યુવાન પ્રવીણભાઈને ત્યાં મોકલાવ્યા. પ્રવીણભાઈએ પરદેશમાં રહી, સમસ્યાઓને તલસ્પર્શી રીતે સમજીને ઉકેલ કાઢી આપ્યો. પેલિકન પેન્સિલ ૧૯૮૪માં ફરી ધમધમતી થઈ ગઈ. એ સાથે દેશભરનાં પ્રકાશનોમાં સમાચાર ઝળક્યા, “પેન્સિલ ઉત્પાદનની ભારતીય ટેક્નોલોજી પહેલીવાર દેશની બહાર ચમકી.”
પોણી સદીથી વધુ જીવન જોઈ ચૂકેલા પ્રવીણભાઈની ત્યારની અને અત્યારની સફળતાને જોડતી કડી તેમની શિસ્ત, સમર્પિતતા અને દીર્ઘદૃષ્ટિ છે. નેપયન્સી રોડ રહેતા આ વડીલ જૈફ વયે પણ સવારે ચારના ટકોરે મેડિટેશનમાં બેસી ગયા હોય છે. નિત્યક્રમ પછી તેઓ ધંધાકીય જવાબદારી ખંતપૂર્વક ઉઠાવવા સાથે સમાજસેવા, પરોપકારનાં કાર્યો પણ ઉમંગભેર પાર પાડવા માંડે છે. સાથે પરિવારની કાળજી રાખવી, વિવિધ ટ્રસ્ટમાં સેવા આપવી વગેરે ખરાં જ.
ભરયુવાનીમાં વેપારની ધૂરા તેમણે સંભાળવા માંડી. પ્રવીણભાઈએ પિતા તથા પિતરાઈ બંધુ બાબુભાઈ સાથે મળીને સ્ટેશનરીના વેપારમાં પ્રવૃત્ત ડી. જગજીવનદાસ કંપનીને પ્રગતિના પંથે દોડતી કરી. તેના ફળસ્વરૂપે ૧૯૮૧ની સાલમાં સ્થાપના થઈ અપોલો પેન્સિલ્સ પ્રાઇવેટ લિમિટેડની.
બાવીસ વરસની ઉંમરે, સન ૧૯૬૨માં તેઓ ભારતીબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. એની વાત પણ મજાની છે, “ભારતી અમદાવાદની અને બેઉના પરિવાર કપોળ તથા એકબીજાને જાણે. અમે પરિચયમાં આવ્યાં અને પ્રેમ થયો.” એ જમાનામાં બેઉ પ્રેમલગ્ન કરીને જીવનસાથી બન્યાં. આમ કહ્યા પછી પ્રવીણભાઈ સસ્મિત ઉમેરે છે, “અમે સદ્ભાગી છીએ કે પ્રેમના આદરની એ વખતની ભાવના આજે પણ અમારા પરિવારમાં અકબંધ રહી છે.” તેમની મોટી દીકરી નીલિમા એક જર્મનને, યોહાનને પરણી છે તો નાની અનુજાને વળાવી છે મારવાડી ભરતભાઈ સંઘવીને ઘેર. એ તો ઠીક, દીકરી નીલિમાનીદીકરી એટલે પૌત્રી પ્રિયંકાએ એક ફ્રેન્ચ સાથે જીવનસફર માણવાનો નિર્ણય લીધો છે!
વિચક્ષણ વેપારી કુનેહ ધરાવતા પિતાની છત્રછાયા અને માર્ગદર્શનમાં ઘડાવાથી પ્રવીણભાઈએ જીવનમાં આર્થિક સંઘર્ષ ઓછો જોયો છે. એ વાત પણ નિર્વિવાદપણે સ્વીકારવી પડે કે આર્થિક સંપન્નતા પામવી એ એક વાત છે અને દાયકાઓ, પેઢીઓ સુધી તેને ટકાવવી રાખવી એ બીજી વાત છે. સમયની એરણ પર એને લગતી કસોટીઓને પ્રવીણભાઈએ બહુ સચોટ રીતે જવાબ આપ્યો છે. દાખલો લઈ શકાય ૧૯૭૮ની સાલનો. ત્યારે પછી પ્રવીણભાઈ અને બાબુભાઈએ પોતપોતાની અલગ કેડી કંડારવાનું નક્કી કર્યું હતું. બાબુભાઈના ભાગે ગઈ હિંદુસ્તાન પેન્સિલ તો પ્રવીણભાઈના ભાગે આવી ડી. જગજીવનદાસ. ઠાકોરજીને ગમે તે સાચું એવા ન્યાયે તેમણે નવેસરથી શરૂઆત કરી.
એ શરૂઆત પ્રવીણભાઈને એવી ફળી કે ૧૯૮૧માં તેમણે એપોલો પેન્સિલ્સ પ્રાઇવેટ લિમિટેડ સ્થાપીને ફરી પેન્સિલ-સ્ટેશનરીના ઉત્પાદનમાં ઝંપલાવીને કીર્તિમાન સ્થાપવા માંડ્યાં. એ સમયમાં તેમણે કંપનીની પંદર શાખાઓ બેંગલોર, ચેન્નાઈ, કલકત્તા, કોચી, હૈદરાબાદ, ઇન્દોર, લખનઊ, પટના, કટક, નવી દિલ્હી, અમદાવાદ, જલંધર જેવાં શહેરોમાં સ્થાપીને બિઝનેસનો ઝડપી વિકાસ કર્યો. એ ઉપરાંત વેપારને વિકસાવવા માટે તેમણે યુરોપ, મધ્ય-પૂર્વના દેશો, બેંગકોક, હોંગકોંગ, સિંગાપોર, જાપાન, રશિયા, અમેરિકાના પ્રવાસ પણ ખેડ્યા.
પુષ્ટિમાર્ગને ચુસ્તપણે અનુસરનારા સંઘવી દંપતીના પારિવારિક જીવન પર નાણાં કરતાં ઈશ્વરના નેહનો વધુ પ્રભાવ રહ્યો છે. એ પ્રભાવે જ ભારતીબહેનને સત્સંગ મંડળ સ્થાપીને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની સમજણ-પ્રસારનું સત્કાર્ય કરવા પ્રેર્યાં છે. એ પ્રભાવે પ્રવીણભાઈને વેપાર સાથે પરોપકારના મોરચે ખૂબ આગળ વધાર્યા છે. કપોળોમાં ત્રીસેક ટકા પરિવાર ખૂબ સંપન્ન હશે. બાકીનાઓને સાથ આપવાની જવાબદારી આ ત્રીસ ટકા પરિવારોની છે. આવું માનનારા તેમના પિતાએ તેમને જ્ઞાતિજનોને તથા અન્યોને મદદરૂપ થવાની પ્રેરણા આપી.
કપોળને મદદ કરવા સદૈવ તત્પર રહેનારા પ્રવીણભાઈ મુંબાદેવી ટ્રસ્ટના ટ્રસ્ટી તથા અન્ય સેવાભાવી સંસ્થાઓના પદાધિકારી છે. કપોળ સિવાયના લોકોને પણ તેઓ ધર્મ, નાતજાતના ભેદ વિના નિયમિત મદદ કરે છે. વેપારમાંથી ૨૦૧૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ પછી પ્રવીણભાઈ મોટાભાગનો સમય હવે સેવાર્થે ખર્ચે છે. તેઓ ફેડરેશન ઓફ મહારાષ્ટ્ર સ્ટેશનરીના સ્થાપક પ્રેસિડન્ટ છે. બોમ્બે સ્ટેશનરી એસોસિયેશનના પ્રેસિડન્ટ તરીકે, નેશનલ લીવર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે, શ્રી જીવદયા મંડળીના ખજાનચી તરીકે, લોનાવલા કપોળ સેનેટોરિયમના ટ્રસ્ટી તરીકે, નાસિકના નરોત્તમ ભુવન તથા પરમાનંદ ભુવન સેનેટોરિયમના ટ્રસ્ટી તરીકે તથા મુંબાદેવી મંદિર ટ્રસ્ટ તથા અમદાવાદના સોલા સ્થિત ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણશંકર શાસ્ત્રીએ સ્થાપેલા નિવૃત્તિ સદનના તેઓ ટ્રસ્ટી છે. કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ સ્કૂલ અને નાલાસોપારાના ટ્રસ્ટી હતા તેમ જ સંઘવી કપોળ સમાજના પ્રમુખ હતા.
બીજી અનેક સંસ્થામાં એક અથવા બીજા સ્વરૂપે તેઓ સેવાકાર્ય કરતા રહે છે. તેમનાં આ સત્કાર્યોને બિરદાવતા શ્રી વિલેપાર્લે કપોળ ઉત્કર્ષ મંડળે તેમને કપોળરત્નથી સન્માનિત કર્યા છે. મહારાષ્ટ્ર સરકારે સતત ત્રણવાર તેમને સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ ઓફિસર નીમ્યા છે. અન્ય અનેક લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ્સ અલગ. પરગજુપણાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત બેસાડતા કંપનીના કર્મચારીઓને પણ દરેક જરૂરતમાં મદદ કરવાનો શિરસ્તો પણ અલગ.
નવી પેઢી વિશે તેઓ બહુ ઉત્સાહભર્યો મત ધરાવે છે. એ વિશે વાત કરતા તેઓ કહે છે, “આઈક્યુ તો જુઓ આજની પેઢીનો! ગજબ છે. અમારા વખતે આટલી નાની ઉંમરે અમને કશી ગતાગમ પડતી નહોતી. નવી પેઢી જો સહનશક્તિ કેળવે, ભૌતિક વસ્તુઓથી વધારે સાત્ત્વિક, આધ્યાત્મિક બાબતોને સમજે તો રંગ રહી જાય. સાથે પરિવારભાવના પ્રબળ રાખે તો બાજી મારી જાય.” અને નવી-જૂની પેઢી માટે ઉપયોગી એવી વાત કરતાં તેઓ છેલ્લે કહે છે, “પૈસા નહીં, જીવનમાં પરોપકાર અને શિસ્તને પ્રાધાન્ય આપો તો બેડો પાર થશે જ. જો તમે સમયને સાચવશો, તો સમય તમને સાચવશે.” જીવનમાં સિદ્ધિઓ સર કરવા માટે આના જેવું અકસીર સૂચન બીજું કોઈ ના હોઈ શકે.
એ શરૂઆત પ્રવીણભાઈને એવી ફળી કે ૧૯૮૧માં તેમણે એપોલો પેન્સિલ્સ પ્રાઇવેટ લિમિટેડ સ્થાપીને ફરી પેન્સિલ-સ્ટેશનરીના ઉત્પાદનમાં ઝંપલાવીને કીર્તિમાન સ્થાપવા માંડ્યાં.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


