આસપાસનાં કેટલાંય ગામોનાં માંદાં-બીમાર પશુ આ સંસ્થાને મોકલાવાય છે. જોકે માળખાકીય સુવિધાઓના, નાણાંના અભાવે સંસ્થાએ ઘણીવાર પોતાને ત્યાંનાં પશુ કોઈક મોટી પાંજરાપોળે મોકલાવવાં પડે છે. એ માટે એની પાસે વાહન નથી અને થતા ખર્ચને પહોંચી વળવાની ક્ષમતા નથી
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
લીલો અને સૂકો બેઉ દુકાળ કુદરતની માનવજાતને લપાટ છે. એ લપાટ ઘણીવાર અબોલ પશુઓને પણ ભરખી લે છે. તાજેતરની હોનારતે કાંકરેજની ચીમનગઢ પાંજરાપોળને છિન્નભિન્ન કરી નાખી છે. વરસોથી અબોલ પશુઓને સ્વજનની જેમ સાચવતી આ ગૌશાળાનો પોતાનો જીવ જાણે આજે જોખમમાં છે. એને પાછી બેઠી કરવાનું સુકાર્ય સમાજના સદ્ભાવીઓએ પોતાના શિરે લઈને ખરેખર સૌએ પુણ્યનું ભાથુ બાંધવા જેવું છે.
પાંજરાપોળની દયનીય સ્થિતિ વર્ણવતાં લીલાચંદ મોહનલાલ શાહ કહે છે, “ચીમનગઢ, કાંકરેજ તથા આસપાસનાં ઢગલાબંધ ગામડાંઓનાં મૂક પશુઓ માટે અમારી ગૌશાળા વરદાનરૂપ છે. વરસોથી નિષ્ઠાપૂર્વક કામ ચાલતું હોવાથી અમારી સંસ્થાની ખ્યાતિ દૂર સુધી ફેલાયેલી છે. આ કારણથી દર વરસે અહીં ૨,૦૦૦ જેટલાં પશુઓ આવે છે. પરંતુ એમની માવજત કરવાનું પુણ્ય ધાર્યા મુજબનું અર્જિત થતું નથી. એનું મુખ્ય કારણ છે અપૂરતી વ્યવસ્થા અને સગવડોનો અભાવ. અહીં આવતાં વધારાનાં પશુઓ અમારે નાછૂટકે પાલનપુર, પાટણ, ડીસાની મોટી ગૌશાળામાં મોકલી દેવાં પડે છે. એના માટે ટ્રોલી કે ટ્રેક્ટર અમારી પાસે નથી. ગામના કોઈ સદ્ભાવી ટ્રેક્ટર આપે કે ભાડે વાહનની વ્યવસ્થા થાય ત્યારે માંડ પશુ મોટી ગૌશાળામાં જાય.” આ સંસ્થાના દર વરસે આશરે છ લાખ રૂપિયા પશુઓને અન્ય ગૌશાળા સુધી પહોંચાડવા પાછળ જ વપરાઈ જાય છે. એની જગ્યાએ ગૌશાળાનું પોતાનું એક ટ્રેક્ટર અને ટ્રોલી હોય તો આ કામ અત્યંત સરળ બને. સાથે ભંડોળનો આવો વ્યય અટકે.
પૂર અને એના લીધે સર્જાયેલી હોનારતે ચારાની જે એવદશા કરી તે વર્ણવતાં તેઓ કહે છે, “અહીં ગોડાઉનની ખાસ વ્યવસ્થા નથી. ચારો ભરવા જરૂરી બે-ત્રણ ગોડાઉનની જગ્યાએ માત્ર એક ગોડાઉન છે. આથી ચારો બહાર ખુલ્લામાં પડ્યો રહે છે. આ વખતના પૂરે ગૌશાળામાં બહાર પડેલો તમામ ચારો ધોઈ નાખ્યો છે. પાણી ભરાવાને કારણે આ વરસે ચારાની આશરે દસ હજાર ગાંસડીઓ સડી ગઈ છે.” પશુખાદ્યની આ દયનીય પરિસ્થિતિમાંથી ગૌશાળાને ઉગારવા અહીં ગોડાઉનની તાતી જરૂર છે. ગોડાઉન હોય તો ગમે તેવી કટોકટીમાં પણ ચારાનું કદાચ આવું નુકસાન થાય નહીં.
ચોમાસામાં ગૌશાળાના ચોગાનમાં કીચડ ભરાવાથી વાહનોની આવજા મુશ્કેલ બની જાય છે. કાદવ ઉલેચીને સ્વચ્છતા માટે અહીં સાધન ઉપલબ્ધ નથી. અપૂરતાં સાધનોને કારણે ગૌશાળાની સ્થિતિ પૂર પછી વળી પૂર્વવત્ થવાને બદલે દરેક દિવસે વધુ કથળતી જાય છે.
આ ગૌશાળાને દોડતી કરીને કાર્યક્ષમ બનાવવા અહીં નવા શેડની જરૂર છે. વહીવટી કામકાજો માટે સારા કાર્યાલયની જરૂર છે. પાણીનો સંગ્રહ કરવા કૂવા અને ટાંકીની જરૂર છે. માંદાં કે ઘવાયેલાં પશુઓની સારવાર કાજે અને દવાખાને લઈ જવા એમ્બ્યુલન્સની જરૂર છે. કાદવ થતો અટકાવવા પાકા માર્ગની, ખરંચાની પણ એટલી જ જરૂર છે.
પશુઓની હેરફેર માટે ટ્રેક્ટર તથા ટ્રોલીની જરૂર છે. જરૂરિયાતોનું આ લાંબું લિસ્ટ પરિપૂર્ણ કરવા સમાજના સ્વજનોએ આગળ આવવું રહ્યું! ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને આપણે સત્કાર્યના ભાગીદાર બનીએ અને ચીમનગઢ પાંજરાપોળને બેઠી કરીએ. સાથે એને વધુ ખ્યાતિવાન બનાવવા માટે પણ યોગદાન આપીએ.
ઊણપો/જરૂરિયાતો
1. સાફસકાઈ કરીને પાંજરાપોળને પશુધન માટે ફરી વસવાટયોગ્ય કરવી.
2. ખેતી તથા આસપાસનાં ગામોથી લવાતાં માંદાં, અશક્ત પશુઓની હેરફેર માટે, અનિવાર્ય સ્થિતિમાં તેમને અન્ય પાંજરાપોળે ખસેડવા માટે એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર અને અન્ય વાહન.
3. પશુઓ માટે નવા શેડ્સ.
4. ખરંચા સાથે કાર્યાલય, હવાડા, કૂવા, જળસંગ્રહ માટે ટાંકી, ઘાસ કાપવાનું મશીન, બોરવેલ.
5. નાણાંની વારંવાર પડતી તંગીને નિવારવા માટે ભંડોળનો વ્યવસ્થિત પ્રવાહ.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી ચીમનગઢ પાંજરાપોળ, મુકામ ચીમનગઢ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૫૫૦, ગુજરાત.
સંપર્ક: લીલાચંદ મોહનલાલ શાહ
મોબાઇલ: ૯૪૨૭૪ ૯૩૦૯૧
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી ચીમનગઢ પાંજરાપોળ
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૩૦૦
વાર્ષિક ખર્ચ: ૪૦ લાખ રૂપિયા
બાંધકામની ખર્ચ: ૫૦થી ૬૦ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.

