આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર આશરે પંદરેક વરસ પહેલાં કરાવવામાં આવ્યો હતો. મૂળ ચબૂતરાનું માળખું કોંક્રીટ અને લાદીનું બનેલું હતું

કાલુપુરમાં આવેલી ધના સુથારની મુખ્ય પોળમાં વિવિધ પેટા-પોળ આવેલી છે. તેમાંની એક ઝાલોરાની પીળ છે. ઝાલોરાની પોળમાં આવેલો ચબુતરો કેટલો જૂનો છે તેનો અંદાજ સ્થાનિક રહેવાસીઓને પણ નથી. છતાં, પોળમાં સાતેક દાયકાથી રહેતા વડીલના કહેવા મુજબ તેઓ જન્મથી આ ચબૂતરાને જોતા આવ્યા છે.

આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર આશરે પંદરેક વરસ પહેલાં કરાવવામાં આવ્યો હતો. મૂળ ચબૂતરાનું માળખું કોંક્રીટ અને લાદીનું બનેલું હતું. ઉપરનો ભાગ ષટ્‌કોણ આકારનો હતો. જિર્ણોદ્ધાર પછી ચબૂતરાના મૂળ દેખાવને યથાવત્‌ ટકાવી રાખવામાં આવ્યો હતો. સાથે તેની નીચે વડીલો અને વટેમાર્ગુઓના બેસવા માટે બે બાંકડા પણ મૂકવામાં આવ્યા. જિર્ણોદ્ધાર પછી જોકે આ ચબૂતરો બિન વપરાશવાળો રહ્યો છે. આજે આ ચબૂતરામાં પક્ષીઓ માટેના ચણ નખાય છે કે નથી રખાતું પાણી.

ઝાલોરાની પોળમાં આવેલા આશરે તેંત્રીસેક પરિવારોમાંથી બેએક ઘર જૈનનાં છે. બાકીના પરિવારોમાં બ્રાહ્મણ, મારવાડી, સુથાર, સોની, બંગાળી સહિતની મિશ્ર વસતિ છે. ધના સુથારની પોળની આસપાસ આવેલી અન્ય પોળોમાં ત્રણ દેરાસર છે. તેમાં ચોખાવટિયાની પોળ સ્થિત મહાવીર સ્વામી ભગવાનના, લાવરીની પોળ સ્થિત વાસુપૂજ્ય સ્વામીના અને દેરાવાડી પોળ સ્થિત આદેશ્વર ભગવાનના દેરાસરનો સમાવેશ થાય છે.

ઝાલોરાની પોળની વિશિષ્ટતા તેનાં કાષ્ઠનાં ઘર છે. ઘણાં ઘરમાં વડીલોની છબિઓ પણ કાષ્ઠમાં કોતરવામાં આવી છે જે ધ્યાનાકર્ષક છે. પોળમાં વરસાદના જળના સંગ્રહ માટે પાણીનો ભૂર્ગભટાંકો પણ છે જે આજે પણ ઉપયોગમાં લેવાય છે. આવી આ પોળના ચબૂતરાને જો સહયોગ આપીને સજીવન કરવામાં આવે તો આ પોળ માટે તે આગવું આકર્ષણ બની જશે.

દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતાં વધુ સાર્થક છે

– સ્વામી વિવેકાનંદ

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version