લગ્નસંસ્કાર દ્વારા શિવ અને શક્તિસમા નારી અને પુરુષનું ઐક્ય પૂર્ણ રીતે સાધી બ્રહ્મત્વ (અખંડત્વ) પામી શકાય છે તે આપણે ગયા પ્રકરણમાં જોયું. આ કામ એક જન્મમાં શક્ય ન પણ બને તો પણ લગ્નના બીજા અનેક ફાયદા છે તે હવે આપણે જોઈએ.
તમે અવારનવાર અખબારમાં વાંચતા હશો કે અપરિણીત સ્ત્રી-પુરુષ કરતાં પરિણીત સ્ત્રી-પુરુષનું આરોગ્ય વધુ સારું હોય છે. શરીરને સ્વસ્થ રાખવા સ્ત્રી-પુરુષના હોર્મોન્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. પતિ-પત્નીના સાથસહવાસ-સ્પર્શ દ્વારા એકબીજાના હોર્મોન્સની આપ-લે થાય છે. આ હોર્મોન્સની આપ-લે સાથે તેમાં વિશુદ્ધ પ્રેમ ભળેલો હોય ત્યારે તે રસાયણ બની જાય છે. લગ્ન વગર શરીરસંબંધમાં શરીરસુખ પ્રાપ્ત થાય છે, પણ તે સંબંધમાં સ્વાર્થ કે ધંધાકીય આશય સાથે જોડાયેલા હોઈ નિઃસ્વાર્થ પ્રેમમાંથી ઉત્પન્ન થતું રસાયણ મળતું નથી. આવા સંબંધમાં ક્ષણિક સુખ મળ્યા પછી સ્ત્રી-પુરુષ પાછાં હતાં તેવાં ને તેવાં એટલે કે એકલવાયાં થઈ જાય છે. ઘણાં સ્ત્રી-પુરુષ લીવઈન રિલેશનશિપ એટલે કે લગ્ન વગર સાથે રહેવામાં માનતા હોય છે. આ અસ્થાયી સંબંધ વધુ પીડાદાયક છે કારણ કે બેમાંથી એકને પણ વાંકું પડે તો છૂટા પડવાની તલવાર માથા પર લટકતી હોય છે. તેઓ સતત અસલામતીની લાગણી અનુભવતાં હોય છે. લગ્ન એક માત્ર વ્યવસ્થા છે જેમાં સ્થાયી સંબંધ વડે શારીરિક સુખ તો મળે છે, તદુપરાંત પ્રેમ, હૂંફ અને સલામતી પણ મળે છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે તેથી વધારે સમય એકલા રહેવું તેના માટે ફાયદાકારક નથી. તે એક વિચારશીલ પ્રાણી પણ છે, જેમ કોઈ વસ્તુને વજન કે ભાર હોય તેમ વિચારોનો પણ એક બોજ હોય છે. આ વિચારોનો બોજ જીવનસાથી કે કુટુંબીઓ સાથે વહેંચીને હળવા બની શકાય છે. એકલાં રહેતાં સ્ત્રી કે પુરુષ વિચાર કે લાગણી વ્યક્ત કરી શકતાં નથી. તેથી ઘણી શારીરિક બીમારી જેવી કે બ્લડપ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ વગેરેનો જલદી ભોગ બની શકે છે. એકલવાયાપણાથી થતા ડિપ્રેશનથી અનેક માનસિક રોગ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં તો આવા લોકો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે.
આપણે અગાઉના પ્રકરણોમાં જાણી ચૂક્યા છીએ કે મૂર્તિપૂજા અને મંદિર મનને સ્થિર કરવાનાં સાધનો છે. આ જ રીતે અહીંતહીં ભટકતા મનને અને વાસનાને એક પાત્રમાં સ્થિર કરવા લગ્ન અગત્યનો ભાગ ભજવે છે. આવાં લગ્નથી સામાજિક શિસ્ત પણ જળવાય છે. લગ્નની વ્યવસ્થા ન હોય તો સમાજમાં આંધાધૂંધી સર્જાઈ શકે છે. જાતીયતા સંસ્કૃત થવાને બદલે વિકૃત થાય છે. લગ્નથી જ પતિ-પત્નીનું રહેઠાણ ખરા અર્થમાં ઘર બને છે. આવા ઘરમાં પતિ-પત્ની બન્ને એકબીજામાં મન પરોવી સ્થિરતા પ્રાપ્ત કરી ધર્મના માર્ગે આગળ પણ વધી શકે છે.
લગ્નનો એક ઉદ્દેશ પ્રજોત્પતિ પણ છે. સંતાનોને જન્મ આપવો, યોગ્ય સંસ્કાર આપવા, તેમના યોગ્ય વિકાસ અર્થે કાર્ય કરવું એ માતા-પિતા માટે ધ્યેય બની જાય છે. માતા-પિતાના પ્રેમભર્યાં વાતાવરણમાં ઉછરતાં સ્વસ્થ બાળકો જ પૂરા સમાજ અને દેશને ઉપયોગી બની રહે છે. લગ્ન વગર પણ સંતાન ઉત્પન્ન થઈ શકે છે, પણ એમાં માતા અને પિતા બન્નેના સમતોલ પ્રેમનો અભાવ હોય છે, જે બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં બાધારૂપ બની શકે છે.
લગ્ન થાય છે યુવાનીમાં, પરંતુ તેની ખરી કિંમત સમજાય છે વૃદ્ધાવસ્થામાં. લગ્ન ઘડપણનો સહારો છે. એકબીજાની સારસંભાળ રાખવાથી અને સંતાન ઉછેરવાથી મળતા આનંદને શબ્દમાં ન વર્ણવી શકાય. આથી જ પરિણીત લોકોનું આયુષ્ય વધતું હશે અને આરોગ્ય જળવાતું હશે તેમાં બેમત નથી. આથી ઊલટું અપરિણીત રહેતાં સ્ત્રી-પુરુષો વૃદ્ધાવસ્થામાં ઘોર નિરાશામાં ધકેલાઈ જતાં હોય છે. પોતાના વિચારોને સમજનારું, સહન કરનારું, હૂંફ આપનારું કે નિઃસ્વાર્થ પ્રેમ આપનારું પાત્ર નજીકમાં હોતુ નથી. સંતાન પણ ન હોવાને કારણે જીવનમાં કોઈને ઉછેરવાનો ધ્યેય અને આનંદ પ્રાપ્ત નથી થતા, આવી સ્થિતિમાં માનસિક અને શારીરિક બીમારીઓની શક્યતા વધી જાય છે.
લગ્નવિધિ અને તેના ફાયદા:
શ્રીફળવિધિ: શ્રીફળ વિધિ વખતે વર અને કન્યા એકબીજાને સમજતાં થાય અને એકબીજાના વિચારમાં સંવાદિતતા સધાય તે માટે શ્રીફળ મહત્ત્વનો ભાગ ભજવે છે. તે કેવી રીતે ભજવે છે તે અગાઉ શ્રીફળના પ્રકરણમાં જોઈ ગયા છીએ. આ વિધિ દ્વારા બન્નેના મનમાં ઊઠતાં તરંગો અને ઇચ્છાઓનું ઐક્ય સધાય છે જેથી બન્નેને મનમેળ સરળતાથી થઈ જાય છે.
પીઠી ચોળવી: પીઠી ચોળવાથી ચહેરાની ચમક અને ત્વચાનું સૌંદર્ય વધે છે. આ પીઠીમાં રહેલી હળદરમાં વર-કન્યા બન્નેને એકબીજા પ્રત્યે આકર્ષવાનો ગુણ રહેલો છે. આથી આ હળદરને આયુર્વેદમાં પ્રીતિવર્ધક કહેવાઈ છે. હળદરનો આ ગુણ વર-કન્યાના તનની સાથે મનને પણ બાંધી રાખે છે. માટે પીઠી માત્ર લગ્નના દિવસે જ નહીં, પણ લગ્ન પછી પણ તેનો ઉપયોગ ચાલુ રાખવાથી તેનો લાભ મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ પણ સુખી લગ્નજીવન માટે ખાસ કરી ગુરુવારની સવારે સ્નાન સમયે પીઠી ચોળી સ્નાન કરવાથી અધિક લાભ મળે છે. હળદરમાં સુગંધી તેલ વગેરે મેળવવાથી પીઠી બને છે. સુગંધથી તન અને મનને સુધારી શકાય છે તે આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે.
કન્યાદાન: લગ્ન જેવા શબ્દ દુનિયાના કોઈ પણ ધર્મ કે દેશમાં સાંભળવા મળે છે, પરંતુ કન્યાદાન શબ્દ કદાચ ભારતીય સંસ્કૃતિમાં જ સાંભળવા મળે છે. આ કન્યાદાન કેમ શ્રેષ્ઠ ગણાય છે તે હવે જોઈએ.
વિજ્ઞાનનો નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખેસરખા વિરુદ્ધ દિશામાં કામ કરતા હોય છે. એટલે કે કોઈ દડો ભીંત પર જેટલા જોરથી અથડાવો એટલા જ જોરથી એ વિરુદ્ધ દિશામાં પાછો ફરે છે. આપણાં શાસ્ત્રોમાં પણ કર્મ અને તેના ફળ વિશે ઘણી જ ઊંડી છણાવટ કરવામાં આવી છે. તમે જે કંઈ પણ કર્મ કરો છો તેનું ફળ નિશ્ચિત તમને પ્રત્યાઘાતરૂપે પાછું મળે છે. આપણા ધર્મમાં દાનને પણ એક શ્રેષ્ઠ કર્મ ગણાવાયું છે. જે પણ કંઈ તમે દાનરૂપી કર્મ કરો છો એ તમને ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે સ્વરૂપે ફળરૂપે અવશ્ય પાછું મળે જ છે. દાન ઘણી જાતનાં હોય છે, જેમ કે અન્નદાન, જે કોઈની એક દિવસની તૃપ્તિ કરે છે. ભવિષ્યમાં તમને પણ એટલું જ ફળ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. આથી આગળ વધીને વસ્ત્રદાન મહિનાઓ સુધી કોઈનું તન ઢાંકે છે. તમને પણ એટલો જ સમય સારું ફળ મળે છે. આ જ પ્રમાણે આપણાં શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ દાન ‘કન્યાદાન’ ગણાય છે, કારણ કે આ કન્યા આખો ભવ કોઈ પુરુષરૂપી શિવનું ઘર સંભાળે છે. આનંદ આપે છે. સુખ-દુઃખમાં સહભાગી થાય છે અને ધર્મકાર્યો તેમ જ વ્યવસાયિક કાર્યોમાં પતિને મદદ કરે છે. ટૂંકમાં શિવશક્તિનું મિલન કરાવી તેમને બ્રહ્મત્વ (અખંડત્વ) તરફ પ્રયાણ કરાવવાના શુભ કાર્યમાં માતાપિતા ‘કન્યાદાન’ કરી નિમિત્ત બને છે, તો તેમને કેટલું બધું ફળ મળે? શાસ્ત્રોમાં કહ્યું છે કે પુરુષ ફક્ત એક કુળને તારી શકે છે ત્યારે સ્ત્રી તો બે કુળને તારી શકે છે, તેનું કારણ પણ આ જ છે કે ગુણવાન કન્યા પોતાના પતિના કુળને તો તારે જ છે, પણ આ કાર્યમાં નિમિત્ત બનનારાં માતાપિતાને પણ એટલું જ પુણ્ય મળે છે અને તે પણ તરી જાય છે. તેથી જ પહેલાના જમાનામાં જેને ઘરે ‘કન્યા’નો જન્મ થાય એને લક્ષ્મી અવતરી હોય એટલો આનંદ થતો હતો. કન્યાના લગ્નમાં બહુ ખર્ચો કરવો પડે અથવા ભારે દહેજ આપવું પડે. આવી બધી પ્રથા તો છેલ્લા થોડાં વર્ષોમાં આવી છે. શાસ્ત્રોમાં ક્યાંય આવી પ્રથાનો ઉલ્લેખ નથી. અન્નદાન, વસ્ત્રદાન કે ધનદાન ઘણા કરી શકે છે, પણ કન્યાદાન કરવું દરેકના નસીબમાં હોતું નથી. પૂર્વ કાળમાં જેને કન્યાદાન કરવાનો અવસર મળે તે તો પોતાને ભાગ્યશાળી ગણતો હતો. ઘણા નિઃસંતાન લોકો બીજાની કન્યાને પોતાની ગણી કન્યાદાન કરાવતા, પરંતુ ઘણા લોકો ‘કન્યાના બાપ બન્યા એટલે ઝૂકીને ચાલવું પડશે, ખર્ચો વધશે’ એવા ખ્યાલમાત્રથી કન્યાને ગર્ભમાં જ મારી નાખવાનું કાર્ય કરે છે, પણ તેમને ખબર નથી કે આમ કરીને તેઓ કુદરતના કાર્યમાં પણ ખલેલ પહોંચાડે છે. આજે પુરુષની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઘટતી રહી છે. જો આજનો યુવા વર્ગ આ બાબતમાં હજી પણ જાગૃત નહીં થાય તો આનાં ભયંકર દુષ્પરિણામ ભવિષ્યમાં નવી પેઢીને જલદી જોવા મળશે. આનાથી બચવું હોય તો દીકરી જન્મે તો પણ આપણને પુત્રજન્મ જેટલો જ આનંદ થવો જોઈએ. પુત્રની જેમ જ પુત્રીને સારા સંસ્કાર આપી યોગ્ય સમયે વિવાહસંસ્કાર કરવા જોઈએ. જે વ્યક્તિ કન્યાદાન કરવામાં નિમિત્ત બને છે તેના પર પરમશક્તિના ચારેય હાથ હોય છે. કન્યાનાં લગ્ન વખતે મા-બાપ પોતાની મરજીથી શક્તિ મુજબનો ખર્ચો કરે તો તેથી પણ વધુ ફળ સમગ્ર જીવન દરમિયાન તેમને કોઈ ને કોઈ સ્વરૂપે મળ્યા કરે છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.
