સંઘર્ષ અને કંટાળો બેઉના નિવારણની સરસ રીત આ સ્વજન પાસે છે. પરમેશ્વર અને પરિવાર માટે જીવન જીવતા શીખવાની કળા તેમની પાસેથી આત્મસાત્ કરવા જેવી છે. માણો શબ્દયાત્રા
વિલેપાર્લેની જ્યોતિ બાળમંદિરમાં પરીક્ષા હતી. એક વિદ્યાર્થીએ પેપર વાંચ્યું. એને કોઈ જવાબ આવડે નહીં. ખાસ્સું વિચાર્યા પછી તેણે ઉત્તરવહીમાં એક વાક્ય લખ્યું, “મને કંઈ આવડતું નથી,” અને આપી દીધી શિક્ષકને. વાત ગઈ પ્રિન્સિપાલ પાસે. તેમણે વિદ્યાર્થીને બોલાવ્યો. એની પીઠ થાબડીને કહ્યું, “ભલે તને કંઈ આવડતું નથી પણ સત્ય સ્વીકારવાની તારી શક્તિ અને ખેલદિલી ગજબ છે.” પ્રિન્સિપાલે એ વિદ્યાર્થી માટે ટ્યુશનની વ્યવસ્થા કરી આપી. પછી વિદ્યાર્થીની શૈક્ષણિક સફર એવી પાટે ચડી કે વિલેપાર્લેની જ ગોકળીબાઈ સ્કૂલમાં ભણીને મીઠીબાઈ કોલેજમાં સાયન્સમાં ડિગ્રી મેળવીને વિવેકાનંદ કોલેજમાંથી એન્જિનિયરિંગ પણ કર્યું.
આ વિદ્યાર્થી એટલે મહુવાનાં કલાબહેન અને ધરણીધરભાઈ ગાંધીના સંતાન ધર્મેશભાઈ. પેલો શાળાકીય કિસ્સો તેઓ આઠ વરસની વયે મહુવાથી મુંબઈ આવ્યા ત્યારનો. આજના ધર્મેશભાઈ તો સુશિક્ષિત, સંપન્ન અને સહૃદયી. પિતા બોલપેન મેન્યુફેક્ચરિંગના વેપારમાં અને બાળપણથી પરિવારે આર્થિક મોરચે નિરાંત જોઈ. છતાં, સંઘર્ષ તો વેગવેગળા રૂપમાં સૌને સતાવે. ધર્મેશભાઈ કહે છે, “સંઘર્ષને સકારાત્મક દ્રષ્ટિએ જોવાની ટેવ મને નાનપણથી પડી. મમ્મી-પપ્પાએ શીખવેલો અભિગમ એ માટે કામ કરી ગયો. સાથે મારું માનવું છે કે સંઘર્ષ છે એ વિચાર કરવો પણ આપણો સંઘર્ષ બિનજરૂરી રીતે વધારે. એના કરતાં બહેતર છે કે પરિવાર આખો સાથે બેસીને વિચારે અને રસ્તો કાઢે. એક પરિવાર અને બીજી પરમેશ્વર પર આસ્થા, બેઉ હોય પછી સંઘર્ષની શી વિસાત કે કોઈને નાસીપાસ કરે?”
ભણતર પૂરું થયા પછી ધર્મેશભાઈએ થોડો સમય સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં વેપારી સાહસ ખેડ્યું હતું. ૧૯૮૯માં તેમણે એક સોફ્ટવેર બનાવ્યું હતું જેનાથી લેન્ડલાઇન ફોનમાં કોન્ટેક્ટ્સ સાચવી શકાતા હતા. જોકે, “ત્યારે એ બાબત બિલકુલ નવી અને વેપારની દ્રષ્ટિએ પણ મોંઘી હતી. મેં છેવટે એને તિલાંજલિ આપી અને પિતાના વેપારમાં આગળ વધવાનો નિશ્ચય કર્યો,” એવું તેઓ કહે છે. પરિણામ પણ મજાનું મળ્યું. પિતાના વેપારને ધર્મેશભાઈએ ખાસ્સો વિકસાવ્યો. ધર્મેશ એન્ડ કંપની, શ્રીનાથ પ્લાસ્ટિક, કનકાઈ ઇન્ડસ્ટ્રીઝ જેવા પરિવારના ઉદ્યોગો આજે આગવી નામના ધરાવે છે. બોલપેનનાં વિવિધ પાર્ટ્સ બનાવીને ઉત્પાદકોને પૂરાં પાડવાં તે આ કંપનીઓની મુખ્ય પ્રવૃત્તિ છે.
૧૯૯૨માં ધર્મેશભાઈનાં લગ્ન તૃપ્તિબહેન સાથે થયાં, જેઓ મૂળ ધંધુકાનાં છે. પત્ની વિશે વાત કરતાં આંખમાં ચમક સાથે ધર્મેશભાઈ કહે છે, “પરોપકાર અને ઠાકોરજી પ્રત્યેની અડરા શ્રદ્ધા, આ બેઉ બાબતોમાં તૃપ્તિના સાથે મને બળુકો બનાવ્યો. એના થકી મને વધુ વિશ્વાસ બેઠો કે આ જન્મમાં મળતાં સુખ માટે પરભવનાં પુણ્ય નિમિત્ત બન્યાં છે. હવે આ જન્મે પુણ્યકર્મ કરશો તો આવતો જન્મ પણ અચૂકપણે સારો રહેશે. પૈસાને પોતાના આનંદ માટે ખર્ચવા કરતાં સન્મતિ તથા સેવાર્થે ખર્ચવામાં આવે ત્યારે તેના હોવાનો ખરો અર્થ સરે છે.”
વરસો સુધી વિલેપાર્લે રહ્યા પછી ગાંધી પરિવાર ૧૯૯૯માં મલાડ રહેવા આવ્યો. હાલનું ઘર એવું કે જેને એ સોસાયટીમાં રહેનારા જ ખરીદી લેવા તલપાપડ હતા. વળી જૂના માલિક વતી ઘર બેન્કમાં ગિરવી હોઈને થોડી સમસ્યાઓ હતી. છતાં દોઢ વરસની અથાક મહેનત પછી ધર્મેશભાઈ આ ઘર ખરીદવામાં સફળ થયા હતા. આ ઘરમાં આજે સંયુક્ત પરિવાર તરીકે સૌ ખુશ છે. માતાપિતા ઉપરાંત પત્ની દીકરા-દીકરી પાર્થ તથા રિદ્ધિથી ઘરમાં સદૈવ મીઠડું વાતાવરણ રહે છે. પાર્થ મેકેનિકલ એન્જિનિયર છે. રિદ્ધિ ભણી રહી છે ફિઝિયોથેરપીનું. ઉપરાંત, સંગીતના શોખને લીધે ધર્મેશભાઈએ ઘર નજીક એક રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બનાવ્યો છે.
છેલ્લાં છ વરસથી શ્રી માતાજી કનકેશ્વરી પરિવાર (મુંબઈ) ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે. આ સંસ્થા દર આસો નવરાત્રિમાં રાજપુરિયા બાગ, વિલેપાર્લામાં કનકાઈ માતાની પૂજા, અર્ચના, ભક્તિ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો કરે છે. એ અવસરમાં નાનાં બાળકોથી લઈ વૃદ્ધ સુધી સૌ મોટી સંખ્યામાં ભાગ લે છે.
કપોળો સહિત સૌને મદદરૂપ થવાનો તથા ધાર્મિક કાર્યોમાં ઉમંગભેર જોડાવાનો ધર્મેશભાઈનો સહજ સ્વભાવ છે. જ્ઞાતિજનોના ઉત્કર્ષ-વિકાસમાં યોગદાન આપવું અને ખાસ તો વિદ્યાર્થીઓને શિક્ષણાર્થે મદદરૂપ થવું તેમને ગમે છે. નાથદ્વારાની ગોવિંદ પાઠશાળામાં તેમના ઉપક્રમે પુષ્ટિમાર્ગનું શિક્ષણ આપવાની ગોઠવણ શરૂ થઈ છે. એ પાઠશાળાના ટ્રસ્ટી તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. વતન મહુવાની સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતા માટે ઇનામોની લહાણી કરવાનો તેમનો વણલખ્યો નિયમ છે. ઉપરાંત, દર વરસે ભાગવત સપ્તાહ પણ યોજવાની. કુળદેવી કનકાઈ માતાની વાત કરતાં તેઓ કહે છે, “માતાજીનું મંદિર ગિરના જંગલ વચ્ચે છે. રાતના ભાવિકો ત્યાં રોકાતા ડરે અને જંગલમાંથી રસ્તો, એટલે સાંજ ઢળતા પહેલા પાછા આવ્યા વિના છૂટકો નહોતો. આ તકલીફ જોઈને મેં નજીકની ચેક પોસ્ટ પાસે એક ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. આજે એ વાતનો આનંદ છે કે ત્યાં ભાવિકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ પણ જરૂર પડ્યે રાતવાસો કરી શકે છે.”
તેમને પોતાને હરવાફરવાથી માંડીને ફિલ્મો જેવા શોખ નથી પણ, “તૃપ્તિને શોખ છે તેથી હું ખુશીભેર એને સાથે આપું છું. જીવનમાં દરેક મોરચે જે મારી પડખે ઊભી રહી છે તેના આનંદ માટે આટલું તો કરવું પડે.” નીતિપૂર્વક વેપાર કરવામાં અને પરિવારને સંતુષ્ટ રાખવામાં વ્યસ્ત એવા આ સ્વજન નવી પેઢીને પ્રગતિશાળી રહેવા સરસ ટિપ આપે છે, “લગાતાર મહેનત કરવાની અને સત્યના માર્ગે કરવાની. સહેલાઈથી પૈસા મળશે તો છેવટે નુકસાનને આમંત્ર્યા વિના રહેશે નહીં. સાથે, કંટાળો આવે છે એવાં બહાનાં ક્યારેય કરવાનો નહીં. આપણા જીવનને જે બારીમાંથી આવતી હવા કંટાળાજનક કરી નાખતી હોય એ બારી બંધ કરી દેવાની. અંદરથી પ્રફુલ્લિત રહીને પોતાની ફરજ નિભાવશો તો તમે જરૂર સફળ થશો અને સંતોષ પણ અનુભવશો.” આપણે સૌ આવી ભાવના કેળવીને કપોળપણાને સર્વશ્રેષ્ઠ કરીએ.
સફળતાની વ્યાખ્યા જણાવતાં ધર્મેશભાઈ કહે છે, “ધૈર્ય અને એકાગ્રતા બહુ જરૂરી છે. મનમાં જે કંઈ કરવાની ઇચ્છા હોય તેને સાકાર કરવા અથાકપણે લાગી જવું જોઈએ. શરૂઆતની નિષ્ફળતા પણ ત્યારે જ સફળતામાં ફેરવાઈ શકે છે.” આગળ શું કરવાનું પ્રયોજન છે, અથવા ઇચ્છા છે તેવું પૂછતાં તેઓ કહે છે, “આવશ્યક સાથ-સહકાર મળે તો મલાડ-બોરીવલી માટે આધુનિક હોસ્પિટલ, એન્જિનિયરિંગ કોલેજ ઊભાં કરવાં છે.”
દેશની લગભગ તમામ અગ્રણી પેન મેન્યુફેક્ચરિંગ કંપની સાથે તેમનો વેપાર છે. વેપારની જેમ સેવાના મોરચે પણ તેઓ એકદમ સ્પષ્ટ છે, “આપણે સેવા પણ એવી કરવી કે એની બ્રાન્ડ પણ સર્વોચ્ચતાને આંબી જાય!”
લગાતાર મહેનત કરવાની અને સત્યના માર્ગે જ કરવાની. સહેલાઈથી પૈસા મળશે તો છેવટે
નુકસાનને આમંત્ર્યા વિના રહેશે નહીં.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


