કથા, દિગ્દર્શન, સંકલન, સહિત નવ શ્રેણીમાં શ્રેષ્ઠતા માટે ઇનામ અપાશે,આયોજકો એસએફએસ એજ્યુ એક્સ્પો અને નેમ આર્ટ્સની જાહેરાત
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ નાનપણથી જ સોશિયલ મીડિયા માટે વિડિયો તૈયાર કરતા થયા છે. કેટલાકને આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની મહેચ્છાઓ છે. આ વિદ્યાર્થીઓને પ્રતિભા ખીલવવાની પૂરી તક મળે અને સાથે તેઓ સામાજિક મોરચે વદઉ સજાગ અને જાગૃત થાય એવા આશયથી એસએફએસ એજ્યુ એક્સ્પો અને નેમ આર્ટ્સના ઉપક્રમે રાજકોટમાં વિદ્યાર્થીઓ માટે શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન યોજવામાં આવી છે.
આ અંગે વિગતો આપતાં નેમ આર્ટસના સ્થાપક મનીષ પારેખે જણાવ્યું હતું, “વ્યસનમુક્તિ, એકલતા, પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક જાગૃતિ અને સ્વચ્છતા જેવા સમાજના મહત્વપૂર્ણ મુદ્દા પર વિદ્યાર્થીઓ પોતાના સામાજિક કર્તવ્ય પ્રત્યે જાગૃત બને તે માટે સ્પર્ધા યોજવાનો વિચાર એસએફએસના ડી. વી. મહેતાને આવ્યો હતો. એમના અનુમોદનીય વિચારના ફળરૂપે આ સ્પર્ધાએ આકાર લીધો છે. વિષયના નિષ્ણાતોને સાથે લઈને અમે આયોજન કરી રહ્યા છીએ.”
સ્પર્ધામાં દસ વરસથી વધુની વયના તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. ફિલ્મનિર્માણનાં તમામ પાસાંથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેવા હેતુથી સ્પર્ધામાં નવ શ્રેણીમાં રૂ 80,000ના રોકડ પુરસ્કારો અપાશે. એમાં શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ એડિટિંગ, પ્રત્યેક માટે રૂ. 15,000, ફિલ્મ/નિર્માણ માટે રૂ. 10,000 તેમ જ શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી, અભિનેતા, અભિનેત્રી, સંગીત અને સાઉન્ડ ડિઝાઇન, પ્રત્યેક માટે રૂ. 5,000ના ઇનામ છે. દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અને વિજેતાઓને વિશેષ ટ્રોફી એનાયત કરવામાં આવશે.
નિર્ણાયકોમાં ગુજરાતી ફિલ્મ અને મીડિયા જગતના દિગ્ગજો છે. સેવન્થ સેન્સ કોન્સેપ્ટ્સના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ દિગ્દર્શક હારિતઋષિ પુરોહિત એમાં એક છે. એમની હિટ ફિલ્મોમાં ‘આપણે તો ધીરુભાઈ’, ‘લેટ ધેમ પ્લે’, ‘છેલ્લી ચા’ અને વેબ સિરીઝ ‘એક વાર્તા’નો સમાવેશ થાય છે. અન્ય નિર્ણાયક સંજય વિનયચંદ્ર શાહ છે. તેઓ 35થી વધુ ગુજરાતી-હિન્દી નાટકોના સફળ લેખક અને ગુજરાત સમાચારની કોલમ ‘ઓનલાઇન ઝિંદાબાદ’ના કોલમિસ્ટ છે. સાથે, જન્મભૂમિની ‘યાત્રાભૂમિ’ પૂર્તિના તેઓ સંપાદક અને દેશવાલે ન્યુઝ પોર્ટલના સ્થાપક સંપાદક છે. સિનેમેટોગ્રાફીથી જેમણે ‘સૈયર મોરી રે’, ‘સમંદર’, ‘કલર્સ ઓફ લવ’, ‘વિક્ટર 303’, અને ‘રામ ભરોસે’ જેવી ફિલ્મોને અલગ ઉઠાવ આપ્યો છે એવા પ્રતિભાશાળી સિનેમેટોગ્રાફર મિહિર ફિચડિયાનો પણ નિર્ણાયકોમાં છે. સોની ટીવીની ‘મેરે સાંઈ’ અને ‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’, કલર્સ ગુજરાતીની ‘સાવજ’ સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તેમ જ ‘શિલ્પા’માં નેગેટિવ લીડ રોલ, ‘કહું છું સાભળો છો’માં ડબલ રોલ અને ‘રાશી રિક્શાવાળી’માં જેમના અભિનયની પ્રશંસા થઈ છે તેવાં પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી દૃષ્ટિ પંડ્યા પણ નિર્ણાકોમાં સામેલ છે.
મનીષભાઈએ ઉમેર્યું હતું કે ૨૮ જાન્યુઆરીથી શરૂ થનારી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વ્યક્તિગત કે સંસ્થાના નેજા હેઠળ ભાગ લઇ શકશે. ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં બેથી પાંચ મિનિટની ફિલ્મ બનાવી શકશે. વિદ્યાર્થીઓએ ફિલ્મ યુટ્યુબ કે ગૂગલ ડ્રાઇવ લિન્કથી પહેલી ફેબ્રુઆરી સુધીમાં સબમિટ કરવાની રહેશે. પસંદગી પામેલી ફિલ્મોનું સ્ક્રીનિંગ અને પરિણામ પાંચમી ફેબ્રુઆરીએ જાહેર કાર્યક્રમમાં કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધક આ લિન્ક પર નોંધણી કરી શકે છેઃ https://tinyurl.com/shortfilmrajkot. વધુ જાણકારી માટે ૯૯૭૪૦ ૯૦૭૦૯ મોબાઇલ પર સંપર્ક કરી શકાશે.