સેવાભાવી, શિસ્તબદ્ધ અને સમાજ માટે સદૈવ કાર્યરત. મહેતા પરિવાર તેમના આ સ્વર્ગસ્થ વડીલના સિદ્ધાંતો આજે પણ અનુસરે છે. અહીં તેઓ વાગોળે છે વડીલનાં સંસ્મરણો
કપોળ સમાજમાં ડી. એસ. ટી. નામ ભાગ્યે જ કોઈએ નહીં સાંભળ્યું હોય. આ ડી. એસ. ટી એટલે અગ્રગણ્ય કપોળમાંના એક એવા ધીરજલાલ (ડી), તેમનાં પત્ની સરલાબહેન (એસ) અને પુત્ર તુષાર (ટી). આજે ધીરજભાઈ તો આપણી વચ્ચે નથી, પણ તેમણે ફેલાવેલી પરોપકારની સુવાસ હજી મઘમઘી રહી છે. અનુસરણીય કપોળોની યાદીમાં તેમનું નામ લેવાય છે. જાણીએ તેમનાં પુત્રવધુ રૂપલ તુષાર મહેતા પાસેથી ધીરજભાઈના જીવન વિશે.
રૂપલબહેન સસરાના જીવનના પ્રસંગોને યાદ કરતાં જાણે ભૂતકાળમાં ખોવાઈ જાય છે. તેઓ જણાવે છે, “પપ્પા શિસ્તબદ્ધ જીવન જીવતા. સમયના એવા પાબંદ હતા કે પાડોશીઓ તેમને જોઈ પોતાની ઘડિયાળ મેળવતા. રોજ સવારે સાડાપાંચ વાગે જૂહુ બીચ પર ચાલવા જવાનો તેમનો નિયમ. ઠંડી, ગરમી કે વરસાદમાં પણ એ ક્યારેય ના તૂટે.”
ધીરજલાલ મૂળ અમરેલીથી સાત કિલોમીટર દૂર આવેલા નાના માચિયાળા ગામના. તેમનો જન્મ અને ઉછેર અમરેલીમાં થયો હતો. પિતા મગનભાઈ અને માતા કાંતાબહેનનાં સાત સંતાનોમાં ધીરજલાલ સૌથી મોટા. જન્મ ૧૯૪૫માં. અમરેલીની કપોળ બોર્ડિંગ સ્કૂલમાં તેમણે ત્રીજા ધોરણ સુધીનું ભણતર થયું. ૧૯૫૭માં મહેતા પરિવાર મુંબઈ આવ્યો. એ સમયે તેઓ મુંબઈમાં તેમનાં ફોઈ જયાલક્ષ્મી મગનલાલ મોદીને ત્યાં રહ્યા. ફોઈના દીકરાઓ જશુભાઈ અને પ્રવીણભાઈનો ધીરજભાઈને ખૂબ સપોર્ટ. મુંબઈ આવ્યા બાદ બાકીનો મેટ્રિક સુધીનો અભ્યાસ વિલેપાર્લેની ગોકળીબાઈ સ્કૂલમાં કર્યો. તેઓ મેટ્રિકમાં હતા ત્યારે બહેન જ્યોતિને ગંભીર અકસ્માત નડ્યો હતો. ધીરજભાઈ હોસ્પિટલમાં રહે અને રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે અભ્યાસ કરે. નસીબનું કરવું કે ધીરજભાઈ એ પછી આગળ ભણી શક્યા નહીં.
ધીરજલાલભાઈની પહેલી નોકરી લોખંડ બજારમાં ચુનીલાલભાઈ પાસે. પિતાએ પણ મુંબઈ આવ્યા બાદ ચુનીલાલભાઈને ત્યાં નોકરી કરી હતી. પહેલી નોકરીમાં ધીરજભાઈનો પગાર હતો ૧૨૦ રૂપિયા. ચાર વરસ કામ કર્યા બાદ તેમણે નોકરી બદલી. પગાર થયો ૩૫૦ રૂપિયા અને એ નોકરીમાં તેમણે પસાર કર્યાં પાંચ વરસ.
૧૯૬૮માં અમરેલીનાં હરજીવનદાસ વેલજી પારેખ અને લીલાવતીબહેનની દીકરી સરલાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. દંપતીને કામિની, તુષાર અને હીના એમ ત્રણ સંતાનો થયાં. આ બધાં વચ્ચે નોકરીને આવજો કરી ધીરજભાઈએ વેપારમાં ઝંપલાવ્યું. વાયર સપ્લાયની એમની કંપની એટલે ડીએસટી ટ્રેડિંગ કંપની. એક તરફ પોતાનો પરિવાર સાચવતા ધીરજભાઈ નવા વેપારને આગળ વધારે. બીજી તરફ તેમણે પોતાનાં ભાઈ-બહેનો પણ થાળે પાડ્યાં અને પરણાવી આપ્યાં. ૧૯૬૫-૬૬ દરમિયાન તેમનો પરિવાર મલાડમાં એક રૂમ-રસોડાના નાનકડાં ઘરમાં રહે. વેપારમાં બરકત મળ્યા પછી, ૧૯૭૦માં વિલેપાર્લે અને ૧૯૮૫માં વર્સોવાના બંગલામાં રહેવા ગયા. એવામાં, ૧૯૯૨માં સૌથી નાની દીકરી હીનાનું રેલવે અકસ્માતમાં મૃત્યુ થયું. એ ઘટના પછી ધીરજભાઈને ટ્રેનના પ્રવાસથી નફરત થઈ ગઈ. તેમણે વર્સોવાનો બંગલો વેચી જુહુમાં બિલ્ડીંગ ખરીદ્યું અને નામ આપ્યું હીનાસ્મૃતિ. એ બિલ્ડીંગમાં તેમણે પોતાની ઓફિસ સાથે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ શરૂ કર્યો. આજે એ વેપાર દીકરો તુષાર સંભાળે છે.
સસરા વિશે વધુ જણાવતાં રૂપલબહેન કહે છે, “લગ્ન પછી મને બેન્કના કામથી માંડીને શેરબજાર અને ગાડી ચલાવવા સુધીની કેટલીયે ચીજો મારા સસરાએ શીખવી.” રૂપલબહેન અને તુષારભાઈનાં પ્રેમલગ્ન છે. રૂપલબહેન ખોડિયાર ભુવનવાળા લક્ષ્મીદાસ અમૃતલાલ મહેતાનાં દીકરી.
મહેતા પરિવારમાં આવ્યા પછી રૂપલબહેન પુત્રવધૂ નહીં પણ દીકરી બન્યાં. સસુર પોતે જ્યારે પુત્રવધૂના વિકાસને આટલું પ્રાધાન્ય આપે ત્યારે અનુમોદના કરવાનું મન થાય. રૂપલબહેન આગળ કહે છે, “પપ્પાનો સ્વભાવ જ સૌને પ્રોત્સાહન પૂરું પાડવાનો. આપણે ઘણીવાર વિચારીએ કે આમ કરાય કે ના કરાય અથવા થશે કે નહીં થાય. પપ્પા એટલું જ કહેતા કે જે સારું અને સાચું હોય તે કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો. તેમણે મને એટલી સારી રીતે પ્રોત્સાહિત કરી કે મારામાં પણ કંઈક કરી બતાવવાની લાલસા જાગી. આજે હું મેટ્રિમોનિયલ બ્યુરો ચલાવું છું એ માટે પપ્પાએ આપેલું પ્રોત્સાહન જવાબદાર છે.”
પરિવાર કાયમ સંગઠિત રહે અને પરસ્પર પ્રેમભાવ અતૂટ રહે તેની પણ ધીરજભાઈ કાળજી રાખતા. નવી પેઢીને જૂની પેઢીની વિચારધારામાં બંધાઈને કશુંક કરવું પડે નહીં એ વિશે પણ તેઓ સજાગ રહેતા. એના દાખલા મહેતા પરિવારમાં જોવા મળે છે. મોટા પૌત્ર અનમોલની પહેલેથી મહત્ત્વાકાંક્ષા કે હોટેલની દુનિયામાં કંઈક કરું. દાદાએ તેને કહ્યું, “બિલકુલ કર. સારામાં સારી ઇન્સ્ટિટ્યુટમાં ભણ.” અનમોલે સ્વિત્ઝર્લેન્ડ જઈને હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. આજે દુબઈમાં એની બે રેસ્ટોરાં છે. નાના પૌત્ર જેનિલને વળી કોરિયોગ્રાફીમાં આગળ વધવાની ઇચ્છા. દાદાએ તેના જુસ્સાને પણ સરાહીને કહ્યું, “આગળ વધ અને એવો કોરિયોગ્રાફર બન જે બધાથી શ્રેષ્ઠ હોય.” જેનિલ આજે જાઝ, હિપહૉપ, બેલે, બોલિવુડ, લેટિન જેવાં નૃત્યોમાં હથોટી ધરાવે છે. લંડનના પરીક્ષકો સામેની પરીક્ષામાં એ પહેલા નંબરે રહ્યો હતો. આજે એ લોસ એન્જલસમાં રહીને કોરિયોગ્રાફીનો તલસ્પર્શી અભ્યાસ લઈ રહ્યો છે. તેણે ભારતમાં રહેતા ભરતનાટ્યમની તાલીમ પણ લીધી હતી.
રૂપલબહેન ઉમેરે છે, “એમની ખાસિયત એ હતી કે સૌના મનને સમજતા અને એ મુજબ જે સારું હોય તે કરવાને માર્ગદર્શન પુરું પાડતા. બાળકોને તેઓ કાયમ કહેતા કે તમારે જે બનવું હોય તમે બની શકો છો, શરત એટલી કે એના માટે હતોત્સાહ થયા વિના લગાતાર પ્રયત્નશીલ રહો.”
ફરી ધીરજભાઈની વાત કરીએ તો તેઓ દાનવીર પણ હતા. કપોળ સોશ્યલ ગ્રુપ અને કપોળ કેએમજી ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી. રૂપલબહેન કહે છે, “ઘણાને નવાઈ લાગતી કે દાન કરવા છતાં બીજા લોકોની જેમ મારા સસરા કેમ ક્યાંય માનપાન માગતા નહોતા કે તકતીઓ મુકાવતા નહોતા? અમને એટલી ખબર કે પપ્પા એવા મતના કે મદદ કરવી હોય તો નામનો મોહ નહીં કરવો, બાકી મદદ કરવાનો અર્થ નથી સરતો.”
ધીરજભાઈની સ્મૃતિમાં આજે તેમનો પરિવાર કે એમ. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને હીના ફાઉન્ડેશન ચલાવે છે. આ સંસ્થાઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડે છે. ધીરજભાઈનાં પત્ની અને રૂપલબહેનનાં સાસુ સરલાબહેને બોરીવલી સેવા મંડળમાં પિડિઆટ્રિક વિભાગ શરૂ કરાવ્યો છે. વતન નાના મોચિયાળામાં એક શાળા પણ આ પરિવારે ખોલીછે.
છેલ્લે રૂપલબહેન કહે છે, “પપ્પાની ગેરહાજરી અમને સાલે છે. તેમના સિદ્ધાંતો, તેમની શીખોના પગલે ચાલીને અમને સતત એવી પ્રતીતિ થાયે રાખે છે કે આજે પણ તેઓ અમારી સાથે છે.”
આપણે ઘણીવાર વિચારીએ કે આમ કરાય કે ના કરાય અથવા થશે કે નહીં થાય. પપ્પા એટલું જ
કહેતા કે જે સારું અને સાચું હોય તે કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


