એકદમ સમીપ જઈને જુઓ તો ખ્યાલ આવી જાય છે કે ચબૂતરો સાવ ભેંકાર ભાસે છે. જે જર્જરિત થઈ ગયો છે એ ચબૂતરાની સ્થિતિ એનાથી પણ ખરાબ છે

રાયપુર વિસ્તારમાં સિદ્ધિની પોળ આવેલી છે. કોટની રાંગના નામે પણ જાણીતી આ પોળમાં ખરેખર બે ચબૂતરા છે. તેમાંનો એક ચબૂતરો પ્રમાણમાં સારી સ્થિતિમાં છે, જ્યારે બીજા ચબૂતરાની સ્થિતિ દયનીય છે. સ્થાપત્યકળાના ઉત્કૃષ્ટ નમૂના જેવા આ ચબૂતરા સો કરતાં વધુ સરસ જૂના છે.

ઇમારતોની વચ્ચે મેદાનની વચોવચ આવેલા આ ચબૂતરો ત્રિરંગી છે. પહેલી નજરે જ આ ચબૂતરો ધ્યાન આકર્ષિત કરે છે તેનું કારણ આ રંગો છે. તેનો ષટ્કોણ આકારવાળા મંચ પર ઊભો છ થાંભલા અને ગુંબજવાળો આકાર પણ એટલો જ દર્શનીય છે. પોળની લગોલગ આવેલી દરગાહ સ્થાનિકો માટેનું શ્રદ્ધાસ્થાન છે.

આ ચબૂતરાના નિર્માણમાં કોનું યોગદાન હતું એ વિશે માહિતી મળતી નથી. તેવી જ રીતે અહીં પક્ષીઓના ચણ માટે, પાણી માટે કોઈ ચોક્કસ ગોઠવણ નથી. અમુક લોકોના જણાવ્યા પ્રમાણે બહારનો ચબૂતરો અહીં આવેલી પાંજરાપોળની માલિકીનો છે. ખાસ્સા સમય સુધી જેની કાળજી લેવાતી નહોતી તેવા અહીંના સારી સ્થિતિવાળા ચબૂતરાના રિનોવેશનનું કાર્ય થોડા વખત પહેલાં હાથ ધરવામાં આવ્યું હતું. એ સમયે આસપાસના નાગરિકોએ આપેલા યોગદાન થકી ચબૂતરાનું પ્લાસ્ટરિંગ કરાવવામાં આવ્યું હતું. આટલાથી જોકે ચબૂતરો સારી રીતે કાર્યરત કરવાને સક્ષમ નથી થઈ શક્યો. કારણ એની એકદમ સમીપ જઈને જુઓ તો ખ્યાલ આવી જાય છે કે ચબૂતરો સાવ ભેંકાર ભાસે છે. જે જર્જરિત થઈ ગયો છે એ ચબૂતરાની સ્થિતિ એનાથી પણ ખરાબ છે.

આટલી વાત પરથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે આ ચબૂતરો અત્યારે પક્ષીઓ માટે ઉપયોગી નથી. અહીં પક્ષીઓ નામમાત્રનાં જોવા મળે છે. છતાં જો આવશ્યક સુધારા કરવામાં આવે અને બેઉ ચબૂતરાને કાર્યાન્વિત કરવામાં આવે તો શું થઈ શકે એ સમજાવવાની કોઈ જરૂર ખરી?

સજ્જન બનો અને સત્કર્મ કરો.

પ્રશંસા, પ્રેમ અને શ્રેયની ભેટ આપોઆપ જ મળશે

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version