પોતાના કામને એકનિષ્ઠ રહી સફળતા મેળવી છે તેમણે. ૭૩ વરસની ઉંમરે પણ ભવિષ્યનો વિચાર કરીને તેઓ વેપાર અને કાર્યોને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે
“આજથી ૨૦ વરસ પછી શું થશે એ જોવાની દીર્ઘદૃષ્ટિ વેપારમાં ઘણી કામ આવે છે. સફળ થવું હોય તો મહેનત કરવી પડે. એ પણ પૂરેપૂરી નિષ્ઠા સાથે.” આ વિચારને ખૂબ મહત્ત્વ આપનારા છે રજનીકાંતભાઈ. મુંબઈના એક જાણીતા અખબારમાં નોકરી કરતા કારકિર્દીની શરૂઆત કરી આજે વિદેશમાં ગ્રોસરી સ્ટોર્સ સુધી તેમનો વેપાર વિકસ્યો છે. જાણીએ તેમની જીવનકથા.
સાત પેઢીથી આયુર્વેદ સાથે સંકળાયેલા પરિવારમાં આયુર્વેદાચાર્ય દોલતભાઈ શેઠના છ પુત્રોમાંથી એક એટલે રજનીકાંતભાઈ. તેમનો જન્મ ૧૯૪૭માં. ભાવનગરમાં જાહોજલાલીમાં ઉછર્યા બાદ તેઓ છ-સાત વરસતા હતા ત્યારે, કૌટુંબિક સમસ્યાને લીધે, તેમનાં પિતા અને માતા વિજયાબહેન પરિવાર સાથે ખાલી ખિસ્સે મુંબઈ આવ્યાં. આ શહેરમાં કાંદિવલીના પારેખ નગરમાં એક નાનકડી ઓરડીમાં તેમનું જીવન ફરી શરૂ થયું. મુંબઈ આવતા પહેલાં રજનીકાંતભાઈથી મોટા બે ભાઈઓનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. ભાવનગરમાં સમૃદ્ધિ માણી હોવાથી કોઈને સંઘર્ષ કરવાની જરૂર પડી નહોતી. મુંબઈમાં આવીને પિતાએ દુકાન લઈ ગાંધિયાણાનો વેપાર શરૂ કર્યો. તેને લીધે અટક શેઠ હોવા છતાં પરિવાર ગાંધી અટકથી ઓળખાવા લાગ્યો. મુંબઈ આવ્યા પછી રજનીકાંતભાઈ પર પણ પરિવારની જવાબદારી આવી. તેમનાથી નાના ત્રણ ભાઈ ત્યારે ભણતા હતા.
૧૯૫૮માં મેટ્રિક પાસ કર્યા પછી રજનીકાંતભાઈની ઇચ્છા ડૉક્ટર બનવાની હતી. આર્થિક પરિસ્થિતિ સાથ આપે એવી નહોતી. એવામાં એક મારવાડી ગૃહસ્થે અંધેરીની ભવન્સ કોલેજમાં તેમની છ મહિનાની ફી સ્પોન્સર કરી. આર્થિક પીઠબળ મળ્યું એટલે રજનીભાઈએ સાયન્સમાં એડમિશન લીધું. છ મહિના પછી ફી ભરનાર ગૃહસ્થની બીજે બદલી થઈ. આગળની ફી તેઓ ભરી ના શક્યા.
સાયન્સ છોડી આર્ટમાં એડમિશન લેવું પડ્યું. સાથે ડૉક્ટર બનવાનું સપનું પણ રોળાઈ ગયું છતાં હાર નહીં માનતાં તેમણે ચોપાટીની ભવન્સ કોલેજમાં આર્ટ્સનું ભણતર શરૂ કર્યું. એ સમયે પિતાજીની ભલામણથી જીવનની પહેલી નોકરી પણ મળી. ૫૦ રૂપિયાનો પગાર. નેશનલ ટ્રાન્સપોર્ટ કંપનીના કર્ણાક બંદરના વેરહાઉઝમાં. રોજ કોલેજના બે લેક્ચર બન્ક કરીને નોકરી કરવાની. સમયને ટક્કર આપતાં તેમણે હિન્દીમાં વિશારદની ડીગ્રી મેળવી. દરમિયાન પરિવાર બોરીવલી રહેવા ગયો. રોજ સવારે પાંચ વાગ્યાની ટ્રેનમાં કોલેજ, પછી નોકરી. રાતે સવાબારની ટ્રેનમાં ફરી ઘરે. ટ્રેનમાં પ્રવાસ કરતા ઊંઘ ખેંચવાની, ભણવાનું પણ. સંઘર્ષના આવા દિવસો વચ્ચે કશુંક કરી બતાવવાની જિજીવિષા પણ પ્રબળ થતી ચાલી.
એવામાં પ્રતિષ્ઠિત જન્મભૂમિ અખબારના વસાણીભાઈએ હિન્દી વ્યાપારમાં તેમને જોબ ઓફર કરી. રજનીભાઈ હિન્દીમાં વિશારદની ડીગ્રી ધરાવે પણ ભાષા પર ખાસ કાબૂ નહીં. એટલે, તેઓ કહે છે, “નોકરી સ્વીકાર્યા પછી શરૂમાં હું નવભારત અખબારમાંથી સમાચાર ઉઠાવતો.” જોકે ધીમેધીમે કામ સાથે ભાષા શીખ્યા. સામાન્ય વસ્ત્રોમાં પણ ખુમારી સાથે પંચતારક હોટેલ્સમાં યોજાતી પત્રકાર પરિષદોમાં જાઈને પત્રકારત્વના વ્યવસાયને લગતી અનેક બાબતો પણ શીખ્યા. એમ કરતાં કરતાં અખબારની રાતની આવૃત્તિના સંપાદક પદ સુધી પહોંચ્યા.
૧૯૬૬માં એક નવો અધ્યાય શરૂ થયો. દેવળિયા ગામના ગર્ભશ્રીમંત ચત્રભુજ મહેતાનાં પુત્રી રંજનબહેન સાથે તેમનાં વિવાહ થયાં. એટલે નવેસરથી શરૂ થઈ વધુ આવકની દોડાદોડ. એવા સમયે જામે જમશેદ અખબારમાં ગુજરાતી ભાષાંતરકારની જરૂર છે એવી એમને ખબર પડી. ત્યાં પહોંચી જઈને એ કામ તેમણે ઉપાડી લીધું. કલાકના ૨૦ રૂપિયા એ પ્રમાણે કામ શરૂ કર્યું. સાથે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરીને લૉમાં એડમિશન લીધું. દરમિયાન, રંજનબહેને બ્રિજેશ અને મિતેશ નામના બે પુત્રરત્નોને જન્મ આપ્યો.
એ સમયગાળામાં એક ઓળખાણ રજનીભાઈને બહુ ફળી. તેઓ કહે છે, “કેન્યાના એક સગાએ મને ત્યાં આવવાનું આમંત્રણ આપું હતું. તાજી સ્વતંત્રતા પામેલા એ દેશમાં જરૂર હતી શિક્ષકોની. મેં એ માટે કરેલી અરજીનો ચાર-પાંચ વરસે જવાબ આવ્યો હતો. એ વખતે હું મુંબઈમાં પાંચસો રૂપિયાના પગાર સુધી પહોંચી ગયો હતો. મને ઘરના સૌ તથા મિત્રોએ કહ્યું કે કેન્યા જવાનો અર્થ નથી. છતાં હું ગયો. પ્રોવિડન્ટ ફન્ડના ચારેક હજાર રૂપિયા ઘરમાં આપ્યા અને નીકળી પડ્યો.” ત્યારે રજનીભાઈનો મોટો દીકરો ત્રણ તો નાનો દોઢ વરસનો હતો. ૫૧૦ રૂપિયાની સ્ટીમરની ટિકિટ લઈ તેમણે શરૂ કર્યો ૧૮ દિવસનો કેન્યાનો પ્રવાસ.
કેન્યાના નુકુરુની એક ખાનગી શાળામાં ૮૦૦ શિલિંગના પગારે નવી શરૂઆત થઈ. એ પછી, રમેશભાઈ નામના એક વકીલની ઓફિસમાં ઓછા પગારે નોકરી સ્વીકારી, કેમ કે વકીલની ઓફિસમાં કામ કરવાથી કાયદાનો અભ્યાસ કરવાનો ફાયદો તો મળે.
પણ વકીલાતની પરમિટ રિન્યુ કરાવતી વખતે ખબર પડી કે મુંબઈ યુનિવર્સિટીને કેન્યામાં માન્યતા નહોતી. રજનીકાંતભાઈએ પત્રવ્યવહાર કરીને કેન્યામાં મુંબઈ યુનિવર્સિટીને માન્યતા અપાવી. તેઓ કહે છે, “ત્યાં રોજ દોઢસો કિલોમીટર પ્રવાસ ખેડીને મેં કાયદાની પરીક્ષા પાસ કરી. છતાં નાગરિકત્વ નહીં હોવાથી સારી નોકરી મળવામાં ખાસ્સી અડચણ આવતી હતી. છેવટે ગમે ત્યાંથી લાગવગ લગાડી, મોટો ખર્ચ કરીને મેં નાગરિકત્વ મેળવ્યું. પછી સ્વતંત્ર વકીલાત શરૂ કરી.”
કેન્યાના અનુભવ પછી જ્યારે રજનીભાઈએ લંડનમાં ઘર ખરીદ્યું ત્યારથી જીવનની ઘટમાળ ઝમકદાર બનતી ચાલી. કેન્યાથી તેઓ લંડન રહેવા ગયા, પછી ભારત અને પછી ઓસ્ટ્રેલિયા. પછી પત્ની, દીકરાઓને ઓસ્ટ્રેલિયા સ્થાયી કરીને હવે પોતે બહુધા કેન્યા રહે છે. આ બધાં વચ્ચે એક મોટી પરીક્ષા પણ થઈ. રજનીભાઈ કહે છે, “ઓસ્ટ્રેલિયામાં દીકરાઓના વેપારમાં થોડાં વરસ પહેલાં મોટી ખોટ થઈ. તેઓ પર્થ રહે. હું બધું છોડી ત્યાં પહોંચી ગયો. દીકરાવના મનોબળને મજબૂત કરી મેં તેમને ગ્રોસરીની દુકાન કરી આપી.” એમાંથી આજે ત્યાં બે મોટા સ્ટોર થઈ ચૂક્યા છે. સાથે ગિટ્સ, લિજ્જત પાપડની ફ્રેન્ચાઇઝી પણ છે. પર્થમાં હવે તો શેઠ પરિવારે રિયલ એસ્ટેટમાં પણ ઝંપલાવ્યું છે.
ખૂબ વરસોથી ફોરેનમાં વસ્યા હોવાથી તેમને સ્થાનિક કપોળ સમાજ સાથે ખાસ સંબંધ નથી. હા, ઓસ્ટ્રેલિયાના કપોળ સમાજના પ્રતિનિધિ મંડળને તેઓ મદદ કરે છે. ઉપરાંત પુત્રોનાં વિવાહ ભારતની યુવતીઓ સાથે થયા હોવાથી તેઓ દેશ સાથે કનેક્ટેડ છે. મોટા દીકરા બ્રિજેશ અને પત્ની યોગિતાને એક દીકરો અને દીકરી છે. નાના મિતેશનાં લગ્ન અવિનાશ પારેખની પુત્રી નેહા સાથે થયાં છે.
કપોળો વિશે તેમના વિચાર આ રહ્યા, “આપણામાં સાહસિકતા જન્મજાત છે. જોખમ ખેડીએ તો જ્વલંત સફળતા મળે એ વિચારને આપણે પેઢી દર પેઢી સાર્થક કરતા આવ્યા છીએ.” અને સફળતાનો મંત્ર? તેઓ સસ્મિત ઉમેરે છે, “નસીબ, આત્મવિશ્વાસ અને જ્યાં બદલાવ સ્વીકારવાની ખેલદિલીભરી તૈયારી હોય ત્યાં સફળતા આવે.”
મને ઘરના સૌ તથા મિત્રોએ કહ્યું કે કેન્યા જવાનો અર્થ નથી. છતાં હું ગયો. પ્રોવિડન્ટ ફન્ડના
ચારેક હજાર રૂપિયા ઘરમાં આવ્યા અને નીકળી પડ્યો.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


