ચાલો, મુંબઈની લોકલ ટ્રેનમાં વધુ સારો પ્રવાસ માણલા સજ્જ થઈ જાવ. શહેરની જીવાદોરી ગણાતી અને રોજ પંચોતેર લાખ લોકોના આવાગમનની જવાબદારી વેંઢારતી આ સેવામાં સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રેલવેએ મુંબઈની લોકલ ટ્રેનની કાર્યક્ષમતા અને સુરક્ષા વધારવા સાથે, પ્રવાસીઓની સુખાકારીમાં ઉમેરો કરવાને પરિવર્તનકારી પગલાંની જાહેરાત કરી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે એ વિશે એક પત્રકાર પરિષદમાં મહત્ત્વની વાતોનો ઉલ્લેખ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે શહેરની લોકલ ટ્રેન વચ્ચેનો સમયગાળો હાલના ત્રણ મિનિટથી ઘટાડીને બે મિનિટ કરવામાં આવશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે લોકલ ટ્રેનમાં ઓક્સિજન એન્હાન્સમેન્ટ સિસ્ટમ લાવવામાં આવશે. અર્થાત્, હમણાં ખીચોખીચ ભરાયેલી ટ્રેનમાં પ્રવાસીઓને શઅવાસ લેવામાં પણ જે તકલીફ પડે છે એમાં રાહત પહોંચશે.

સાથે, મુંબઈગરા માટે 300 નવી લોકલ શરૂ કરવામાં આવશે, એવું પણ તેમણે જણાવ્યું હતું. આ બદલાવ લાખો યાત્રીઓ માટે સારા સમાચાર છે. વૈષ્ણવે કરેલી જાહેરાતોની મુખ્ય બાબતો આ રહી.
- બે લોકલ ટ્રેન વચ્ચેના સમયગાળામાં ઘટાડો: બહુ જલદી મુંબઈની બે લોકલ ટ્રેન વચ્ચેનો સમયગાળો ત્રણ મિનિટથી ઘટીને બે મિનિટ કરવામાં આવશે. એના લીધે ગિરદીના સમયમાં ટ્રેનની સંખ્યા વધશે, પ્રવાસીઓએ કરવી પડતી ટ્રેનની પ્રતીક્ષાનો સમય ઘટશે અને ભીડમાં પણ થોડી રાહત વર્તાશે.
- ઓક્સિજન એન્હાન્સમેન્ટ સિસ્ટમ: ગિરદીને કારણે લોકલમાં થતી ગૂંગળામણના નિવારણરૂપે લોકલમાં ઓક્સિજન એન્હાન્સમેન્ટ સિસ્ટમ બેસાડવામાં આવશે. એના લીધે લોકલમાં હવાની ગુણવત્તા સુધરશે અને અને યાત્રીઓને વધુ સારી અનુભૂતિ થશે.
- 300 વધુ સર્વિસ: બે ટ્રેન વચ્ચે સમય ઘટવાને કારણે લોકલ રેલ નેટવર્કમાં 300 નવી સર્વિસ ઉમેરાશે. એનાથી પણ લોકલનું નેટવર્ક વધુ પ્રવાસીલક્ષી થશે.
- હાઇ-ટેક ટ્રેન: શહેરમાં આધુનિક, હાઇ-ટેક ટ્રેન દાખલ કરવામાં આવશે. એ્માં અદ્યતન સુવિધાઓ અને સુધારિત ડિઝાઇનવાળા કોચ હશે.
- વાતાનુકૂલિત લોકલ્સઃ આ દિશામાં પણ પ્રગતિ થવાની છે. શહેરમાં વધુ એરકન્ડિશન્ડ ટ્રેન દોડશે.

આ પગલાં ભારતીય રેલવેના મુંબઈ સબર્બન રેલવે નેટવર્કને આધુનિક બનાવવાની વ્યાપક યોજનાનો ભાગ છે. દરરોજ 75 લાખથી વધુ યાત્રીઓને લોકલનો ખપ પડે છે. ઓક્સિજન એન્હાન્સમેન્ટ સિસ્ટમ એક આવકારદાયક પગલું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સુધારા મુંબઈની લોકલ ટ્રેનને વધુ કાર્યક્ષમ, આરામદાયક અને યાત્રી-મિત્ર બનાવવા માટે છે, “મુંબઈ લોકલ ટ્રેન નેટવર્ક શહેરના પરિવહન સિસ્ટમની કરોડરજ્જુ છે. આ સુધારાથી લાખો લોકોને વધુ સારો પ્રવાસ કરવા મળશે.”
વૈષ્ણવની જાહેરાતનું પ્રવાસીઓ અને અન્યોએ સ્વાગત કર્યું છે. લોકોનું માનવું છે કે મુંબઈની સતત અને કાયમ વધતી વસ્તી અને જાહેર પરિવહનની માગને ધ્યાનમાં લેતા આ પગલાં કામનાં છે. જોકે કેટલાકે ચિંતા પણ વ્યક્ત કરી હતી કે યોજનાને અમલમાં મૂકવા અને લોકલ ટ્રેનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે હાથ ધરાયેલા અત્યાેર અપૂર્ણ એવા પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થવા જરૂરી છે.