રિનોવેશન પછી ચબૂતરો વધારે સારી રીતે કાર્યરત છે. વળી નવરાત્રિની ઉજવણી વખતે ચબૂતરાને એટલી સરસ રીતે શણગારવામાં આવે છે કે જોનારા ખુશ થઈ જાય

ઓછી જગ્યા રોકતો, નાનો છતાં મજાનો આ ચબૂતરો એટલે લાકડાના એક સ્તંભ પર ઊભું માળખું. ખાસ્સી જૂની આ પોળના આ ચબૂતરાનું આ મૂળ માળખું નહીં હોય. તેવું એટલે કહી શકાય કે હજી ત્રણ-ચાર વરસ પહેલાં જ એક સ્થાનિક રહેવાસીએ તેનું સમારકામ કરાવીને તેને પુનઃ કાર્યરત કર્યો હતો.

વાણિયા, બ્રાહ્મણ અને પટેલોનાં અહીં ત્રીસેક ઘર છે. આશરે ૮૦-૮૫ વરસથી પોળમાં ચબૂતરાનું અસ્તિત્વ રહ્યું છે. પહેલાં અહીં માટીનું એક કૂંડું રાખવામાં આવતું હતું. બિલાડીને કારણે વારંવાર એ કૂંડું તૂટી જતું હતું. તેથી તેની જગ્યાએ હવે ધાતુનું પાત્ર મૂકવામાં આવ્યું. આ ચબૂતરામાં ચણ અને પાણી નિયમિત રીતે મૂકવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓ આ જવાબદારી ઉમંગભેર નિભાવે છે. રિનોવેશન પછી ચબૂતરો વધારે સારી રીતે કાર્યરત છે. વળી નવરાત્રિની ઉજવણી વખતે ચબૂતરાને એટલી સરસ રીતે શણગારવામાં આવે છે કે જોનારા ખુશ થઈ જાય.

ચબૂતરાની બન્‍ને તરફ મકાનો હોવાથી સાંકડી શેરીમાં નામમાત્રની જગ્યા રહે છે. એ જગ્યામાં પણ વાહનો પાર્ક કરવામાં આવે છે. ભીંતને અઢેલીને અહીં સામાન મુકાયેલો પણ દેખાય છે. તેમ છતાં ચબૂતરામાં ચણસેવા થાય છે અને તેની કાળજી લેવામાં આવે છે એ સારી વાત ગણાય. સેવા કરવા ઇચ્છનીય વ્યક્તિને સંકડાશ નડતી નથી તે આનું નામ.

કાગડી પોતાનાં બચ્ચાં તેમ જ કાગડા માટે મરી પડે છે. નર માટેના સ્નેહમાં તે બીજાં બધાં પક્ષીથી ચડી જાય છે. કાગડાની એક જાત એટલે ઘરનો કાગડો. તે કાયમ માણસની સોબતમાં રહે છે. માણસ સાથેના સહવાસે એને હિંમતવાન અને ચોરવાની વૃત્તિવાળો બનાવ્યો છે. પશુ-પક્ષીમાં માત્ર કોયલ એક જ એને મહાત કરી જાણે છે.

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version