આપણા ઉત્તમ શારીરિક સ્વાસ્થ્ય તેમ જ ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાથે સાથે આપણા કુટુંબ અને સમાજના સુંદર ઘડતર અને શ્રેષ્ઠ ચારિત્રના નિર્માણ માટે પણ ઋષિમુનિઓએ અનેક તહેવાર આપ્યા છે એમાંથી એક છે રક્ષાબંધનનો તહેવાર. જન્મથી યુવાની સુધીનો તબક્કો એ શારીરિક ને માનસિક વિકાસનો તેમ જ જીવનઘડતર અને કારકિર્દીલક્ષી વિદ્યા પ્રાપ્ત કરવાનો સમય છે. આથી એક જ ઘરમાં એકસાથે ઊછરતાં વિજાતીય પાત્રોમાં પવિત્રતાની ભાવના દ્વારા સંયમ વધુ બળવાન બનતો રહે તે જરૂરી છે. જે આ તબક્કામાં નાની ઉંમરમાં જ જાતીય ક્રિયામાં ફસાય છે તે લોકો એમાં જ રચ્યાપચ્યા રહી જીવન મૂલ્યલક્ષી કે કારકિર્દીલક્ષી વિદ્યા ઉચિત રીતે પ્રાપ્ત કરવામાં મહદઅંશે નિષ્ફળ જતા હોય છે. આ ઉપરાંત એક જ કુટુંબમાં થતાં સગોત્ર લગ્નનો આપણા શાસ્ત્રમાં સખત વિરોધ કર્યો છે અને તેને મોટું પાપ ગણેલું છે. હવે તો જેનેટિક એન્જિનિયરિંગના સંશોધકો પણ કહે છે કે સગોત્રમાં કરેલાં લગ્નથી થતાં બાળકોમાં રોગકારક અને નુકસાનકારક જીન્સ મા-બાપ બન્ને તરફથી મળતા હોવાથી બમણા થઈ જાય છે. આવાં બાળકો શરીરથી નિર્બળ, રોગી, ખોડખાંપણ કે વિકૃતિ ધરાવતાં થવાની સંભાવના સૌથી વધુ હોય છે, તેથી વિષયવાસનાયુક્ત આકર્ષણ કે લગ્ન થતાં અટકે અને એક જ કુટુંબના વિજાતીય વચ્ચે નિર્મળ પ્રેમની ભાવના બની રહે તે જ આ તહેવારનો ગૂઢાર્થ રહેલો છે. બહેન જ્યારે રાખડી બાંધે ત્યારે પોતાની રક્ષા ભાઈ કરે સાથેસાથે ભાઈની તમામ વિપત્તિઓથી ખાસ તો બ્રહ્મચર્યની રક્ષા થાય તેવી ભાવના રહેલી હોય છે. આમ, આ તહેવાર એક પ્રેમભાવયુક્ત સુદૃઢ અને સ્વસ્થ કુટુંબ બનાવવામાં મદદ કરે છે અને આવું કુટુંબ જ સમાજ અને દેશનું સુંદર અને મજબૂત નિર્માણ કરી શકે છે.
શ્રાવણ મહિનામાં શીતળા સાતમ પણ આવે છે. આપણા દરેક તહેવારની અંદર ગૂઢાર્થ છુપાયેલો હોય જ છે, પરંતુ કોઈ તહેવારનું એકદમ ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોય તો તે છે શીતળા સાતમ. મોટાભાગના લોકો ખાસ કરીને ગુજરાતીઓ શીતળા સાતમના આગલા દિવસે રાંધણછઠના દિવસે બધી રસોઈ બનાવે છે અને સાતમના દિવસે ઠંડું ખાવાનું ખાય છે, પરંતુ ચોમાસાની રોગજન્ય ઋતુમાં આવો વાસી ખોરાક શરીરને વધુ નુકસાન કરે છે. ભગવદ્ગીતામાં ચોખ્ખું લખેલું છે કે એક પ્રહર સુધી પણ પડી રહેલું ભોજન તામસી ભોજન બને છે, જે આરોગવાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે.
છઠના દિવસે રાંધેલું અન્ન રાતભર પડી રહે પછી તેને સાતમના દિવસે સવારે અને ઘણા તો સાંજે પણ ખાય છે અને બીજા દિવસે માથાનો દુખાવો, ગૅસ થવો, ઊલટી વગેરે જેવી શરીરની અસ્વસ્થતા રહેવાની ફરિયાદ પણ કરતા હોય છે. ભારતમાં ખરી ઋતુ તો બે જ કહેવાય – ગરમીની અને ઠંડીની. શ્રાવણ-ભાદરવામાં વરસાદ વરસતો હોય તો ઠંડક લાગે બાકી તો ગરમીના અને ઉકળાટના દિવસો જ કહેવાય. એમાંય ભાદરવામાં તો જેને ‘October Heat’ કહેવાય છે. તેમાં સખત ગરમી થતી હોય છે. તેથી ગરમી અને પિત્તપ્રકોપથી શરીરને બચાવવા માટે પ્રકૃતિમાં શીતળ હોય તેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ. શીતળા સાતમના દિવસે ઉષ્ણતામાનમાં ઠંડા ખાદ્યપદાર્થો ખાઈને લોકો ઊલટું શરીરને વધુ નુકસાન કરે છે. શીત પ્રકૃતિના ખોરાક તરીકે દૂધ શ્રેષ્ઠ મનાય છે. જો તે હૂંફાળું હોય તો ઉષ્ણતામાનની દ્રષ્ટિએ ગરમ, પણ પ્રકૃતિની દૃષ્ટિએ ઠંડું જ કહેવાય. જ્યારે ફ્રીજમાં રાખેલી મરચાંની તીખી તમતમતી ચટણી ઉષ્ણતામાનમાં ઠંડી હોય, પરંતુ પ્રકૃતિમાં ગરમ જ કહેવાય. આવું ખવાય તો ઊલટું પિત્તપ્રકૃતિમાં વધારો જ થાય. ગરમ રોટલી અને દૂધ દેખીતી રીતે ગરમ હોવા છતાંય શરીરને ઠંડક પ્રદાન કરે છે. માટે જો તમારે ખરેખર શીતળા સાતમ ઊજવવી હોય તો ઠંડા-વાસી પદાર્થો નહીં, પણ શરીરમાં પિત્તપ્રકોપને રોકવા માટે શરીરને ઠંડક પ્રદાન કરે તેવો ખોરાક ખાવો જોઈએ.
આ ઉપરાંત શ્રાવણ મહિનામાં બીજાં એવા વ્રત કરવાના લખ્યાં છે જેમાં પીળા વસ્ત્ર પહેરવા નહીં, એવા નિયમ પાળવાનું કહેવાયું છે. આ વ્રતનું નામ છે જીવંતિકા વ્રત. કલર થેરેપિસ્ટના જાણકારો પીળા રંગને સૌથી ગરમ રંગ ગણે છે. આ રંગનો ઉપયોગ આપણા શરીરમાં ગરમી અને પિત્તનો પ્રકોપ ઉત્પન્ન કરે છે. તેથી જ પીળા રંગનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આપણા ઋષિમુનિઓ કેટલા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા એ આ વાત પરથી સાબિત થશે કે ભાદરવાની સૌથી વધુ ગરમી કે ઓક્ટોબર-હીટ શરીરના પિત્તને ઉશ્કેરી મૂકે તેવી હોય છે. આમ, અગમચેતી રૂપે શ્રાવણના અંતભાગથી જ પિત્તનાશક ખોરાક લેવાનું ચાલુ કરો કે ગરમી વધારતાં વસ્ત્રો પહેરવાનું ટાળો તો ભાદરવા મહિને શરીરને પડતી મુશ્કેલીમાંથી બચી જવાય. આપણા આયુર્વેદમાં પણ કહેલું છે કે રોગ થાય અને સાજા થવા માટે ઉપાય કરવો એ કરતાં રોગ થાય એવી સ્થિતિને ટાળવી એ જ આરોગ્યશાસ્ત્રનો સુવર્ણનિયમ છે. વધતી જતી હોસ્પિટલો એ કોઈ પણ શહેર કે દેશના વિકાસની નિશાની નથી, પરંતુ લોકોને હોસ્પિટલમાં જવું જ ન પડે એ સ્થિતિ જ શહેરની કે દેશની સાચી પ્રગતિ ગણી શકાય.
શીતળા સાતમના બીજા દિવસે આપણે શ્રીકૃષ્ણ જન્મના ઉત્સવને ખૂબ ધામધૂમથી ઊજવીએ છીએ. આજની પેઢીના જો કોઈ પ્રિય ભગવાન હોય તો તે શ્રીકૃષ્ણ છે. સોળેકળામાં પૂર્ણ એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી માંડીને નિર્વાણ સુધી એમની સાથે સંકળાયેલી અનેક વસ્તુઓ વૈજ્ઞાનિક રીતે લોકોપયોગી તેમ જ તન-મન અને આત્માને ઊંચાઈ પર લઈ જઈ શકે એટલી સક્ષમ હતી અને આજે પણ છે, જોકે આ બાબતો ભૂલીને મોટાભાગના લોકો ફક્ત સાતમ-આઠમના દિવસે જુગાર રમવાના બહાને ખોટી રીતે કૃષ્ણને યાદ કરી લેતા હોય છે.
કૃષ્ણ સાથે સંકળાયેલી અનેક વસ્તુઓમાંથી એક છે હિંડોળા-દર્શન. આપણે શ્રાવણ વદ આઠમની રાત્રિએ કૃષ્ણજન્મ જોરશોરથી ઊજવીએ છીએ. મંદિરોમાં જઈને આનંદપૂર્વક શ્રીકૃષ્ણનાં પારણાંને ઝુલાવીએ છીએ, પણ જીવનમાંથી હિંચકાનો આનંદ અને હિંચકાથી મળતું સ્વાસ્થ્ય સુખ ગુમાવતાં જઈએ છીએ. આજના વિજ્ઞાને સાબિત કર્યું છે કે શરીર ગતિમાં હોય ત્યારે પાચનક્રિયા ઝડપી બને છે. માટે જ તો પ્રવાસમાં હોઈએ ત્યારે થોડું વધારે ખવાઈ જાય તો પણ પચી જાય છે. ચોમાસામાં ભેજવાળી હવાથી પાચનશક્તિ નબળી પડે છે જ. આ સંજોગોમાં જમ્યા પછી હિંચકે બેસવાથી પાચનક્રિયા પર જાદુઈ અસર થાય છે. હિંચકાની તાલબદ્ધ ગતિ પાચનક્રિયાને વેગીલી બનાવવામાં ઉદ્દીપક તરીકે કામ કરે છે. આજે તો ઘૂંટણનાં દર્દોના કિસ્સા પણ વધુ સાંભળવા મળે છે. ઘૂંટણના દુખાવાથી પીડિત દર્દીઓને ડોક્ટરો પગ નીચે ફૂટબોલ રાખીને ગોળગોળ ફેરવવાની કસરત કરવાનું કહેતા હોય છે. ઘણા કિસ્સામાં તો આ દર્દની વાત ઓપરેશન સુધી પણ પહોંચી જાય છે, જે અતિખર્ચાળ હોય છે.
બાળપણથી જ પગની ઠેસી દઈને હિંચકે ઝૂલ્યા હો તો ઘૂંટણોને જે તાલબદ્ધ કસરત મળે છે તે ભવિષ્યમાં આવાં મહાદર્દોથી બચાવી શકે છે. હિંચકાની આ તાલબદ્ધ ગતિ જ છે, જે અનિદ્રાને દૂર કરી ગાઢ નિદ્રાને પણ લાવી શકે છે. નાનાં બાળકો શરીરના અસુખપણાથી રડતાં હોય ત્યારે ઘોડિયામાં ઝુલાવવાથી શાંત થઈ જાય છે, પણ આ આદત મોટા થઈને ચાલુ રાખવાના બદલે આપણા જીવનમાંથી દૂર કરી દઈએ છીએ. હજારો રૂપિયા ખર્ચીને દેશવિદેશથી આયાત કરેલા ફર્નિચરથી ઘર ભરી દઈ લોકો ગર્વ અનુભવતા હોય છે, તો ઘણીવાર ખાસ કરી શહેરોમાં સાંકડી જગામાં રહેતા લોકો ઇચ્છા હોવા છતાં હિંચકો રાખી શકતા નથી. તેથી હિંચકાથી મળતા શારીરિક ફાયદાઓ, તાલબદ્ધ જીવન અને માનસિક શાંતિ ગુમાવતાં જઈએ છીએ.
અત્યારે તો અલગ અલગ જગ્યાને અનુરૂપ નાના-મોટા ફોલ્ડિંગ અને ફ્લેક્સીબલ વિવિધ ડિઝાઇનોના હિંચકા બનવા લાગ્યા છે, જેનો શક્ય હોય તેટલો લાભ ઉઠાવવો જોઈએ અથવા લોકો સાર્વજનિક બગીચામાં રખાતા ઝૂલા અને હિંચકાનો નિયમિત લાભ લઈ શકે છે. હિન્દુસ્તાનના મોટાભાગના ચિત્રકારોએ જીવનમાં એકવાર રાધા-કૃષ્ણ હિંચકે ઝૂલતાં હોય તેવું ચિત્ર તો દોર્યું જ હશે. હિંચકા પર પ્રેમમુદ્રામાં બેસીને ઝૂલતાં રાધા-કૃષ્ણ દાંપત્યજીવનમાં માધુર્યના પ્રતીક સમા છે. પતિ-પત્ની વચ્ચે પણ મધુરતા જાળવવા માટે હિંચકો એક સુંદર માધ્યમ બની શકે છે. બેઉ વચ્ચે મતભેદ થયો હોય તો બન્ને જણે હિંચકે થોડો સમય તાલબદ્ધ ઝૂલી લેવાનો પ્રયોગ કરવા જેવો ખરો. હિંચકવાથી મળતો તાલ બન્નેના મગજમાંથી નીકળતા તરંગોને એકરૂપ થવામાં મદદરૂપ થાય છે.
પંજરીનો પ્રસાદ:
કૃષ્ણજન્મ થયા પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. એક દિવસ પ્રસાદ ખાઈ આપણે ભૂલી જઈએ છીએ, પરંતુ પંજરીનું નિત્ય સેવન ખાસ કરી ઉનાળા અને ચોમાસા જેવી રોગજન્મ ઋતુમાં શ્રેષ્ઠ ગણાય. પંજરીમાં વરિયાળી, ધાણા, જીરું, સૂંઠ અને ખડી સાકર વપરાય છે. વરિયાળી પિત્તનાશક છે. જીરું વાયુનાશક છે. સૂંઠ કફનાશક છે. ધાણા તો આયુર્વેદમાં ત્રિદોષનાશક કહેલા છે અને ખડી સાકર શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. ધારો કે એકલી સૂંઠનું સેવન કરો તો કફનો નાશ થઈ શકે. એકલા જીરાના સેવનથી વાયુનો નાશ થઈ શકે, પરંતુ આ બન્નેના સેવનથી શરીરમાં પિત્તનો વધારો થઈ શકે છે, જેનું પંજરીમાં રહેલી વરિયાળી અને ધાણાથી શમન થાય છે. આ જ રીતે વરિયાળીના કફકારક ગુણનું સૂંઠ વડે શમન થાય છે. આમ, પંજરીનું સંયોજન સ્વસ્થ શરીરને જરૂરી કફ, પિત્ત અને વાયુનું સમતોલપણું જાળવવાનું શ્રેષ્ઠ કામ કરે છે. પેંડા-બરફી જેવા પચવામાં ભારે પ્રસાદને શિયાળા માટે અનામત રાખી ચોમાસામાં કે પછી ઉનાળામાં રામનવમી વખતે પંજરીનો પ્રસાદ ઉત્તમ બની રહે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે આવી તો અનેક શ્રેષ્ઠ વસ્તુઓ જોડાયેલી છે. જે હવેના પ્રકરણમાં જોઈશું.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.

