પડકારો ઝીલતા રહીને દૃઢ મનોબળ સાથે આગળ વધીએ તો અવશ્ય સફળ થવાય. એની સાબિતી છે આ વડીલનું જીવન. જાણશો તો ખરેખર કશુંક વિશિષ્ટ કરવા પ્રેરાશો
ત્રંબકભાઈ એટલે ખરેખર એક જીવન અને અનેક જ્વલંત કથન. એક, બે નહીં, ચાલીસેક સેવાસંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. ધર્મકાર્યોથી કન્યા ઉત્થાન સુધીના મોરચે તેમનું યોગદાન અપ્રતિમ છે. ઉપરાંત, કપોળોના ઉત્કર્ષ માટે તેમણે જે કાર્યો તથા પ્રયત્નો કર્યાં છે તેની યાદી પ્રભાવશાળી છે. તેઓનો વિચાર મમળાવવા જેવો છે, “સમય નથી એવું કહેનારા લોકો મૂર્ખ છે. એવા લોકો પાસે નક્કર કામ કરવા સિવાય દરેક બાબત માટે સમય હોય છે. આવા લોકોનો એક જ ઇલાજ છે: ટાઇમ મેનેજમેન્ટ શીખીને જિંદગીને સાર્થક કરવી.”
આજના અગ્રણી રિયલ એસ્ટેટ એજન્ટ તથા બિલ્ડર, સમાજસેવક અને ૧૯૯૧થી મુંબઈ કોંગ્રેસના વાઇસ ચેરમેન એવા ત્રંબકભાઈનો જન્મ ૧૯૪૭ના સપ્ટેમ્બરમાં ગણેશચોથને દિવસે ગુજરાતના શિહોર ગામે થયો. સંઘર્ષના અનુભવો પણ ત્યારથી શરૂ થઈ ગયા. માતા ત્રિવેણીબહેન તથા પિતા નાનાલાલ મનોરદાસ પારેખને સાત સંતાનો. તેમાં ભાઈઓ ત્રણ અને બહેનો ચાર, જેમાં ત્રંબકભાઈનો ક્રમ સાતમો. બાળપણની વાત કરતાં તેઓ કહે છે, “હજી તો હું છ મહિનાનો હતો ત્યાં પિતાનું અવસાન થયું. માતા, ભાઈ-બહેનો ઉપરાંત ઘરે દાદી અંબામા પણ. આવકનું સાધન કોઈ નહીં. અમે જો ટકી ગયા તો તેનો શ્રેય ગામના કપોળ સમાજને, ફઇબાઓ જમનાબહેન નંદલાલ ભૂતા અને સંતોકબહેન પ્રતાપરાય મહેતાના સાથને તથા ગામને જાય છે, બાકી…”
બાળ ત્રંબકે આવી કટોકટી વચ્ચે મોટા થવાનું હતું. શિક્ષણ પ્રાપ્ત કરવાનું હતું. તેમણે ૧૦માં ધોરણ સુધી અભ્યાસ કર્યો. એ માટે પુસ્તકો પણ ઉધાર લેવાનાં અને વસ્ત્રો પણ કોઈકે આપેલાં પહેરવાનાં. પછી, વડીલબંધુ કિશનભાઈ મુંબઈ રવાના થયા જેથી દળદર ફીટાવવા કંઈક ઉદ્યમ થઈ શકે. ત્રંબકભાઈએ ગામમાં રહી ઓક્ટ્રોયની કંપનીમાં નોકરી લીધી. પગાર દિવસનો સાડાત્રણ રૂપિયા. ત્રંબકભાઈ જણાવે છે, “મુંબઈમાં કિશનભાઈ જરા થાળે પડ્યા એટલે તેમણે ૧૯૭૦ના અંતમાં મને મુંબઈ બોલાવી લીધો.”
મુંબઈ આવી ત્રંબકભાઈએ લોખંડ બજારના રાઠી બ્રધર્સમાં પહેલી નોકરી કરી. રહેવાનું બનેવી રસિકલાલ મહેતા સાથે મલાડમાં. પેટપૂજા માટે પહોંચી જવાનું ભોઈવાડાની કપોળ ક્લબમાં. સંજોગો પડકારજનક, કેમ કે પગાર મળે ૭૫ રૂપિયા, સામે દર મહિને ટ્રેનનો પાસ પડે દોઢસો રૂપિયા! એટલે, રામ રાખે તેમ રહીએ એના નાતે ઘણીવાર લાંધણ સુધ્ધાં કરી નાખવાનું, “સવાલ ત્યારે વર્તમાન સ્થિતિનો નહીં, ભવિષ્યમાં કશુંક સર્જવાનો હતો. આજની પરિસ્થિતિમાં હાર માનો તો આવતીકાલે પાર થવાતું નથી.” એકવાર તેમણે શેઠને કહ્યું કે પોસાતું નથી એટલે નોકરી મૂકું છું. શેઠે જોકે યુવાન ત્રંબકનું હીર પારખી લીધું હશે તેથી તેને જવા દેવાને બદલે પગાર લાગલો વધારીને પોણાબસો કરી આપ્યો. એમ, ડગુમગુ થનારી જીવનનૈયા થોડી સ્થિરતાને પામી. આઠેક વરસ નોકરી કર્યા પછી ત્રંબકભાઈએ ઠરાવ્યું કે હવે આપબળે કશુંક કરવું.
અનાયાસે તેમને એ માટે યોગ્ય તક મળી ગઈ. ૧૯૮૯માં સિડકો તરફથી લોખંડ બજારને સોસાયટી અને પ્લોટ ઓફર થયા. ત્રંબકભાઈએ સોસાયટીમાં ઘર લેવું પસંદ કર્યું. સોસાયટી માટે જરૂરી ક્લિયરન્સ મેળવવાની જવાબદારી તેમણે ઉપાડી. આ અનુભવે તેમને રિયલ એસ્ટેટમાં નસીબ અજમાવવાની હિંમત પૂરી પાડી. આની શુભ શરૂઆત ન્યુ પનવેલથી કરી. “બધા પેપર્સ જોઈને જ ડીલ કરવી. આપણા બે ટકા ફાયદા માટે બીજાની મહેનતની કમાણી ડૂબવી જોઈએ નહીં,” એ સિદ્ધાંત તેમણે નક્કી કર્યો અને આજ સુધી તેનું અક્ષરશ: પાલન થાય છે.
કારકિર્દીના વળાંકો વચ્ચે ૧૯૭૪માં શિહોર ગામનાં સરોજબહેન સાથે તેમણે સંસાર માંડ્યો. સમય સાથે દંપતીને ત્રણ દીકરી નીતા, સોનલ, મેઘા અને એક દીકરા હીરેનનું સુખ પ્રાપ્ત થયું. નીતા અને સોનલ અને હીરેને બિઝનેસની જવાબદારી સુપેરે ઉપાડી હોવાથી હવે તેઓ સમાજસેવા માટે વધુ સમય ફાળવે છે. જીવનસંગિની તરીકે ત્યારથી આજ સુધી સરોજબહેને ત્રંબકભાઈને સબળ સાથ આપ્યો છે. એનો દાખલો જુઓ, ૧૯૯૮માં આર્થિક અડચણો મોં વકાસીને ઊભી હતી. વાશીની એસ્ટેટમાં લગાડેલા પૈસા ડૂબી ગયા હતા. રૂપિયા ૧૦-૧૫ કરોડનું દેવું હતું, માર્ગ જડતો નહોતો. ત્યારે પિયરથી લાવેલા દાગીના વેચીને પણ તેમણે ગૃહસ્થી ચલાવવા સાથે ત્રંબકભાઈના આત્મવિશ્વાસને અડીખમ રાખ્યો હતો. જ્યાં પતિ-પત્ની વચ્ચે આવું તાદાત્મ્ય હોય ત્યાં બરકતની બાજી મોડી-વહેલી પણ સર જરૂર થઈ જાય.
આજ સુધી સાથે તેમના હાથે થતાં સેવાનાં કાર્યોમાં પણ ક્યારેય ઓટ આવી નથી. તેઓ કહે છે, “અન્યોની મદદથી કોઈકના પરિવારને મળતા સધિયારાનું દૃષ્ટાંત મારો પોતાનો પરિવાર હતો. ઉપરાંત અમારાં કુળદેવી વેરાઈમાતા તથા કૈલાસપતિની કૃપા અમારા પર રહી, તેથી સુખ લાભ્યું. આ બેઉ હકીકતો મારા માટે સેવાના મોરચે પથપ્રદર્શકનું કામ કરતી રહી છે.” દેશનાં તમામ જ્યોતિર્લિંગની પાત્રા કરનારા ત્રંબકભાઈ તળાઘાટથી પગપાળા કૈલાસ માનસરોવરની યાત્રા કરી આવ્યા છે. કાંદિવલીના વેરાઈમાતા મંદિરમાં ટ્રસ્ટી તરીકે ચૈત્ર માસે યોજાતા માતાના યજ્ઞપ્રસંગમાં તેઓ પ્રમુખ જવાબદારી ઉઠાવે છે. તેમાં બે હજારથી વધુ ભાવિકો પ્રસાદાર્થે જોડાય છે. મલાડની એસએનડીટી તથા દહિંસરની એસવીપી મહિલા કોલેજના માધ્યમથી તેઓ દીકરીઓને સાક્ષરતા સાથે આત્મનિર્ભરતા માટે સહયોગ આપે છે. ત્યાં સિવણકામ શીખનારી દીકરીઓને સિલાઈ મશીન આપીને આગળની દિશા ઉઘાડી આપે છે. કપોળો માટે ત્રણ સમૂહલગ્નો, વેવિશાળ મેળાનું આયોજન તેઓ કરી ચૂક્યા છે. એમાં લકી ડ્રોમાં વિજેતા દંપતીને તેમણે નાલાસોપારાના કપોળ નિવાસમાં ૩૫૦ ચોરસ ફૂટનો વન રૂમ કિચનનો ફ્લેટ ભેટ આપ્યો હતો. ભાગવતકથા આયોજન, જરૂરિયાતમંદો માટે સ્વાસ્થ્યલક્ષી અને શિક્ષણલક્ષી મદદ એવાં નાના પ્રકારનાં સેવાકાર્યો પણ નિરંતર ચાલ્યા કરે.
કપોળની સિદ્ધિ બદલ તેઓ ગર્વ અનુભવે છે. “ભૂતકાળમાં સમાજે સારું કાર્ય કર્યું છે. સૌરાષ્ટ્રથી મુંબઈના વિકાસમાં કપોળશ્રેષ્ઠીનો ઘણો ફાળો છે. વર્તમાનમાં સમાજે ભૂતકાળની ભૂલો સુધારી સમાજને યોગ્ય દિશાએ લઈ જવો જોઈએ.” એવો તેમનો મત છે.
આ ઉંમરે પણ યુવાનોની જેમ તેઓ સક્રીય છે. વેપારી જવાબદારી હોય કે સેવા, ત્રંબકભાઈ બધી ફરજો નિભાવે છે. તેમના મતે, “પુરુષની સફળતા પાછળ સ્ત્રી હોય એ અક્ષરશ: સાચું છે. મારા મામલે તો સફળતા પાછળ માતા, ફોઈ, બહેનો હસુમતી અને લલિતા અને પત્ની, ચાર ચાર સ્ત્રીનો સાથે છે.” બનેવી રસિકલાલ મહેતાનું પીઠબળ પણ એટલું અમૂલ્ય રહ્યું. પોતાના એક વ્યસનની વાત કરતાં તેઓ નિખાલસ થઈ જાય છે, “હું મધપાન કરતો. જાણતો નહોતો કે સારા જીવનમાં આવી કુટેવો ખતરનાક સંકટ જેવી છે. સારું થયુ કે ૧૯૯૮માં બાબુલનાથ મંદિરે મહાદેવ સમલ એ કુટેવ મૂકી તે મૂકી.”
પારિવારિક મોરચે તેમનાં ચારેય સંતાન આજે સુખી છે. ત્રણે દીકરીઓને તેમણે ફ્લેટ આપ્યા છે. નીતા અને સોનલ કાંદિવલી જ્યારે મેઘા ઘાટકોપર રહે છે. દીકરો હીરેન તેમની સાથે રહે છે. ચેસ, ક્રિકેટ, વોલીબોલ અને આર્ચરીમાં પણ રૂચિ ધરાવતા ત્રંબકભાઈએ આર્યરીમાં અનેક એવોર્ડ્સ પણ જીત્યા છે. તેઓ નવી પેઢીને મૂલ્યવાન ટિપ આપતાં કહે છે, “નીતિથી કામ કરો તો નિશ્ચિતપણે સુખી થવાશે. મહેનત ક્યારેય અવગણશો નહીં, કેમ કે બધાનો વિકલ્પ હોઈ શકે છે, મહેનતનો નહીં.”
માર્ગ જડતો નહોતો. ત્યારે પિયરથી લાવેલા દાગીના વેચીને પણ તેમણે ગૃહસ્થી ચલાવવા સાથે
ત્રંબકભાઈના આત્મવિશ્વાસને અડીખમ રાખ્યો હતો
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


