આ ચબૂતરો એના અસલ સ્વરૂપમાં જ છે અને તેમાં લેશમાત્ર ફેરફાર થયો નથી. પોળના સદ્ભાવી રહેવાસીઓ નિયમિતપણે ચણ-પાણીની સેવા કરે છે

કાલુપુર ટંકશાળ રોડ પર ટોડાની પોળ છે. તેના વિશાળ વિસ્તારમાં પ્રવેશો કે આગળ રાજા મહેતાની પોળ આવે. એ પોળમાં એક એટલો દેખાવડો ચબૂતરો છે જેને જોતા જ રહી જવાય. રંગબેરંગી સ્ટ્રક્ચર, સારી રીતે થતી જાળવણી, નીચેના ભાગને લોખંડની જાળીથી અપાયેલી પાકી સુરક્ષા વગેરેને લીધે આ ચબૂતરો વધુ ખીલી ઊઠેલો વર્તાય છે.

અત્યારે તેનું જે ઉજળું રૂપ દેખાય છે તેનું કારણ સ્થાનિક નગરસેવકની નિધિમાંથી તેનું રિનોવેશન કરવામાં આવ્યું એ છે. આ ચબૂતરો આશરે બસો વરસ જૂનો છે. આ પોળમાં એક જમાનામાં કાપડની મિલ સાથે સંકળાયેલા એજન્ટસ વસતા હતા. બ્રાહ્મણ, વાણિયા, જૈન વગેરે સમાજના આ પરિવારો ખૂબ સંપન્‍ન હતા. આ પોળમાં મદનમોહનજીનું મંદિર તથા આદેશ્વર ભગવાનનું દેરાસર છે. દેરાસર વિશે એવી માન્યતા પ્રવર્તે છે કે લકવા જેવી બીમારીનો ભોગ બનેલી વ્યક્તિ અહીં દર્શન કરે તો તે સાજી થાય છે.

આ ચબૂતરો એના અસલ સ્વરૂપમાં જ છે અને તેમાં લેશમાત્ર ફેરફાર થયો નથી. પોળના સદ્ભાવી રહેવાસીઓ નિયમિતપણે ચણ-પાણીની સેવા કરે છે. પક્ષીઓ સાથેનો તેમનો ઘરોબો એવો છે કે શહેરમાં ચકલીઓની ઘટી ગયેલી સંખ્યા વિશે તેઓ ટકોર પણ કરે છે! જીવદયાની પરંપરા જાળવી રાખવાની ઉચ્ચ ભાવના ધરાવતા અહીંના લોકો આ નહીં, બાકીના બધા ચબૂતરાઓને પણ સાચવવા અને જાળવવા જોઈએ તેવો મત ધરાવે છે. એવી ભાવનાના સૌ ભાગીદાર થઈએ!

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારાં ગાન. 

પરોઢિયે મંદિર-મસ્જિદમાં, ધરતાં લોકો તારું ધ્યાન

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version