નાની ઉંમરથી તેમને લોકસેવામાં રસ રહ્યો છે. વકીલાત સાથે સક્રીય રાજકારણમાં રહીને બેઉની મદદથી લોકોને મદદરૂપ થાય છે. કપોળો તથા બિનકપોળો સૌના માટે તેઓ સતત સેવારત રહે છે
એક તરફ વકીલાત મારફત સમાજસેવા, બીજી તરફ સક્રીય રાજકારણ થકી લોકોની સમસ્યાનાં નિવારણ. અમરેલીના ખાંભા તાલુકાના ભાવરડી ગામના મૂળ વતની સંજીવ મહેતાએ અસંખ્ય લોકોના જીવનમાં સુખ પ્રસરાવ્યું છે. એમાં ઘણાં કપોળ અને બિનકપોળ યુગલો છે, જેમનાં તૂટુંતૂટું થતા લગ્નજીવનને તેમણે કાઉન્સેલિંગથી બચાવ્યાં છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૦૮ના હુલામણા નામે ઓળખાતા આ સ્વજનનો ૧૯૬૪માં અમરેલીમાં જન્મ થયો સુશીલાબહેન અને ચીમનભાઈના પરિવારમાં. નીડર અને અમરેલીના કપોળ આગેવાન ચીમનભાઈએ ખેતીને બદલે સરકારી નોકરી સ્વીકારીને ગૃહસ્થ જીવનની જવાબદારીઓ ઉઠાવી હતી. તેઓ કવિ અને રાજકોટથી પ્રકાશિત થતા ફૂલછાબ અખબાર સાથે પણ સંકળાયેલા હતા. ઘરની આર્થિક સ્થિતિ મધ્યમ.
ચીમનભાઈનાં સંતાનોમાં સંજીવનો ક્રમ બીજો. પરિવાર રહે અમરેલીમાં. સંજીવે શાળાકીય શિક્ષણ ફોરવર્ડ હાઇસ્કૂલમાં પૂર્ણ કરીને કે. કે. પારેખ કોલેજમાં કોમર્સ ગ્રેજ્યુએશન કરીને રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં વકીલાતના અભ્યાસ માટે પ્રવેશ લીધો. સંજીવભાઈ કહે છે, “ભણતરનો ખર્ચ કાઢવા હું ઘેરઘેર ચાની ભૂકી, સાબુ, સોડા પાઉડર વગેરે મોસમ મુજબ વેચતો. મને થતું કે કોઈના પર બોજ બનવાને બદલે જાતે મહેનત કરીને નિર્વાહ ચલાવીએ.”
સ્વમાન અને દયાના પદાર્થપાઠ સંજીવભાઈએ પિતા પાસેથી નાની ઉંમરે શીખી લીધા હતા. રાજકારણમાં પ્રવેશવાનો તેમનો નિર્ણય અણધાર્યો અથવા ઉતાવળિયો નહોતો. કોલેજમાં તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્ને પ્રતિનિધિ તરીકે અવાજ ઉઠાવતા. ૧૯૮૨માં અમરેલીના વાવાઝોડા પછી તેઓ મુંબઈ ધંધાર્થે સ્થળાંતરિત થયા. એકસ્ટર્નલ વિદ્યાર્થી તરીકે એલએલબી કર્યું. મુંબઈમાં બેરિંગ માર્કેટમાં નોકરી સાથે કારમી મજૂરી કરેલી. સંજીવભાઈ ભારે થેલા ઊંચકીને વિવિધ જગ્યાએ પહોંચાડતા. મુંબઈમાં ઘર નહીં એટલે નાલાસોપારામાં કપોળમિત્ર રાજેશ પારેખના ઘરે રહે. ૧૯૮૮માં માતા સુશીલાબહેનના અવસાન પછી મુંબઈને આવજો કરીને અમરેલી વસી ગયા.
ત્યાં તેઓ ગુજરાતના આગેવાન રતુભાઈ અદાણી સાથે સામાજિક કાર્યો કરવા માંડ્યા. વકીલાત પણ શરૂ કરી. ૧૯૯૧માં તેમનાં લગ્ન કપોળનાં દીકરી પારુલ સાથે થયાં. પત્નીનું આગમન સંજીવભાઈ માટે શુકનિયાળ રહ્યું, “મારી કારકીર્દી પારુલના આગમન પછી ખરા અર્થમાં જામવા માંડી. એમ થવા માંડ્યું કે હવે વાંધો નહીં આવે.” આ યુગલને ઈશ્વરે આભા, રોમા, ગિરા, હેમ એમ ચાર દીકરીઓ ઉપરાંત, સુરત સ્થિથ વિશતમાતાના ગાદીપતિ પૂજ્ય સાહરબાપુના આશીર્વાદથી દીકરા નીલ (ભઈલુ) સહિત પાંચ સંતાનોનું સુખ પ્રાપ્ત થયું. જીવનને સાચી દિશામાં વાળવાનું કામ પૂજ્ય સાહરબાપુએ કર્યું, “મારી લોકસેવાની ભાવના પહેલથી પણ એને યોગ્ય રીતે કામે લગાડવાની પ્રેરણા પૂજ્ય સાહરબાપુએ આપી.” ભારતીય જનતા પક્ષના સક્રીય કાર્યકર્તા તરીકે સંજીવભાઈએ અમરેલી જિલ્લાના ખૂણેખૂણાનો પ્રવાસ કર્યો છે. અમરેલી ભાજપના મહામંત્રી તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાના નેતૃત્વમાં સાત વરસ સેવા આપી છે. ૧૯૯૫માં ગુજરાતના મુખ્ય પ્રધાન સુરેશ મહેતાના સમયમાં સંજીવભાઈ અમરેલી નગરપાલિકાની ચૂંટણી પણ લડ્યા. પછી જોકે, “કિંગ બનવા કરતાં લોકસેવા કરીને આત્માને વધુ આનંદ મળે છે.”
વકીલ બનવાનો વિચાર પણ એટલે આવ્યો કે નાની વયે સંજીવભાઈ અન્યાય જોઈને પીડા અનુભવતા, “ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજભાઈ મહેતાનાં ભત્રીજી દુર્ગાબહેન મહેતાએ પણ મને સમાજસેવામાં રુચિ લેતો કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. કપોળ અગ્રણી ગોપાલ પારેખે મને સમાજ માટે કાર્ય કરવા પ્રેર્યો.”
કપોળોના મામલે એવું કહી શકાય કે ગુજરાતભરમાંથી કોઈપણ કપોળ મદદ માટે સંજીવભાઈનો ચાહે ત્યારે સંપર્ક કરી શકે છે. તેઓ કહે છે, “મોટા પરિવારોના વિખવાદ કે લડતા યુગલના મતભેદના નિવારણ વખતે અલગ ધૈર્ય દાખવવું પડે. ક્યારેક આકરાં વેણ સંભળાવવાં પડે જે કોઈને ગમે નહીં. આવું કરવું પડે ત્યારે હું નિર્ભય બનીને કરું છું. લોકોને કહું કે વિખવાદ અદાલતમાં જઈને નિવારવાનો વિચાર સુધ્ધાં કરતા નહીં, કેમ કે છેલ્લે બેઉ પક્ષે ગુમાવવાનો વારો આવશે.”
કાયદાકીય લડતોમાં એકાદ પક્ષ માટે વફાદારીથી લડતા તેમણે જીવનના અનેક રંગો જોયા છે. વરસો સુધી સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા કોઈક નિર્દોષને સજા થઈ ગયાનો ભય પણ અનુભવ્યો છે. એકવાર અદાલતનાં પગથિયાં નજીક ગુનેગારે સંજીવભાઈ પર અદાલતમાં ચાકૂથી હુમલો પણ કર્યો. માતાજીના ઉપાસક સંજીવભાઈ જોકે આબાદ બચી ગયા. પછી જિલ્લા કલેક્ટરે સામે ચાલીને તેમને રિવોલ્વરનું લાઇસન્સ આપ્યું. ખૂબ ગાજેલા બોગસ ફ્રેન્કિંગ સ્ટેમ્પ પેપર કોભાડમાં સંજીવભાઈએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સત્યના પક્ષે લડત ભલભલા ચમરબંધીની ઊંઘ હરામ કરી હતી. સુરતમાં પણ એવા ઘણા કેસમાં તેમણે સત્યના પક્ષે લડત આપી છે જેને દેશસેવાનાં કાર્ય કહી શકાય. એ પ્રદીર્ઘ કારકિર્દીમાં તેમણે ગુજરાત કાયદા વિભાગના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વરસો સુધી સેવા આપી છે. ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના પાલન માટે તે વખતે સીબીઆઈ સાથે પણ સંકળાયેલા એને ન્યાયમૂર્તિ આર. એસ. શર્માના વડપણ હેઠળ તેમણે યોગદાન આપેલું.
સામાજિક મોરચે પાંચ ડઝનથી વધારે સેવાસંસ્થાઓમાં તેઓ પદ શોભાવી રહ્યા છે. તેમણે જે આંદોલનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી તેમાં જૂનાગઢના લોકસેવક મહેન્દ્ર મશરૂના સમર્થનમાં રાષ્ટ્રપતિ સુધીની પોસ્ટકાર્ડ ઝુંબેશ, નર્મદા બંધની ઊંચાઈ વધારવાના મામલે મેઘા પાટકર વિરુદ્ધ ઝુંબેશ (જેમાં તેમની ધરપકડ પણ થયેલી) સામેલ છે. તેઓ અખિલ ભારતીય કપોળ વણિક સમાજના પદાધિકારી પણ છે. મહેતા એન્ડ એસોસિયેટ્સ નામની તેમની પોતાની લૉ ફર્મ છે. ઉપરાંત પ્રોપર્ટીના દીવાની કેસમાં સતત પ્રવૃત્ત રહે છે.
તેમનાં પત્ની પારુલનું ૨૦૦૫માં બ્રેઇન સ્ટોકથી અવસાન થયું. ગૃહલક્ષ્મીના અવસાને જીવનમાં પડતી આવવાને તેમણે ખૂબ ગંભીરતાપૂર્વક જાણી. એવા સમયે સાથે આપ્યો પરિવાર તથા પૂજ્ય સાહરબાપુએ. પાંચ સંતાનોમાંથી દીકરી આભા અને રોમા પરણીને મુંબઈ વસી છે. ગિરા માઇક્રો બાયોલોજીનો અભ્યાસ કરવા ચાહે છે તો હેત બી. બી. એ. પછી હવે એમ. બી. એ. કરવા સજ્જ છે. દીકરો ભઇલુ પિતા સાથે પ્રોપર્ટીના વ્યવસાયમાં છે.
કપોળો વિશે ઊંચા ભાવ ધરાવતા સંજીવભાઈ કહે છે, “આપણે દાનવીર અને કુનેહભરી પ્રજા છીએ. પરિવાર પછી જ્ઞાતિના ઉત્કર્ષ માટે આપણે પ્રયત્નશીલ રહીએ છીએ. પિતાના વ્યવસાય કરતાં આગળ કશુંક સિદ્ધ કરતા નવી પેઢીએ જ્ઞાતિ, સમાજ કે ધર્માદાનું કશું નહીં લેવાની ભાવના કેળવવી એ શ્રેષ્ઠ સમજણ છે.”
બોરીવલીમાં કપોળ સમાજના નેજા હેઠળ યોજાતી લગ્ન સ્કીમથી તેઓ પ્રભાવિત છે. તેઓ કહે છે, “અનેક નાની સંસ્થાઓમાં વહેંચાઈ જવાને બદલે આપણે સંગઠિત થઈને રચનાત્મક કામ કરવાં જોઈએ.” કપોળ સમાધાન મંચ ચલાવતા તેઓ સમાજના આંતરિક વિવાદોને કોર્ટ જતા અટકાવી ઉકેલવા પ્રયત્નશીલ છે. છેલ્લે તેઓ કહે છે, “કપોળ હોવું મારું સદ્ભાગ્ય છે. આપણી દાનવીરતાને ટકાવીને, તકલીફ અનુભવતા કપોળોની પડખે ઊભા રહી હું મારી ફરજ બજાવતો રહુ છું.” સરસ છે તમારી ભાવનાઓ, સંજીવભાઈ!
લોકોને કહું કે વિખવાદ અદાલતમાં જઈને નિવારવાનો વિચાર સુધ્ધાં કરતા નહીં, કેમ કે છેલ્લે
બેઉ પક્ષે ગુમાવવાનો વારો આવશે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


