પહેલેથી તેમણે સંબંધો સાચવ્યા છે એટલે જ જીવને તેમને બહુ વહાલથી સાચવ્યા છે. આસ્થા, પરિવારપ્રેમ અને ઉત્તમ વેપારી કુનેહનો ત્રિવેણી સંગમ આ વડીલના વ્યક્તિવમાં છે
મિત્રતા અને મદદ કરવાનો સ્વભાવ. આ બે બાબતો જીવનમાં કોઈનેય બહુ ફળે. પૂછી જુઓ વડીલ હિંમતભાઈ ગોરડિયાને. એમનાં પ્રારંભિક વેપારી વરસોમાં આ બે બાબતોએ એવો રંગ રાખ્યો કે શું કહીએ? હિંમતભાઈ પોતે એ સંસ્મરણોનું એક્શન રિપ્લે કરે ત્યારે કહે છે, “ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં સપ્લાયર તરીકે મારે ચાર અધિકારીઓ સાથે સારી મિત્રતા થઈ હતી. સમય જતા મેં પોતાનો વેપાર શરૂ કર્યો ત્યારે પેલા ચારેય જુદી જુદી કંપનીમાં હતા. મિત્રતાનો લાભ એ થયો કે ચારેયની કંપની મારી ગ્રાહક બની. એવી રીતે, એમાંના એક અધિકારીની મુંબઈથી પુણે બદલી થઈ. એમના હાથમાં સ્ટીલ પરચેસનું કામ અને તેમણે મને સ્ટીલ સપ્લાયની જવાબદારી સોંપી.” માણસના ભાગ્યોદયમાં સાથ આપનારી સોણલી બાબતો હિંમતભાઈને પહેલેથી ફળતી રહી છે. આજે પણ ફળે છે.
સૌરાષ્ટ્રના રાજુલા નજીક ડેડાણ નામે નાનકડું ગામ. હિંમતભાઈ મૂળ ત્યાંના. ૧૯૩૫માં ગામમાં જન્મ અને પછી, મુંબઈમાં સ્થાયી થયેલાં માતાપિતા કમળાબહેન અને પુરુષોત્તમદાસ સાથે મુંબઈ રહેવા માંડ્યા. “પિતા ત્યારે એક પારસી ગૃહસ્થ સાથે ભાગીદારીમાં કાપડનો વેપાર કરે. ત્રણેય વેપારમાં કપોળોનું વર્ચસ્વ હતું.”
હિંમતભાઈ ભૂલેશ્વરની આઇડિયલ સ્કૂલમાં, પછી સિદ્ધાર્થ કોલેજમાં ઇન્ટર કોમર્સ સુધી ભણ્યા. જોકે ભણવાનું સવારે અને પછી વેપારમાં પિતાને સાથ આપવાનો. ૧૯૬૨માં બોરીવલીમાં સ્ક્રુનાં ત્રણ નાનાં કારખાનાં નાખી તેમણે હાર્ડવેરનો વેપાર શરૂ કર્યો. એવામાં ટિન કોપરનો મોટો ઓર્ડર મળ્યો. ત્યારે જ વજનનું પાઉન્ડમાંથી કિલોના કન્વર્ઝનનો સમય આવવા ઉપરાંત, ચીન સાથે યુદ્ધ છેડાયું. માગ વધતાં છેવટે તેમને ચારેક લાખ રૂપિયાનો ફાયદો થયો! ત્રેવીસેક વરસની વયે શરૂ કર્યો સપ્લાયરનો વ્યવસાય, “ભાભા એટોમિક ત્યારે નવું હતું. કંપનીને પચાસ રૂપિયા નીચેની જે વસ્તુ જોઈએ એ સપ્લાય કરવાનું કામ મને મળ્યું હતું. રાજાણીસાહેબ નામના ઓફિસર સાથે મારે સરસ બનતું. ભણવા સાથે કામ કરતો અને કમિશન કમાઈ લેતો.” એ પછી તો બીજા અધિકારીઓ સાથે પણ દોસ્તી થઈ અને…
૧૯૬૦માં હિંમતભાઈના લગ્ન હુબલીનાં ગિરજાલક્ષ્મી નારાયણદાસ સંઘવીનાં દીકરી વનિતાબહેન સાથે થયાં. નેક્સ્ટ યર, ૧૯૬૧માં તેમણે હાર્ડવેર સપ્લાયનો સ્વતંત્ર વેપાર શરૂ કર્યો. એમાં સાથ મળ્યો પેલા ચાર ઓફિસર સાથેની મિત્રતાનો. નસીબનું ચમકવાનું શરૂ થયું ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચેના યુદ્ધ સાથે. થયું એમ કે યુદ્ધને લીધે તાંબાની બજાર તપવા માંડી. હિંમતભાઈ યાદ તાજી કરતાં કહે છે, “ત્યારે તાંબાનો પાઉન્ડદીઠ ભાવ બાર રૂપિયા હતો. એની સામે હું મારા ગ્રાહકને અગિયાર રૂપિયે પાઉન્ડ તાંબું આપતો. મોટા ઓર્ડરમાં સાડાત્રણ લાખ રૂપિયા એ જમાનામાં કમાયો. એના પછી મારી ગાડી સડસડાટ દોડતી થઈ.”
દીકરાની પ્રગતિ નિહાળીને પિતા રાજી હતા. સાથે દૂરંદેશી રાખીને પિતાએ સૂચન પણ કર્યું, “સરકારને મોટો ટેક્સ ચૂકવવા કરતાં વેપારમાં ભાઈઓને સાથે લઈ લે.” હિંમતભાઈએ અનંતભાઈ, રસિકભાઈ અને કનુભાઈને વેપારમાં ભાગીદાર તરીકે લીધા. ત્યાર સુધી અનંતભાઈ નોકરી કરતા તો રસિકભાઈ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા. સૌથી નાના કનુભાઈ કોલેજમાં ભણતા. ચારેયના ખભેખભા મિલાવવાથી વેપાર વધુ ખીલ્યો અને પ્રગતિ ઝડપી થઈ.
સમય સાથે ભાઈઓએ સ્વતંત્ર થઈને આગળ વધવાનો નિર્ણય લીધો. દરમિયાન, પ્રણય અને આશિષ, રાજીવ તથા સંજય એમ ચાર સંતાનો થકી હિંમતભાઈનો પરિવાર હર્યોભર્યો થયો. ૧૯૮૦-૮૧ આસપાસ ભાઈઓથી છુટા થઈ સ્વતંત્ર વેપાર શરૂ કરતાં હિંમતભાઈએ ઓટોમોબાઇલ્સમાં વિવિધ ઉત્પાદનો તથા સ્ટીલ સપ્લાય શરૂ કર્યું. જર્મન કંપનીના સહયોગમાં પોતાની કંપની માટે મશીન પણ ઇમ્પોર્ટ કર્યું. આજે તેમની કંપનીનો વેપાર દેશ-વિદેશમાં વિસ્તર્યો છે. કંપનીની ખપોલીમાં ફેક્ટરી છે તો ઓફિસ પ્રાર્થના સમાજ, મુંબઈમાં છે. તેમની કંપની બી. એમ. એસ. એસ. ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ખોપોલી સ્થિત ગોરડિયા સ્પેશ્યલ સ્ટીલ લિમિટેડ છે. સંતાનોમાં પ્રણયનાં લગ્ન તૃપ્તિબહેન સાથે થયાં છે. તેમની બે દીકરી હસ્તી અને પ્રાચી. આશિષનાં લગ્ન વૈશાલીબહેન સાથે થયાં છે, જેમને હંસ અને વિવેક એમ બે દીકરા છે. બેઉ દીકરાઓ પિતા સાથે પરિવારના વેપારમાં છે. રાજીવનાં લગ્ન ફોરમ સાથે થયાં છે. તેમને બે દીકરી હીલોની અને નીતિ છે. સંજયનાં લગ્ન હેમલ સાથે થયાં છે, જેમને બે દીકરા પ્રથમ અને શુભમ છે. હાલમાં બેઉ અભ્યાસ કરે છે.
સામાજિક જીવન તરફ વળીએ તો હિંમતભાઈ બહુ પહેલેથી કપોળો માટે, વૈષ્ણવો માટે ઉત્સાહપૂર્વક સેવાકાર્યો કરતા રહ્યા છે. કપોળોમાં એક સમયે તુલસીવિવાહ યોજવા મોટી પ્રતિષ્ઠાની બાબત હતી. વરસો પહેલાં હિંમતભાઈ તથા તેમના ત્રણેય ભાઈઓએ કપોળવાડીમાં ઠાઠમાઠભર્યાં તુલસીવિવાહનું આયોજન કર્યું હતું. જીવનસંગિની વનિતાના મનોરથને સાકાર કરવા હિંમતભાઈએ ૧૯૮૭માં કાંદિવલીમાં ભવ્ય ૮૪ બેઠકનું પણ આયોજન કર્યું હતું. એ મનોરથ વ્રજજીવનલાલજી બાવાશ્રીની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. મનોરથ એવો યાદગાર અને અનન્ય કે તેમાં જોડાવા કાંદિવલીના દરેક વૈષ્ણવના ઘેર ઠેરઠેરથી વૈષ્ણવો આવ્યા હતા. મનોરથ નિમિત્તે ઠાકોરજી હવેલીથી કાંદિવલીના ભૂરાભાઈ આરોગ્ય ભુવનમાં પધાર્યા હતા. એ સિવાય જતીપુરામાંના ગોવિંદ નિવાસના નિર્માણમાં હિંમતભાઈએ મહત્તમ યોગદાન આપ્યું છે. ચંપારણમાં પ્રવેશદ્વારના નિર્માણનું શ્રેય પણ તેમના યોગદાનને જાય છે. સૌરાષ્ટ્રમાં તુલસીશ્યામ મંદિરના જીર્ણોદ્ધાર વખતે સેવક તરીકે તેમણે સક્રીય સહયોગ આપ્યો હતો. તેઓ મનનીય વાત કહે છે, “ધર્મસ્થળે ટ્રસ્ટી રહીને અજાણતાય બીજાથી થતા ખોટા કામમાં ભાગીદારી થઈ શકે છે. મારા મતે આપણે ધર્મસ્થળે સેવા જરૂરથી કરવી પણ પાપની ગઠરી ભરાવ નહીં તેની કાળજી રાખીને.”
કપોળોના જરૂરિયાતમંદ પરિવારો માટે નાલાસોપારામાં જે ગૃહનિર્માણ યોજના પાર પડી તે કપોળનગરમાં પણ હિંમતભાઈએ ટ્રસ્ટી તરીકે સેવા સાથે યોગદાન પણ આપેલું. ઇન ફેક્ટ, એ યોજનાની જાહેરાત વખતના કાર્યક્રમમાં, ૧૯૮૭માં દીપ પ્રાગટ્ય હિંમતભાઈનાં માતાના હસ્તે થયું હતું. આ સિવાય યોગેન્દ્ર ભટ્ટની સપ્તાહનું આયોજન, કપોળ બેન્કમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા, ગોરડિયા સમાજના સંસ્થાપક પછી હવે ચેરમેન તરીકે સેવા, ૧,૨૦૦થી વધુ ગોરડિયા સ્વજનો માટે કુળદેવી સપ્તશ્રૃંગીમાતાના ૧૧ કુંડી હવનનું આયોજન… કેડાણરત્ન સહિતનાં માન-અકરામોથી સન્માનિત હિંમતભાઈના સેવાલક્ષી કાર્યોની યાદી લાંબી છે.
ત્રણેક વરસ પહેલાં તેમણે ચંપારણમાં શ્રીકૃષ્ણ શરણં મમ: જાપ યોજેલા. તેમાં મુંબઈથી અઢીસો ભાવિકો જોડાયેલા. સાત દિવસમાં સાત કરોડ જાપ થયેલા. સેવા વિશે વાત કરતાં તેઓ કહે છે, “સારા વહીવટકર્તા હોય તો સંસ્થા કાયમ શ્રીમંત રહે. અન્યથા, દાનમાં ગાડીઓ ભરીને કશુંક મળે એ પણ ગેરવલ્લે જાય.” જીવનમાં સારું કરવાને તેમણે સદૈવ પ્રાધાન્ય આપ્યું છે. તેમના મતે, આપણે સારું કરીએ તો પરિણામ સારું મળે, સાથી સારા મળે અને ઈશ્વરની પણ નિત્ય કૃપા વરસે. છેવટે, યુવાનોને તેઓ અસરકારક ટિપ આપે છે, “જે કાર્ય હાથમાં લો એને પૂરું કર્યા વિના ડગશો નહીં. અટકશો નહીં. સાતત્ય રાખશો તો જીવન અને કાર્ય સરળ રહેશે અને સફળ પણ થઈને રહેશે.” સૌને આ વાત કશુંક ઉત્કૃષ્ટ કરવા પ્રેરે તેવી આપણે ભાવના સેવીએ.
ધર્મસ્થળે ટ્રસ્ટી રહીને અજાણતાય બીજાથી થતા ખોટા કામમાં ભાગીદારી થઈ શકે છે. મારા મતે આપણે ધર્મસ્થળે સેવા જરૂરથી કરવી પણ પાપની ગઠરી ભરાય નહીં તેની કાળજી રાખીને.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


