કપોળપુત્ર સંજયભાઈએ એવા ક્ષેત્રમાં કીર્તિમાન સ્થાપ્યાં છે જ્યાં તેમની પાછલી છ પેઢીમાં દૂરદૂર સુધી કોઈ નહોતું. કામને વરેલા અને પારદર્શકતાને પૂજનારા આ સ્વજનની ખાટી વાતો મીઠી છે. બરાબર મમળાવો તો મીઠાશનો સાગર સર્જનારી છે
સંજય ગોરડિયા નામ સંભળાય એટલે, કમ સે કમ નાટ્યરસિયા ગુજરાતીઓ તરત બોલી ઊઠે, “ઓહ! બહુ જબરા એક્ટર છે, નિર્માતા છે. એટલી મજા પડે એમનાં નાટકો જોવાની…” મૂળ કપોળ એવા આ સર્જકના પરિવારનો મૂળ વેપાર ગાંધિયાણાનો. મુંબઈમાં વસવાટ છએક પેઢીથી. પરિવારના વડવા કેસૂરદાસ ગીગાદાસ છ પેઢી પહેલાંના પ્રતિનિધિ. કેટલાય કપોળોની જેમ તેઓ પણ મુંબઈ આવેલા વહાણમાં બેસીને. આજે તેમના વંશજ તરીકે સંજયભાઈ નાટકની મનોરંજક નાવને દેશ-વિદેશ સુધી હવાઈમાર્ગે લઈ જઈ રહ્યા છે.
તેમના પરિવારની ગોરડિયા ગાંધી, જૂના ગાંધી અને કાળા ગાંધી તરીકે ગ્રાહકોમાં જાણીતી એવી ગાંધિયાણીની ત્રણ દુકાનો છે. એ વેપાર સંજયભાઈના પિતા હસમુખરાય સુધી સીમિત રહ્યો છે. સંજયભાઈ કહે છે, “અમે મૂળ દેલવાડાના. ગામથી આવ્યા પછી વડવાઓએ નળબજારમાં દુકાન કરી હતી. મારા દાદા અને પપ્પા પણ એ ક્ષેત્રમાં પ્રવૃત્ત. પપ્પાના ભાઈઓ વૈદ્ય હતા એટલે અમારી દુકાન પૂર્ણત: આયુર્વેદ સ્ટોર ન રહેતા આયુર્વેદ દવાખાનું બની. બજારમાં એક ગોરા ગાંધી તરીકે ઓળખાતી દુકાન પહેલેથી ધમધમે. અમારો વાન શ્યામ એટલે અમારી દુકાન માટે ગ્રાહકોએ નવું હલામણું નામ શોધી કાઢ્યું: કાળા ગાંધી.”
૧૯૫૯માં મુંબઈમાં જન્મેલો સંજય ભણવામાં ઠીકઠીક. પ્રાર્થના સમાજ સ્થિત લીલાવતી દયાળ હાઈસ્કૂલમાંથી મેટ્રિક કરતાં કરતાં સંજય થાક્યો, “મારે કંઈક જુદું કરવું હતું છતાં, અઢી વરસ તો મેં પણ દવાની દુકાનમાં કામ કર્યું. મનમાં એક વાત નક્કી હતી કે અભિનયની દુનિયામાં જવું છે પણ…” આ પણ એટલે સહજ પારિવારિક વિરોધ, “શું? અભિનય? વાણિયાના દીકરા અભિનય કરતા હશે કંઈ? આપણે કોણ? આપણે તો વેપારી લોકો.” એવા વિરોધ વચ્ચે પણ સંજયદૃષ્ટિ સ્પષ્ટ રહી, અને વીસ વર્ષની નાની ઉંમરે નિર્ણય લઈ લીધો.
સંજયભાઈ ચમકતી આંખે કહે છે, “સફર સહેલી નહોતી. મારું કદ નીચી કાઠીનું, વાન શ્યામ અને બંદાનો દેખાવ જસ્ટ અનધર યુવકનો. એક્ટિંગના મેદાનમાં મારી આગળ કેટલાય ફુટડા અને ઘણા સંપન્ન યુવાનો કતારમાં હતા. આવી સ્થિતિમા કરવાનું શું?” એનો જવાબ મળ્યો રંગભૂમિ પાસેથી. ફિલ્મો સુધી પહોંચવું કઠણ પણ રંગભૂમિએ આ પાણીદાર યુવાનને બેકસ્ટેજના કામ માટે તરત ઉપાડી લીધો. પહેલું નાટક કર્યું પગલા ઘોડા. પછી જમાવટ થવા માંડી, ભલે ઘણા સ્પર્ધાને લીધે સૂગથી જોતા હોય તો શું? “દરેક ક્ષેત્રમાં નવી વ્યક્તિને થોડી શત્રુતા નડે, ઇટ્સ ઓકે. મારા શત્રુઓને બહુ જલદી ખ્યાલ આવી ગયો કે આ મારો બેટો ગુંદર જેવો છે, જેટલો આઘો કરશો એટલો વધુ વળગશે.” આગળ વધતાં સંજયભાઈ જોતજોતામાં પહોંચી ગયા પ્રોડક્શન મેનેજર બનવા સુધી.
લોહીમાં વેપાર અને હિસાબ રાખવામાં પાકા સંજયભાઈને એ પછી તકદીરે ત્યારે સાથ આપ્યો, જ્યારે નિર્માતા તરીકે તેમણે સર્જ્યું અવિસ્મરણીય નાટક બા રિટાયર થાય છે. અકલ્પનીય પડકારો ઝીલતાં એનું નિર્માણ તેમણે કર્યું. પદ્મારાણી અભિનિત બાએ કમાલ કરી. અભૂતપૂર્વ સફળતાને વરેલા એ નાટકે નવા રેકોર્ડ્સની વણજાર ખડી કરી. સતત અઢી વરસ બોક્સ ઓફિસ ગજવી. ત્યારથી જે પ્રકરણ શરૂ થયું, ગોરડિયા નિર્માતા તરીકે પ્રસ્થાપિત થયા, તેને આજે ૯૩ નાટકોના નિર્માણ પછી પણ કોઈ અટકાવી શક્યું નથી.
“એ નાટકે બધું બદલાવી નાખ્યું. એ અઢી વરસ દરમિયાન મારાં લગ્ન થયાં, ૧૯૯૧માં, ચંદ્રભાગા સાથે, મેં નવું ઘર પણ લીધું અને દીકરા અમાત્યનો પણ જન્મ થયો.” તેવું સંજયભાઈ કહે છે. રંગભૂમિએ ગોરડિયાને ગૌરવવંતા દીકરા તરીકે સાચવી લીધા. સામે તેમણે પણ રંગભૂમિને સુપર્બ નાટકોથી મોભાદાર બનાવી. જયા બચ્ચન, શત્રુઘ્ન સિંહા, ઝીનત અમાન, જાવેદ જાફરી, દિલીપ જોશી, શરમન જોશી, કેતકી દવે જેવાં કેટલાંય કલાકારોને લઈને નાટક બનાવ્યાં. તારક મહેતા ફેમ દિશા વાકાણીને રંગભૂમિ પર લાવવાનો શ્રેય ગોરડિયાને જાય છે.
સફળતા વિશે તેઓ કહે છે, “કામ કરતાં કરતાં, નવું શીખતાં શીખતાં મેં મારો પોતાનો આવિષ્કાર કર્યો છે. રંગકર્મી તરીકે મારામાં કશેક લેખક પણ છુપાયેલો છે એ મેં બહુ જલદી જાણી લીધું હતું. એ અલગ વાત કે લેખનને મેં મારી પ્રમુખ પ્રવૃત્તિ બનાવી નહીં. એક્ટિંગનો જે ઉત્સાહ હતો એ પણ ઝડપભેર શમી ગયો હતો, કેમ કે અભિનયમાં ખૂંખ્યા રહેવાથી નિર્માતા તરીકેના કામને અવળી અસર પહોંચી રહી હતી. મનગમતા કામને વરવા જેવું સુખ બીજું કંઈ નથી. મેં મારી જિંદગી મારી ટર્મ્સથી જીવી છે.”
સંજયભાઈ નિર્માતા તરીકે રંગભૂમિ ઉપરાંત ટેલિવિઝનમાં પણ પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. જે અભિનય પાછળ મૂકી દેવો હતો તેને પણ અપનાવીને હવે તેઓ રંગભૂમિના સેલેબલ સ્ટાર્સમાં પણ ગણાય છે. વહેવારમાં તેમના બેનરની શાખ સર્વોચ્ચ છે. સંજયભાઈ સ્પષ્ટ છે કે નાણાંની ગરીબાઈ ચાલે, મગજની ના ચાલે. દીકરા અમાત્યને તેમણે પોતાની રીતે કરિયર નક્કી કરવાની છૂટ આપી છે. અમાત્ય લેખક તરીકે નામ ગજવી રહ્યો છે, “દરેકને પોતાની કેડી કંડારવાની છૂટ હોય એ આદર્શ વ્યવસ્થા છે. આપણે ત્યાં પ્રશ્નો પૂછવા સામે સખત વાંધો-કંટાળો દર્શાવાય છે એ તો ચાલે જ નહીં. કાં કહી દો કે તમારામાં પ્રશ્નોના સ્વીકાર્ય જવાબ આપવાની ત્રેવડ નથી. હું એવા સમાજને કચકચાવીને લાત મારું છું જે પ્રશ્નો પૂછવાની આઝાદી આપતો નથી.”
ગોરડિયા વ્યક્તિ તરીકે કોઈ સામાજિક વાડામાં બંધાવા માગતા નથી, “મારા વંશજો કપોળ એ મારે મન મોટી વાત. છતાં, ચોક્કસ સમાજ, જ્ઞાતિ કે વાડાના દાયરામાં રહી સંકુચિત માનસિકતા રાખવી મને માન્ય નથી. આપણે એવી જડતા પણ ના રાખવી જોઈએ કે કપોળ તો વેપાર જ કરે. ઊલટાનું આપણે યુવાનોને પ્રેરવા જોઈએ કે આઈએએસ, આઈપીએસ ઓફિસર બને, આર્મી જોઇન કરે, ખેલાડી બને, અભિનેતા બને… વ્હાય નોટ?” સંજયભાઈ નાતમાં ને નાતમાં લગ્ન કરવાના પણ સખત વિરોધી છે. તેઓ આગળ કહે છે, “આપણે શ્રેષ્ઠ છીએ, કપોળ એટલે શ્રેષ્ઠ જ, એવું કહેનારને એટલું કહીશ કે નાલાસોપારાનું કપોળનગર, જે માત્ર પંદર વરસમાં ધરાશાયી થઈ ગયું હતું એ કોણે બનાવ્યું હતું? કપોળ બેન્કનું ઊઠમણું કોણે કર્યું? કોઈ મોઢ વણિકે? બંધનોને ફગાવીને આપણે માણસને એના કાર્યથી, માણસાઈથી મૂલવીએ અને શ્રેષ્ઠ બનીએ.”
સંજયભાઈ આગળ કહે છે, “સમાજની સારી વાતો બહાર પાડવાનો ઉત્સાહ રાખીએ તેમ તેની ખરાબ વાતોની મોકળામને ચર્ચા કરવાની ખેલદિલી રાખવી જોઈએ. શું કામ નહીં? કપોળોના, મુદ્દે વૈષ્ણવોના, કુરિવાજોને જગજાહેર કરનારા કપોળ કરસનદાસ મુળજી માટે મને ખૂબ માન છે. પણ એને કોઈ કપોળ યાદ સુધ્ધાં કરતું નથી.”
વિશ્વના વિકસિત સમાજોની પ્રગતિ તેમની આવી ખેલદિલીભરી સમાજ વ્યવસ્થાને આભારી છે. જ્યાં મનોમન ઘુંટાવાનું આવે નહીં ત્યાં શક્તિના મહાસાગર ઘૂઘવતા રહીને જાદુ સર્જે છે. નાટકો થકી કંઈક જાદુ સર્જનારા સંજયભાઈના વિચારોમાંના સકારાત્મક પાસાને સ્વીકારી આપણે સમાજને સશક્ત અને પ્રગતિશાળી બનાવીએ.
દરેકને પોતાની કેડી કંડારવાની છૂટ હોય એ આદર્શ વ્યવસ્થા છે. આપણે ત્યાં પ્રશ્નો પૂછવા સામે સખત વાંધો-કંટાળો દર્શાવાય છે એ તો ચાલે જ નહીં.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


