પીપળાને પાણી રેડનારા, પૂજનારા, પ્રદક્ષિણા કરનાર ઘણાં સ્ત્રી-પુરુષ તમને ગામડાંમાં અને શહેરમાં જોવા મળશે. અભણ કે ઓછું ભણેલા ઘરડાં દાદીમા પણ પીપળે જવાનો અચૂક નિયમ પાળતા જોવા મળશે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ પીપળાના શ્લોકો વાંચવા મળે છે. જેવા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે, એવા પીપળાને હું વંદન કરું છું. પીપળાને દેવ માની અસંખ્ય સ્ત્રી-પુરુષો તેને કેમ આટલા ભાવથી પૂજે છે તે આજની ઊગતી પેઢીને સમજાતું નથી. જો આ વિષે કોઈ વડીલોને પૂછે તો સંતોષકારક જવાબ ન મળે. “પીપળો પવિત્ર છે” એ જ એમનો જવાબ. આવો ઉત્તર આજના ભણતરના યુગમાં નવી પેઢીને ગળે ઉતરતો નથી. તેથી જો આજની પેઢીને આપણે કહીએ કે જા પીપળે પાણી રેડી આવ કે પીપળાની પ્રદક્ષિણા કર તો મોઢું મચકોડશે અને કહેશે કે બધા ઝાડ સરખાં એમાં વળી પીપળાની પ્રદક્ષિણા કરવાની શી જરૂર છે?

આપણે જેને દેવતુલ્ય ગણીએ છીએ એ પીપળાને હવે વિદેશના વૈજ્ઞાનિકો પણ અત્યંત ઉપયોગી વૃક્ષ છે એમ જણાવી રહ્યા છે. થોડા વર્ષો પૂર્વે અમેરિકાના બૉસ્ટન શહેરમાં દુનિયાના ખ્યાતનામ વનસ્પતિશાસ્ત્રીઓની કૉન્ફરન્સ યોજાઈ હતી. એમાં એક જર્મનીના વનસ્પતિશાસ્ત્રીએ કહ્યું કે અસંખ્ય જાતના વૃક્ષો આ પૃથ્વી પર છે, પરંતુ એમાંથી પીપળો એક જ વૃક્ષ એવું છે કે જે વધુમાં વધુ ઑક્સિજન બહાર કાઢે છે. કારણ કે આ વૃક્ષ ચોવીસ કલાક એટલે કે દિવસ તેમ જ રાતના પણ સતત પર્યાવરણને ઑક્સિજન આપે છે. આમ આ ચમત્કારી વૃક્ષ પર્યાવરણને શુદ્ધ કરવામાં સૌથી મોટામાં મોટો ફાળો આપે છે. ખૂબ ઓછા પાણીવાળી જગાએ પણ પીપળો ટકી શકે છે. કેમ કે તેના પાનની વિશિષ્ટ રચનાને કારણે તે વધુ પાણીનો સંગ્રહ કરી શકે છે અને ક્યારેક પાણી ન મળે કે ઓછું મળે તો પણ પોતે સંઘરેલા પાણીનો ઉપયોગ કરી શકે છે. અન્ય વૃક્ષોની સરખામણીમાં પીપળાનું દરેક પાન એકબીજાથી છૂટું અને સૂર્યપ્રકાશનો ભરપૂર ઉપયોગ કરી શકે એ રીતે ગોઠવાયેલું હોય છે. આ ઉપરાંત તેના પાનની સપાટી લીસી અને ચકચકિત હોવાથી ઝાંખામાં ઝાંખા પ્રકાશનો પણ ઉપયોગ કરી ને તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા ચાલુ રાખી શકે છે. આમ પીપળો દિવસ તેમ જ રાતના સમયે પણ ક્રિયાશીલ રહી સતત ઑકિસજન જ આપે છે. આવા પીપળાને દરેકે દરેક મંદિરે તેમ જ દરેક ગામેગામના પાદરે ઉછેરવાની પ્રણાલી આપણા ઋષિમુનિઓએ ધર્મ અને પવિત્રતા સાથે વણી લીધી છે. તો શું આ વાત તેમની વૈજ્ઞાનિકપણાને સાબિત નથી કરતી? જીવમાત્રના આધાર સમા પ્રાણવાયુને ઉત્પન્‍ન કરવામાં પીપળો પોતાનો વધુમાં વધુ ફાળો આપે છે. તેથી જો ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે “વૃક્ષોમાં પીપળો હું છું” તો તે સત્ય નથી શું?

આજે શહેરોમાં ઔદ્યોગિકરણ અને ગીચતાને કારણે “ઑક્સિજન પાર્લર” ચલાવવા પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. માણસે રૂપિયા ખર્ચીને ખોરાક લીધો, પાણી લીધું અને શુદ્ધ પ્રાણવાયુ માટે પણ રૂપિયા ખર્ચવાના દિવસો આવ્યા છે. આ પરિસ્થિતિમાં ઓછા પાણી અને ઓછી મહેનતે ઉછરતો પીપળો વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. મનુષ્યને ખોરાક, પાણી અને દવા કરતાં પણ વધારે ચોખ્ખી હવાની જરૂર છે. વધુમાં વધુ પ્રાણવાયુ ઉત્પન્‍ન કરી આજુબાજુના વાતાવરણને શુદ્ધ કરનાર પીપળાની જો સવારના પ્રદક્ષિણા જ કરવામાં આવે તો પણ માણસનાં અડધાં દરદો તો એમ જ ભાગી જાય. પીપળાની ફરતે આંટા મારવાથી શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં જાય. પ્રાણવાયુથી રક્ત શુદ્ધ થાય. રક્તશુદ્ધિથી શરીરના દરેક ભાગમાં સ્વસ્થતા, શક્તિ અને સ્ફૂર્તિમાં વધારો થાય તેમ જ મગજને શુદ્ધ લોહી મળવાથી મન પણ પ્રફુલ્લિત અને ઉત્સાહી બને છે. તેના ફળનું કે ચૂર્ણનું સેવન મગજના કોષોને ચેતનવંતા બનાવી બુદ્ધિ અને યાદશક્તિ વધારે છે. શરીરમાં બળ અને ઉત્સાહનો સંચાર કરે છે. આ ઉપરાંત અનેક રોગોમાં તેની છાલ, પાન, મૂળ જેવા અંગોનો ઉપયોગ આપણા આયુર્વેદના ગ્રંથોમાં જોવા મળે છે. જે વૃક્ષ આપણા પ્રાણની સલામતી રાખતું હોય તેની પર કુહાડી મારીને આપણે આપણા ઉપ૨ જ ‘ઘા’ કરતા હોય એવું લાગે છે. આપણા શાસ્ત્રોમાં પીપળાને કાપવાની મનાઈ કેમ ફરમાવી હશે તે હવે સમજી શકાય છે.

પીપળાને ન કાપવાનું બીજું પણ એક કારણ છે. આ વૃક્ષ મનને શાંત કરતી હકારાત્મક ઉર્જાનું પણ ઉદ્ભવસ્થાન છે. એટલે જ મંદિરની આસપાસ આ વૃક્ષને અચૂક ઉગાડવામાં આવે છે. જે વૃક્ષની સમિધા યજ્ઞમાં વપરાતી હોય તેવા પવિત્ર વૃક્ષ પીપળા નીચે બેસવા માત્રથી મન શુદ્ધ અને શાંત થાય છે. આવું વૃક્ષ પરમ શક્તિ પામવાના તમારા પ્રયાસમાં સહાયરૂપ થાય છે. ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન પીપળા નીચે જ થયું હતું.

તમે એક વાત નોંધી હશે કે પીપળાનું પાન હોય કે મંદિરનો ઘુમ્મટ, મોદકનો પ્રસાદ હોય કે ધાતુનો કળશ કે પછી શ્રીફળ હોય, દરેકનો આકાર શંકુ કે પીરામીડ જેવો હોય છે. આજનું વિજ્ઞાન પણ કબુલ કરે છે કે પીરામીડ આકારની વસ્તુઓમાં શક્તિનો સંચય કરવાની અને તેમાં વૃદ્ધિ કરવાની ક્ષમતા હોય છે.

“ભૂતનું સ્થાન પીપળે” એવો વાક્ય પ્રયોગ ઘણી વખત સાંભળ્યો હશે. એમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. મૃત્યુ અને શ્રાદ્ધના પ્રકરણમાં વાંચ્યું હશે કે અકાળે અવસાન પામેલા કે અધુરી ઇચ્છાવાળાઓના આત્માઓ મૃત્યુ પછી તરત જ પુનર્જન્મ ન પામતા પોતાની કર્મભૂમિ કે મૃત્યુસ્થળની આસપાસ સૂક્ષ્મ દેહે (આત્મા સ્વરૂપે) ભટકતા હોય છે જેને આપણે ભૂત પ્રેત કહીએ છીએ. આ લોકો પીપળાનું સ્થાન એટલા માટે પસંદ કરતા હોય છે કે તેમના વંશજોના માધ્યમ દ્વારા પીપળાની આસપાસની વિશિષ્ટ ઉર્જાશક્તિનું રૂપાંતર થઈ તેમના આત્માને ઉચ્ચ ગતિ મળે.

આમ પીપળો તમારી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ખીલવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે. 

Share.
Leave A Reply

Exit mobile version