એક માણસ હતો. કારકિર્દીની શરૂઆતમાં એણે ગિફ્ટ આઇટમ્સની સેલ્સમેનશિપ કરી. પછી લોખંડ બજારમાં ક્લેરિકલ કામ કર્યું. પછી બી. કોમ થઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના અભરખા સેવ્યા. એટલે આર્ટિકલશિપ કરી. એના જીવનમાં એક પછી એક પરિવર્તન આવતાં ગયાં. ક્યારેક ધાર્યા પ્રમાણે, ક્યારેક અણધાર્યાં. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનું અધૂરું મૂકીને ભાઈ, કોમ્પ્યુટર ઓપરેટર બન્યા. પછી વળી આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ. પછી શેરબજારમાં નોકરી કરી. પછી શેરની લેવેચનો નાનોમોટો ધંધો કર્યો. એમાં ખોટ ગઈ તો પાછી શેરબજારમાં નોકરી કરી. આ રીતે આઠનવ વરસની રઝળપાટ પછી માણસ એક લાઇનમાં ખરા અર્થમાં ઠરીઠામ થયો. જીવનના શરૂઆતના તબક્કામાં આવેલાં સપનાંઓમાં જે વ્યવસાય નહોતો દેખાયો એવા વ્યવસાયમાં છેવટે એ માણસ સેટલ થયો. આવું ઘણા સાથે થાય છે. આવાં પરિવર્તનોથી નાસીપાસ નહીં થવું એ સભર જીવનની પહેલી શરત છે. મોટાભાગના કિસ્સામાં આવી વ્યક્તિને કપરા કાળમાં ઝટ સાથ મળતો નથી. જીવન જ્યારે અખતરા કરાવે ત્યારે માનસિક સમતુલા મૂડી બની રહે છે. કોઈ પણ પરિસ્થિતિમાં જાત પરનો વિશ્વાસ ગુમાવ્યા વિના આગળ વધવાનું છે. પ્રથમ દૃષ્ટિએ જે પરિવર્તન મોકાણ લાગતું હોય એ ઘણીવાર જીવનને સાચી દિશામાં દોરી જતું હોય છે. જામી ગયેલો ધંધો કે સ્થાયી નોકરી ગમે ત્યારે પાણીમાં બેસી જાય તો પણ પોતે પાણીમાં નહીં બેસી જવું. કોને ખબર આવતીકાલ કેવી હશે? બસ, રોજ સવારે ભગવાનનો પાડ માનવો કે એણે વધુ એક રળિયામણો દિવસ આપ્યો. અને જીવ્યે રાખવાનું મોજથી. પરિવર્તનની ચિંતા મૂકીને. આટલું કરો તો એયને લીલાલહેરર થઈ જશે.

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version