બોક્સ ખોખું,જિંદગી ને સળીઓ જેટલાં દુ:ખદુઃખની અવગણના એટલે સુખનો સાક્ષાત્કાર અને સત્કાર

સત્તર શબ્દોમાં જીવનનો મર્મ કે જીવનનું વરવું સત્ય સમજાવતું આ હાઇકુ વાંચ્યા પછી માત્ર વાહ બોલવાથી નહીં ચાલે. પૃથ્વી પરનો કોઈ જીવ ક્યારેય દુ:ખી ના થયો હોય એ બિલકુલ શક્ય નથી. દુ:ખ એટલે સુખનો અર્થ સમજાવતું તત્ત્વ. માત્ર સુખ અને સુખ હોય તો સુખનું મૂલ્ય કોડીનું ના રહે. દુનિયામાં સોનું જો માટીની જેમ મળે તો સોનાનો ભાવ આમ આભને આંબે ખરો? સુખ અને દુઃખનું પણ એવું કંઈક છે. ભલે દુઃખ વધુ લાગે પણ જે રીતે માટી વિના સૃષ્ટિ શક્ય નથી, જે રીતે માટી વિના ધરતી ના હોય, ખેતી ના હોય, એમ દુઃખ વિના પણ જીવનના ઘણા આયામ હતા ના હતા થઈ જાય. આપણને જીવન એક મળ્યું અને દુઃખ બેસુમાર મળ્યાં છે. એનાં રોદણાં રડતા રહીએ તો દુઃખ ઘટે નહીં, વધે. જીવનને માણવાનો સરળ રસ્તો દુઃખની અવગણના કરવી અને એમાંથી પણ સુખ શોધી કાઢવું એ છે. સુખ ના શોધી શકાય તો પણ સમતા જાળવી જ શકાય છે. થોડાક નફિકરા પણ થઈ જવાનું અને થોડાક બહાદુર પણ. જિંદગી બાક્સ ખોખું હોય અને દુઃખ સળીઓ, તો મનની મક્કમતા, દુઃખ ખમી લેવાની તાકાત, બહાદુરી અને નફિકરાપણું એ દારૂપટ્ટી છે જેના પર ઘસાઈને દુઃખ બળી જશે. સંજોગ ઠરાવવાનું કે બદલવાનું આપણા હાથમાં હોત શું જોઈતું હતું? આપણે એના બાર વગાડી નાખ્યા હોત. પણ સંજોગ અણધાર્યા આવે એની એક સુંદરતા છે. એમાં તો જીવન દરેક ઘડીએ ઉત્તેજિત રાખે છે. એમાં તો જીવન સુખ અને દુઃખ વચ્ચે ભેદ સર્જી શકે છે. સુખની લાલસા અને દુઃખની દોસ્તી એટલે એક સુંદર સંતુલન. જેણે જાળવતા શીખી લીધું એ લોકો જીવન જીવતા શીખી ગયા એમ જાણવું. તેથી, આહ બોલવાનું મન થાય ત્યારે પણ મનમાં કશેક વાહ હોય અને આવેલી પળ, આવી પડેલું દુઃખ જશે એવો ભરોસો હોય તો સમજવું કે જીવનને સાંગોપાંગ સમજી લીધું અને માણી પણ લીધું. 

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version