બરાબર એક મહિનો થયો, 19 ફેબ્રુઆરીએ, જ્યારે વેપારી ટર્ન્ડ નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે, વિશ્વના એક સૌથી શક્તિશાળી દેશના સુકાની તરીકે (એમના સદભાગ્યે અને વિશ્વના કમભાગ્યે?) પાછા બિરાજ્યા. આ એક મહિનામાં એમણે લોકોને હતપ્રભ કરવાની હારમાળા સર્જી છે. હજી તો સુડતાલીસ મહિના બાકી છે. આગળ શું થશે? ટ્રમ્પ ફરી અમેરિકાને જગતનો દાદો સાબિત કરવા માગે છે? બિલકુલ એવું લાગે છે. એમનો અશ્વમેધ યજ્ઞ કેવોક શક્તિશાળી છે? એમની ઇચ્છાઓ, અપેક્ષાઓ અને એમનો, દંડૂકો પછાડીને બધાંને બાઘા કરવાનો કારસો કેવોક યોગ્ય છે? 

ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગાદીપતિ થયા પણ એમના પ્રત્યે ખુદ અમેરિકનોને ખાસ માન હોય એવું લાગતું નથી. છતાં, રાજકરણમાં સત્તા મળ્યા પછી ‘રાજાકારણ’ સર્વસ્વ થઈ જાય છે. ટ્રમ્પની કરણી જે હોય તે, અમેરિકાએ અને વિશ્વએ પણ હવે સહન કરવાની છે. કમ સે કમ ત્યાં સુધી ખરી જ્યાં સુધી કાં એમની સત્તા કોઈક કારણોસર આંચકી લેવામાં આવતી નથી, અથવા જ્યાં સુધી એમનો બીજો અને છેલ્લો સત્તાકાળ પૂરો થતો નથી. એ વાતમાં શંકાને સ્થાન નથી કે એક મહિનામાં આ ભાઈસા’બે દુનિયાને ધંધે લગાડી દીધી છે. એમના થોડા નિર્ણયો આ રહ્યાઃ 

  • ટ્રમ્પે પહેલી ફેબ્રુઆરીએ કેનેડા, મેક્સિકો અને ચીન પર નવાં ટેરિફ ઝીંકી દીધાં. ભારતને એમાંથી બાકાત રાખ્યું, તાત્પૂરતું, એ નસીબ. કોને ખબર ભારત માટે એમને આવું કંઈક કરવાનું ગમે ત્યારે મન થાય. ટ્રમ્પ છે, કંઈ કહેવાય નહીં. પછી જોકે કેનેડા અને મેક્સિકો પર પોતાનો નિર્ણય ઠોકી બેસાડતા પહેલાં એમણે 30 દિવસ માટે રૂક જાવ કહ્યું છે. એનાથી નિર્ણયના અમલમાં વિલંબ થયો પણ ટ્રમ્પની મથરાવટી જાહેર થઈ જ ગઈ. 
  • ચીન એટલું નસીબદાર નથી. વાજબી છે. અમેરિકાની જેમ જ શી જિનપિંગની દાઢે દુનિયાના દાદા બનવાની દાનત છે. એમના માટે સંજોગો ઉજળા છે. આખી દુનિયા ચીનના ઉત્પાદનોની ઓશિયાળી છે. રોડ એન્ડ બેલ્ટ પહેલથી અને દાન-દાન-દાન આપી આપીને જિનપિંગે ઘણા દેશને દેવાળિયા કર્યા છે.  સાથે ચીન સામે મોંમાં તરણું ઝાલીને નાકલીટી તાણવા મજબૂર કર્યા છે. આર્થિક તાકાત બહુ મોટી ચીજ છે, સાહેબ.  
  • સત્તા સંભાળ્યા પછી ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાને અપાતી આર્થિક મદદ થંભાવી દીધી છે. આ મદદ એટલે આવશ્યક હતી કે એનાથી એ દેશમાં એચઆઈવી અને એબોલા જેવી બીમારી નાથવા રસીના પ્રયોગો થઈ રહ્યા હતા. એની સફળતા દક્ષિણ આફ્રિકામાં એઇડ્સના રોગને નાથવામાં કામ આવે એમ છે. એ નાણાંથી બ્રિલિયન્ટ નામનો મહત્ત્વનો પ્રોજેક્ટ ચાલતો હતો. અમેરિકન ડોલર મળવાનું બંધ થયા પછી દક્ષિણ આફ્રિકાના નિષ્ણાત સંશોધકો પાસે માથું ખંજવાળવા અને વિકલ્પ શોધવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. 
  • મેક અમેરિકા ગ્રેટ અગેઇન અને અમેરિકા ફર્સ્ટ એ ટ્રમ્પના નારા છે. એ નારા વચ્ચે ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એટલે યુએસએઇડ થકી અપાતી જાતજાતની આર્થિક સહાયને ટ્રમ્પે બ્રેક મારી છે. એની અવળી અસર ગાઝા, યુક્રેઇન, સુદાન જેવા દેશોને થવા માંડી છે. 
  • યુએસએઇડનો મામલો જોકે અહીં અટકતો નથી. ટ્ર્મ્મના તુઘલખશાહી નિર્ણયે આમ તો આ આખી સંસ્થાના વાવટા સંકેલી લીધા છે. એમણે વિશ્વભરમાં સંસ્થાના નેજા હેઠળ ચાલતા આર્થિક કાર્યક્રમો માટે અમેરિકન ડોલરનો પ્રવાહ થંભાવી દીધો છે. એટલેથી નહીં અટકતાં ટ્રમ્પે સંસ્થાના 10,000થી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. હવે એમાં 294 કર્મચારીઓ રહ્યા. યુએસએઇડની વેબસાઇટને સંકેલી લેવામાં આવી છે. ટ્રમ્પના લાડલા બની ઇલોન મસ્કે યુએસએઇડને ગુનાખોર સંસ્થા લેખાવી છે. બોલો, જે સંસ્થા અંકલ સેમે પોતે ઊભી કરી, જેના માટે ખાસ્સાં નાણાં ખર્ચ્યાં, જેના નામે કેટલાય દેશોનાં કાંડાં આમળ્યાં, એ સંસ્થા એક વ્યક્તિના પ્રમુખ બનવા સાથે અમેરિકાના પોતાના માટે ગુનાખોર થઈ ગઈ! કહના ક્યા ચાહતે હો યાર? એવું કે અમે આ સંસ્થા બનાવીને આજ સુધી દુનિયાને ઉલ્લુ બનાવી?
  • યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીને એમ હતું કે ટ્ર્મ્પ આવશે કે મારા દેશને રશિયા સામે લડવા નવી તાકાત, નાણાં, શસ્ત્રો મળશે. એની બદલે ટ્રમ્પે બબ્બે ગૂગલીથી ઝેલેન્સકીને ઊંઘતા ઝડપી લીધા છે. એક તો ટ્રમ્પે કોઈ આર્થિક મદદ આપવાને બદલે યુરોપના દેશોને અમેરિકન શસ્ત્રો ખરીદવાની સલાહ આપી. એ શસ્ત્રો, યુરોપિયન દેશો, પોતાના ફદિયાંથી લઈને ચાહે તો યુક્રેઇનને આપી શકે. એમ કરીને ટ્રમ્પે મોતની સોદાગર અમેરિકન કંપનીઓ માટે વેપારનો માર્ગ મોકળો કરી આપ્યો. ઉપરાંત, યુક્રેઇનને સીધી આર્થિક મદદ કરવાથી પણ તંત છોડાવ્યો. પરફેક્ટ ડબલ ક્રોસ આને કહેવાય.
  • ટ્રમ્પ આટલેથી અટક્યા નથી. હાથમાં વાટકો અને ચહેરે દીનતા ધારણ કરીને ઊભા ઝેલેન્સ્કી સામે ટ્રમ્પ પણ વાટકો લઈને ઊભા રહી ગયા અને કહ્યું, “જો ભાઈ, તને ભૂતકાળમાં જે મદદ કરી હતી, એના બદલામાં તારે મને તારા દેશનાં ખજિનો ઉલેચવા દેવાં જોઈએ.” ઝેલેન્સકીએ ટ્રમ્પની માગણીને હાલપૂરતી નકારી દીધી છે પણ ટ્રમ્પ કોઈક ગતકડું ચલાવીને આડા ફાટશે તો ઝેલેન્સ્કી ક્યાં જશે એ પ્રશ્ન છે. 
  • યુક્રેઇનના મામલે, મધ્યસ્થી કરવાના ટ્રમ્પના દાવ પર પછી વાત કરીએ. પહેલાં જાણી લઈએ કે ટ્રમ્પે યુરોપના દેશોને વણમાગી સલાહ આપતાં શું કહ્યું. એમણે શેખી ચલાવી કે તમારે વધુ અમેકિરન શસ્ત્રો ખરીદીને નાટોની તાકાત વધારવી જોઈએ. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું આખું નામ. એમાં 32 દેશો સભ્ય છે. એ દેશો યુરોપ અને ઉત્તર અમેરિકાના છે. 30 એકલા યુરોપના છે. એમાંના ત્રણ દેશ અણુશસ્ત્રો ધરાવે છે. ટ્રમ્પે એક સૂચનથી અમેરિકાના 31 દેશોને ગ્રાહકગીરી કરવા પ્રેર્યા છે. બહાનું શું આપ્યું? નાટો દેશોની સશસ્ત્ર શક્તિ વધારો. અચ્છા? 
  • દરમિયાન, એમણે ભારત અને જાપાન માટે પોતાને સોફ્ટ કોર્નર હોય એવું ચિત્ર હાલપૂરતું સફળ ઊભું કર્યું છે. એની સામે એમણે આપણી અને જાપાન પાસેથી અમેરિકાની તરફેણમાં આગળ વધવાનું આશ્વાસન લીધું છે. એ આશ્વાસન મફતમાં મળે કે સસ્તામાં વાત પતે એ શક્ય નથી. માત્ર સમય જણાવશે કે મોદી અને ટ્રમ્પ એકમેકને મળ્યા પછી, ભલે બેઉ પોતપોતાના દેશના હિતમાં કામ કર્યાનો આનંદ માણે, છેલ્લે ખરેખર આનંદ કોણ મનાવી શકે છે. અમેરિકા કે આપણે?
  • યુક્રેઇનની વાત પર પાછા આવીએ. પોતાની વાસ્તવિક સત્તામર્યાદા અમેરિકા પૂરતી હોવા છતાં ટ્રમ્પે રશિયા સાથે વાતચીત કરીને (ઝેલેન્સ્કીને બાકાત રાખીને) રશિયા-યુક્રેઇન યુદ્ધ થંભાવવાની વાતો માંડી છે. આખું યુરોપ ચકિત થઈ ગયું પણ કોઈ કરે તો શું? રશિયાએ મોકો જોઈને ચોગ્ગો મારતાં માગણીઓની ઝડી વરસાવી દીધી છે. એક માગણી એવી કે નાટોથી આ યુક્રેઇનને આઘું જ રાખવાનું, એને એનું સભ્યપદ નહીં આપવાનું. અરે! નાટોએ છેક 2008માં યુક્રેઇનને વચન આપ્યું હતું કે ભવિષ્યમાં એ નાટોનું સભ્ય થઈ શકે છે.
  • છઠ્ઠી ફેબ્રુઆરીએ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ગુનેગારોની અદાલત (ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર તવાઈ મૂકી દીધી. આ મતલબી તવાઈથી કોર્ટને નાણાકીય સહાય અટકશે, સાથે અમેરિકા અને ઇઝરાયલ માટે માથાના દુઃખાવા જેવા એના અધિકારીઓ (એમના પરિવારજનોને પણ) અમેરિકન વિઝા મેળવવા ભારે થઈ જવાના.
  • મજાની વાત એ છે કે આ કોર્ટ અને અમેરિકાની પેદાશ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, અલગ સંસ્થાઓ છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ યુનાઇટેડ નેશન્સ એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા છે. યુએન પણ અમેરિકાની જણસ છે એમ કહેવામાં કશું ખોટું નથી. ભલે એની સ્થાપના માટે પાંચ દેશો આગળ આવ્યા હતા તો શું? 1945માં યુનો સ્થપાયું ત્યારે એ પાંચ દેશોમાં અમેરિકા સૌથી શક્તિશાળી હતો.  બેઉ કોર્ટનાં વડાં મથક નેધરલેન્ડ્સના હોગમાં છે પણ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પ્રમાણમાં વધુ સ્વાયત્ત અને સ્વતંત્ર છે. ટ્રમ્પને એ કેવી રીતે ગમે?
  • ઉદ્યોગપતિ હોવાના નાતે ટ્રમ્પના હૈયે વેપારી હિત રમે છે. એમણે અમેરિકમાં વેપાર માટે લાંચ આપતા વિદેશી ઉદ્યોગપતિઓને લગતા કાયદા હળવા કર્યા છે. એનો કથિત લાભ આપણા ગૌતમ અદાણીને મળવાની વાત છે. મુદ્દો અદાણી નથી, અમેરિકા છે. અમેરિકામાં 48 વરસથી જે કાયદો ભ્રષ્ટાચારને નાથવા, અંકુશમાં રાખવા કારગત હતો એની સામે ટ્રમ્પને વાંધો પડ્યો. નવાઈની વાત નહીં?
  • ટ્રમ્પે કરેલું એક સણસણતું કામ અમેરિકામાં ગેરકાયદે વસતા નાગરિકોની અમાનવીય હકાલપટ્ટી છે. આપણે એના વિશે જાણીએ છીએ. ભારતીયોને પણ ત્યાંથી ત્રણ વખત વિમાનમાં ગોંધીને ભારત મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પના પગલાથી અનેક દેશો ચકિત છે પણ કોઈ કશું કરી શકે એમ નથી. દુનિયાના અન્ય કોઈ દેશે આવી હલકાઈ કરી હોત, ખાસ તો આ હદની ઉતાવળે અને અમાનુષી રીતે, તો અમેરિકા અને એના ખંડિયા જેવી સંસ્થાઓએ હોહા કરી મૂકી હોત. 
  • અમેરિકાનો ડોળો ગ્રીનલેન્ડ નામના દેશ પર દાયકાઓથી છે. બીજા વિશ્વયુદ્ધ પછી ખાનગીમાં એણે ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ એ દેશના સત્તાધીશો સમક્ષ મૂક્યો હતો. ટ્રમ્પે પાછલી ટર્મમાં પણ ગ્રીનલેન્ડ ખરીદવાની હોંશ દર્શાવી હતી. ભલે ગ્રીનલેન્ડના લોકો અને ડેન્માર્ક (ગ્રીનલેન્ડ એના હસ્તકનો સ્વાયત્ત પ્રદેશ છે) કહે કે અમારો દેશ કે વિસ્તાર બીકાઉ નથી. ટ્રમ્પને ક્યા સંભળાય છે?
  • દુનિયાને આઘાત આપતાં ટ્રમ્પે એના ગાઝા પટ્ટીને પચાવી પાડવાના મનસૂબા જાહેર કર્યા છે. એ પણ એવી અયોગ્ય રીતે કે ના પૂછો વાત. સમગ્ર ગાઝા પટ્ટીને અમેરિકન માલિકીના કરવાના ઇરાદા સુધી નહીં અટકતાં ટ્રમ્પે ત્યાંથી મૂળ વતનીઓને હકાલી મૂકવાની વાત બિનધાસ્ત કરી છે. એવા નિવેદન સાથે કે જેઓને એકવાર ગાઝાથી ફેંકી દેવામાં આવશે તેઓ ત્યાં પાછા ફરી શકશે નહીં. આ તો પારકો માલ મારા બાપનો એવી ઘોષણા થઈ.
  • ટ્રમ્પે કેનેડાને ગપચાવી જવાની વાત કરી છે. એમનો મત એવો કે અમેરિકાના એકાવનમા રાજ્ય તરીકે કેનેડા ઘણું વધુ સુખી થશે. તો, અત્યારે કેનેડા દુઃખી છે? દુનિયાના સૌથી શ્રીમંત દેશોની યાદીમાં સતત સર્વોચ્ચ દસમાં હોવું એ કેનેડાના સુધી હોવાની નિશાની નથી?

ટ્રમ્પે નવી ઇનિંગ્સ આક્રમક શરૂ કરી છે. એ એવા નેતા છે જે કોઈનાથી ગાંજ્યા જાય એમ નથી. કોઈ એમની ડોકે ધોંસરી તાણી શકે એમ નથી. એક તો આમ પણ વિશ્વના એક સૌથી તાકાતવાન દેશના પ્રમુખ, ઉપરથી ધૂની, મનસ્વી અને ખેપાની મગજના. આવા વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે? અંદેશા એવું દર્શિત કરે છે કે ટ્રમ્પનો આ સત્તાકાળ દુનિયા માટે અઘરો રહેવાનો છે. મોદી માટે પણ એ પરીક્ષીકાળ બનવાની પૂરી શક્યતા છે. કારણ, બેઉની દેશની દોસ્તી ત્યાં સુધી બરાબર રહેશે જ્યાં સુધી ભારત મેળવશે ઓછું અને આપશે વધુ. 

ડોનાલ્ડ ટ્રમ્પ મેરિકાને ફરી ગ્રેટ બનાવવા માગે એ એમનો અંગત મુદ્દો હોવો જોઈએ. આપણે એ સમજવું રહ્યું કે ટ્રમ્પે આડકતરી રીતે કબૂલી લીધું કે અમેરિકા હવે ગ્રેટ નથી. આવા દેશના નેતા સામે કોઈએ શા માટે ઘૂંટણિયાં ટેકવવાં જોઈએ? એ પણ એવા નેતાના સુકાનમાં જેમનો પાછલો કાર્યકાળ વિચિત્ર હતો, જેમનાં એ પછીનાં ચાર વરસ કોઈ નોંધનીય ઉપલબ્ધિ વગરનાં હતાં, જેમનાં વાણી, વર્તન, વિચારમાંનું કશું એક વિઝનરી નેતા જેવું નથી અને જેઓ, પરહિતની વાત કરતા  નથી, એવા નેતાને કોઈએ શું કામ કોઈએ જાદુગર માનવા કે ગણવા જોઈએ?

ટ્રમ્પ અમેરિકાને ગ્રેટ બનાવે તો સરસ, પણ દુનિયાને અનગ્રેટ અને અપસેટ ના બનાવે તો પણ ઘણું. રાહ જોઈએ, 2029ની.

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version