બારીક કોતરકામવાળા ચબૂતરા અમદાવાદમાં ઓછી સંખ્યામાં છે. છતાં, નવાઈની વાત એ છે કે હવે એ સદંતર ઉપેક્ષિત જણસ બનીને રહી ગયો છે

જૈન મંદિર ધરાવતી વાઘેશ્વરીની પોળ ખૂબ ઐતિહાસિક સ્થાન છે. આ પોળમાં એક સમયે આપણી સંસ્કૃતિનાં અનેક પાસાં ચમકતાં હતાં. કથાકારો અને બહુરૂપીઓ આ પોળમાં નિયમિત આવતા હતા. વાઘેશ્વરીની પોળમાં, ભારતીય જીવનશૈલીને ઉજાગર કરતો સુંદર નકશીકામવાળો એક ચબૂતરો દરેક જણને નજરે પડે તેમ વચોવચ છે. પોળમાં આવેલા માતાજીના આશરે ૨૦૦ વરસ જૂના મંદિરના નામ પરથી તેને એનું નામ મળ્યું છે. આ ચબૂતરો ખરેખર બેનમૂન ગણાય તેવો છે.

આટલા બારીક કોતરકામવાળા ચબૂતરા અમદાવાદમાં ઓછી સંખ્યામાં છે. છતાં, નવાઈની વાત એ છે કે હવે એ સદંતર ઉપેક્ષિત જણસ બનીને રહી ગયો છે. નીચે ફેંકાતો કચરો ચબૂતરાની શોભાને તો ખરડે છે જ, સાથે સ્વાસ્થ્યના મામલે રહેવાસીઓ માટે પણ ચિંતાનો મુદ્દો બને છે. વધારામાં પોળની આસપાસ લટકતા કેબલ્સ અને રાતના ઉજાસ પ્રસરાવવા માટે તેના પર ચોડી દેવામાં આવેલી લાઇટને લીધે ચબૂતરો જાણે બીજા કશાય ઉપયોગનો રહ્યો જ નથી.

પુરાતત્ત્વ વિભાગે આ ચબૂતરાની મહત્તાને સમજીને થોડાં વરસો પહેલાં તેનું સમારકામ કરાવ્યું હતું. એ પછી પણ તેની કાળજી નહીં લેવાતાં કોઈ અર્થ સર્યો નથી. પોતાના પંચના કાર્યક્ષેત્રમાં આવતા આ ચબૂતરામાં ચણ કે પાણી નીરવાની જવાબદારી રહેવાસીઓ ક્યારેક અને પોતપોતાની ઇચ્છાનુસાર નિભાવે છે પણ તેના લીધે ચબૂતરો સજીવન થયો ગણાય તેવું નથી.

આટલા સરસ અને આખી પોળ માટે ગૌરવસમાન બની શકે તેવા આ સ્થાપત્યને નવસર્જનની સાચે આવશ્યકતા છે. સાચું કહીએ તો આવા ઉત્કૃષ્ટ ચબૂતરા થકી તો સેવાકાર્ય પણ માતબર થઈ શકે અને પોળની શોભા પણ અનેકગણી ખીલી ઊઠે!

કદી તો માર્ગમાં વેરાયેલા કાંટા ઉઠાવીને સખાવત કરવી’તી, કીધી અમે પથ્થર હટાવીને

– મહેંક ટંકારવી

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version